Photo by Adem AY on Unsplash
આજના સમયમાં ભાગ્યે જ કોઈ માણસ એવો હશે કે જે સોશિઅલ મીડિયા સાથે જોડાયેલો ન હોય. જે માણસની પાસે બીજું કાંઈ નહિ તો એક મોબાઇલ છે તો એ માણસ કોઈને કોઈ રીતે સોશિઅલ મીડિયાના પ્રભાવ હેઠળ આવી જતો હોય છે, પછી ભલે એ ઉદ્યોગપતિ હોય કે સાધુ હોય, ઓફિસર હોય કે મજૂર હોય, નર હોય કે નારી હોય કે કિન્નર હોય, વિદ્વાન હોય કે અભણ હોય. વળી, માણસ ગમે તે જગ્યાએ હોય, હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા ગયો હોય કે સ્મશાનમાં કોઈને આખરી વિદાય આપવા ગયો હોય, જમણવારમાં જમવા બેઠો હોય કે સમુહમાં કથા સાંભળવા બેઠો હોય, એ માણસ તક મળે ત્યારે સોશિઅલ મીડિયા પર હાજરી પુરાવી દેતો હોય છે. અરે! આજે માણસ ભર ઊંઘમાંથી ઊઠીને સોશિઅલ મીડિયામાં ચક્કર મારી દેતો હોય છે.
માણસનો સોશિઅલ મીડિયા સાથે ગાઢ સંબંધ બંધાઈ ચૂક્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે પોતાના વિચારો વ્યકત કરવા માટે સોશિઅલ મીડિયા મોકળું મેદાન પૂરું પડે છે. અહીં કોઈ પણ ક્ષેત્રનો વિદ્વાનમાં વિદ્વાન માણસ અને સાવ કહેતાં સાવ શીખાઉ માણસ એક જ મંચ પર આવી શકે છે અને ચર્ચા કરી શકે છે.
સોશિઅલ મીડિયા પર સક્રિય રહીને ઘણા લોકો અસરકારક લખાણો લખતાં થઈ ગયા છે. કાલીઘેલી ભાષામાં લખવાની શરૂઆત કરનારા લોકો સમય જતાં પોતાના વિચારો વ્યવસ્થિત રીતે રજૂ કરતાં શીખી જાય છે. એમનું મિત્રવર્તુળ મોટું થતું જાય છે. ઘણા લોકો માત્ર સોશિઅલ મીડિયા પૂરતા જ મિત્રો ન રહેતાં વાસ્તવિક જીવનમાં પણ મિત્રો બની જાય છે.
સોશિઅલ મીડિયાના ઉપયોગ દ્વારા માણસ પોતાની ગમતી પ્રવૃત્તિ વિકસાવી શકે છે અને આનંદ મેળવી શકે છે. પોતાનો ધંધો કે વ્યવસાય પણ વિકસાવી શકે છે.
આ બધું ક્યારે શક્ય બને? રજૂઆતમાં વિવેક જળવાતો હોય તો.
