૨૧મી સદીને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે. આપણી રોજબરોજની જિંદગીમાં સવારથી લઈને રાત સુધીમાં કેટ કેટલાય ટેક્નોલોજીના યાંત્રિક ઉપકરણો પોતાનો અહમ ભાગ ભજવતા હોય છે. એ આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે, જેની વગર રહેવું હવે કદાચ શક્ય ન પણ બને. ટેક્નોલોજી સારી છે કે ખરાબ, એ તો એનો કેવો ઉપયોગ થાય એની પર નિર્ભર કરે છે. હાલમાં ટેક્નોલોજીની દુનિયામાં AI - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા બહુ વધી ગઈ છે. સોશીયલ મીડિયા, ઈન્ટરનેટ, ન્યુઝ બધેય અત્યારે AI છવાઈ ગયું છે. કમ્પ્યુટર અને ટેક્નોલોજીનાં ફિલ્ડમાં તેની જોરદાર એન્ટ્રીને લીધે કેટ કેટલાય જટીલ કાર્યો, પળભરમાં આસાનીથી સંપન્ન થઈ જાય છે. તમે જોયું હશે કે AI નાં એક એપ્લિકેશને રામચરિતમાનસ ગ્રંથ આધારિત ભગવાન રામની તસ્વીર બનાવી આપી હતી, અને તે સોશીયલ મીડિયામાં છવાઈ ગઈ હતી. આ ઉપરાંત તમે જોયું હશે કે ઘણાં AI બેસ્ડ એપ હમણાં ચર્ચામાં આવ્યા છે અને એનો જોરશોરમાં ઉપયોગ થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ, AI - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે સરળતાથી. સાથે જાણીશું તેનો સામાન્ય પરિચય, શોધ, પ્રકાર, ઉપયોગો તેમજ અન્ય બાબતો.
AI નું પૂરું નામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ~ Artificial Intelligence છે. જેમાં આર્ટિફિશિયલનો અર્થ થાય છે : કૃત્રિમ - બનાવટી અને ઈન્ટેલિજન્સનો અર્થ થાય છે : બુદ્ધિમત્તા. સાવ સીધી અને સરળ ભાષામાં કહીએ તો, AI - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કમ્પ્યુટર સંશોધકો તેમજ વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલું એવું મશીન કે રોબોટ જે માણસની જેમ સમજી શકે, વિચારી શકે, કાર્ય કરી શકે વગેરે. ટૂંકમાં AI એટલે કૃત્રિમ બુદ્ધિ. ટેક્નોલોજીની ભાષામાં તેને ' મશીનોનું મગજ ' કહેવામાં આવે છે. આના અંતર્ગત એવા મશીનો, પ્રોગ્રામો તેમજ રોબોટ બનાવવામાં આવે જે માણસોની ખોટ પૂરી કરી શકે, એટલે કે જ્યાં માણસોની અછત હોય ત્યાં આવા AI આધારિત મશીનો, રોબોટ્સ કાર્ય કરી શકે. એમાં મનુષ્યોનાં તર્કોનો આધાર લઈને પ્રોગ્રામ બનાવવામાં આવે છે, અને તેની અંદર મનુષ્યોના તર્ક આધારિત સિસ્ટમ બેસાડવામાં આવે છે, જે માણસની જેમ કાર્ય કરી શકે, યોગ્ય નિર્ણય લઈ શકે. તમે રોબોટ જોયા હશે, જે માણસની જેમ બોલતો હોય છે, ચાલતો હોય છે, કાર્ય કરતો હોય છે, રિસ્પોન્સ આપતો હોય છે ઉપરાંત મુસીબતના સમયે બચાવ પણ કરતો હોય છે. આવી ટેક્નોલોજી આધારિત ઘણી ફિલ્મો, કાર્ટૂન પણ બનેલા છે, જેમાં ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી કેટલી વિકસિત હશે એ જોવા મળ્યું.
