વર્ષ - ૨૦૨૨ માં રિલીઝ થયેલી દક્ષિણ ભારતની ઋષભ ભટ્ટ દિગ્દર્શિત કન્નડ ફિલ્મ "કાંતારા" બહુ જ ચર્ચામાં રહી અને હજુ પણ છે. કાંતારા ફિલ્મે દક્ષિણ ભારતીય સિનેમા તેમજ ભારતીય સિનેમા જગતમાં પોતાની સ્ટોરી, અભિનય, વગેરેનાં માધ્યમથી બોક્સ ઓફીસ પર રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે, તેમજ હિન્દી તથા અન્ય રીજનલ ભાષાઓમાં પણ ડબિંગ થઈ છે. દર્શકોમાં તેમજ સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રશંસાને પાત્ર બની છે. આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ તેમાં રજૂ થતું એક અદ્ભુત નૃત્ય છે, જેમાં એક વ્યક્તિ ભપકાદાર વસ્ત્રો, આભૂષણો પહેરી તેમજ ચહેરા પર રંગ લગાવીને એક ખાસ પ્રકારનું નૃત્ય કરે છે, જાણે એના શરીરમાં કોઈ આત્મા આવી હોય, અને લોકો તેને પગે લાગે છે. તો આજે આપણે વાત કરીશું - દક્ષિણ ભારતનાં તુલુનાડું વિસ્તારમાં પ્રખ્યાત એવા ભૂતાકોલા નૃત્યની, જેમાં ભૂતોની પૂજા કરવામાં આવે છે. સાથે જાણીશું આ નૃત્યની શરુઆત, ઈતિહાસ, રજૂઆત અને તેમાં પૂજવામાં આવતા દૈવાઓ વિશે તેમજ વિશેષ બાબતો.
પરિચય :- ભૂતાકોલા એ એક સ્થાનીય પૂજા છે, જે દક્ષિણ કન્નડનાં તુલુનાડુ તેમજ તેના આજુબાજુનાં વિસ્તારોમાં મુખ્યરૂપે કરવામાં આવે છે. ભૂતાકોલા એ તુલુ ભાષાનો શબ્દ છે જેમાં ભૂત એટલે આત્મા (ડેમી ગોડ) અને કોલા એટલે પ્રદર્શન થાય છે. ભૂતાકોલામાં ભૂતોની દેવ તરીકે પૂજા કરવામાં આવે છે, એટલા માટે સ્થાનિક લોકો એને દૈવા કહીને સંબોધે છે. આ ભૂતપુજા ને "ભૂતારાધન" કે "દૈવારાધન" પણ કહેવામાં આવે છે. ત્યાંના સ્થાનિક લોકો એવું માને છે કે આ દૈવા (ભૂત) એ લોકોની તેમજ એ લોકોની જમીનો, ખેતરો, પશુ - પ્રાણીઓની રક્ષા કરે છે. આ ઉપરાંત દૈવા સ્થાનિક લોકોની ઘરેલુ સમસ્યાઓ પણ સોલ્વ કરી દે છે. તો એના માનમાં દર વર્ષે કોઈ એક પરિવાર દ્વારા ભૂતાકોલાનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા પેઢી દર પેઢી યથાવત રાખવામાં આવે છે. આ ઉપરાંત અહીં કોઈ નિશ્ચિત સમુદાયના લોકો જ ભૂતાકોલા પ્રસ્તુત કરી શકે છે, પેઢી દર પેઢી યથાવત રહે છે. એટલે કે જે વ્યક્તિ દૈવા બનતું હોય છે, તો એની આગળની પેઢીનાં દીકરાને અને એના દીકરાને પણ એ દૈવા બનવાનું હોય છે. જે વ્યક્તિ દૈવા બને છે એટલે કે ભૂતાકોલા રજૂ કરે છે તેને દર્શન પાથરી અથવા તો પાથરી કહેવામાં આવે છે. જેમ દરેક માતાજીનાં ભુવા અલગ હોય છે એ રીતે દરેક દૈવા અલગ અલગ વ્યક્તિમાં આવતા હોય છે. તેમજ દરેક દૈવાનું ભૂતાકોલા અલગ હોય છે. એ ક્યાં દૈવા છે એ નૃત્ય કરતી વ્યક્તિનાં પહેરવેશ અને દેખાવ પરથી ખ્યાલ આવે છે. ભૂતાકોલામાં જે તે દૈવાની પૂજા કરવામાં આવે છે, એ દૈવાનું નૃત્ય પ્રદર્શિત કરવામાં આવે છે, નૈવેદ્ય ધરવામાં આવે છે, લોકોની સમસ્યાઓનાં સમાધાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને ત્યારબાદ જમણવાર હોય છે.
