Source: Sixteen Miles Out on Unsplash

એક અપુર્ણ કળી છું , ફુલ બનીને ખીલવુ છે ;
લહેરાતી આ ભોમમાં સુર્ય બનીને ઉગવું છે .

ભાવવિહિન હૈયું છે , ને પરદુ:ખ દેખી રડવું છે ;
માનવીના આ દેહને એ માનવતાથી ભરવું છે .

નયનોના દ્વાર બંધ છે, અંતરના પટ્ટને ખોલવું છે;
જો મળે કૃષ્ણ કુરુક્ષેત્રમાં ,તો પાર્થ બનીને ઉભવું છે.

પિંજરામા કેદ પંખી છે,નભ જોવા ફેરવે નજરુએ;
જો આવે લેવા ,રામ તો સીતા બની વિરહવું છે.

એક અબુધ માણસ છું,પાપ પુણ્ય સઘળું સમ છે;
દિલમાં વસે જો રામ,તો વાલ્મિકી બનીને ભજવું છે . 

એક અપુર્ણ માનવીછું, કર્મ કરિને ખુટતું પુરવું છે ;
એક ડગલું અપુર્ણતાથી પુર્ણતા તરફનું ભરવું છે .

1. અર્થ ગ્રહણ:

  • કવિતા એટલે હૃદયનો અવાજ, આત્માનો ભણકાર અને મનનો જળહળતો પ્રકાશ.આ કવિતા લખવા પાછળનો મારો ભાવાર્થ પણ આવો જ કંઈક હતો. મારા હૃદયની ધસમસતી લાગણીઓના પ્રવાહને મેં શબ્દોનો આકાર આપ્યો.અંગેજી ભાષામાં એક સરસ કહેવત છે,
    "Poetry is mother of all the knowledge "
    સાચું જ કહ્યું છે, ગાગરમા સાગર સમાવવાની જેમ, દુનિયાભરની તમામ લાગણીને માત્ર બે જ પંક્તિમા સમાવવાની વિશેષતા કવિતામાં છલકાઈ આવે છે.

  • આ કવિતામાં મે મારા મનની વાતને વાચા આપવાનો એક પ્રયાસ કર્યો છે. સર્વપ્રથમ પંક્તિમા કુદરતના તત્વો જેવા કે ફૂલ ,કળી, ભોમ( એટલે ધરતી), સુર્ય વગેરેને ઉદાહરણ રૂપી લઇને અપૂર્ણતાથી પૂર્ણતા તરફ ગતિ કરવાની ઇચ્છા વ્યક્ત કરવામા આવી છે. એક નાનકડી કળીની તુલના સ્વ સાથે કરીને રૂપક અલંકારનો ઉપયોગ કરવામા આવ્યો છે . જેમ ફૂલની કળી પરોઢે સોળે કળાએ ખીલી ઉઠે છે એમ જ અહીં હું(સમગ્ર માનવ જાત) પોતાના સંકુચિત માનસપટલનો ત્યાગ કરે.જેમ લહેરાતી ધરા પર ઉગેલું ફૂલ દૈદિપ્યમાન સુર્યની માફક દેખાય છે અેમ જ એક સામાન્ય માનવીથી ગુણોના ભંડાર સમી મહાન પ્રતીભાઓ આ પૃથ્વી પર ખીલી ઉઠે એવી સહજ ભાવનાઓ પાથરી છે.

  • અહીંયા કવિની ગૂંચવણ સ્પષ્ટ તરી આવે છે. બીજી પંક્તિ વિરોધાભાસ પ્રગટ કરે છે. અહીં એક ભાવવિહિન હૈયાને લાગણીથી તરબોળ કરવાની વાત મૂકી છે . માનવતામા આવતા નકારાત્મક વલણોને દૂર કરી ફરી માણસને માણસાઇની પરીભાષામાં બંધબેસતો કરવાની તમન્ના જણાવવામાં આવી છે .
    આ કળીયુગમા માણસ અંધ બની ગયો છે જેને પોતાના સિવાય કોઇ દેખાતુ જ નથી અથવા તો દેખાવા છતાં અવગણે છે .અહીંયા ફરીથી સંવેદનાના અંકૂર રોપવાની વાત છે. હું એક એવા જગતની કલ્પના કરુ છું કે જેમા અન્યને વિકટતામા જોઇ વ્યક્તિ ખુદ અંદરથી કંપી ઉઠે.

