Image by Роман Гашанин from Pixabay

વાગડની ધરતી એટલે સંત,સુરા,અને સતીની ધરતી છે,રાપર તાલુકાના પલાસવાની બાજુમાં અમરાપર ગામમાં ઐતિહાસિક રધીસર મહાદેવની જગ્યા આવેલી છે,ત્યાં વર્ષો પહેલા સિંઘ બાજુથી એક ફકડ સંત મહાત્મા આવે છે.તેમનું નામ છે,રઘુભારથી બાપુ અને રઘીસર મહાદેવની પૂજા અર્ચના કરે છે,અને એક દિવસ બાપુને સપનામાં રઘીસર મહાદેવ આવીને કહે છે કે મારા શિવલિંગની બાજુમાં નારિયેળ હશે અને તેમણે સવારે જોયું તો તે પણ નારિયેળ આકારનું લિંગ હતું,અને કોઈ એમ કહે છે કે તેમણે નારિયેળને ચમત્કાર થી લિંગ બનાવી નાખ્યું આજે બને લિંગ મોજૂદ છે,બહુજ ઓછી જગ્યાઓ હોય છે જ્યાં બે લિંગની પૂજા થતી હોય છે, તેવામાંની એક જગ્યા એટલે રઘીસર મહાદેવ અને રઘુભારથી બાપુની જગ્યા છે.

રઘુભારથી બાપુ રઘીસર મહાદેવની જગ્યામાં દેવ થયા ત્યાં સુધી રહ્યા અને અનેક ચમત્કારો કરેલા અને આજે પણ અમરાપર ગામના લોકો અને પલાસવાના લોકો સાચા હ્રદયથી કોઈ પણ તકલીફમાં દાદાની માનતા રાખે અને ભીમાસરનો અમુક સમય સુધી અપૈયો લે જેમાં કોઈ પણ વસ્તુ કે પાણી પીવું નહીં એટલે તરત જ મટી જાય છે.અપૈયો રઘુભારથી બાપુ એ ભીમાસરનો લીધેલો હતો.એટલા માટે લોકો એક શ્રદ્ધા થી લે છે, તેના પાછળ એક ઘટના બનેલી છે.એક વખત એક વાળંદ ખેતરે ગયેલ હોય છે અને અને ભીમાસરની વાર આવે છે અને વાળંદ પાછળ થાય છે તે ભાગતા ભાગતા દાદાની જગ્યા થી થોડે દૂર રહે છે ત્યાં દાદા આ દશ્ય જોવે છે અને મારશો માં! કહે ત્યાં ભીમાસરની વારના માણસો વાળંદ ને મારી નાખે છે,અને વાર ભાગી જાય છે.અને ત્યાં આજે પણ વાળંદનો પાળિયો મોજૂદ છે,અને રઘુભારથી બાપુ તે દિવસ થી ભીમાસરનું પાણી ન પીવું કે કઈ પણ ન જોવે તેવો અપૈયો લે છે. રઘીસર મહાદેવની જગ્યામાં ધરતીકંપ પહેલાં એક જૂનો શિલાલેખ પણ હતો જે ધરતીકંપ પછી નવા બાંધકામમાં દટાઈ ગયેલ છે.ક્યાંય મળતો નથી. એક વખત તિંડ આવેલા હતા વર્ષો પહેલા ત્યારે એમ કહેવાય છે કે દાદા એ તેમના ચમત્કાર થી એક ગોખલામાંથી બધાજ તિંડોને ગરકાવેલા હતા.તે ગોખલો આજે પણ મોજૂદ છે.અને બીજી વખત જ્યારે તિંડો આવેલા ત્યારે આ જગ્યામાં બધાજ તિંડ હતા. ત્યારે એક માલી એ મશ્કરી કરી કે બાપુ આ તિંડ ખાવા ક્યાં જશે? તો બાપુ એ કીધું કે તારા ખરામાં અને એમ કહેવાય છે કે તિંડો ઉડ્યા અને તેના જ ખરામાં જઈ ને બધુજ ખાઈ ગયા હતા અને આસપાસમાં ક્યાંય નુકશાન કર્યું નહિ.

