23-25 વરસની છોકરીને માટે છોકરો જોતી વખતે કરાતી કેટલીય ચોખવટો અને મમ્મીઓ દ્વારા તેના લગ્ન પછી પણ તેના ઘરમાં થતી ચંચૂપાત અને રોજના કકળાટની વાતો બાજુ પર મૂકી ઍક મુખ્ય વાત પર ઍક સમાજ તરીકે આપણે ધ્યાન આપવાનું ભુલી જઈએ છીએ.
આપણે બહું સમાનતાની વાતો કરીએ છીએ પણ અન્યાય હવે છોકરા પક્ષે વધુ થાય છે છોકરી માટે તો દસેય આંગળીઓ ઘીમાં જેવો ઘાટ છે.
મોટાભાગના કેસમાં છોકરીઓ હાઉસવાઈફ બનીને રહેતી હોય છે જેમાં પીયર પક્ષનો પેલો “અમારી દિકરી ઘરનું ને બાર નું કેમ મેનેજ કરે!” એવો પૂર્વાગ્રહ ભાગ ભજવે છે. પરંતુ હવેની આ હાઉસવાઈફની જીવનશૈલી ધ્યાનથી જોતાં એક સમાજ તરીકે આપણે આશ્વર્યમાં પડી જઈશું.
કામ ઘરના મોટાભાગે મશીનરીથી થાય છે, ઘર મીડલ ક્લાસ હોય તો પણ તમામ આધુનિક સુવિધા બધે હોય જ છે. માટે ઘરકામ પતવામાં સમય ઓછો જાય છે. પહેલાંની જેમ કુટુંબ સંયુક્ત ન હોવાથી કામનો કોઇ ઝાઝો ભાર રહેતો નથી. અને આજકાલ અઠવાડિયાના નાસ્તાઓ ઘરે બનાવવાની કે વરસ ના અથાણાં, પાપડ બનાવવામાં એને રસ નથી. ત્યાં પેલો હું ભણેલી છું નો “અહમ” આવે છે. પેલાંના જમાના જેવું કોઇ હાર્ડવર્ક રહયું નથી ને છતાંય હું સાસરે કેટલું સહન કરું છું નો રાગ શરું જ રહે છે.
પતિ પાસે અઠવાડિયે એક બે વાર રસોઈ પણ બનાવડાવી લઈને એની સેલ્ફી લઈ “અમે જમાના પ્રમાણે મોર્ડન છીએ” નો રાગ આલોપાય છે.
જો સંતાન હોય તો એના માટે પૌષ્ટિક રસોઈ બનાવવામાં એને કોઈ રસ નથી. જલ્દી બનતું જન્ક્ફૂડ ખવડાવી પોતાની રસોઈની આળસને પણ મોર્ડન હોવાના લેબલ નીચે સંતાડી લે છે.
આ દંભમાં જીવતી હાઉસવાઈફની આખી જીવનશૈલી ઍક રીતે વર્કિંગ લેડી જેવી જ હોય છે. ફર્ક છે દાનતનો. વર્કિંગ લેડી સમયના અભાવે આમ કરે છે જ્યારે પેલી આખો દિવસ ઘરે રહેતી સ્ત્રી આવું કરીને પોતાનાં જ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે.
તો લગ્ન પછી માત્ર ઘરકામ જ કરવું છે એવો નિર્ણય લેતી ઓછું ભણેલી કે ખૂબ જ ભણેલી આ છોકરીઓને ખુદને બિચારા પણ બતાવવું છે અને સારું કમાતા પાત્રને પરણી જલસા કરવા છે. આ માનસિકતા દરેક સ્ત્રીની નથી, પરંતુ આ માનસિકતા સાથે ઉછેરાતી છોકરીઓ દુનિયા આધુનિક થાય છે તેની સાથે વધતી જાય છે.
પરણવા લાયક છોકરીઓની એવી માનસિકતા કે સારું કમાતો છોકરો શોધો, એનું ઘર સાચવો (કહેવાનું સાચવો)! અને જલસા કરો, વીકએન્ડ પર ફરવા જાઓ, ગમતુ શોપિંગ કરો અને સખત સાસરીવાળાની ફરિયાદના રોદણા રડો સરેઆમ છોકરાઓ સાથે અન્યાય છે. હવે આ છોકરી સાસરે જઈ એનો બચતો સમય (ઘરમાં બધી સગવડ હોવાથી બચતો સમય) વાપરશે સોશિયલ મીડીયા પોસ્ટમાં, શોપિંગમાં અને ફોન પર સહેલીઓ અને પીયર સાથે વાતોમાં.
કાંઈ પણ કર્યા વગર પહેલાં પિતાની અને પછી પતિની મહેનતનો લાભ લેવો અને એ પણ સાસરીમાં સખત ધાક રાખીને...પહેલાં હાઉસવાઈફ ફાજલ સમયનો સદુપયોગ કરતી અને કંઈક યોગ્ય સખી મંડળો વડે આગળ આવવા કોશિશ કરતી, સ્વ વિકાસ સાધતી, આજની આ કહેવાતી હાઉસવાઈફને મોબાઈલમાં થતા વિડીયોકોલ ને કુથલી બહારની ગતાગમ છે જ નહીં.
