Photo by Raimond Klavins on Unsplash

ધરતી પર જ્યારે જ્યારે પણ પાપીઓ અને દુરાચારીનો અત્યાચાર વધવા માંડ્યો, ત્યારે દુષ્ટોનો સંહાર કરવા અને માનવ કલ્યાણ માટે તેમજ ધર્મની સ્થાપના માટે ભગવાન વિષ્ણુએ યુગે યુગે અવતાર લીધા છે. ભગવાન વિષ્ણુને સંપૂર્ણ જગતનાં પાલનકર્તા કહ્યાં છે. સૃષ્ટિ કલ્યાણ માટે તેમણે અનેકો રાક્ષસોનો સંહાર કર્યો છે અને ધરતીને પાપોમાંથી મુક્ત કરી છે. ભગવાને તેના દરેક અવતારમાં અલગ અલગ શૈલીથી તેમજ અલગ અલગ શસ્ત્રોથી રાક્ષસોનો વધ કર્યો હતો. નૃસિંહ અવતારમાં ભગવાને તેના નખો વડે હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, પરશુરામ અવતાર વખતે પોતાના "પરશુ" શસ્ત્ર વડે ક્ષત્રિયોનો નાશ કર્યો હતો, રામ અવતાર વખતે ધનુષ - બાણ અને કૃષ્ણાવતાર વખતે સુદર્શન વડે દુષ્ટોનો સંહાર કર્યો હતો. આજે આપણે વાત કરવાની છે - ભગવાન વિષ્ણુનાં ચાર આયુધોની. ભગવાન વિષ્ણુની ચાર ભુજાઓમાં જે આયુધો (શંખ, ચક્ર, ગદા અને પદ્મ) છે, એ જ આયુધો ભગવાને તેનાં કૃષ્ણાવતારમાં પણ ધારણ કરેલા હતા. તો આજે આ લેખમાં આ ચારેય આયુધોનો પરિચય તેમજ તેનું મહત્વ જાણીશું.

આયુધનો અર્થ યુદ્ધ માટે ઉપયોગ થનાર અસ્ત્ર અથવા શસ્ત્ર એવો થાય છે, જે ભગવાને દુષ્ટો અને અધર્મીઓનાં સંહાર કરવા માટે ધારણ કરેલાં હોય છે. આપણા તમામ હિન્દુ દેવી દેવતાઓ અલગ અલગ પ્રકારનાં આયુધો / શસ્ત્રો ધારણ કરેલાં જોવા મળે છે. જેમ કે - મહાદેવ ત્રિશૂળ સાથે, ભગવાન વિષ્ણુ સુદર્શન સાથે, બજરંગબલી હનુમાનજી ગદા સાથે વગેરે. ભગવાન વિષ્ણુનાં ચાર આયુધોની વાત કરીએ તો, એ આ મુજબ છે : શંખ, ચક્ર, ગદા અને પદ્મ (શસ્ત્ર તરીકે નહીં). ભગવાને ધારણ કરેલા આ ચારેય આયુધોનું સવિશેષ મહત્વ રહેલું છે, જે માનવકલ્યાણ અર્થનો સંદેશ પણ આપે છે. ભગવાને તેના કૃષ્ણાવતાર દરમ્યાન શંખ અને સુદર્શન ચક્રનો મહદઅંશે ઉપયોગ કર્યો હતો.

(૧) પાંચજન્ય શંખ :-

પહેલાં શંખની ઉત્પત્તિ વિશે વાત કરી લઈએ. સમુદ્રમંથન દરમિયાન માતા લક્ષ્મીની સાથે જે અમૂલ્ય નિધિઓ નીકળી હતી, તેમાંથી શંખ પણ નીકળ્યો હતો. શંખને માતા લક્ષ્મીજીનો ભાઈ ગણવામાં આવે છે. શાસ્ત્રોનુસાર, શંખમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. શંખ ત્રણ પ્રકારનાં હોય છે : દક્ષિણાવર્ત, મધ્યાવર્ત અને વામાવર્ત.

