Source: Vlad Vasnetsov from Pixabay 

રમતગમત એ આપણા જીવનમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ આપણી શારીરીક તેમજ માનસિક શક્તિ વધારે છે.

Healthy Body leads to Healthy Mind - એમ મનની સાથે તનની મજબૂતી પણ જરૂરી છે. તનની તંદુરસ્તી રમત-ગમતથી જ આવે છે, જેનાથી આપણા શરીરને યોગ્ય કસરત મળે છે. આપણા ભારત દેશમાં સદીઓથી પ્રાચીન રમતો રમાતી આવી છે, જેમાંની અમુક તો યુદ્ધક્રિયામાં પણ શામેલ થઈ ચુકેલ છે. રાજા-મહારાજાઓનાં રાજકુમારો તેમજ સૈન્યબળોનાં સૈનિકોને પ્રશિક્ષણ તરીકે તીરંદાજી, મલ્લયુદ્ધ, ગદાયુદ્ધ, ભાલાફેંક વગેરે જેવી રમતો શિખવવામાં આવતી હતી. આજનાં આ સ્પોર્ટ્સ સ્પેશિયલ આર્ટીકલ્સમાં આપણે વાત કરવાની છે એક એવી રમતની વાત કરવાની છે જેમાં મહાભારતનાં અર્જૂન પારંગત હતા. અર્જૂનનું નામ યાદ આવતા એનું ધનુષ યાદ આવી ગયું હશે, તો આજે આપણે વાત કરવાની છે ધનુર્વિદ્યાની જે આજે તીરંદાજી તરીકે ઓળખાય છે. આપણે જાણીશું આ રમતનો પરિચય, ઈતિહાસ, રમવાની રીત, નિયમો, ફાયદાઓ તેમજ અન્ય વિશેષ બાબતો.

તીરંદાજી એ ધનુષ અને તીર દ્વારા રમવામાં આવતી રમત છે, જેમાં ધનુષ વડે તીર દ્વારા કોઈ નિશ્ચિત લક્ષ્ય ભેદવાનું (વીંધવાનું) હોય છે. તીરંદાજીનું પ્રાચીન નામ ધનુર્વિદ્યા છે. અંગ્રેજીમાં તેને Archery (આર્ચરી) કહેવામાં આવે છે. અંગ્રેજી શબ્દ આર્ચરી લેટીન ભાષામાંથી આવેલ છે, જેનો અર્થ ધનુષ-બાણ થાય છે. અંગ્રેજીમાં ધનુષને Bow અને તીર (બાણ) ને Arrow કહેવામાં આવે છે. પહેલાં આ રમત એક યુદ્ધક્રિડા તરીકે હતી, પરંતુ સમય જતાં તેને રમતમાં ઉમેરવામાં આવી અને આજે તે ઓલિમ્પિક તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય રમતોમાં શામેલ છે. તીરંદાજી એ ફોકસ (કેંદ્રિત), એક્યુરેસી (ચોક્કસ) અને કંટ્રોલ (અંકુશ) તેમજ પેશંસ (ધૈર્ય) ની રમત છે. તીરંદાજી રમત રમનારને તીરંદાજ અથવા તો ધનુર્ધર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને આર્ચર કહે છે. જે આર્ચરીનાં ચહીતા તેમજ એમાં એક્સ્પર્ટ હોય, તેને ટોક્સોફિલિટ (Toxophilite) અથવા તો માર્ક્સ મેન (Marks man) કહેવામાં આવે છે.

