Source: Felix Lichtenfeld from Pixabay

લેખક : ઉદાસ માણસનું રડતું હૈયું ,

સરનામું: તારી ઘડેલી પૃથ્વી નોવાસી ,

સર્વજ્ઞાની ,

સર્જનહાર વિધાતા.

વિષય:- ભગવાનને વ્યથિત હૈયાનો પત્ર

કેમ છો ? આશા રાખુ છું કે સ્વર્ગના આધિપતિ મજામા હશે . પણ અમે પૃથ્વીવાસી મજામા નથી , ખાસ તો એ વાત યાદ અપાવવા જ પત્ર લખ્યો છે .આ પત્ર વાચીને તમને એક પ્રશ્ન થશે કે આ અધુરુ સરનામું કેમ લખ્યું હશે ?તમે તો જગદ્દપિતા છો અને આજે તારો  ભક્ત નહીં તારું સંતાન તને યાદ કરે છે . તો કાંઈ સંતાનનુ સરનામું એના પિતાને કેવું પડે? આમ પણ આ કાંઈ પહેલો વહેલો પત્ર થોડો લખ્યો છે ! હવે તો પત્ર જોઇને જ તમે અોળખી જતા હાશો કે આવ્યો આ દુ:ખી માણસ . તમે કયાં એક પણ બાબતથી અજાણ છો. ખોટું નઈ લગાડતા, એક વાત જરુર કહીશ તમને કે આખ આડા કાન કરતા તમને સારુ આવડે છે .હમણાંથી એવું લાગે છે કે તમે ઘોર નિંદ્રામાં છો , નહીં તો આ કકળતી અને રઝળતી દુનિયાને ખુલ્લી આખે બેઠો બેઠો જોવે એવો કાંઈ ભગવાન થોડો હોય ?

તું તો અંતરયામી છે ,તો શું કામ આખ આડા કાન કરે છે ?

માનું છું કે આ બધુ માણસે ભુલેલી માણસાઈના જ પરિણામ છે . હવે સમજાણુ કે હાથે કરેલા હૈયે જ વાગે.  જાણુ છું , ભગવદ્દ ગીતામાં તમે કિધેલુ ,

" धर्मस्य त्वरिता गती:" ; ધર્મની ગતિ ત્વરિત હોય છે . માણસે  ઠેર-ઠેર  બાવળ વાવ્યા અને કેરી ખાવાની ઈચ્છા રાખે છે . માનું છું કે અમે ભુલી ગયેલા કે આ તારા ચાકડે ઘડાયેલી  સૃષ્ટિ પર પ્રાણીઅો  ,પક્ષીઓ , જંતુઓ તથા સર્વે જીવોનો સમાન અધિકાર છે. પરંતુ આ દંભી માનવી પોતાના અસ્તિત્વ અને આધિપત્ય માટે નિચલી  કક્ષાએ પહોંચી ગયો. અતિશય માંસાહાર , કુદરતનું છેદન , પ્ર‍ાણીઓનો માત્ર શોખ ખાતર શિકાર અને અન્ય અઢળક ક્રુર કૃત્યો. આ મહામારી આપી તમે અમને ભુલનુ ભાન કરાવ્યું છે , એ બદલ આભાર. કારણ કે જયા સુધી ઠેસ ના વાગે ત્યાં  સુધી માણસને સત્યનું  ભાન નથી થતું .પણ હવે તમને નથી લાગતું કે હવે અમને માફ કરી દેવા જોઇએ? અને એવુ પણ નથી કે માનવતા સાવ ખોવાઈ ગઇ હતી. દરેક બાબતોની સારી અને નરસી એવી બે બાજુઓ હોય જ છે. જ્યારે માનવતા મૃત્યુની તરફ કુર્મવેગે ગતિ કરી રહી હતી ત્યારે તેને બચાવવા ઘણા લોકોએ પોતાના હાથ  લંબાવ્યા હતા.માત્ર ભેદ એટલો કે ત્રાજવે તોલતી વેળાએ માનવીના પાપોનું પલળુ સહેજ નમી ગયેલું . એટલે તમે ક્રોધિત થઇને આવી સજા આપવાનો નિર્ણય કર્યો .ખરું ને?