દર વર્ષે નવેમ્બર થી મે મહિના દરમિયાન એનો અનુષ્ઠાન કરવામાં આવે છે, નૈવેદ્ય ધરાવામાં આવે છે. જેમ માતાજીના ભુવા હોય છે એ જ રીતે અહીં કોઈ એક વ્યક્તિનાં શરીરમાં કોઈ એક દૈવા આવતા હોય છે. અહીં જે વ્યક્તિને દૈવા આવતા હોય છે એ વ્યક્તિ એ દૈવાનો હૂબહૂ રૂપ ધારણ કરી, એના જેવા પોશાકો, આભૂષણો પહેરી નૃત્ય કરે છે તેમજ કર્તબો કરે છે. પંડાલમાં પડેલ નૈવેદ્ય આરોગે છે, સળગતી મશાલો પોતાની પાસે લાવીને આમ તેમ દોડે છે. નૃત્ય કરતી વખતે એ વ્યક્તિના શરીરમાં એ દેવાની આત્મા હોય છે (ધુણતી વખતે), એ થોડો સમય માટે વ્યક્તિ મટીને ભગવાન બની જાય છે. અને એ લોકોની સમસ્યાઓનું સમાધાન કરે છે. આ નૃત્ય ત્યાંની સ્થાનિક ભાષા તુલુમાં રજૂ કરવામાં આવે છે. ભૂતાકોલા નૃત્ય તુલુનાડુ સિવાય મેંગ્લોર, ઉડુપી, કાસરગોડ ઉપરાંત દક્ષિણ કર્ણાટકના તટીય ક્ષેત્રોમાં પ્રખ્યાત છે.
ઈતિહાસ :- ભૂતાકોલા નૃત્યની પરંપરા કેટલા વર્ષ જૂની છે એ કહેવું મુશ્કેલ છે. આ પરંપરા પૂર્વ વૈદિક કાળથી ચાલી આવે છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે લગભગ ૧૮૦૦ મી સદીમાં ભૂતાકોલાનો નોંધપાત્ર ઉલ્લેખ જોવા મળ્યો હતો. જ્યાં કેરળ, કર્ણાટકનાં ગામડાઓમાં આ અનોખી પ્રથા પ્રચલિત હતી. ત્યાંના ગ્રામ્ય વાસીઓનું એવું માનવું છે કે - આ દૈવા એના ગામની તેમજ ત્યાંના લોકો અને જમીનો - ખેતરો - પશુઓ વગેરેની રક્ષા કરે છે. આ ભૂતાકોલા પ્રદર્શન જોવા આખું ગામ ભેગું થાય છે. ભૂતાકોલાને ભૂત કોલા, દૈવ કોલા, નેમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નૃત્ય કેરળમાં ભજવવામાં આવતું તેય્યમ નૃત્ય સાથે પણ મળતું આવે છે.
દક્ષિણ કન્નડામાં ચાર પ્રકારની ભૂત પૂજા કરવામાં આવે છે : કોલા, બંડી, નેમા અને અગેલુ - તંબીલા.
૧. કોલા :- કોલા નૃત્યને "ડેમીગોડ" નૃત્ય પણ કહે છે. જે ગામડામાં રહેતા સ્થાનિક દેવતા - ભૂતોને સમર્પિત હોય છે. દરેક ગામમાં કોઈ એક દૈવાનું મંદિર હોય છે અને ગામનાં લોકો દ્વારા તેની પૂજા કરવામાં આવતી હોય છે. આ દૈવા જ ગામનું અને ત્યાંના લોકોનું રક્ષણ કરે છે એવું લોકોનું માનવુ છે. કોલા એ જાહેરમાં કરવામાં આવતી ભૂત પૂજા છે.
