Photo by Harshita Chadha on Unsplash

વસાહત...

શહેરીજનો જેમ તીર્થસ્થાનોમાં પગપાળા દર્શન કરવા નીકળે છે એમ એમણે શહેરની કોઈક વસાહતમા પણ નીકળવું જોઈએ. એવી વસાહત કે જેમાં મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય. જેમાં મજૂરો, કારીગરો, ફેરિયાઓ, ચોકીદારો, ઘરકામ કરનારાઓ રહેતા હોય. જેમનાં ઘરોની કોઈ ચોક્કસ ડિઝાઇન ન હોય. એમને જે કાયદેસર કે ગેરકાયદેસર રહેઠાણ મળ્યાં એમાં તેઓ એમનો સંસાર ચલાવતા હોય. રોજ વહેલાં ઊઠવું, તૈયાર થવું અને શહેર તરફ ભાગવું એ એમનો નિત્યક્રમ હોય. જ્યાં લોકોને આઠનવ વાગ્યે ઊઠવાની બાદશાહી નથી હોતી. શહેરના સમૃદ્ધ સોસાયટી વિસ્તારમાં દૂધની દુકાનો મોટા ભાગે સાડાસાત કે આઠ વાગ્યા પછી ખૂલતી હોય છે, પરંતુ અહીં દૂધની લારીઓ કે કેબિનો છ વાગ્યે ખૂલી જતી હોય છે. અનાજકરિયાણાંની હાટડીઓ પણ છ વાગ્યે ખૂલી જતી હોય છે. શહેરનાં લોકો સવારમાં ચાલવા નીકળતા હોય ત્યારે અહીંના લોકો કામે જવા નીકળતા હોય છે. કામ એ જ એમનો વ્યાયામ.

આવી વસાહતનું વાતાવરણ સતત જીવંત રહેતું હોય છે. કેટલાય ઘરોમાં રેડિઓ, ટેલીવિઝન કે મોબાઈલ પર સતત મોટા અવાજે આરતી અને ભજન વાગતાં હોય. કોઈ કોઈ ઘરમાં ફિલ્મી ગીતો પણ વાગતાં હોય. લોકો મોટા અવાજે વાતો કરતા હોય. ફેરિયાઓ બૂમો પાડતાં પાડતાં નીકળતા હોય. લોકો વચ્ચે ક્યારેક ઝઘડા પણ થઈ જાય. તમાશાને તેડું ન હોય એમ લોકો ભેગા થઈ જાય અને વિખેરાઈ જાય. વસાહતમાં રહેતા લોકોનું જીવન બહુ અંગત રહેતું નથી.

વસાહતમાં ઘર સાંકડા હોવાથી ઘણા લોકો ઉનાળામાં રાત્રે ઘરની બહાર ખાટલા કે ઓટલા પર જ સૂવાનું પસંદ કરે. કેટલાય લોકો શિયાળામાં પાણી ગરમ કરવા માટે ઘરના આંગણામાં જ ચૂલો સળગાવે. ચોમાસામાં તો કેટલાય ઘરોમાં પાણી ફરી વળે ત્યારે લોકો ખૂબ જ તકલીફમાં મુકાઈ જાય, છતાય તેઓ વસાહત છોડે નહિ. હા, સપનાં જરૂર જુએ કે ક્યારેક તો સારી સોસાયટીમાં જવાનો મેળ પડશે. બાકી તો, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં...

વસાહતના લોકો ધાર્મિક પણ ખૂબ જ હોય. વસાહતમાં નાનાંમોટાં ધાર્મિક સ્થાનો હોય. શહેરના સમૃદ્ધ વિસ્તારમાં હોય એવા ભવ્ય ન હોય, પરંતુ વસાહતમાં રહેતા લોકોનો ઉત્સાહ જરાય ઓછો ન હોય. ધાર્મિક સ્થાનોનું સંચાલન પણ સ્વયંસેવકો દ્વારા જ થતું હોય. લોકો તહેવારોની ઉજવણી પણ ધામધૂમથી જ કરે. નાચે, કૂદે અને ગાય. કોઈ કોઈ વળી નશો પણ કરે અને આખી વસાહતને માથે પણ લે. ધાર્મિક સ્થાને જ્યારે ભંડારો હોય ત્યારે તો દૃશ્ય જોવા જેવું હોય. રંગબેરંગી કપડા પહેરેલા લોકો પ્રસાદ લેવા માટે ઉમટી પડે અને મેળા જેવું વાતાવરણ થઈ જાય.

લોકો શુભ પ્રસગોની ઉજવણી પણ ખૂબ જ ઉત્સાહથી કરે. વરઘોડા, ડીજે પાર્ટી, નાચગાન, જમણવાર, ફટાકડાના ધડાકા, આ બધું જ પૂરા ઉત્સાહથી થાય. શહેરના સુખી સંપન્ન લોકોમાં કદાચ ઔપચારિકતા જોવા મળે, પરંતુ વસાહતમાં તો જે થાય તે બધું દિલથી.