પલાંસવા જાગીર દ્વારા રઘીસર મહાદેવની જગ્યામાં વર્ષો પહેલા એક કુંયલી, ડેલી અને વાવ ખોદાવેલી હતી.જેમાંથી આજે કુંયલી અને ડેલી મોજૂદ છે પરંતુ વાવ પુરાઈ ગયેલ છે.રઘીસર જાગીર એક ઊંચા ટેકરા પર આવેલી છે જે દૂર થી દેખાય છે ત્યાં રઘુભારથી બાપુ બેસતા ડેલીમાં અને સામે એક ટેકરા પર પીરની જગ્યા આવેલી છે.ત્યાં કોઈક ચમત્કારીક ઓલિયા હતા જેઓ સામ સામે ચલમ પીતા હતા.અને બને ચમત્કારીક હતા.રઘુભારથી બાપુ એ સેલોતો ને કહેલું કે નવાણી અગિયારસ પાળજો અને અહીંયા આવેલ તળાવમાં આવી તમારી શક્તિ પ્રમાણે ખોદજો એ પરંપરા આજે પણ ચાલુ છે. અને તેમના વંશજો આજે પણ વર્ષમાં એકવખત આવે છે અને ખોદે છે. વજાજી સેલોત એક વખત અગિયારસના ભૂલી ગયા અને ખેતરે હતા ત્યારે દાદા નાગ થઈ ને આવેલા અને બળદ ને ચાલવા જ ન દે અને તરત મગજમાં જબકારો થયો અને તેઓ તરત દર્શન કરવા આવેલા અને આવા તો અનેક ચમત્કારો આપેલા છે.જેઠ સુદ અગિયારસ એટલે કે નવાણી અગિયારસ કહેવાય છે.

એક વખત જગાજી ધિગાણી ના દીકરા નશાજી ધીગાણી બીમાર પડ્યા હતા,ત્યારે રઘુભારથી બાપુ એ સજીવન કરેલા હતા.એટલે તેમના પરિવારો એ રઘુભારથી બાપુ ની સમાધિ પર દેરી બનાવેલ છે.તેમજ નશાજી ધિગાણી તેમના બે દીકરા મકાનમાં હતા અને મકાન પડ્યું ત્યારે જ મોઢામાંથી શબ્દો નીકળેલા કે હે!રઘુભારથી બાપુ મારા બંને દીકરાઓ ને જો કશું જ નહિ થાય તો હું એક ટોકરો ચડાવીશ અને બંને દીકરા મેઘાજી અને અમરોજી ને ઉની આંચ પણ ન આવી અને પછી તેમણે ટોકરો ચડાવ્યો હતો.રઘુભારથી બાપુ એ જીવતાં સમાધિ લીધી ત્યારે બાજુના ગામ પલાસવાના એક અનું.જાતિના બાપા અને બહુજ ભક્તિભાવ જીવન જીવતા હતા.તેમણે કહ્યું કે મને પણ સાથે લઈ જાઓ પણ બાપુ એ ના પાડી કે તમે અહીંયા રહો અને રઘુભારથી બાપુ પછી તેમણે પણ પલાસવામાં જીવતા સમાધી લીધી હતી.તેમની દેરી અને તેમના પરચા પણ અપરંપાર છે.રઘુભારથી બાપુની સાથે દરરોજ ભજન કીર્તન કરતા એવા મલુજી સેલોત હતા. તેમને દાદા એ ચાર મહિના પહેલા કહેલું કે હું આ દિવસે જીવતા સમાધી લઈશ પરંતુ મલૂજી સેલોત ભૂલી ગયા અને તેઓ બળદગાડું લઈ ને પલાસવા થી મોરબી બાજુ રણ વાટે ગોળ લેવા ગયેલા અને રણમાં પાછા વળતાં હતાં ત્યારે બળદગાડામાં કંઈ તકલીફ થઈ તો તેઓ બરાબર કરતા હતા.ત્યાં બાપુ આવ્યા અને પછી તો બરાબર થઈ ગયું અને બાપુ એ કહ્યું કે હું જૂનાગઢ જાઉં છું તમે પલાસવા રવાના થાઓ અને કહ્યું કે મલુજી સેલોત મારા ખીચામાં ભંડારાની ચાવી રહી ગઈ છે.જે ત્યાં આપી દેજો મારે સમય લાગશે આવતા એટલું કહીને તેઓ રણમાં રવાના થાય આ બાજુ મલુજી સેલોત તિથિને બધુજ ભૂલી ગયા હોય છે એટલે કશું યાદ રહેતું નથી અને ગામમાં આવી ને તેઓ અમરાપર મંદિરે ભંડારાની ચાવી આપવા જાય છે,ત્યાં પહોંચતા જ મંદિરે બધાજ લોકો કહે છે, કે બાપુએ તો કાલે જ જીવતા સમાધી લીધી છે,તો તમને ચાવી કેવી રીતે આપે? મલુજી સેલોત આખી હકીકત કહે છે કે કાલે રણમાં આ ચાવી મને હાથો હાથ આપી છે,અને કહ્યું કે મારા ખીચામાં રહી ગઈ છે તો ત્યાં આપી આવજો, પછી તો અચાનક તે તિથિ અને બધુજ યાદ આવે છે,અને સમાધિના દર્શન કરે છે. સમાધી લીધા પછી પણ રઘુભારથી બાપુ એ રણમાં જીવતા થઈને પરચા આપેલા છે.