૨. બંડી :- આ પ્રકારની પૂજામાં ભૂતાકોલા રજૂ કરનાર વ્યક્તિ બેઠેલી અવસ્થામાં વધારે જોવા મળે છે એટલે કે આમાં નૃત્ય નથી હોતું. આ પ્રકારની પૂજા નલકે, પંબાડા, અજલા સમુદાયનાં લોકો દ્વારા કરવામાં આવે છે. આનું પણ જાહેરમાં જ આયોજન કરવામાં આવે છે.
૩. નેમા :- નેમા એ ભૂતોનાં સન્માનમાં કરવામાં આવતો એક અંગત સમારોહ છે. જેનું આયોજન કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે કરી શકે છે. અહીં કોઈ પણ સમુદાયનો કે જાતિનો વ્યક્તિ નેમાનું આયોજન કરી શકે છે. આ સમારોહ દર વર્ષે અથવા તો બે, પાંચ કે પંદર અથવા તો વીસ વર્ષે એક વાર કોઈ સંપન્ન પરિવાર દ્વારા કરવામાં આવે છે.
૪. અગેલુ - તંબેલા :- આ માત્ર પરિવારનાં લોકો દ્વારા ભૂતોને અર્પણ કરવામાં આવતી એક પૂજા છે. જેમ માતાજીનો અનુષ્ઠાન દર વર્ષે હોય છે, તેવી જ રીતે આ ભૂત પૂજા પણ દર વર્ષે કરવામાં આવે છે. જેમાં કેળાંના પાન પર દેવાને અર્પણ કરવામાં આવતા નૈવેદ્ય ધરવામાં આવે છે.
દરેક દેવાઓનું અલગ ભૂતાકોલા હોય છે. અને તે પાથરીનાં દેખાવ, વસ્ત્રાભૂષણો પરથી ખબર પડી જાય છે કે ક્યાં દૈવાનું ભૂતાકોલા છે. ભૂતાકોલામાં પૂજવામાં આવતા દેવાઓનાં (ભૂતોના) નામ આ મુજબ છે :- પંજુરલી, ગુલીગા, બ્રહ્મેરૂ, કોડમનિતાયા, કુક્કિનાટ્યા, જુમાડી, સરલા જુમાડી, પંચ જુમાડી, લેક્કેસિરી, કુપ્પે પંજુરલી, રક્ત પંજુરલી, જરાંડાયા, ઉરુંડાય્યા, હોસા દેવતા દૂન, તુક્કટેરી, બોબ્બરિયા, નીચા, દુગ્ગલયા, મહિસંદય, વર્તે, કોરગજ્જા, પીલી ચામુંડા, બૈદેરૂકુલું, ઉક્કતિરી, કલ્લુરતી, શિરાદિ, ઉલ્લથી, ઓક્કુબલ્લાલા, કોર્ડદાબ્બુ, ઉલ્લાયા, કોરાથી, સિરી, મંત્રાદેવતે, રક્તદેવતે, રક્તેશ્ચરી વગેરે. આ બધા દૈવાઓમાંથી થર્સ્ટનને સૌથી પ્રસિદ્ધ દૈવા માનવામાં આવે છે.
કેટલાક ભૂતો વિવિધ જાતિ સાથે સંબંધિત છે, એવું માનવામાં આવે છે. જેમ કે - ઓક્કુબલ્લાલા અને દિવાન જિરી એ જૈન છે. કોડમનિતાયા અને કુક્કિનાટ્યા એ બંતા છે. કલકુણા લુહાર છે. બોબરિયા એ માપિલ્લા છે અને નિચા એ કારેગા છે. અમુક ભૂતો એ પૂર્વજોની આત્માઓ પણ છે જેમ કે - બોબ્બરિયા, કલકુણ્ટ, કલ્લુરતી, સિરી, કુમાર કોટિ અને ચેન્નય્યા. અમુક દૈવા જંગલી પ્રાણીઓ પણ છે - જેમ કે પંજુરલી એ વરાહ (ડુક્કર) છે, પીલી ચામુંડા એ વાઘ છે.
ભૂતાકોલાની રજૂઆત :-
હવે આપણે વાત કરીશું કે ભૂતાકોલાની તૈયારી કઈ રીતે કરવામાં આવે છે ? પાથરીને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે ? તેમજ કઈ રીતે ભૂતાકોલાની શરૂઆત થાય છે ? અને અંતમાં શું હોય છે ?
