આ લેખમાં વાત કરીશું, અમેરિકાનાં એક એવી નામચિહ્ન વ્યક્તિની જેમણે અમેરિકાને સંપૂર્ણપણે આઝાદ કરવા માટે અતિ મહત્ત્વની અને બહુમુખીય ભૂમિકા ભજવી હતી. તેમનું વ્યક્તિત્વ લીયોનાર્દો – દ – વિંચી જેવું જ મલ્ટીપલ પર્સનાલિટી ધરાવતુ અને મલ્ટીટેલેન્ટેડ હતું. તેમના અમેરિકા પ્રત્યેનાં બહુમૂલ્ય યોગદાન બદલ તેમની તસ્વીર ૧૦૦ ડોલરની નોટ પર છાપવામાં આવી હતી. આ વ્યક્તિએ સાહિત્ય, વિજ્ઞાન, પ્રિંટીંગ તેમજ જાહેર સાહસોની સેવાની બાબતમાં ઘણુ અભૂતપૂર્વ કાર્ય કર્યુ હતુ, જેની નોંધ આજ પર્યંત લેવામાં આવે છે. તેમનો એક અદ્વિતીય પ્રયોગ – આસમાનમાં પતંગ ઉડાડીને વીજળી ઉત્પન્ન કરવાનો પ્રયોગ દુનિયાભરમાં પ્રખ્યાત થયો હતો. આપણે વાત કરીશું – બેન્જામિન ફ્રેન્કલિનનાં જીવન, સંઘર્ષ, વૈજ્ઞાનિક શોધો તેમજ અમેરિકાની આઝાદીમાં ભજવેલી નોંધનીય ભૂમિકા વિશે.
બેન્જામિન ફ્રેંકલિન એ લેખક, ચિત્રકાર, પબ્લિશર, વૈજ્ઞાનિક, ફિલોસોફર, રાજનેતા, સમાજસુધારક હતા. અમેરિકાની આઝાદી માટે તેમણે ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા બદલ, તેમને અમેરિકાનાં ‘ફાધર ઑફ ફાઉન્ડેશન’ પણ કહેવામાં આવે છે. તેઓ તેમના નિક નેમ “બેન ફ્રેંકલિન” થી પણ ઓળખાય છે. તેમનુ ઉપનામ ‘રિચાર્ડ સોન્ડર્સ’ પણ છે. બેંજામિન ફ્રેંકલિનનો જન્મ ૧૭ જાન્યુઆરી, ૧૭૦૬નાં રોજ અમેરિકાનાં મેસાચુસેટ્સ રાજ્યનાં બોસ્ટન શહેરમાં થયો હતો. તેઓ સાબુ અને મીણબત્તીનો વ્યવસાય કરનાર એક વેપારીનાં પુત્ર હતાં. તેઓ પિતા જોસીયાની બીજી પત્ની અબિયાહ ફોલ્ગરનાં પુત્ર હતાં. તેઓ તેમના પિતાનાં ૧૭ સંતાનોમાંથી ૧૦મા સંતાન હતાં. નાનપણથી જ ફ્રેંકલિને ભયંકર ગરીબીનો સામનો કર્યો હતો. ફ્રેંકલિનનાં પિતા એવું ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ચર્ચનો પાદરી બને, પરંતુ પૈસાની ખેંચને કારણે તેઓ માત્ર બે વર્ષ સુધી શાળાએ ભણવા મોકલવા સક્ષમ હતાં. આથી ફ્રેંકલિનનું મોટા ભાગનું શિક્ષણ ઘરે બેઠા પુસ્તકો વાંચીને જ પૂર્ણ થયું હતું. ૧૦ વર્ષની ઉંમરથી જ તેમનું ભણતર છૂટી ગયું હતું, તેઓ પિતાનાં વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. બાર વર્ષની ઉંમરે તેઓ તેના મોટાભાઈ જેમ્સનાં પ્રિન્ટિંગ વ્યવસાયમાં એપ્રેન્ટીસ તરીકે જોડાયા. જેથી ભાઈને કામમાં મદદ પણ થાય અને શીખવા મળે. ભાઈ સાથે રહીને તેમણે પ્રિન્ટિંગનાં ધંધામાં ઘણી નિપુણતા મેળવી, જેનો ગર્વ તેમને જીવનપર્યંત રહ્યો હતો. આ સાથે તેમણે અથાગ વાંચન અને અસરકારક લેખન પણ કર્યું હતુ. ફ્રેંકલિનને નાનપણથી