કચ્છનાં નાના રણમાં મધ્યમાં આવેલો કેશમાળો બેટ ત્યાં ભીમાજી કેશાજી ધિગાણીના બળદગાડાનો ધરો તૂટી ગયેલો અને વજન પંદર મણ ભરેલું હતું.ત્યારે તેમણે રઘુભારથી બાપુનું નામ લઈ ને એક ઝારાના વૃક્ષની સોટી કાપીને નાખી અને બળદગાડું ગામમાં પહોંચાડેલું એવા અનેક ચમત્કારો આપેલા છે.અમરાપરના ગામ લોકો જણાવે છે કે આજે પણ અચાનક રાત્રીના સમયે મંદિરની આરતી થાય છે અને કહેવાય છે, કે રઘુભારથી બાપુ શિવની આરતી કરે છે.એક વખત પલાસવાની ખરવાડ સળગેલી ત્યારે દુદાજી નારણજી ધીગાણીના મોઢામાંથી શબ્દો નીકળી પડેલા કે હે!રઘુભારથી બાપુ સાચવજે અને ત્યારે બાજુમાં કોઈએ મશ્કરી કરેલી કે રઘુભારથી બાપુ આમાં શું કરે હવે!અને અચાનક પવનની દિશા બદલાઈ અને એમ કહેવાય છે, કે ધીગાણીના બધાજ પરિવારના ખરા બચી ગયા એક કાંટાની વાળ પણ નોતી સળગી જે વાત આજે પણ ગામલોકોના મોઢે ચર્ચાય છે. રામસંગજી ઉમટ તેમને રઘુભારથી બાપુ પર અપરંપાર શ્રદ્ધા હતી.તેઓ ક્યાંય પણ જતા તેના પહેલા દાદાનું નામ લઈને બાકસ ઉડાડી ને કોઈ એક નિશાન માગે અને તે આવે અને દાદા રજા આપે તો જ જતા બાકી ગમે તેવું કામ હોય જતા નહિ,કે કોઈ ગામતરું કરતા નહિ.તેમણે વઘાહરી નામના તેમના ખેતરમાં રઘુભારથી બાપુ ની દેરી બનાવી ને સ્થાપના કરેલ છે.તેઓ હિંદ સરકારના હુલામણા નામથી ઓળખાતા હતા.

અમરાપરગામના કારાભાઈ હમીરાભાઈ પ્રજાપતિ જેમને દાદા પર અપાર શ્રદ્ધા હતી,તેમનું ખેતર દાદાની ઉત્તર દિશામાં આવેલું છે.તેઓ ખેતરમાં દરોજ ચા પીતા અને અડધી ચા ખોબામાં લઈને કહેતા કે આવો દાદા અને દાદા નાગ સ્વરૂપે આવી ને પીતા હતા.પરંતુ એક વખત અષાઢી બીજના દર્શન કરવાનું ભૂલી ગયા હતા અને તેમનો જે નિયમ હતો તે ભંગ થયો અને ચા ખોબામાં રાખીને કીધું કે હે! દાદા પધારો અને ત્યારે કોઈ બીજો નાગ આવ્યો અને આંગળીમાં કરડ્યો અને તેમણે તરત આંગળી કાપી નાખી અને તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી બધાજ લોકો એ કપાયેલી આંગળી જોયેલી છે. જેશંગપૂરી ગૌસ્વામી જેમણે રેલવેની નોકરી મૂકીને દાદાની પૂજા કરતા હતા,અને દાદા એ સપનામાં આવી ને કહેલું કે લગ્ન ન કરતો અને તેમણે કર્યાં તો દાદાનો કોપ ઉતરેલો હતો.આજે પણ જે દાદાની પૂજા કરે છે,તેને ફક્કડ રહેવું પડે છે.તે લગ્ન કરી શકતો નથી.

રઘુભારથી બાપુ એ વર્તમાનમાં અનેક પરચા આપેલા છે,તેમનો એક પરચો એ છે કે થાંભલા વારાનું એક ટ્રેક્ટર હતું તેમણે દાદાની જગ્યામાં પડાવ નાખેલો અને તેમાં મજૂરો બહારના હતા,તેમણે રાત્રીના સમયે માંસ રાંધીને જમ્યા અને આ બાજુ ટ્રેકટરમાં આગ લાગી અને ટ્રેકટર ચાલુ થઈ ગયું અને ત્રણ ખેતરના શેઢા ટપી ગયું આ બાજુ આખું ગામ ભેગું થઈ ગયું અને પેલા લોકો કે અમને કંઈ ખબર જ ન પડી કે આ શું થયું અને પછી તે લોકો એ દાદાના દર્શન કર્યા અને માફી માંગી અને કહ્યું કે હવે ક્યારેય આવી ભૂલ નહિ થાય એટલે આવા વર્તમાનમાં ચમત્કાર અને પરચા આપેલા છે.કોરોના કાળમાં જેમને ડોકટરે કહેલું કે ગંભીર બીમારી છે,અને લાંબુ જીવશે નહિ ત્યારે એ અનું.જાતિ ભાઈ જેમણે દવાખાનામાં સૂતા સૂતા મનો મન એવી માનતા લીધેલી કે હે!રઘુભારથી બાપુ મને એક વખત ગામમાં લઈ જાઓ તો હું ભીમાસરનો આજથી અપૈયો લઉં છું,અને તેને દવાખાનામાંથી રજા પણ મળી ગઈ અને સારું થઈ ગયું અને પછી પાંચ દિવસ જીવ્યો અને પછી અચાનક તેમનું દેહાંત થયું હતું.