ભગવાન વિષ્ણુ તેના આઠમા અવતાર દરમ્યાન પાંચજન્ય શંખનો ઉપયોગ યુદ્ધ વખતે કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ પાસે પાંચજન્ય શંખ હતો, જેને ધર્મની ધ્વનિ પણ કહેવામાં આવે છે. પાંચજન્ય શંખને સર્વોચ્ચ શંખ માનવામાં આવે છે. મહાભારતનાં યુદ્ધમાં દરેક યોદ્ધા પાસે પોતાના શંખ હતા, જેમાંથી ભગવાન શ્રીકૃષ્ણ પાસે જે શંખ હતો, તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવતો. આ શંખ વગાડીને ભગવાને શત્રુ સેનાને ભયભીત કરી દીધી હતી. ધર્મની ધ્વનિ સાથે આ શંખને વિજયનું પ્રતીક પણ માનવામાં આવે છે અર્થાત્ જે આ શંખ ફૂંકે છે, એનો જય નિશ્ચિત હોય છે. તેને મન અને આત્માનો દ્યોતક પણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ તેને તેના ઉપલા ડાબા હાથમાં ધારણ કરેલ છે.

(૨) સુદર્શન ચક્ર :-

સુદર્શન ચક્ર સંસ્કૃત શબ્દ "સુ + દર્શન" માંથી આવેલ છે, જેનો અર્થ "શુભ દ્રષ્ટિ" થાય છે. જ્યારે ' ચક્ર ' શબ્દ અનુક્રમે સંસ્કૃત શબ્દ ' ચરૂહુ ' અને ' કૃહુ ' માંથી બનેલ છે, જેનો અર્થ અનુક્રમે “ગતિ કરવી” થાય છે. ભગવાન વિષ્ણુએ આ ચક્ર તેના ઉપલા જમણા હાથની તર્જની આંગળી પર ધારણ કરેલ છે. સુદર્શન ચક્ર ગતિશીલતા દર્શાવે છે.

સુદર્શન ચક્રને જગતનાં ઘાતક અને વિધ્વંસક અસ્ત્રોમાનું એક માનવામાં આવે છે. આ ચક્રમાં બાર આરાઓ અને છ બિંદુઓ (નાભી) આવેલ છે, જેમાં બાર આરાઓ બાર મહિનાઓ તેમજ બાર દેવો દર્શાવે છે અને બિંદુઓ છ ઋતુઓને દર્શાવે છે, એટલા માટે જ તેને સમયચક્ર પણ કહેવામાં આવે છે. આ ચક્રનો મધ્ય ભાગ વજ્રથી બનેલો છે.

આ ચક્ર તીવ્ર ગતિએ ગોળ ફરીને અગ્નિ ઉત્પન્ન કરનારું છે. એવું કહેવામાં આવે છે કે – પ્રતિ સેકન્ડ લાખો ચક્કર લગાવી શકે છે તેમજ આંખનાં પલકારામાં જ તે લાખો યોજન સુધી જઈ શકે છે. આને ફેંકવામાં નથી આવતું, પરંતુ યોદ્ધા દ્વારા તેની ઈચ્છાશક્તિ મુજબ શત્રુ તરફ મોકલવામાં આવે છે.

આ ચક્રનું નિર્માણ રાક્ષસોનો વિનાશ કરવા માટે કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુના કૃષ્ણાવતાર દરમ્યાન સુદર્શન ચક્રએ તેના સંપૂર્ણ જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, લોકોની રક્ષાથી માંડીને દુષ્ટોના વધ સુધી.

સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુને મહાદેવ પાસેથી વરદાનમાં મળ્યું હતું. આ માટે ભગવાન વિષ્ણુએ ભોળાનાથની આરાધના રૂપે સહસ્ત્ર (૧૦૦૦) બ્રહ્મકમલ અર્પણ કર્યા હતા, એ સમયે મહાદેવે પણ શ્રીહરિની પરિક્ષા લેવા હેતુસર ૧ કમળ ક્યાંક છુપાવી દીધું હતું. આથી, એક કમળ ઘટતાં ભગવાન વિષ્ણુએ પોતાની આંખ કાઢીને મહાદેવને કમળનાં સ્વરૂપે અર્પણ કરી હતી. નારાયણની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે શ્રીવિષ્ણુ પાસેથી વરદાન માંગવા કહ્યું, ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વરદાનમાં માગ્યું હતું, જેનાથી રાક્ષસોનો - દુષ્ટોનો નાશ કરી શકાય. ભગવાન વિષ્ણુએ જે સ્થળે મહાદેવને આ સહસ્ત્ર કમળ ચઢાવ્યા હતા, આજે એ સ્થળ બદ્રીનાથ (બદ્રી વિશાલ) નાં નામે ઓળખાય છે.