છોકરો આમાં બે રીતે પિસાય છે, કમાણી સારી હશે તો એને આ નખરાં કરતી પત્ની સાથે વાંધો નહીં જ પડે, પણ મીડલ ક્લાસ છોકરો જે કમાઈને બે છેડા ભેગા કરે છે તે ના તો પત્ની પાસેથી કમાણી માં સાથની આશા રાખવાની નહીં ને ઉપરથી આ આધુનિકતાના નામે બધું ચલાવી લેવાનું.
આદર્શ સમાજનું નિર્માણ આ રીતે થઈ શકે નહીં અને આ રીતે ભવિષ્યની પેઢીનું નિર્માણ પણ થઈ શકે નહીં. ભણેલી સ્ત્રીઓની આ માનસિકતા 17મી સદીની સ્ત્રીઓ કરતાય પછાત છે. સમાનતાનો હક માગતા પહેલા “હું મારા પતિની પડખે ઊભી રહીશ, એની આર્થિક સ્થિતિ સમજીને નિર્ણય લઈશ, હું મારા ભણતરનો ઉપયોગ એનું ઘર સાચવવામાં કરીશ નહીં કે માત્ર મારા શોખ પુરા કરવામાં.” આ અક્કલ આપણે છોકરીઓને આપવી પડશે. મા તરીકે આ સ્ત્રી એના સંતાનનો શું ઉછેર કરશે એ પણ એક પ્રશ્નાર્થ છે.
જ્યારે સ્ત્રીને પોતાના જ વિકાસને આ રીતે રૂંધી નાખવો છે ત્યારે આપણો સાંસ્કૃતિક વારસો, ભાષા, સાહિત્ય, રીવાજો એ આગલી પેઢીને કંઈ રીતે આપી શક્શે એના પર પણ એક પ્રશ્નાર્થ છે અને આ પ્રશ્નાર્થ એક સમાજ તરીકે આપણે સ્વીકારીને ચાલીએ છીએ એ વાત જ મોટું આશ્ચર્ય જન્માવે તેવી છે! જેણે પોતે જ પોતાની માનસિકતા સાથે પોતાના માટે બેડીઓ બનાવીને રાખી છે તેનો ઉદ્ધાર કદાચ ભગવાન પણ ના કરી શકે. ભણેલા સમાજમાં વકરતી આ સમસ્યા કુહાડી પર પગ નહીં પરંતુ પગ પર કુહાડી મારવા જેવું છે. આપણે દિકરીઓને દિકરી માત્ર આવા ટાઈમ પાસ માટે નથી અપાવતા એ એમને સમજાવવું જ પડશે. એક તરફ અમુક દીકરીઓ ભણી ગણીને બે કુળને તારી રહી છે અને અમુક આ પ્રકારનું જીવન અપનાવીને માત્ર શોભાની કઠપૂતળી જેવું જીવન જીવીને પોતાની અને સાથે આ સમાજની સાથે ગુનો કરી રહી છે.જવાબદારી પ્રત્યે બેધ્યાન બનીને માત્ર આધુનિકતાના નામે સ્વવિકાસ ભૂલી જવો કેમ પોસાય. ભૂલ માત્ર આવી વિચારસરણી ધરાવતી સ્ત્રીઓની નથી, પરંતુ એમને આ માનસિકતા સાથે તેમને અપનાવતા
પુરુષોની પણ છે. એક શોભાની પૂતળી બનીને જીવતી વ્યક્તિ જેની પાસે પોતાના કોઈ સ્વપ્ન નથી, પોતાના કોઈ વિચારો નથી, પોતાના જીવનનો કોઈ ધ્યેય નથી તેને તમે કઈ રીતે આજીવન સાથી તરીકે અપનાવી શકો! કે પછી એની અબુધતા સામે પોતે આજીવન પોતાનો પુરુષ સહજ “અહમ” જાળવી શકે અને પોતાના નિર્ણયમાં હા મા હા મેળવી શકે એ કારણથી તે આવી પસંદગી કરે છે! એ પણ વિચારવા જેવો વિષય તો ખરો!
આપણે એક સમાજ તરીકે આધુનિક નહીં પછાત બની રહ્યા છીએ તેનું ભાન જેટલું જલ્દી થશે એટલું જ હિતાવહ રહેશે. એ દરેક સ્ત્રી કે જે ખરેખર સમાનતાની વાત દિલથી સ્વીકારીને એ પ્રમાણે સમજીને ચાલે છે તેનું સન્માન થવું જોઈએ અને તેને તેના કામ બદલ વખોડવાને બદલે વખાણવાનું શરૂ થવું જોઈએ. માત્ર ધ્યેય વગર જીવી જાણતી સ્ત્રીને એકવાર તેના ખોટા હોવાનું ભાન કરાવવું જોઈએ.
બાકી આ કહેવાતી આધુનિકતા હકીકતે સમાજને સોળમી સદીના અંધકારમાં લઈ જશે.