રઘુભારથી બાપુ ના અનેક પરચા છે તેવા જ આજે પણ મોજુદ પરચા કે કોઈને હડકાયું કૂતરું કરડે અને તેઓ એવી માનતા લે કે હે!રઘુભારથી બાપુ હું ભીમાસરનો અપૈયો લઉં છું,તો માણસ ને કશું જ નથી થતું તેના અનેક દાખલા છે.અમરાપર ગામમાં આજ સુધી ક્યારેય ચોરી નથી થઈ તેમજ કોઈ ચોરીનો પ્રયત્ન કરે તો દાદા આંખે આંધળો કરી નાખે છે.રઘુભારથી બાપુ અને રઘીસર મહાદેવને ભીમાસરનું નારિયેળ અને પ્રસાદ ચડતો નથી.રઘીસર મહાદેવના પ્રાગણમાં ડુંગર પર મોટી મોટી શિલાઓ પડેલી જોવા મળે છે.જેને રઘુભારથી બાપુ એ ચલ બેટા કહીને તેમના લાકડાના ગેડીએથી ચમત્કાર થી ચડાવેલી છે.રઘુભારથી બાપુના ચેલા હતા તેમને બાપુ ટહેલ કરવા માટે પલાસવા મૂકતા હતા,અને તેમને પલાસવા પહેલા આવતા વોકળામાં ભૂતની બીક લાગતી હતી.એક દિવસ બાપુ એ કીધું કે કાળા હાથ કર અને તને જ્યાં બીક લાગે કે કઈ દેખાય તેને આ કાળા હાથ અડાડજે અને રાત્રીના મોડું થયું અને તેણે કાળા કરેલા હાથ જ્યાં બીક લાગી કે દેખાયું ત્યાં અડ્યા અને સવારે જોયું તો ચેલાના ગાલ પર કાળા ડાઘ હતા એટલે બાપુ એ કીધું કે તારું મન બીવે છે,ભૂત કશું છે નહિ.અને એવી રીતે ચેલામાં ભૂતની બીક કાઢી હતી.રઘુભારથી બાપુ ભૈરવ ચડાવતા હતા.

અમરાપર ગામ સવા બસો વર્ષ પહેલાં સ્થાપના થયેલ છે,તેનો ઈતિહાસ પણ રોચક છે. રત્નો માલી જે આજના અમરાપર પર આવે છે ત્યારે ગામ કે કશું જ હતું નહિ માત્ર જમીન હતી અને તેમના બે દીકરા હતા એક અમરો માલી,અને બીજો કાજો માલી અને તેના મોટા દીકરાના નામ પર થી અમરાપર ગામ વસાવ્યું અને તેનું નામ અમરાપર રાખ્યું ત્યાં નાનો દીકરો કાજો રીસાયો હતો.એટલે પછી અમરાપર (કાજેળું) નામ રાખ્યું અને કહ્યું કે અમરાપર પાછળ તારું નામ પણ લાગશે અને આજે પણ અમરાપર (કાજેળું) તરીકે બહાર અને બધેજ ઓળખાય છે.અમરાપર (કાજેળું)ના સ્થાપક માલી છે, પછી પલાસવા થી પ્રજાપતિ આવ્યા અને કણબી પટેલ પદમપર થી આવ્યા અને રાજપૂતો અને કોળીઓ,બાવાજી,અનું.જાતિ વગેરે બધાજ પલાસવા થી આવ્યા હતા.આજે સૌથી વધારે વસ્તી કોલી જ્ઞાતિની છે.


આજે ગામમાં ૨૦ ઘર પ્રજાપતિના છે, રાજપૂતોના ૧૧ ઘર છે, એનુંજાતિ નું ૧ ઘર છે,બાવાજીના ૫ ઘર છે,કોળીના ૯૦ ઘર છે.

.    .    .

માહિતી દાતા:

  • જગદીશભાઈ બચુભાઈ પ્રજાપતિ (આડેસરા)
  • ધિગાજી પરબતજી દસાણી (સેલોત)
  • રભુજી ધીગાણી
  • સુરેશસિંહ ચાવડા
Discus