તીરંદાજીને આપણી પ્રાચીન ભાષામાં ‘ધનુર્વિદ્યા’ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ આપણા પ્રાચીન ઉપવેદો ‘ધનુર્વેદ’ માં પણ થયેલ છે. ધનુર્વિદ્યા એ ધનુષ અને બાણ દ્વારા શીખવવામાં આવતી કલા છે, જેનો ઉપયોગ યુદ્ધમાં થતો. આપણા પૌરાણિક ગ્રંથો અને મહાકાવ્યોમાં દુનિયાનાં શ્રેષ્ઠ ધનુર્ધરોનો ઉલ્લેખ છે, જેમણે તેમની નિપુણતા અને બહાદુરીની આધારે આ ધરતી પર થયેલ મહાન ધર્મયુદ્ધોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મહાભારતનાં અર્જૂન, કર્ણ, ભીષ્મ પિતામહ, ગુરૂ દ્રૌણ વગેરે જેવાં યશસ્વી ધનુર્ધરોએ એની શૌર્યતા અને પરાક્રમ દર્શાવ્યું હતું. ભગવાન પરશુરામને આ દુનિયાનાં શ્રેષ્ઠ ધનુર્ધર માનવામાં આવે છે તેમની પાસેથી જ પિતામહ ભીષ્મ, અર્જૂન, ગુરૂ દ્રૌણ, કર્ણ વગેરે જેવા યૌદ્ધાઓએ ધનુર્ધરી શીખી હતી.

આ રમત કેટલી જૂની છે એ કેવું થોડુંક મુશ્કેલ છે, પરંતુ એની શરૂઆત પાષાણ યુગનાં અંતમાં અને મધ્ય પાષાણ યુગની શરૂઆતનાં સમયમાં થઈ હોય એવું માનવામાં આવે છે. જેનાં પુરાવા જર્મનીનાં હેમ્બર્ગની ઉત્તર બાજુએ આવેલ એરેન્સબર્ગ ઘાટીનાં સ્ટેલમૂરમાંથી મળ્યાં હતાં, જે લગભગ ૧૦,૦૦૦ થી ૯,૦૦૦ બી.સી.નાં સમય જેટલા જૂના હતાં. એ સમયમાં તીરંદાજીનો ઉપયોગ માત્ર સામાન્ય શિકાર માટે જ થતો હતો. વૈદિકકાળથી જ પ્રાચીન ભારતમાં ધનુર્વિદ્યા બહુ પ્રતિષ્ઠિત હતી. કદાચ આ રમત ભારતમાંથી થઈને ઈરાક- ઈરાન, ગ્રીસ, યુનાન અને આરબ જેવા દેશોમાં પ્રસરી હશે. પૌરાણિક સંહિતાઓ અને વેદોમાં વજ્રની સાથે ધનુષ-બાણનો પણ ઉલ્લેખ છે. કૌશીતકિ બ્રાહ્મણમાં લખેલું છે કે: ધનુર્ધરની યાત્રા ધનુષની લીધે જ સકુશળ અને નિરાપદ હોય છે. જે ધનુર્ધર શાસ્ત્રોક્ત મંત્રોથી બાણોનો પ્રયોગ કરતો, તેને સૌથી મોટો ‘યશસ્વી’ ગણવામાં આવતો. મહાભારતનાં યુદ્ધમાં ભીષ્મ પિતામહનું ધનુષ ૬ હાથ જેટલું લાંબુ હતું. મહાકવિ કાલીદાસે ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ માં રઘુવંશી રામ અને લક્ષ્મણનાં ધનુષોનો ટંકાર તેમજ દુષ્યંતનાં યુદ્ધ કૌશલનું જે રીતે વર્ણન કરેલ છે, તે પરથી ખ્યાલ આવે કે કવિ કાલીદાસને ધનુર્વિદ્યાની ઘણી જાણકારી હતી. ભારતનાં પુરાતનકાળ ઈતિહાસમાં ધનુર્વિદ્યાનાં પ્રતાપી યૌદ્ધાઓમાં મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામ અને મહાભારતનાં ગાંડીવધારી અર્જૂનનું નામ હંમેશા લેવામાં આવશે. પ્રભુ શ્રી રામ પાસે જે ધનુષ હતુ, તેનું નામ ‘કૌદંડ’ હતું. વિલસન મહોદયનું એક સત્યકથન છે કે –

“હિંદુઓએ બહુ જ પરિશ્રમ અને અધ્યયનપૂર્વક ધનુર્વિદ્યાનો વિકાસ કર્યો હતો, આ ઉપરાંત તેઓએ ઘોડા પર બેસીને બાણ ચલાવવામાં સિદ્ધહસ્ત હતાં.”