તમને પેલિ કહેવત યાદ છે? "છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ના થાય". તો આ જગદિશ્વર જગને સાવ ભુલી કેમ ગયો?તમને તો ખબર છે , આ રોગને કારણે  સમગ્ર ઘરા પર હાહાકાર મચી ગયો છે . નથી દવાના ઠેકાણા છે કે દવાખાનાના ઠેકાણા. હોસ્પિટલો જ્વાળામુખીની જેમ દર્દીઓથી છલકાય ગઇ છે. સ્વર્ગ જેવી પૃથ્વીની હાલત નર્ક કરતા પણ ખરાબ થઈ રહી છે . કરોડો લોકો આ કોરોના નામના રોગથી સંક્રમિત થાય છે અને લાખો લોકો પોતાનો  જીવ ગુમાવી રહ્યા છે . અને ઉપરથી આ રંગબેરંગી  ફુુગના રોગો આવ્યા. પરિવારના આધાર સ્તંભો તુટી રહ્યા છે. કોઈ કોઈ જગ્યાએ તો આખાો પરિવાર પોતાનો જીવ ગુમાવે છે , તો ક્યાંક જન્મદાતા અને તેના સંતાનો એક સાથે દુનિયાને વિદાય આપે છે . પરિણામે , પરિવાર નોંધારો થઈ જાય છે અને તું તો નોંધારાનો આધાર છે. હવે આ તારી લિલાને સંકેલી લે નહિંતર તારા પરનો અમારો વિશ્વાસ ડગમગી જશે. આમ જોવ તો તમે સાચા છો. આ મનુષ્યો હજી ઘણા જોલ કરે છે, આખે પાટા બાંધીને અસત્યના પંથે ગાંડી દોટ મુકી રહ્યા છે . આવી કપરી પરિસ્થિતિમાં પણ આ ઉચ્ચ ગણાતા એવા આ સામાજિક  પ્રાણીના કારનામાઓ તો ચાલું જ છે .  પોતે જ નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાના તથા તેના પરિવારના જીવનનો સટ્ટો રમવામાં તે જરાય પણ અચકાતો નથી . હવે એમા તારો કોઈ દોશ નથી એ હું જાણું છું . પણ હવે જે હોય તે; આ દુનિયાને વધુ રઝળતી જોવાની ક્ષમતા આ ચક્ષુઓમાં નથી .  એટલે હવે તારા આ રંગમંચના કલાકારોને તારા ચમત્કારની અત્યંત આવશ્યકતા છે . બે હાથ જોડિને તમને તમારી જાદુઈ છડીને દુનિયા પર ફેરવવા વિનંતી કરું છું . એમ કયા કવ છું  કે આ મધદરિયે તોફાનમાં ડુબતી નાવને દોરડેથી ખેંચી કિનારા સુધી પહોંચાડી દેં. હું તો માત્ર સહારા રુપ તણખલાની આશે છું . આશા રાખું છું કે મારા મિત્ર મને નિરાશ નઈ કરે. કેમ , નહીં કરશો ને? પ્રભુ , હવે તો શ્રદ્ધાંજલિ માં ૐ શાંતિ   લખતા લખતા પણ દિલ કમકમી ઉઠે છે. "વારા પછી વારો ને તારા પછી મારો" એવી કહેવતો કાનમાં ગુંજારવ કરે છે . દરેક માણસ મોતથી જાજો વેગળો નથી , વારંવાર એ જ સમાચાર સાંભળી અમારા મનની સ્થિતિ  પેલા તોફાનમાં વિખરાયેલા તરુવનો જેવી થઈ ગઇ છે . ભણતરમાં , ઘરકામમા , ટિવી જોવામાં , મોબાઇલ જોવામાં , વાંચનમા , ખાવા- પિવામાં કે એક પણ કામમાં મન લાગતું જ નથી. એ વિચારોમાં ને વિચારોમાં મગજ ચકડોળે ચડેલું રહે છે. હજીતો માંડ  કોરોનાથી સંક્રમિતો અોછા થવા લાગે અેટલે મનમાં ટાઢક વળે . કહે છે ને કે " વખાણેલી ખિચડી ડાઢે ચડે " એમ બીજી લહેર પછી  ત્રીજી લહેર  વાયુવેગે બમણા જોરથી  ફુકાય છે .

હવે તો લાગે છે કે અા રોગની સાથે જ જીવતા શિખવું પડશે. એક વાત કવ? ખોટું નઈ લગાડતા પછી હા! ઘણી વખત એમ થાય છે કે ભગવાન અમુક માણસોની ભુલની સજા બધાને શું કામ આપે છે ? પણ આગલા જન્મોના  ઢાકેલાં કર્મોની કોને ખબર છે ? હવે શું ખબર તમારી ભીતર કઇ ગડમથલ ચાલી રહી છે. પણ હવે તે ગડમથલનો નિવેડો લાવીને અમારી નૈયા પાર કરાવજે. ચિંતા ના કરતા, વધારે ભાષણ નઈ અાપુ. જાણું છું કે તમારા માથે જગ આખાનો ભાર છે. પણ હવે ફરી એક સ્વસ્થ જગતનું શિલ્પ કંડારવામાં તામારી જેવા શિલ્પકારની ખાસ જરૂર છે. તો બીજી વાર યાદ નહીં કરાવું હો...માની જાજો. ચાલો પછી વાત કરીએ. તમે જલદી મારી વાત પર ધ્યાન અાપીને સત્વરે પગલાં લેશો એવી વિનંતી સાથે...

"સઘળું થયું વેર-વિખેર , ફેલાયો આક્રંદનો આલાપ;
હે સૃષ્ટિના સર્જનહાર, હવે તો આંખ ઉઘાડ !"

તમને વારંવાર હેરાન કરનાર,

એક માનવી.

.    .    .

Discus