આના સિવાય સુદર્શન ચક્રના નિર્માણ બાબતે પુરાણોમાં અન્ય કથાઓ પણ જોવા મળે છે.

(૩) કૌમુદકી ગદા :- 

 ભગવાન વિષ્ણુ પાસે જે ગદા છે, તેનું નામ કૌમુદકી ગદા છે, આ ગદા તેને અગ્નિ દેવે આપી હતી. ગદાને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, જેનો પ્રહાર ગર્જનાત્મક હોય છે. ગદાની ભયંકર ગર્જના કોઈપણ શત્રુ કે રાક્ષસનો વિનાશ કરવા સક્ષમ હોય છે. ગદાને ભગવાન વિષ્ણુની દિવ્ય શક્તિ, શારીરિક ઊર્જા તેમજ માનસિક શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. ભગવાનની અલગ અલગ અવસ્થામાં ગદાનો સંદેશ પણ અલગ હોય છે. આ ગદા ભગવાને તેના જમણા હાથમાં ધારણ કરેલ છે. ભગવાન જ્યારે શેષનાગની શૈયા પર સૂતા હોય, ત્યારે તેની બાજુમાં ગદા જોવા મળે છે, આ સમયે ગદા જ્ઞાન, બુદ્ધિ, ધ્યાન તેમજ સમયની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. વિષ્ણુપુરાણમાં ગદાને જ્ઞાનની શક્તિ તરીકે દર્શાવેલ છે. આ ઉપરાંત તે ઈશ્વરીય ન્યાયપ્રણાલી પણ દર્શાવે છે. ભગવાન વિષ્ણુ સિવાય ગદા એ શ્રી હનુમાનજી મહારાજ, પાંડવ પુત્ર - ભીમ તેમજ કૃષ્ણાવતારમાં બલરામ પાસે તેના મુખ્ય શસ્ત્ર તરીકે જોવા મળે છે.

(૪) પદ્મ (કમળ) :- 

પદ્મ એટલે કે કમળ એ સત્યતા, એકાગ્રતા અને અનાસક્તિનું પ્રતીક છે. જેમ કીચડમાં રહીને પણ કમળ સ્વયંને પવિત્ર, સુગંધિત અને નિર્લિપ્ત રાખે છે, એવી જ રીતે આ કમળ પણ સંસારની કીચડ સમાન મોહમાયાથી અલગ રહેવાનું સૂચવે છે. એટલે કે સંસારની મોહમાયા આપણી ભીંતર ન આવવા દેવી જોઈએ. કમળ - મોહમાંથી મુક્ત થઈને ઈશ્વરીય ચેતના સાથે જોડવાની શિક્ષા આપે છે. કમળના અસ્તિત્વ માટે જેમ કીચડ જરૂરી છે, એવી જ રીતે મનુષ્યના અસ્તિત્વ માટે સંસાર પણ જરૂરી છે. સંસારમાં રહીને પણ ખોટી મોહ માયાથી દૂર રહેવું અને સદાય સત્ય, પવિત્રતા તેમજ અનાસક્તિથી મહેકતું રહેવું. ભગવાન વિષ્ણુએ પવિત્ર કમળ તેના ડાબા હાથમાં ધારણ કરેલ છે.

ભારતમાં આવેલ ઓડિશા રાજ્યનાં ચાર ક્ષેત્રો ભગવાન વિષ્ણુનાં આ ચાર આયુધો ને આધારે વિભાજિત છે. જેમ કે -

  • પૂરી - શંખ ક્ષેત્ર
  • ભુવનેશ્વર - ચક્ર ક્ષેત્ર
  • જાજપુર - ગદા ક્ષેત્ર
  • કોર્ણાક - પદ્મ ક્ષેત્ર

તો આ વાત હતી, ભગવાન શ્રી વિષ્ણુના ચાર શક્તિશાળી આયુધોની, જેનો ઉપયોગ તેણે તેના દરેક અવતારમાં મહદઅંશે કર્યો છે. ધર્મની રક્ષા કાજે ધારણા કરેલા આ આયુધો, જ્ઞાનની દિશા પણ એટલી જ બતાવે છે.

.    .    .

Discus