તીરંદાજી રમતમાં પ્લેયર પાસે અમુક પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે:

૧. આર્મગાર્ડ :- આર્મગાર્ડનો ઉપયોગ હાથને ધનુષની દોરીથી બચાવવા માટે થાય છે. તેને જે હાથે ધનુષ પકડવાનું હોય તે હાથમાં જ પહેરવામાં આવે છે.

૨. બો સ્ટ્રીંગ (ધનુષ):- ધનુષની મદદથી તીર ચલાવવાનું હોય છે. આ રમતમાં પુરૂષો માટેનું ધનુષ ૨૨ કિલોનું હોય છે, જ્યારે મહિલાઓ માટેનું ધનુષ ૧૭ કિલોનું હોય છે. તીરંદાજીમાં બે પ્રકારનાં ધનુષનો ઉપયોગ થાય છે : રીકર્વ અને કમ્પાઉન્ડ. રીકર્વ બો (ધનુષ) ઓલિમ્પિક માં ઉપયોગમાંલેવામાં આવે છે. કમ્પાઉન્ડ બો (ધનુષ) અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

૩. એરો (તીર/બાણ):- તીરંદાજીમાં ૯.૩ મિમીનાં વ્યાસવાળું હોય છે તેમજ તેજઉડાન અને હવાનાં વહાવ માટે ૫.૫ મિમીનું હોય છે. જનરલી ૭૫ સેમી થી ૯૬ સેમી લંબાઈ વાળુ તીર હોય છે.

૪ ચેસ્ટગાર્ડ:- આપણાં વસ્ત્રોને ધનુષની દોરીથી બચાવા માટે પહેરવામાં આવે છે.

૫. ફિંગર ટેબ:- આંગળીઓને તીરની ધારથી રક્ષણ માટે પહેરવામાં આવે છે.

૬. ક્વિવર:- તીર રાખવાનો લાંબો નળાકાર ડબ્બો હોય છે, જે દોરીથી જોડાયેલ હોય છે. અને તેને કમરબેંડની જેમ પહેરવાનો હોય છે.

૭. નોક:- તીરનો પાછલો ભાગ જે તીરને ધનુષની દોરી પર સરખી રીતે જકડી રાખે.

૮ ફ્લેચિંગ:- તીરની પાછળનાં ભાગમાં પાંખ આકારનું હોય છે, જે તીરને હવામાં સીધી દિશામાં ઉડવા મદદ કરે છે.

૯. સાઈટ:- જે રીતે બંદુકમાં નિશાન સાધવા માટેનો ગોળ આકારનો કાચ અથવા મશીન હોય, એવી જ રીતે આર્ચરીનાં ધનુષમાં પણ ફીટ કરેલું હોય છે. સાઈટની મદદથી તીરંદાજ દુરથી તેનાં લક્ષ્યને નક્કી કરી શકે. આ સાઈટ દુરબીન જેવું કાર્ય કરે છે.

૧૦. સ્ટેબીલાઈઝર રોડ:- સ્ટેબીલાઈઝર રોડને ધનુષમાં ઉપર નીચે બન્ને બાજુથી સ્થિરતા આપવા માટે મુકવામાં આવે છે. બન્ને બાજુથી યોગ્ય વજન હોવાને લીધે ધનુષ જલદીથી હવામાં ઉડી ન જાય એટલા માટે.