વસાહતમાં ધર્મની, નાતજાતની, ભાષાની, પહેરવેશની, ખોરાકની વાડાબંધી ખાસ હોતી નથી. વિવિધ રાજયમાંથી આવેલા લોકો સાથસહકારથી રહેતા હોય અને એકબીજાના સુખદુઃખમાં સહભાગી થતા હોય છે. વસાહતમાં રહેનાર માણસ ભાગ્યે જ એકલો પડે. કોરોના જેવી બીમારી ફેલાણી ત્યારે પણ લોકોએ એકબીજાને સાચવી લીધા હતા. વસાહતમાં રહેનારું કોઈ ભૂખ્યું ન રહે એવું ધ્યાન રાખનારા લોકો પણ હોય છે.

શહેરની સોસાયટીમાં રહેતા લોકોનાં ઘર, વાસણ, કપડાં, ચોખ્ખાં કરનારી મહિલાઓ સવાર સવારમાં આવી વસાહતમાંથી જ નીકળી પડતી હોય છે, એ પણ પૂરી સ્ફૂર્તિ સાથે. પાંચસાત ઘરના કામ કરવાનાં હોય તો એમાં સરકારી નોકરિયાતોની માનસિકતા જેવી માનસિકતા એમને ન પોસાય. એમણે શહેરની સોસાયટીમાં રહેનારાઓનાં ઘરકામ હસતે મોઢે કરવાના હોય છે. શહેરની સોસાયટીમાં રહેતા લોકો એમનું જીવન સારી રીતે જીવી શકે છે એમાં ઘરકામ કરનારી મહિલાઓનું યોગદાન ઓછું નથી. પોતાને ત્યાં ઘરકામ કરનારી બહેન મોડાવહેલી થાય ત્યારે ઘણાના જીવ અધ્ધર થઈ જતા હોય છે. એમાય જો સવાર સવારમાં ઘરકામ કરનારી બહેનનો ફોન આવે, કે આજે હું નહિ આવે ત્યારે એ ખબર સાંભળનારને એવું જ લાગે કે જાણે કે દુ:ખના ડુંગર તૂટી પડ્યાં છે.ભીડ, સંકડાશ, અગવડો, સંઘર્ષ વગેરે હોવા છતાં અહીં લોકો હસતાં હસતાં જીવતા હોય છે.

મેં મારી ‘ચમત્કાર’ નવલકથામાં ‘સંતોષનગર’ નામની વસાહતનું આવું વર્ણન કર્યું છે : સંતોષનગર વસાહતની સ્થાપના ગોવિંદપુર ગ્રામ પંચાયતની હદમાં હાઉસિંગ બોર્ડ દ્વારા થઈ હતી. એનો વહીવટ પણ ગોવિંદપુર ગ્રામ પંચાયત દ્વારા થતો હતો. સંતોષનગર સંસ્કારનગરીથી ત્રણ કિલોમીટર જ દૂર હોવાથી એ સંસ્કારનગરીના એક હિસ્સા જેવું જ હતું. વસ્તી ગીચ હતી. જુદા જુદા પ્રદેશમાંથી રોજીરોટી માટે આવેલા લોકો અહીં વસ્યા હતા. ક્યાંક ક્યાંક ચોક પડતા હતા. ચોક પછી ચાલીમાં હોય એવાં નાનાં નાનાં ઘર હતાં. ક્યાંક ક્યાંક તો ઘરની બે લાઇન વચ્ચેનો રસ્તો પણ એકદમ સાંકડો હતો. મોટું વાહન તો એ રસ્તે ચાલી જ ન શકે. રહેવાસીઓએ ઘરની બહાર ઓટલા બાંધીને સાંકડા રસ્તાને વધારે સાંકડો કરી દીધો હતો. રસ્તે ચાલનારને પણ ક્યાંક કયાંક માથું નમાવીને ચાલવું પડતું હતું, કારણ કે ઘણા રહેવાસીઓ બે ઘર વચ્ચે દોરી બાંધીને એ રસ્તાનો ઉપયોગ કપડાં સૂકવવા માટે પણ કરતા હતા. ચોકમાં લારીગલ્લા અને કેબિન હતાં. કેટલાંક ઘરોમાં દુકાનો પણ હતી. મોટાભાગનાં ઘરોમાં દીવાનખંડ, ભોજનખંડ, શયનખંડ, વગેરે એકમેકમાં ભળેલા હતા. કોઈ કોઈ ઘરમાં મોટા અવાજે ફિલ્મી ગીતો, ભજનો, કવ્વાલી, વગેરે વાગતાં હતાં. કોઈ કોઈ ઘરની બહાર મહિલાઓ ભેગી થઈને શાકભાજી સમારવાનું કામ કરતી હતી. કોઈ કોઈ ઓટલા પર વિદ્યાર્થીઓ એમનું લેસન કરતા હતા તો કોઈ કોઈ ઓટલા પર રહેવાસીઓ પત્તાંની રમત રમતા હતા. જ્યાં ચોક પડતો હોય ત્યાં છોકરાઓ ભમરડાની રમત રમતા હતા. ફેરિયાઓની બૂમો સતત સંભળાયા કરતી હતી. અહીં રહેવા આવે એનામાં અવાજ સહન કરવાની શક્તિ હોય એ જરૂરી હતું.

કૂદકે ને ભૂસકે વધતું શહેર આવી વસાહતને પોતાનામાં સમાવી લેતું હોય છે, છતાંય વસાહત પોતાનો અસલ મિજાજ ગુમાવતી નથી. 

.    .    .

Discus