જ સાહિત્યમાં ઘણો ઊંડો રસ હતો. તેમનો પહેલો રસ કવિતા લખવા તરફ જ હતો, પરંતુ યોગ્ય ગુણવત્તા ન આવતા તેમણે કવિતા લખવાનું છોડી દીધું હતું. તેમણે કવિતા છોડીને નવલકથા, લેખો લખવાનું શરૂ કર્યું હતું. યંગ ફ્રેંકલિન જોસેફ એડીસન અને સર રિચાર્ડ સ્ટીલનું પ્રખ્યાત સામયિક “ધ સ્પેકટેટર” શોધી કાઢ્યું અને તેમાંથી નિબંધો અને પત્રો લખવાની પ્રેરણા મળી હતી. આ મેગેઝિન તેમની માટે લેખનકળા સુધારવાનુ સાધન પુરવાર થયુ હતું. તેમણે અભ્યાસ અર્થે મેગેઝિનમાંના પત્રો વારંવાર વાંચ્યા, બે-ત્રણવાર લખ્યા અને તેને યાદ કરવાના પ્રયત્નો કર્યા હતાં. તેમણે જે લખ્યુ તેને પહેલા કવિતા અને પછી લેખમાં રૂપંતર કર્યું હતું. આ બાબતથી ફ્રેંકલિનને સમજાયું કે “૧૮મી સદીમાં સક્ષમ રીતે લખવુ એ એટલું દુર્લભ હતુ કે એ સમયમાં જે કોઈ પણ સારી રીતે લખતુ હોય, તો તે તરત જ બધાનું ધ્યાનાકાર્ષિત કરતુ.
વર્ષ – ૧૭૨૧માં ફ્રેંકલિને તેના મોટા ભાઈ સાથે મળીને “ધ ન્યૂ ઈંગ્લેન્ડ કોરન્ટ” નામના અખબારની શરૂઆત કરી હતી, જેમાં વાચકમિત્રોને યોગદાન આપવા માટે આવકારવામાં આવ્યા હતાં. આ અખબારમાં મિત્રો દ્વારા લખાયેલ લેખો, અભિપ્રાયનાં ટૂકડાઓ, જાહેરાતો અને જહાજનાં સમયપત્રકનાં સમાચારોને શામેલ કરવામાં આવતા. ફ્રેંકલિન પણ આ પેપર માટે લખવા માંગતા હતા, પરંતુ તેને ખબર હતી કે ભાઈ, આ કરવા નહીં દે. એટલા માટે તેમણે વર્ષ – ૧૭૨૨ માં “સાઈલેન્સ ડોગૂડ” નાં શીર્ષક હેઠળ ૧૪ નિબંધોની શ્રેણી લખવાનું શરૂ કર્યું, જેમાં તેણે હાર્વર્ડ કોલેજનાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા તમામ વિષયો શામેલ કર્યા હતા from funeral eulogies to the students of harward. પોતાની નોવેલમાં એક નવયુવાનને આધેડ વયની સ્ત્રીનું વ્યક્તિત્વ ધારણ કરવું એ ખૂબ જ ચેલેંજીંગ ટાસ્ક હતો અને આખરે હોનહાર ફ્રેંકલિને એની નોવેલમાં તેના આ પાત્રને સાબિત કરી બતાવ્યુ, એ પણ ખૂબ જ સારી રીતે. આવા ઉત્કૃષ્ટ અને ગૂઢ લખાણ માટે ફ્રેંકલિનની સાથે સાથે તેના ભાઈ અને મિત્રોને પણ ખુશી થઈ અને ખાતરી થઈ ગઈ કે આવુ લખાણ ફક્ત એક વિદ્વાન અને બુદ્ધિશાળી વ્યક્તિ જ લખી શકે. ફ્રેંકલિને જે આ સ્ત્રી પાત્ર – ડોગુડ પર લખવાનું શરૂ કર્યુ હતુ, તે સ્ત્રી સલાહોથી ભરપૂર હતી અને હોશિયાર હતી. તે તેમની આસપાસ સ્ત્રીઓ સાથે જે અભદ્ર વ્યવહાર થતો, એ બાબતે તે ખૂબ જ ટીકા કરતી હતી. ફ્રેંકલિન આ બધુ લખાણ રાત્રે કરતા તેમજ હંમેશા તેને દુકાનનાં દરવાજાની નીચે છૂપાવીને રાખતા, જેથી મોટાભાઈ કે કોઈને ખબર ન પડે કે