AI - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ કમ્પ્યુટર વિજ્ઞાનની એક એવી શાખા છે, જે મશીનની અંદર વિચારવાની - સમજવાની તેમજ નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત કરે છે, એટલે કે મશીનોને બુદ્ધિશાળી બનાવવાનું કામ કરે છે. જે માણસોની મદદ વિના માણસની માફક યોગ્ય નિર્ણયો લઈને સ્માર્ટ વર્ક કરી શકે તેમજ ઈફેક્ટિવ રિઝલ્ટ આપી શકે. અગાઉ કીધું એમ - AI ને મશીનોનું મગજ કહેવામાં આવે છે એ મુજબ તે માણસોની મદદ લીધા વિના સ્વતંત્ર રૂપે કાર્ય કરે છે. જેમ કે - રોબોટ્સ, કમ્પ્યુટર પ્રોગ્રામની અમુક સિસ્ટમ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર વગેરે.
AI નો સૌપ્રથમ ખ્યાલ વર્ષ : ૧૯૫૫ માં જોન મેકાર્થી નામના એક અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિકને આવ્યો હતો. તેમણે વર્ષ : ૧૯૫૬ માં અમેરિકાની dartmouth college માં યોજાયેલ એક વર્કશોપમાં સૌપ્રથમવાર AI વિશેનો કોન્સેપ્ટ લોકો સમક્ષ રજૂ કર્યો હતો, અને તે અંગે વિસ્તારથી માહિતી આપી હતી. તેમના મતે - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક એવું ઉચ્ચ કોટિનું કમ્પ્યુટર વિજ્ઞાન છે, જેની મદદથી મશીનોમાં બુદ્ધિમત્તાનો વિકાસ કરી શકાય છે. એટલે કે એવા રોબોટ્સ અને પ્રોગ્રામ્સ બનાવી શકાય છે જે માનવસર્જીત સિદ્ધાંતો પર કાર્ય કરે તેમજ માનવીય મગજનાં તર્કોનો ઉપયોગ કરીને કાર્ય કરે.
"It is the science and engineering of making intelligent machines, especially intelligent computer programs. It is related to the similar task of using computers to understand human intelligence, but AI does not have to confine itself to methods that are biologically observable."
Ability નાં આધારે AI નાં પ્રકારો :
(1) Narrow / Weak AI : આ AI નું શરૂઆતનું સ્ટેજ છે, જેમાં એવા મશીનો, સિસ્ટમો ડેવલપ કરવામાં આવે છે, જે માત્ર એક જ કાર્ય કરી શકતી હોય, એ પણ આદેશને આધારે. આમાં કોઈ મેમરી સ્ટોરેજ કે વધારે યુઝ કરી શકાય એવું કંઈ નથી હોતું. એ માત્ર અમુક હદ સુધી જ કાર્ય કરી શકે છે, જો લિમિટ બહારનું કાર્ય થાય તો સિસ્ટમ નષ્ટ થઈ જાય છે અથવા તો અન્ય નુકસાન થાય છે. નેરો એટલા માટે કીધું કે આમાં મેમરી સ્ટોરેજ નથી, અને વીક એટલા માટે કે વધુ ગતિથી કાર્યશીલ તેમજ મલ્ટિપલ કાર્ય નથી કરી શકતું. નેરો એન્ડ વીક AI આધારિત સિસ્ટમ, મશીનો અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. કેમ કે હજુ AI એ માત્ર ટેકનોલોજીની દુનિયામાં પ્રવેશ જ કર્યો છે. હાલમાં આ કોન્સેપ્ટ આધારિત જ AI મશીન, ટૂલ, સિસ્ટમ, પ્રોગ્રામ, નાના રોબોટ જોવા મળે છે.
ઉદાહરણ તરીકે : IBM નું Watson, Apple ની Siris એપ.
(2) General AI : આ નેરો AI કરતાં થોડુંક એડવાન્સ છે, સારું છે. આ પ્રકારનાં AI માં મશીન, રોબોટ કે પ્રોગ્રામ બનાવવામાં આવે છે, જે કોઈ પણ કાર્ય માણસની બુદ્ધિમત્તાની માફક કરી શકે (તાર્કિક રીતે), ઉપરાંત માણસ કરતા પણ સ્માર્ટલી કાર્ય કરી શકે છે. જનરલ AI નો હેતુ એક એવી સિસ્ટમ જનરેટ કરવાનો જે સ્માર્ટર પણ હોઈ શકે અને મનુષ્ય નાં તર્કને આધારે કાર્ય પણ કરી શકે.