  • હું ફરીવાર જગદિશ્વર શ્રીકૃષ્ણને આ ધરા પર નિહાળવા માંગુ છું. જેમ એમણે અર્જુનની વેદનાના રેલાને પોતાના ભીતરમા સમાવી દીધો , તેના અંતરપટલના કમાડને પોતાના જ્ઞાનથી ખોલી નાખ્યા .એમ મારી મૂંજવણોના ઉકેલ માટે એવો જ કોઈ કૃષ્ણ માગુંં છુ જે હૃદયની સાથે મારી આંખો પણ ઉઘાડી દે. જેનાથી માયા ભરેલી આ દુનિયાને પારખવાની દ્રષ્ટી મળે. પરમાત્મા સમાન રાહબર કે શિક્ષક લગભગ મળવો મુશ્કેલ છે, તો ચાલો પોતાના આત્માને ખોળીએ એને અંદર વસેલા ઈશ્વરને શોધીએ અને તેનો અવાજ સાભળવાનો પ્રયત્ન કરીએ .
  • પિંજરામા કેદ પંખી જેમ પળે - પળે વિશાળ ગગનના વિરહમા ઝૂરે છે તેમ જ માતા સીતા શ્રી રામની પ્રતિક્ષા અશોકવાટીકામાં કરતા હતા. તેમને અપાર દુઃખના ઘુઘવતા મોજાઓ પણ શ્રીરામને માટે સહન કર્યા. એક સાચો ભક્ત જો હરિ નિહાળવા મળે તો તેની એક ઝલક માટે પણ દુનિયાના તમામ કષ્ટો ભોગવવા તૈયાર રહે છે.આ દુનિયા બંધ પિંજરા સમાન છે અને પ્રભૂનો આશરો એ મુક્ત આકાશ, જ્યાં વિહરવા દરેક પંખી લલાહિત હોય છે .

  • પાંચમી પંક્તિમાં ઋષિ વાલ્મિકીનું ઉદાહરણ લેવામા આવ્યુ છે .એક અબુધ માણસ જેના મતે પાપ અને પુણ્ય વચ્ચેનો ભેદ જ નથી, એ રામ નામથી કેવી રીતે ભવસાગરને તરી ગયા એ ગાથા રજૂ કરવામા આવી છે. રામ નામનો મહિમા ઋષિ વાલ્મિકીના જીવન ચરિત્ર પરથી સ્પષ્ટ જણાઇ આવે છે. દિલમા વસેલા હરિને મને કમને પણ યાદ કરવાની જીવનનો ઉધ્ધાર થાય છે .

  • કોઇપણ વ્યક્તિ આ જગતમા પૂર્ણ નથી. માણસ અનેક ખામીઓથી ભરેલો છે. પરંતુ એ ખામિઓને દૂર કરવાનો સહજ પ્રયાસતો થઇ જ શકે છે . પોતાના કરેલા કર્મો જ આપણા પ્રારબ્ધનુ ઘડતર કરે છે. અહીં અપૂર્ણતાથી પૂર્ણતા તરફ એક ડગલુ માંડવાની કોશીશ કરવની વાત છે . વગર મહેનતે મળેલ સફળતાનો સ્વાદ હંમેશા ફિકો લાગે છે , જ્યારે મહેનતથી મળેલો સુકો રોટલો પણ મીઠો લાગે છે . આમ,મહેનત એ સફળતાની ચાવી છે એ ચરિતાર્થ થાય છે .

  • ટૂંકમા પોતાના અંદરની ખામીઓને સુઘારીને એક પૂર્ણ વ્યક્તિ સુધીના સફરની ઝંખના વર્ણવવામાં આવી છે .

.    .    .

Discus