કોણ લખે છે ? વાર્તામાં પોતાનું પાત્ર એ રીતે આલેખ્યુ હતું કે લોકોને જાણવાની આતુરતા થઈ ગઈ હતી કે હકિકતમાં આ સાયલેંસ ડોગુડ છે કોણ ? તેમણે ૧૪ નિબંધો લખ્યા પછી જાહેર કર્યુ કે આ નોવેલ એમણે લખી હતી. આવુ રસપ્રદ લખાણ વાંચીને બેન (ફ્રેંકલિન)નાં મિત્રોને પણ ખ્યાલ આવી ગયો હતો કે આવુ લખાણ બેન જ લખી શકે. ફ્રેન્કલિનનાં વખાણ થતાં ત્યારે ઈર્ષ્યાવશ મોટાભાઈ જેમ્સ તેને ખીજાતા, મારતા. વર્ષ – ૧૭૨૨નાં અંતમાં તેમનું “ધ ન્યૂ ઈંગ્લેન્ડ કોરંટ” - મેગેઝિન કોઈ વિવાદમાં ફસાતા બન્ને ભાઈઓ વચ્ચે તિરાડ પડી જાય છે. આ વિવાદને લીધે બન્ને ભાઈઓને જેલ જવુ પડ્યુ હતુ, પરંતુ ફ્રેંકલિનને કેટલાંક મુદ્દાઓ માટે (પત્રો લખવા) વહેલા છોડી દિધા હતા, જ્યારે મોટાભાઇને વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ મોટાભાઈ જેમ્સને ફ્રેંકલિનનાં પત્રો લખવાનાં કામથી અણગમો થવા માંડ્યો હતો, તેઓ ફ્રેંકલિનને સતત ખીજાતા, મારતા. આથી કંટાળીને ફ્રેંકલિને ન્યૂયોર્ક ભાગી જવાનું નક્કી કર્યું, આ સમય હતો વર્ષ – ૧૭૨૩.
તેઓ બોસ્ટનથી ભાગીને ન્યૂયોર્ક શહેરમાં આવ્યા અને કામની તલાશમાં થોડોક સમય આમતેમ ભટક્યાં. પરંતુ કામ ન મળતાં તેઓ ન્યૂ જર્સી થઈને ફિલાડેલ્ફિયા પહોંચ્યા. તેમની પાસે જે થોડાક પૈસા હતા, એ પૈસાનાં બ્રેડરોલ ખરીદ્યા. તે દિવસ ૬ ઓક્ટોબર, ૧૭૨૩નાં રોજ તેઓ પહેલી વખત પોતાની ભાવિ પત્ની ડેબોરાહ રીડને મળ્યા હતા. એ સમયે આમતેમ ભટકીને ફ્રેંકલિનનો દેખાવ ભીનેવાન, વિખરાયેલા અને અવ્યવસ્થિત હતો. પહેલી નજરમાં તો ડેબોરાહ રીડને ફ્રેંકલિન વિચિત્ર જ લાગ્યા હતા, પરંતુ તેણીએ વિચાર્યુનહોતું કે સાત વર્ષ પછી આ જ વ્યક્તિ જોડે એના લગ્ન થશે. આખરે ફ્રેંકલિનને ફિલાડેલ્ફિયામાં એપ્રેન્ટીસ પ્રિન્ટર તરીકે એક દુકાનમાં નોકરી મળી ગઈ. અહીં તેઓ રીડ પરિવારનાં ઘરે એટલે કે ડેબોરાહનાં ઘરે રહેતાં. આ સમય દરમિયાન ડેબોરાહે ફ્રેંકલિન સાથે લગ્ન અંગેની વાતચીત કરી હતી, પરંતુ ત્યારે ફ્રેંકલિન લગ્ન માટે તૈયાર નહોતા. ત્યાંની સરકારને ફ્રેંકલિનનું એપ્રેન્ટીસ પ્રિન્ટર તરીકેનું કામ એટલું સરસ ગમી ગયું કે તે લોકોએ ફ્રેંકલિનને પ્રિન્ટિંગ વ્યવસાયની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું. પરંતુ આ માટે ફ્રેંકલિનને પ્રિન્ટિંગ માટેના ફોંટ્સ અને સાધનો લંડનથી લાવવાના હતા, આથી તેઓ લંડન ગયા. લંડન તો ગયા પણ સરકારે એનાં વચન પ્રમાણે કંઈ વ્યવસ્થા ન કરી આપી, અને નાછૂટકે તેમને પ્રિન્ટિંગ ફોંટ્સ માટે ત્યાં રહેવુ પડ્યું. આખરે તેઓ કંટાળીને ફિલાડેલ્ફિયા પરત ફર્યા. હવે જ્યારે ફ્રેંકલિન ડેબોરાહ સાથેનાં લગ્ન માટે તૈયાર હતા, ત્યારે ડેબોરાહનાં લગ્ન બીજા કોઈક સાથે થઈ ગયા હતાં. ફિલાડેલ્ફિયા આવેની તેઓ જ્યાં પહેલા નોકરી કરતા એ જ દુકાને નોકરી માટે ગયા, પરંતુ ત્યાં બહુ વધારે વખત ન રહ્યાં. તેમણે પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરવાનું નક્કી કર્યુ. તેઓ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રિન્ટર હતા. પ્રિન્ટિંગ વ્યવસાય તેમજ કામની બાબતમાં એમનુ ખાસુ એવુ નામ હતુ, એટલે એમના માટે માર્કેટમાં પોતાનું નેટવર્ક વધારવું બહુ જ આસાન હતુ. ઈ.સ. ૧૭૨૪ માં તેમણે વાંચન રસિક મિત્રોનું ગૃપ બનાવ્યું, જે સાહિત્યને લગતી બુકો એક્ઠી કરીને બીજા લોકોને વાંચવા આપતા. આ સમય દરમિયાન પેન્સિલવેનિયા ગવર્નર સર વિલિયમ કીથ દ્વારા ફ્રેંકલિનને પોતાનો પ્રિન્ટિંગ બિઝનેસ શરૂ કરવાની વિનંતી કરી. ધંધો શરૂ કરવા માટે પૂરતી મૂડી એક્ઠી કરવા તેઓ બોસ્ટન ગયા,પરંતુ ત્યાં પિતાજીએ આવુ જોખમ લેવાની ના પાડતા, મૂડી વ્યવસ્થાની પણ સંપૂર્ણ જવાબદારી કિથે લીધી. આ માટે ગવર્નર સાહેબે ફ્રેંકલિનને ઈંગ્લેંડ જવા માટેની વ્યવસ્થા કરી આપી, ત્યાં જઈને તેઓ પ્રિન્ટિંગ વ્યવસાયનો પ્રકાર, સ્ટેશનર્સ લોકો. ગ્રાફિક્સ ડિઝાઈનર (ફોન્ટ માટે) તેમજ પુસ્તક વિક્રેતાઓનો સંપર્ક કરી શકે. ફ્રેંકલિને દિવસ-રાત અથાક મહેનત કરી, જેની નોંધ ફિલાડેલ્ફિયાનાં નાગરિકોએ તેમજ ત્યાંના ઉદ્યોગપતિઓએ લીધી. ટૂંક સમયમાં જ તેમને લંડનથી પ્રિન્ટિંગ માટેના સરકારી કોન્ટ્રાક્ટ મળવાના ચાલુ થઈ ગયા અને તેનો ધંધો પ્રગતિનાં પંથે વધવા માંડ્યો.
વર્ષ – ૧૭૩૦ માં તેમના લગ્ન ડેબોરાહ રીડ જોડે થયા, કારણ કે ડેબોરાહનાં પતિ ભાગી ગયા હતા અને હવે તેઓ એકલા હોવાથી ફ્રેંકલિન જોડે લગ્ન કરવા સક્ષમ હતાં. ફ્રેંકલિન પોતાની પ્રિન્ટિંગ શોપની સાથે સાથે તેઓ એક જનરલ સ્ટોર પણ ચલાવતા હતા, જ્યાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુ (સાબુથી લઈને ફેબ્રિક) ઓ મળતી. આ સાથે તેઓ બુક સ્ટોર પણ ચલાવતા, જ્યાં વાજબીભાવે પુસ્તકો મળતા. તેમના પત્ની ડેબોરાહ પણ તેઓને દુકાન ચલાવવામાં મદદ કરતા હતા. ૧૭૨૩માં તેમણે ‘પેન્સિલવેનિયા ગેજેટ’ નામનું અખબાર ખરીદ્યુ અને તેમાંથી અમુક ઉપનામોનાં શીર્ષકવાળા ટૂકડાઓ પોતાના છાપામાં છાપતા. ટૂંક સમયમાં જ તેમનું અખબાર ત્યાંની કૉલોનીમાં પ્રખ્યાત થઈ ગયુ હતું. આ અખબારમાં ફ્રેંકલિન દ્વારા દોરાયેલા સૌપ્રથમ પોલિટિકલ કાર્ટૂન છાપવામાં આવ્યા હતાં.