હાલમાં તો, જનરલ AI ને સંલગ્ન કોઈ જ સિસ્ટમ ઉપલબ્ધ નથી. દુનિયાભરનાં સંશોધકો જનરલ AI વાળા મશીન ડેવલપ કરવાના કાર્યમાં લાગ્યા છે.
(3) Super AI : સુપર AI એ જનરલ કરતાં હાઈ લેવલનું છે અને તેનું જ વિકસિત સ્વરૂપ છે. સુપર AI હેઠળ એવી સિસ્ટમ, મશીન કે રોબોટ બનાવવામાં આવે છે, જે માણસની બુદ્ધિમત્તા કરતાં પણ વધુ સારી રીતે કાર્ય કરતું હોય, જે માણસ કરતાં પણ વધુ અસરકારક રીતે વિચારીને કાર્ય કરતું હોય તેમજ સમસ્યાઓ હલ કરતું હોય, નિર્ણયો લેતું હોય. ટૂંકમાં, સુપર AI માં જે કંઈ મશીનો, સિસ્ટમ હોય તે માણસના વતી કોઈ પણ કાર્ય ઉત્તમ લેવલે કરી શકે છે. એનો તર્ક, વિચારશૈલી, સમજશક્તિ, નિર્ણય શક્તિ વગેરે માણસની બુદ્ધિ કરતાં ઉચ્ચ કક્ષાનું હોય.
(1) Purely Reactive Machines : પ્યોરલી રીએક્ટિવ મશીન એ AI નો સૌથી સામાન્ય પ્રકાર છે. આ સંપૂર્ણપણે પ્રતિક્રિયાત્મક છે, જે પૂછ્યું હોય અથવા તો જે કમાંડ આપ્યો હોય, તેનો તાત્કાલિક સીધી રીતે જવાબ એટલે કે પરિણામ આપે છે. આ પ્રકારની AI સિસ્ટમ કોઈ મેમરી સંગ્રહ નથી કરતી. તે માત્ર વર્તમાન સમયને અનુલક્ષીને યોગ્ય જવાબ/ પ્રતિક્રિયા આપે છે. આવા મશીનો માત્ર અને માત્ર વર્તમાન સમય પર ફોકસ કરે છે અને તે મુજબ શક્ય હોય ત્યાં સુધી ઉત્તમ રીતે જે કમાન્ડ આપ્યો હોય તેની પ્રતિકૃતિ આપે છે.
ઉદાહરણ તરીકે : IBM ની Deep Blue સિસ્ટમે તેની ચેસની રમતમાં એક વર્લ્ડ ચેમ્પિયનને હરાવી દીધા હતા. ગૂગલનું AlphaGo એ રીએક્ટિવ મશીનનું બેસ્ટ ઉદાહરણ છે.
(2) Limited Memory : આ પ્રકારનાં AI મશીન કે સિસ્ટમમાં મેમરી સ્ટોરેજ હોય છે, પરંતુ થોડાક પ્રમાણમાં તેમજ તે તેનો સંગ્રહ ટૂંકા ગાળા સુધી જ કરતું હોય છે. આ પ્રકારનાં મશીનો આપણે અગાઉ જે કંઈ કાર્ય કર્યું હોય, કમાન્ડ આપ્યા હોય તેની મેમરી - ડેટા સેવ કરીને રાખે છે, અને તેના આધારે નિર્ણય લઈને કાર્ય કરતું હોય છે.
ઉદાહરણ તરીકે : ટેસ્લાની સેલ્ફ ડ્રાઈવિંગ કાર એ અમુક લોકેશન, કારની સ્પીડ, અન્ય કારો વચ્ચેનું અંતર વગેરે સેવ કરીને રાખે છે. આ ઉપરાંત ટ્રાફિકમાંથી બહાર નીકળવું, ઈમરજન્સી બ્રેક લગાવવી વગેરે કાર્ય માટે તેને આદેશ નથી આપવો પડતો, એ એની મેળે કરી લે છે.
(3) Theory of Mind : હાલમાં તો આ hypothetical concept છે, પરંતુ અનુમાનનાં આધારે કહી શકાય કે - આ પ્રકારના AI મશીન માનવ મગજનાં સિદ્ધાંતો પર કાર્ય કરે છે.
આ પ્રકારનાં AI માં માનવીય મગજનાં જે કંઈ લક્ષણો જેમ કે - તાર્કિક રીતે વિચાર શક્તિ, ત્વરિત નિર્ણય લેવાની પ્રક્રિયા, જટીલ સમસ્યાઓનો ઉકેલ, લોકોની લાગણીઓ અનુભવવી વગેરે ફીટ કરવામાં આવેલું હોય છે. આવા મશીનો, રોબોટ માણસની જેમ તર્ક લગાવીને કાર્ય કરે છે. તેનામાં માણસની માફક સમજવાની, વિચારવાની, નિર્ણય લેવાની ક્ષમતા હોય છે.
આ પ્રકારનાં AI મશીનો હજુ સુધી બન્યાં નથી, સંશોધકો આના પર કામ કરી રહ્યા છે.
(4) Self Awareness : સેલ્ફ અવેરનેસ એ ભવિષ્યમાં આવનારું AI છે, AI નું ભવિષ્ય છે. આવા મશીનો સુપર ઈન્ટેલિજન્ટ હશે, જે માનવીય બુદ્ધિમત્તા કરતાં પણ વધુ સ્માર્ટ, એડવાન્સ હશે. તેની પોતાની વિચારશૈલી, જાગૃકતા, સંવેદના હશે. આના અંતર્ગત એવા મશીનો, રોબોટ આવે છે, જે માત્ર માણસની જેમ વિચારી શકે એટલું જ નહીં, પરંતુ માણસની જેમ સંવેદનશીલ હોય છે. માણસની જેમ સુખ - દુઃખ, ખુશી - ગમ, ગુસ્સો વગેરે જેવા ભાવોને અનુભવી શકે છે. આ ઉપરાંત પોતાની ઈન્ટેલિજન્સીની મદદથી સામેવાળો માણસ શું વિચારી રહ્યો છે એ પણ જાણી લે છે. આવા મશીનો બુદ્ધિશાળી, લાગણી સભર તેમજ સચેત હશે, જે માણસ કરતાં પણ વધુ સ્માર્ટ હશે.
આ પ્રકારનાં AI મશીનો હજુ સુધી બન્યાં નથી, પરંતુ ભવિષ્યમાં જરૂર બનશે. આ AI નું એડવાન્સ લેવલ હોવાથી માત્ર વિચાર વિમર્શ અને સંશોધન ચાલુ છે.
IBM ની Watson સાઈટ પર દર્શાવેલ છે કે AI ક્યાં મહત્ત્વના હેતુ માટે કાર્ય કરવા માટેનું બેસ્ટ ટૂલ બોક્સ છે. એ હેતુઓ આ મુજબ છે :
તો આ વાત હતી, અફલાતૂન AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની. જેણે ટેક્નોલોજીની દુનિયામાં પોતાની ગ્રાન્ડ એન્ટ્રી કરી લીધી છે. આ ટેક્નોલોજી વરદાન રૂપ સાબિત થશે કે ખતરો એ તો ભવિષ્યમાં જ ખબર પડશે. એક જૂની કહેવત છે - અતિમાં ગતિ ન હોય. AI નો ઉપયોગ જો સારા કાર્યો માટે, સપ્રમાણ તેમજ પૂરી તકેદારી રાખી કરવામાં આવશે તો ચોક્કસ વરદાન રૂપે સાબિત થશે તેમજ ભવિષ્યને ઉજાળનારું હશે. દરેક ઘરથી માંડીને મોટા ઉદ્યોગોમાં AI એક મદદનીશની ભૂમિકા ભજવશે, તેમજ દીર્ઘદ્રષ્ટાની પણ. મોબાઈલની જેમ AI પણ આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન અંગ બની રહેશે.