અભિવ્યક્તિની આઝાદીના કારણે કોઈ પણ વ્યક્તિ સોશિઅલ મીડિયા પર પોતાના વિચારો વ્યકત કરે એ સારી વાત છે, પરંતુ એ વિચારો યોગ્ય રીતે રજૂ થાય તો લેખે લાગે. આજકાલ પોતાના વિચારો અંતિમવાદી બનીને વ્યકત કરવાનું વલણ વધતું જ જાય છે. પોતાના વિચારો સાથે બીજા લોકો સહમત થવા જ જોઈએ એવો આગ્રહ રાખનારા કોઈની સવિનય અસહમતી સ્વીકારવા પણ તૈયાર હોતા નથી. અસહમતી દર્શાવનારા કેટલાક લોકો પણ અંતિમવાદી હોય છે. તેઓ પણ અસહમતિ દર્શાવતી વખતે વિવેક જાળવતા નથી. કોઈ વિચાર સાથે સહમત થનારા અને અસહમત થનારા એવા બંને પક્ષના લોકોનો હેતુ એકબીજાનું અપમાન કરવાનો જ હોય એવું લાગે. આવા વાતાવરણમાં સંવાદની તો કોઈ શક્યતા જ રહેતી નથી. સોશિઅલ મીડિયા જાણે માત્ર વાદવિવાદ અને ઝઘડા કરવા માટે જ હોય એવું વાતાવરણ સર્જાતું હોય છે. મારો કહેવાનો હેતુ એવો નથી કે કોઈ પણ મુદ્દા વિશે ચર્ચા કરનારા લોકો માત્ર વેવલી ભાષાનો જ ઉપયોગ કરે. તેઓ જરૂર પોતાનો આક્રોશ પ્રગટ કરી શકે, કટાક્ષ આને વ્યંગ કરી શકે, પરંતુ આ બધું કરતી વખતે કોઈનું અપમાન થાય એવી ભાષા તો ન જ વાપરવી જોઈએ. પોતાના વિચારો સારી ભાષામાં અને સ્પષ્ટ રીતે વ્યકત કરવાની રીત જાણે ભુલાઈ ગઈ છે.
જે લોકો વાદવિવાદથી દૂર રહેવા માટે કોઈ ઘટના કે સમસ્યા અંગે ચુપ રહેતા હોય તો એવા લોકોની પણ ટીકા થતી હોય છે. એમને જાણે કે અસહમતી દર્શાવવાનો કે ચુપ રહેવાનો પણ અધિકાર નથી.
આવું કેમ બન્યું હશે? મને લાગે છે કે કૂવામાં હતું એ જ હવાડામાં આવ્યું છે. લેખકો, વિદ્વાનો, જાણકારો જ જો વાતવાતમાં તડાફડી બોલાવતા હોય તો સામાન્ય વાચક પણ એવું જ કરે એમાં નવાઈ નથી. મૂળ તો, કેટલાક લેખકોએ કોઈની પણ શેહશરમ રાખ્યા વગર એમને જે સાચું લાગ્યું એ લખવાનું વલણ અપનાવ્યું હતું. એમની ભાષા આક્રમક હતી. એવા લેખકો તેજાબી કલમના માલિકો તરીકે ઓળખાતા હતા. જોકે, એમનું વાચન બહુ જ હતું. એમનો જે તે વિષયનો અભ્યાસ પણ સારો હતો તેથી એમનાં લખાણમાં દમ હતો. પરંતુ, આજે વગર વાચને અને વગર અભ્યાસે એમની નકલ કરનારા વધી ગયા છે. દેખાદેખીમાં જે અક્રમકતા દાખવવામાં આવે એ આક્રમકતા મજાકને પાત્ર બની ગઈ છે.
આક્રમક રજૂઆત કરનારને વાચકો વધારે મળતા હોય, પ્રતિભાવ આપનારા પણ વધારે મળતા હોય એવું બનતું હોય છે. પરંતુ છેવટે તો પરિણામ કેટલું હકારાત્મક આવે છે એ પણ જોવું જરૂરી છે ને? ચર્ચામાં હસીમજાક, આક્રોશ, દલીલબાજી એ બધું હોય, પરંતુ વિષયની ગંભીરતા જળવાય નહિ ત્યારે ગાડી આડા પાટે ચડી જતી હોય છે. ચર્ચાનો વિષય બાજુ પર રહી જતો હોય છે અને કોઈ જુદા જ વિષય પર ચર્ચા થવા લાગે છે અને એ પણ તોછડી ભાષામાં. આવું થાય ત્યારે ત્યારે ચર્ચા કજિયામાં ફેરવાઈ જતી હોય છે. સોશિઅલ મીડિયા જાણે કજિયાનું ઘર હોય એવી છાપ પડતી જાય છે.