વર્ષ – ૧૭૨૦ થી ૧૭૩૦ દરમિયાન, ફ્રેંકલિને જાહેર જનતા માટે ઘણાં સેવાકીય કાર્યો કર્યા હતાં. તેમણે ‘જુન્ટો’ નામનું યુવા- કામદારનું ગૃપ બનાવ્યુ, જે સ્વ અને નાગરિક માટે સમર્પિત હોય. તે કડીયા-કારીગરો સાથે પણ જોડાયા. તે સામાજીક રીતે વ્યસ્ત માણસ હતા પરંતુ પોતાના ધંધામાં પણ તેઓ સફળ થયા હતા. વર્ષ – ૧૭૩૩ માં તેમણે “પુઅર રિચાર્ડ્સ અલ્માનેક” નામનું અખબાર પ્રકાશિત કરવાનું શરૂ કર્યુ હતુ. તે સમયમાં એ વાર્ષિક ધોરણે છાપવામાં આવતુ હતુ અને તેમા વાનગીઓ, હવામાનની આગાહીઓ તેમજ homilies (ધાર્મિક વક્તવ્ય કે ગીત) જેવી બાબતો છાપવામાં આવતી હતી. ફ્રેંકલિને તેનુ પંચાંગ (almanac) શરૂ કર્યુ હતુ, જે એક ગરીબ માણસ હોય છે જેને પોતાની carping wife ની સારસંભાળ માટે પૈસાની જરૂર હોય છે. ફ્રેંકલિનનું પંચાંગ તેનાં વિનોદી aphorisms અને જીવંત લખાણને લીધે બધાથી અલગ પડતુ હતું. એ સમયમાં ફિલાડેલ્ફિયા વાસીઓ માટે આગ ખુબ જ ખતરનાક હતી, કારણ કે એ સમયમાં એની માટે કોઈ ચોક્કસ નિવારણ નહોતુ. ત્યારે ફ્રેંકલિને આ સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ હાથ ધર્યુ, તેમણે સન્ – ૧૭૩૬ માં ફિલાડેલ્ફિયામાં સૌપ્રથમ “યુનિયન ફાયર કંપની” નામક ફાયર કંપની સ્થાપી. તેમણે એક કહેવત પણ આપી હતી જે અગ્નિશામક સલાહ હતી – An ounce of prevention is worth a pound of cure. જેમના ઘરે આગ લાગવાથી નુકસાન થયુ હોય, તેની નુકસાનીનું વળતર મળે એવી વ્યવસ્થા નહોતી, એટલા માટે વર્ષ-૧૭૫૨માં ફ્રેંકલિને આગ લાગવાથી થયેલ નુકસાનની ભરપાઈ માટે સૌપ્રથમવાર વીમાની વ્યવસ્થા કરી, જેનું ફંડ ફિલાડેલ્ફિયા કન્ટ્રીબ્યુશન દ્વારા પુરૂ પાડવામાં આવતું. આ સુવિધાને લીધે વીમા પોલીસી ધારકોને આર્થિક રીતે કોઈ તકલીફ નહોતી પડી. આગ વીમા પોલીસી આજે પણ દરેક કોર્પોરેટ, સરકારી તેમજ અન્ય પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતા લોકોને આપવામાં આવે છે.
ફ્રેંકલિને વર્ષ – ૧૭૩૦ થી ૧૭૪૦ દરમિયાન પણ પોતાની નાગરિક સેવા યથાવત્ રાખી હતી. તેણે ફિલાડેલ્ફિયાની શેરીઓ પહોળી કરવી, સાફ સફાઈ કરવી વગેરે પ્રોજેક્ટ શરૂ કર્યા. તેમણે પર્યાવરણીય સફાઈ માટે આંદોલન શરૂ કર્યું. આ યુગમાં ફ્રેંકલિનની મુખ્ય સિદ્ધીઓ પૈકી વર્ષ – ૧૭૩૧ માં શરૂ કરેલી લાઈબ્રેરી કંપની હતી. આ સમય દરમિયાન પુસ્તકો મળવા બહુ દુર્લભ હતા અને મોંઘા પણ હતા. આ માટે બધા જ સભ્યોએ ભેગા મળીને ઈંગ્લેંડમાંથી પુસ્તકો મંગાવવાના હતા, જેની માન્યતા ફ્રેન્કલિને આપી હતી. આમ, આ રીતે દેશની સૌપ્રથમ સબ્સક્રિપ્શન લાઈબ્રેરીનો જન્મ થયો. સન્ – ૧૭૪૩ માં તેમણે અમેરિકન ફિલોસોફિકલ સોસાયટી શરૂ કરવામાં મદદ કરી જે અમેરિકાનું