૧૧. ટાર્ગેટ બોર્ડ:- આ ટાર્ગેટ બોર્ડ ઓલિમ્પિક માં પ્રદાન કરવામાં આવતું માનક લક્ષ્ય છે. જે ૪૮ ઈંચ વ્યાસ ધરાવતું, ખેલાડીથી ૭૦ મીટર દૂર, જમીનથી ૧.૩ મીટર ઊંચું હોય છે. ટાર્ગેટબોર્ડમાં પાંચ રંગોમાં વિભાજિત ૧૦ સ્કોરીંગ રીંગ (વલયો) હોય છે, જેનાં આધારે રમનારને અંક આપવામાં આવે છે.

તીરંદાજી રમત ચાર પ્રકારની હોય છે જે નીચે મુજબ છે:

૧. ટાર્ગેટ આર્ચરી (લક્ષ્ય તીરંદાજી):- આ મુખ્ય તીરંદાજીનો પ્રકાર છે, જે બધે જ રમવામાં આવે છે. તીરંદાજીનું આ મૂળ સ્વરૂપ ઓલિમ્પિકમાં રમવામાં આવતું મૂળ સ્વરૂપ છે. આ પ્રકારની તીરંદાજીની રમત અંદર અથવા તો બહારની કોઈ જગ્યાએ રમવામાં આવે છે. આ રમત કોઈ મોટા હોલ અથવા તો મેદાનમાં પણ રમાઈ શકે.

૨. ફીલ્ડ આર્ચરી:- આ પ્રકારની તીરંદાજી જંગલ જેવાં અન્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. જેમાં તીરંદાજને નિશ્ચિત લક્ષ્ય વીંધીને એક પછી એક પડાવ પાર કરવાના હોય છે.

૩. ક્લાઉટ આર્ચરી:- આ પ્રકારની તીરંદાજી સૈનિકો દ્વારા યુદ્ધ માટેનાં પ્રશિક્ષણ માટે કરવામાં આવતી. જેમાં અમુક અંતરે લક્ષ્યનાં સ્વરૂપમાં જમીન પર ઝંડા દાટવામાં આવે છે. અહીંજે તે તીરંદાજે ઝંડા દાટેલા હોય ત્યાં તીર મારવાના હોય છે.

૪ ઉડાન શુટીંગ:- અહીં તીરંદાજે કોઈ ઉડતી કે ઉછળતી વસ્તુને લક્ષ્ય બનાવીને ત્યાં તીર ચલાવવાનું હોય છે.

તીરંદાજી રમતનાં નિયમો:

 ઓલિમ્પિક રમતોમાં તીરંદાજી સ્પર્ધા માટે એથલીટ્સને રીકર્વ ધનુષનો ઉપયોગ કરવાનો હોય છે. ૭૦ મીટરની દૂરીથી લક્ષ્ય સાધવાનું (શૂટ) હોય છે. લક્ષ્ય (ટાર્ગેટ) માં ૧૦ સેંટર્ડ સ્કોરિંગ રીંગ હોય છે, જે પાંચ રંગોમાં વિભાજિત હોય છે અને એ પ્રમાણે સ્કોર આપવાનોહોય છે. જો તીર સૌથી વચ્ચેનાં પીળા રંગનાં કેંદ્રમાં જાય, તો સ્કોર ૧૦ કે ૯ આપવામાં આવે, લાલ રંગની રિંગનાં અરિયામાં જાય, તો સ્કોર ૮ કે ૭ આવે, લીલા રંગની રિંગનાં એરિયામાં જાય, તો સ્કોર ૬ કે ૫ આવે, કાળા રંગની રોંગનાં એરિયામાં જાય તો સ્કોર ૪ કે ૩ આવે અને જો તીર સફેદ રંગની રિંગનાં એરિયામાં જાય તો સ્કોર ૨ કે ૧ આવે. અને જો તીર આ ટાર્ગેટ બોર્ડની બહાર જાય તો સ્કોર ૦ થાય.