વિશ્વભરમાં નવી નવી ઘટનાઓ બનતી જ હોય છે. કેટલી ઘટનાઓમાં સાચું શું છે એ તો ક્યારેય નક્કી નથી થઈ શકતું. મીડિયા જે બતાવે એ સાચું માનીને ઘણા ચર્ચામાં ઊતરી પડતા પડતા હોય છે. હકીકત કાંઈક જુદી જ હોય છે. દરેક ઘટના સાથે રાજકારણને જોડી દેવાય છે. દરેક બાબતમાં સરકાર તરફી અને સરકાર વિરોધી એવા બે ભાગ પડી જાય છે અને બંને પક્ષના લોકો એકબીજાના દુશ્મન હોય એ રીતે વાદવિવાદ ચાલે છે. એક ઘટના જૂની થાય ત્યાં તો નવી ઘટના બને તેથી વાદવિવાદ ચાલ્યા જ કરે. આમ, કેટલાક લોકો માટે સોશિઅલ મીડિયા માત્ર વાદવિવાદ માટે જ છે. એવું કરીને પણ તેઓ દોસ્તી કે દુશ્મની જાળવી શકે છે. મનોરંજન કે પીડા મેળવી શકે છે.
આ પરિસ્થિતિમાં કેટલાય લોકો સોશિઅલ મીડિયા પર રાજકીય, ધાર્મિક અને સામાજિક લખાણો લખવાનું ટાળે છે. તેઓ એમના વિચારો મનમાં જ દબાવી રાખે છે. અપમાનિત થવાનો ભય એમને સતાવતો હોય છે. તેઓ માત્ર એવાં લખાણો લખે છે કે જેના લીધે વિવાદ ન થાય. આવાં લખાણોને પ્રતિસાદ ઓછો મળે છે. ભલું હોય તો એવાં લખાણ પર પણ વિવાદ કરનારા ટપકી પડતા હોય છે.
આવા વાતાવરણમાં સાહિત્ય અને કલાના ક્ષેત્ર પર વધારે અસર પડી છે. ક્યારે કયા સાહિત્યકાર કે કલાકારની રજૂઆત ક્યા વર્ગને પસંદ નહિ પડે અને એમના પર નકારાત્મક પ્રતિભાવોનો વરસાદ વરસી પડશે એ નક્કી નથી હોતું. એમના વિશે તો અજુગતું લખાય, એમના સ્વજનો વિશે પણ અજુગતું લખાવા લાગે. એમના પર હુમલા થાય એવું વાતાવરણ સર્જાઈ જાય છે. આવા સંજોગોમાં સાહિત્યકારો અને કલાકારોની જવાબદારી ખૂબ જ વધી જાય છે. ફિલ્મનિર્માણ સાથે જોડાયેલા લોકો લોકલાગણીને પારખવાના થાપ ખાઈ જાય તો એમને અપમાનિત થવામાં વાર નથી લાગતી. ઉપરાંત, મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. ધાર્મિક કે ઐતિહાસિક કથા પર આધારિત ફિલ્મનું નિર્માણ કરનારાઓએ અણધાર્યાં જોખમોનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે.
સોશિઅલ મીડિયા પર સાચીખોટી માહિતી સાત ઠલવાતી રહેતી હોય છે. એવી માહિતીના પ્રભાવમાં આવીને આક્રમક બનનારાઓનું પ્રમાણ વધતું જાય છે. પરિણામે, જેમની વચ્ચે સારા સંબંધો હોય એમની વચ્ચે પણ મનદુઃખ થઈ જાય છે. નાનકડી વાતને કારણે પણ સ્નેહ તિરસ્કારમાં ફેરવાઈ જાય છે.
સોશિઅલ મીડિયા પર કેટલું સક્રિય રહેવું એનો આધાર જે તે વ્યક્તિની સમજદારી પર છે. સોશિઅલ મીડિયામાંથી વટેમાર્ગુની જેમ પસાર થનારને વાંધો નથી આવતો, પરંતુ એમાં ધામો નાખીને પડી રહેનારને વહેલી મોડી માનસિક તકલીફો થવાની પૂરેપૂરી શકયતા છે.
અંતે કબીરજીનો એક દુહો...
ઐસી બાની બોલીએ, મન કા આપા ખોય
ઔરન કો શીતલ કરે, આપહું શીતલ હોય.