સૌપ્રથમ વિદ્વાન સમાજનું ગૃપ હતું. શહેરમાં બીમારોની સારવાર માટે વધુ સવલતની જરૂર હોવાથી, વર્ષ – ૧૭૫૧ માં એક ગૃપ સાથે મળીને તેમણે પેન્સિલવેનિયા હોસ્પિટલની સ્થાપના કરી હતી. તેમના દ્વારા સ્થાપિત લાઈબ્રેરી કંપની, ફિલોસોફિકલ સોસાયટી અને પેન્સિલવેનિયા હોસ્પિટલ આજે પણ અસ્તિત્વમાં છે અને કાર્યરત છે. આ દસ વર્ષનાં સમયગાળમાં તેમનો પ્રિન્ટિંગ વ્યવસાય અને સામાજિક સેવાનો કારભાર નિરંધર આગળ વધતો રહ્યો અને સમૃદ્ધ બનતો ગયો. તેમણે પોતાના બિઝનેસની ફ્રેંચાઈઝી અન્ય શહેરોમાં પણ આપવાનું શરૂ કર્યું હતું. વર્ષ – ૧૭૪૯ માં તેમણે વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને હવે વિજ્ઞાન ક્ષેત્ર તરફ વળ્યાં. તેમનો હંમેશા સમાજસેવાનો અને લોકોનાં હિતકાર્યનો હેતુ રહ્યો છે. તેઓ એવી વસ્તુઓ શોધવા માંગતા હતા, જે લોકોને રોજબરોજની જીંદગીમાં ઉપયોગી થાય તેમજ સરળ રીતે મળી રહે. આ માટે તેમણે વિજ્ઞાનનાં પ્રયોગો અને સંશોધનો પર ધ્યાન કેંદ્રિત કરવાનું શરૂ કર્યું. વર્ષ – ૧૭૪૩માં તેમણે એક ગરમ કાર્યક્ષમ ચુલો (heat efficient stove) ની શોધ કરી હતી, જે “ફ્રેંકલિન સ્ટવ” તરીકે ઓળખાતો. અમેરિકામાં ભારે હિમવર્ષા વખતે આ સ્ટવ આખા ઘરને હૂંફાળુ (ગરમ) રાખવામાં મદદ કરતો. આ સ્ટવ સમાજનાં લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હોવાથી, ફ્રેંકલિને તેની આ શોધને પેટન્ટ કરવી નહોતી. તેઓ ઈચ્છતા હતા કે એના દ્વારા શોધાયેલી વસ્તુઓ દરેક માટે ઉપયોગી નીવડે. સ્ટવ સિવાય પણ તેમણે જેટલી વસ્તુઓની શોધ કરી તે બધી પેટન્ટ ફ્રી હતી. સ્ટવ સિવાય તેમણે સ્વિમીંગ ફિન્સ, ગ્લાસ આર્મેનિકા, બાયોફોકલ્સ વગેરેની શોધ કરી હતી. સ્વિમીંગ ફિંસની મદદથી સ્વિમર આસાનાથી દરિયામાં ડૂબકી મારીને માછલીની જેમ તરી શકે છે. બાયફોકલ્સ એ એવા પ્રકારનાં ચશ્મા હતાં, જેમાં વ્યક્તિને દૂર અને નજીક બન્નેનું દેખાતું. ફ્રેંકલિનને દૂર અને નજીક એમ બન્નેનાં ચશ્મા હતા, આથી વાંચવા-લખવામાં તકલીફ પડતી હોવાથી તેમણે એવા ચશ્મા બનાવ્યા, જેમાં દૂર અને નજીક એમ બન્નેના લેન્સ હોય. ગ્લાસ આર્મેનિકા એ એક પ્રકારનું વાજિંત્ર હતું, જેમાં ચડતા – ઉતરતા ક્રમમાં કાચ ગોઠવેલા હોય. આ વાજિંત્ર સામાન્ય રીતે કોઈ ડીનર પાર્ટીમાં વગાડવામાં આવતું. ૧૭૫૦ નાં દાયકાની શરૂઆતમાં તેઓ વિજળી પ્રયોગનાં અભ્યાસ તરફ વળ્યાં. આ પ્રયોગને લીધે તેઓ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા હતાં. તેમણે વિજળીનાં અભ્યાસ માટે આકાશમાં પતંગ ચગાવી હતી. વિજળીનો કરંટ પ્રત્યક્ષ રીતે પતંગની દોરી સાથે પકડાઈ ગયો હતો. આ પ્રયોગ અકાશમાં થતી વિજળી અને ઈલેક્ટ્રોનિક વિજળીની ચકાસણી કરતું હતું.