તીરંદાજી રમતમાં બે પ્રકારની સ્કોરિંગ સિસ્ટમ હોય છે: ૧) ૫ ઝોન અને ૨) ૧૦ ઝોન.

૧) ૫ ઝોન :- ૫ ઝોન સ્કોરિંગ સિસ્ટમમાં લક્ષ્યને પાંચ અલગ અલગ રંગીન ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવે છે, તીરનાં નિશાનનાં સ્તર મુજબ સ્કોર આપવામાં આવે છે. જીએનએએસ રાઉન્ડમાં આ પદ્ધતિનું પાલન કરવામાં આવે છે અને અંતરને ગજમાં આપવામાં આવે છે. અહીં સ્કોર ૧થી ૫ નંબરની અંદર આપવામાં આવે છે.

૨) ૧૦ ઝોન:- ૧૦ ઝોન સ્કોરિંગ સિસ્ટમમાં લક્ષ્યને ૧૦ ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે : આંતરિક રિંગ અને બાહ્ય રિંગ. વિશ્વસ્તરની ટૂર્નામેન્ટ્સમાં ૧૦ ઝોનવાળી સ્કોરિંગ સિસ્ટમનું પાલન કરવામાં આવે છે.

તીરંદાજ રમત વ્યક્તિગત અને ટીમ એમ બે સ્વરૂપમાં રમવામાં આવે છે.

વ્યક્તિગત રીતે રમાતી તીરંદાજીની રમતમાં દરેક તીરંદાજોને વારાફરતી ૩ વાર તીર મારવાની તક મળે છે. તીર મારવા માટે ૪૦ સેકન્ડનો સમય હોય છે.

ટીમનાં સ્વરૂપમાં રમાતી તીરંદાજીમાં તીરંદાજોને ૩ ને બદલે ૬ વાર તીર મારવાની તક મળે છે. અહીં સામસામી ટીમમાં 3નાં સમૂહમાં તીર ચલાવવામાં આવે છે, અને અહીં ટોટલ ૬ તીર ચલાવાય છે. બન્ને ટીમોમાંથી હાઈએસ્ટ સ્કોર મેળવનાર ટીમને ૩ સેટ પોઈન્ટ મળે છે.

જો મેચ ટાઈ થાય તો ફરીવાર તીર ચલાવવાની તક મળે છે.

તીરંદાજી રમતનાં લાભો નીચે મુજબ છે:

૧. તીરંદાજી કોઈ પણ ઉંમરે શીખી શકાય છે. આ રમત બાળકો, સ્ત્રી, પુરૂષ, વૃદ્ધો ગમે તે શીખી શકે છે.

૨. તીરંદાજી એ ફોકસ, એક્યુરેસી અને કંટ્રોલની રમત છે.

૩. એકાગ્રતા વધારે છે.

૪. લક્ષ્ય પર નિશાન લગાવવાથી આત્મ વિશ્વાસ વધે છે.

૫. આંખોને સારો વ્યાયામ મળે છે.

૬. તે માનસિક શક્તિ તેમજ સહનશક્તિ વધારે છે.

૭. ધૈર્યનો વિકાસ થાય છે.

તીરંદાજી રમતની વિશેષ બાબતો નીચે મુજબ છે:

  • ધનુષ બાણની એક વિશેષતા એ હતી કે તેનો ઉપયોગ ચતુરંગિણી સેનાનાં ચારેય અંગો કરી શક્તા હતાં.
  • પ્રાચીન તીરંદાજી રમતમાં ભારતમાં ધનુષની દોરી ખભા સુધી અને યુનાનમાં છાતી સુધી ખેંચવામાં આવતી.
  • તીરંદાજીનો અભ્યાસ ૬૦,૦૦૦ કરતાં પણ વધારે વર્ષોથી કરવામાં આવે છે.
  • ધનુષ-બાણોનો સૌપ્રથમવાર જ્ઞાત ઉપયોગ ૨૩૪૦ બી.સી.માં બેબીલોનિયો દ્વારા કરવામાં આવ્યો હતો.
  • મિસ્ર અને ન્યુબિયનની સંસ્કૃતિમાં તીરંદાજીનો ઉપયોગ શિકાર તેમજ યુદ્ધ માટે થતો હતો. (સમય – ૧૦,૦૦૦ બી.સી)
  • દક્ષિણ આફ્રિકા સ્થિત સિબુધુની ગુફાઓમાં પણ ત્યાંના હાડકાં અને પથ્થરોમાં તીરનાં નિશાનો જોવા મળ્યા હતાં. આ ખોજ લગભગ ૭૨ હજાર વર્ષ પહેલાનીંહતી.
  • તીરંદાજી રમત શરૂઆતથી જ ઓલિમ્પિક માં શામેલ થયેલ હતી. સન્ – ૧૯૦૦માં ગ્રીષ્મકાલીન ઓલંમ્પિકમાં તીરંદાજી રમતની શરૂઆત થઈ હતી. એ સમય લક્ષ્યનાં રૂપમાં જીવતા કબૂતરોનો ઉપયોગ થતો.
  • ૧૯૦૪ માં યોજાયેલ ઓલિમ્પિકમાં તીરંદાજીની રમતમાં માત્ર મહિલાઓની જ હતી.
  • તીરંદાજી એ ભુતાનની રાષ્ટ્રીય રમત છે.
  • અર્જુનનાં ધનુષનું નામ ગાંડીવ હતુ, તેમ પ્રભુ શ્રી રામ પાસે ‘કોદંડ’ ધનુષ હતું, શ્રી કૃષ્ણ પાસે ‘શારંગ’, મહાદેવ પાસે ‘પિનાક’, વિષ્ણુ ભગવાન પાસે ‘શારંગ’, ‘અજગવ’અને ‘વૈષ્ણવ’ નામક અને કર્ણ પાસે ‘વિજય’ ધનુષ હતું.
  • કૌટિલ્યે ધનુષનાં ૪ પ્રકારો પાડ્યા છે : કાર્મુક (પાણાઈથી બનેલ), કોદંડ (વાંસથી બનેલ), દ્રુણ (લાકડાંમાંથી બનેલ) અને હાડકાં તેમજ શીંગડામાંથી બનેલ.
  • તીરંદાજી રમતનું વિશ્વ સ્તરનું મુખ્યાલય ‘વર્લ્ડ આર્ચરી’ ની સ્થાપના ૪ સપ્ટેમ્બર, ૧૯૩૧માં પોલેંડનાં વોવ (LWOW) ખાતે થઈ હતી. વોવ આજે ઉક્રેઈન દેશનાં વિસ્તારમાં આવે છે, જે આજે વિવ (LVIV) તરીકે ઓળખાય છે. શરૂઆતમાં આ સંસ્થાનું નામ FITA (Federation International de Tir al Arc) હતું. આ સંસ્થાનું મિશમ આર્ચરી રમતને વિશ્વ સ્તરે પ્રમોટ કરવાનું અને ડેવલપ કરવાનું છે. વર્ષ – ૨૦૧૧ માં આ સંસ્થાનું નામ ઓફિશિયલી રીતે FITA માંથી World Archery કરવામાં આવ્યું હતું.
  • તીરંદાજી રમતમાં આપણા ભારતની દિપીકાકુમારી શ્રેષ્ઠ તીરંદાજ છે.
  • તો આ વાત હતી, નિશાનબાજ તીરંદાજીની. એક એવી રમત જે આપણને ધૈર્યવાન તેમજ માનસિક રીતે મજબૂત બનાવે છે.
“નિશાન ચૂક માફ, નહીં માફ નીચુ નિશાન.” - કવિ બ. ક. ઠાકોર
Discus