૧૭૫૦નાં દાયકામાં તેઓએ રાજકારણ ક્ષેત્રમાં જંપલાવ્યું. તેઓ રાજકારણ તરફ વધુ સક્રીય રસ ધરાવતાં થયા. વર્ષ -૧૭૫૭માં પેંસિલવેનિયાની કોલોનીનું પ્રતિનિધિત્વ કરવા અંગે પેન પરિવારનાં વંશજોની લડાઈનાં તેઓ પેન્સિલવેનિયાનું પ્રતિનિધિત્વ કરવા ઈંગ્લેન્ડ ગયા હતા. તેઓ માત્ર પેન્સિલવેનિયા જ નહીં પરંતુ જ્યોર્જિયા, ન્યૂજર્સી અને મેસાચુસેટ્સ રાજ્યનાં કોલોનિયન પ્રતિનિધિ તરીકે વર્ષ- ૧૭૭૫ સુધી ઈંગ્લેન્ડ રહ્યા હતા. ઈંગ્લેંડમાં શરૂઆતનાં સમયમાં, ફ્રેંકલિન પોતાને એક વફાદાર અંગ્રેજ માનતા હતા. તેમણે જોયુ કે ઈંગ્લેંડ પાસે ઘણી બધી સુવિધાઓ હતી,જેની સરખામણીએ અમેરિકામાં આ સુવિધાઓનો અભાવ હતો. ઈંગ્લેન્ડની તુલનાએ અમેરિકામાં ઉત્તમચિંતકો, થિયેટર, વિનોદી વાર્તાલાપો વગેરેનો અભાવ હતો. તેણે તેની પત્નિ ડેબોરાહને પણ ઈંગ્લેન્ડ રહેવા આવવા માટે કહ્યું હતુ, પરંતુ તેણી વહાણની મુસાફરી કરતા ડરતા હતા એટલે તેઓ પેન્સિલવેનિયા જ રહ્યા. વર્ષ- ૧૭૬૫ માં અમેરિકામાં થયેલા “સ્ટેમ્પ એક્ટ”નાં વિરોધ પ્રદર્શનથી ફ્રેંકલિન ઘણાં અચમ્બિત થયા હતાં. તેમણે કાયદો રદ કરવા માટે સભ્યોને આ અંગે પ્રસ્તાવના સમજાવવામાં તેમજ તેને સંસદ સમક્ષ રજૂ કરવામાં મદદ કરી હતી. આ પરથી તેમને વિચાર આવ્યો કે, શું અમેરિકાએ ઈંગ્લેન્ડથી છૂટકારો મેળવવો જોઈએ ? ઈંગ્લેન્ડમાં ફ્રેંકલિનનાં ઘણાં મિત્રો હોવા છતાં પણ તેઓ ત્યાંના રાજકારણ અને રાજાશાહી જૂથોનાં ભ્રષ્ટાચારોથી ત્રસ્ત થઈ ગયા હતાં. ફ્રેંકલિને સન્ – ૧૭૫૪માં સંયુક્ત વસાહતો બનાવવા માટેની યોજનાની દરખાસ્ત મુકી હતી, જેની પર હવે તેઓ નિષ્ઠાપૂર્વક કામ કરશે. ફ્રેંકલિનનો ઈંગ્લેન્ડ સાથેનો નાતો “હચિન્સન અફેર” માં જ પૂર્ણ થઈ ગયો હતો. થોમસ હચિન્સન એ અંગ્રેજ દ્વારા નિયુક્ત મેસાચુસેટ્સનાં ગવર્નર હતાં. તેઓ માત્ર દેખાવ પૂરતા જ ઈંગ્લેન્ડ સામેની ફરિયાદોમાં મેસાચુસેટ્સનાં લોકોનો પક્ષ લેતા, વાસ્તવમાં તેઓ રાજા માટે કામ કરતા હતાં. આ અંગેનાં કેટલાકપત્રો ફ્રેંકલિન પાસે હતા, જેને ફ્રેંકલિને અમેરિકા મોકલ્યા હતા. આ ઘટનાથી ત્યાંની મોટાભાગની વસ્તી રોષે ભરાઈ ગઈ હતી. આ માટે તેમને વ્હાઈટ હાઉસ બોલાવવામાં આવ્યા હતા અને તેની જાહેરમાં નિંદા કરવામાં આવી હતી.
તેમ છતાં પણ તેમણે અમેરિકાની સ્વતંત્રતા માટે સક્રિયપણે કામ કરવાનું શરૂ કર્યુ. તેણે વિચાર્યુ કે તેનો પુત્ર વિલિયમ, જે હવે ન્યૂજર્સીનો રોયલ ગવર્નર હતો તે તેના વિચારોથી સહમત થશે પરંતુ એવું થયુ નહીં. વિલિયમ એક વફાદાર અંગ્રેજ ઓફિસર રહ્યો. આ ઘટનાથી પિતા અને પુત્ર વચ્ચે અણબનાવ થઈ ગયો હતો જે મૃત્યુ પર્યંત રહ્યો હતો. ફ્રેંકલિન “સેકંડ કોંટિનેંટલ કોંગ્રેસ” માટે ચૂંટાયા હતા. તેમણે પાંચસભ્યોની સમિતિ પર કામ કર્યુ હતું. આ ઉપરાંત તેમણે અમેરિકાની સ્વતંત્રતા માટેની ઘોષણાનો મુસદ્દો તૈયાર કરવામાં પણ મદદ કરી હતી. વર્ષ- ૧૭૭૬માં ફ્રેંકલિને ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારબાદ લુઈસ સોળમાંની કોર્ટમાં રાજદૂત તરીકે ફ્રાંસ ગયા હતાં. ફ્રેંચ લોકો ફ્રેંકલિનને બહુ જ આદરણીય માનતા, એ લોકોનાં મતે, ફ્રેંકલિન એ માણસ હતા જેમણે વીજળીને કાબૂ કરી હતી. એક એવા અમેરિકન જેમણે બેકવુડ્સમેનની જેમ પોશાક પહેર્યો હતો, પરંતુ તે વિશ્વનાં કોઈ પણ બુદ્ધિમાન માટે મેચ હતો. તેઓ ફ્રેંચ પણ સારી બોલતા હતા ; મહિલાઓમાં તેઓ મનપસંદ હતા. થોડાક વર્ષો પછી પત્ની ડેબોરાહનું અવસાન થતાં, ફ્રેંકલિન સાવ એકલા થઈ ગયા હતાં. ફ્રેંકલિનની લોકપ્રિયતા દ્વારા, ફ્રાંસ સરકારે વર્ષ – ૧૭૭૮માં અમેરિકનો સાથેનાં જોડાણની સંધિ પર હસ્તાક્ષર કર્યા. આ મુદ્દા પર ફ્રેંકલિને પણ ફ્રેંચ લોકોને વિશ્વાસમાં લીધા. અમેરિકનોએ ક્રાંતિ જીતી લીધા પછી, ફ્રેન્કલિને વર્ષ – ૧૭૮૩માં પેરીસની સંધિ પર સહી કરવાનું કામ હાથ ધર્યુ હતું.
હવે, સિત્તેરનાં દાયકાનાં અંતમાં તેઓ અમેરિકા પાછા ફરે છે. તેમને પેન્સિલવેનિયાની એક્ઝિક્યુટીવ કાઉન્સિલનાં પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમણે અમેરિકાનાં બંધારણીય સંમેલનમાં પ્રતિનિધિ તરીકે પણ નોંધનીય સેવા આપી તેમજ તેના પર હસ્તાક્ષર કર્યાં હતા. તેમનો છેલ્લા જાહેર કાયદાઓ પૈકી એક કાયદો “ગુલામ વિરોધી” નો કાયદો હતો, જે ૧૭૮૯માં લખાયો હતો.
૧૭ એપ્રિલ, ૧૭૯૦નાં રોજ ફ્રેંકલિનનું અવસાન થયું હતું. તેમની અંતિમ યાત્રામાં ૨૦,૦૦૦ લોકોએ હાજરી આપી હતી, જેને “સુમેળભર્યો માનવસમૂહ” કહેવામાં આવ્યો હતો. અમેરિકાની સરકારે તેમના માનમાં ચલણી નોટમાં ફ્રેંકલિનને સ્થાન આપ્યુ હતું. આજે પણ બેંજામિન ફ્રેંકલિનને તેનાં વીજળીનાં પ્રયોગ માટે યાદ કરવામાં આવે છે.
તો આ વાત હતી, અમેરિકાનાં ફાધર ઑફ ફાઉંડેશનની. જેમણે પોતાનું આખુ જીવન લોકસેવામાં વિતાવ્યુ અને પોતાના એક જીવનમાં અનેક જિંદગીઓ જીવ્યા. એક એવી બહુમુખી પ્રતિભા, જેણે એક પછી એક નવા પાત્રો ભજવ્યા અને પોતાનાં વ્યક્તિત્વને નિખાર્યું.
जो कुछ भी गुस्से में शुरू होता है,
वह शर्म पर ख़त्म होता है |
- बेंजामिन फ्रेंकलिन