અહીં દરેક બાબતોમાં એટલે કે ભૂતાકોલાનાં મુહુર્તથી માંડીને તેના સંપન્ન થવા સુધી ધાર્મિક વિધિ સંકળાયેલ છે.
ભૂતાકોલા સામાન્ય રીતે ડિસેમ્બર થી મે મહિના દરમ્યાન કરવામાં આવે છે. સૌથી પહેલા તો ગામનાં સરપંચ અને ગ્રામ્ય વાસીઓની હાજરીમાં ઉત્સવની તારીખ નક્કી કરવામાં આવે છે. તારીખ નક્કી થતાં ભૂતાકોલા માટે પાથરીને આમંત્રણ આપવા જાય છે, જે ભૂતાકોલા રજૂ કરવાના હોય છે. જેના બદલામાં શુકન રૂપે પાથરી તાજા કેળાંની લૂમ અને પ્રાર્થના આપે છે, જેણે તુલું ભાષામાં "કૈલુ કડપુના" કહેવામાં આવે છે. આ ઘટના ઉત્સવનાં ઔપચારિક ઉદ્દઘાટનને ચિહ્નિત કરે છે.
હવે જે દૈવા માટે ભૂતાકોલા કરવાનું હોય છે, તે દૈવાનાં શાસક તારા પર આધાર રાખીને, સારું મુહૂર્ત જોઈને ભૂતાકોલા માટેનું પંડાલ (મંડપ) ઉભું કરવાની તારીખ નક્કી કરવામાં આવે છે - જેને "ડોમ્પો મુર્થો" કહેવામાં આવે છે.
ભૂતાકોલાની શરૂઆત દૈવાની તમામ વસ્તુઓ મંદિરમાંથી પંડાલમાં લાવવાથી થાય છે - જેને "ભંડારા જપ્પુની" અથવા તો "કિરવાલ જપ્પુની" કહેવામાં આવે છે. દૈવાની બધી જ વસ્તુઓ પંડાલમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ દૈવાની ધજા ફરકાવવાની વિધિ શરૂ થાય છે, જેને કોડી એરુની કહેવામાં આવે છે. ત્યારબાદ ઢોલ, મૃદંગ તેમજ અન્ય વાદ્યોની સાથે આખા ગામમાં દૈવાની મુર્તિની procession - શોભાયાત્રા કાઢવામાં આવે છે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ દૈવાની મૂર્તિની સ્થાપના અહીં પંડાલમાં કરવામાં આવે છે. અને અહીં પંડાલમાં આવીને દૈવાની ધજાને એક પીઠ પર ખોડવામાં આવે છે. જે વિવિધ ફૂલો, ફળો, પાંદડાથી શણગારેલ હોય છે. પંડાલમાં જે જગ્યાએ ભૂતાકોલા રજૂ થવાનું હોય, તે કેન્દ્ર સ્થાનને "કોડીયાડી" કહેવામાં આવે છે. શુદ્ધિકરણની વિધિના ભાગરૂપે અહીં આજુબાજુ પવિત્ર પાણી નો છંટકાવ કરવામાં આવે છે. ત્યાં દૈવાના નૈવેદ્ય (કેળાં, શેરડી, સુકામેવા, ચોખા - ડાંગરના ઢગલા વગેરે) તેમજ તેની અન્ય સામગ્રીઓ જેમ કે - ત્રિશૂળ, તલવાર, શંખ, ઘંટડી વગેરે મુકવામાં આવે છે.
ભૂતાકોલા સાંજે શરૂ થાય છે, આખી રાત ચાલે છે ઘણીવાર સવાર સુધી. હવે ભૂતાકોલા શરૂ થાય એ પહેલાં પાથરીને દૈવાનું સ્વરૂપ ધારણ કરવા માટે અમુક વિધિ કરવી પડે છે. સૌથી પહેલા તો પાથરી ને દૈવાનાં મંદિરમાં દર્શન કરવા જવાનું હોય છે, ત્યારબાદ દેહ શુદ્ધિકરણની ધાર્મિક પ્રક્રિયાના ભાગરૂપે તેને તેલથી સ્નાન કરાવવામાં આવે છે. હવે તેને દૈવાનો પાઠ કરાવવામાં આવે છે જેને સંધિ કહેવામાં આવે છે. આ સંધીમાં પાઠ હોય છે, જે ગાવાના હોય છે. હવે પાથરીને ભૂતાકોલા માટે તૈયાર કરવામાં આવે છે. જે દૈવા બનવાનું હોય તેને તેવું સ્વરૂપ ધારણ કરવાનું હોય છે. દૈવાના સાજ શણગારની વસ્તુઓ નાળિયેરી ના પણ અને સુતરાઉ વૃક્ષો, કેળાંના છોડ, જંગલી ફૂલો તેમજ વાંસની પટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે. મેકઅપ માટે લાલ, પીળો અને કાળો રંગ મુખ્યરૂપે હોય છે. પાથરીને જે તે દૈવાનો પહેરવેશ, મેકઅપ, આભૂષણો વગેરે ધારણ કરાવવામાં આવે છે. વ્યક્તિનાં ચહેરા પર પીળા રંગનો મેકઅપ કરવામાં આવે છે, આ ધાર્મિક વિધિને અર્દલદા પદુની કહેવામાં આવે છે. જે લોકોએ ભૂતાકોલાનું આયોજન કર્યું હોય તે પરિવારનાં પુરુષ સભ્યો દ્વારા પાથરીને વસ્ત્રો, આભૂષણો પહેરાવવામાં આવે છે. અંતમાં, જેને પાથરીના પહેરવેશની પાછળ એક પ્રભામંડળ બનાવવામાં આવે છે. આ બધું પૂર્ણ થયા બાદ પાથરીને ગગ્ગરા (પાયલ) સાથે પંડાલમાં ઢોલ, મૃદંગ સાથે વાજતે ગાજતે ( વેદીમાં ) પંડાલમાં રજૂ કરવામાં આવે છે. હવે ભુતાકોલા શરૂ થાય છે. આખુ ગામ ભૂતકોલા જોવા ત્યાં આવી ગયું હોય છે. ગામનાં લોકો ચારેકોર વર્તુળમાં ઉભા રહી જાય છે, જેથી એ પાથરી પંડાલની બહાર ન જઈ શકે. પંડાલમાં પ્રવેશ્યા બાદ ત્યાં પાથરીને નાળિયેરના પાન પહેરાવે કે તરત જ પછી તેના શરીરમાં દૈવાની આત્મા પ્રવેશે છે. પાથરીને સાથે બે વ્યક્તિઓ હોય છે, એક યજમાન અને એક આહ્વાન કર્તા , જે સતત પાથરી જોડે જ રહે છે. ધીમે ધીમે પાથરીના શરીરમાં આત્માનો વેગ વધે છે. શરૂઆતમાં તો પાથરી ચારેકોર આજુબાજુ દોડે છે. પંડાલમાં પડેલી તલવારો ઉઠાવે છે, ઘંટડી વગાડી છે. બાજુમાં ઉભેલા યજમાન એને સળગતી મશાલો આપે છે. શરીરમાં જ્યારે દૈવા જ્યારે પાથરી ના શરીરમાં સંપૂર્ણ પણે પ્રવેશી જાય છે ત્યારે એનો ધુણવાનો વેગ પણ અતિશય બળવાન બની જાય છે. દૈવા મશાલો વડે પોતાના કરતબો દેખાડે છે. દૈવા પોતાની નિશાની બતાવે છે કે તે આવ્યા છે. સંગીત વાગતું હોય તેમાં નૃત્ય કરે છે. પંડાલમાં ધરેલા નૈવેદ્ય ખાય છે. જેમ રાત આગળ વધે તેમ ભૂતાકોલા વધુ રસપ્રદ બનતું જાય છે. પાથરી એની તૂલુ ભાષામાં દૈવાંની ગાથા ગાય છે. યજમાન દૈવાને પંડાલમાં કેન્દ્ર સ્થાને લાવીને ઉભા રાખીને તેને પ્રસાદ ચઢાવે છે. આ પ્રસાદમાં ક્યારેક મરઘીની બલી હોય છે, જે જમીનની ફળદ્રુપતા વધારે છે. દૈવા પંડાલમાં મૂકેલા પ્રસાદને આરોગે છે. પ્રસાદમાં - મમરા, નાળિયેરના ટુકડા, કેળાં, ઘી, સોપારી, ફ્રૂટ વગેરે હોય છે. આવું બધું આખી રાત ચાલે છે. પ્રદર્શન પૂરું થયા પછી આહ્વાનકર્તા ગામનાં મુખ્ય વડા કે સરપંચ ને પૂછે છે કે ભૂતાકોલા શું કામ કરવામાં આવ્યું છે ? દેવાનું આહ્વાન કરવા પાછળનું મુખ્ય કારણ ? આપણે જેમ ભુવાની સાથે રાવળ દેવ કે પઢિયાર ભુવા હોય તેમ અહીં દૈવા ની સાથે આ આહ્વાનકર્તા હોય છે જે ગામનાં લોકોની સમસ્યાઓ ગામનાં લોકો વતી દૈવાને કહે છે. આમ, આહ્વાનકર્તા એ ગામનાં લોકો એને દૈવીય આત્મા વચ્ચેની વાતચીતમાં માધ્યમ બને છે. હવે સમસ્યાઓ અને નિર્ણયની સમય શરૂ થાય છે. સૌથી પહેલા તો ગામનાં લોકો દૈવા ને પગે લાગે છે. પછી જેને સમસ્યાઓ કહેવાની હોય તે આહ્વાનકર્તા પાસે જાય છે અને એ આખી સમસ્યા કહે છે. અહીં ફરિયાદ અને તેનો નિર્ણય મૌખિક રૂપે રજૂ કરવામાં આવે છે. આહ્વાનકર્તા આ સમસ્યા દૈવાને કહે છે, દૈવા જે સમાધાન કહે કે નિર્ણય લે તે માન્ય ગણવામાં આવે છે. બદલામાં તે કંઇક વિશેષ પૂજા, સેવા કે વસ્તુઓ માંગી શકે. ઘણીવાર પાંદડા કે ફૂલો ઉડાડીને નિર્ણય સંભળાવવામાં આવે છે, જેમ પણે અહીં અનાજના દાણા જોવામાં આવે છે એ રીતે. અહીં સમસ્યાઓમાં : જમીન - મકાનનો પ્રશ્ન, ભૂમિ વિવાદ, ઘરેલુ સમસ્યાઓ, બીમારી, કૌટુંબિક અણબનાવ, ચોરી, લૂંટ વગેરે હોય છે. જો બહુ જટિલ સમસ્યા હોય તો તેનો નિર્ણય મુલતવી રાખવામાં આવે છે અને તેનો ઉકેલ આવતા વર્ષ માટે રાખવામાં આવે છે. ચોરીના મામલામાં જો ચોર કોઈ અજાણ્યુ વ્યક્તિ હોય, તો દૈવા એ ચોરને શોધવા માટે કોઈ પૂજા કે સેવા રૂપે માગી શકે. અને જો ચોર મળી જાય તો, દૈવા કહે એ મુજબ તેને દંડ આપવામાં આવે છે. ઘણીવાર ફરિયાદી ચોરી થયેલી તેની બધી જ વસ્તુ ની કિંમત દૈવાને અર્પણ કરવા તૈયાર થઈ જાય છે. જો દૈવાને લાગે કે ચોર ને પશ્ચાતાપ છે તો એને થોડોક ઓછો દંડ આપવામાં આવે છે. આ ન્યાય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધાની રજા લઈને દૈવા એના મૂળ થાનકે ચાલ્યા જાય છે એટલે કે પાથરી ના શરીરમાંથી એ દૈવાની આત્મા ચાલી જાય છે. ભૂતાકોલા વહેલી સવારના સમયે પૂર્ણ થાય છે.
દૈવાઓની કથાઓ :-
હવે આપણે જાણીશું અમુક પ્રખ્યાત દૈવાઓની કથાઓ વિશે. કાંતારા મૂવીમાં પંજુરલી અને ગુલીગા દૈવાની વાત કરેલી છે. અહીં આપણે પંજુરલી, ગુલીગા અને પીલી ચામુંડા વિશે જાણીશું.
(૧) પંજુરલી :- પંજુરલી દૈવા એ નર જંગલી ડુક્કર (ભૂંડ) છે. તુલુ ભાષામાં પંજુરલી એટલે નર જંગલી સુવર થાય છે. અહીંના લોકો પોતાના ઘરો, ખેતરો, ઢોર વગેરેની રક્ષા માટે આ દૈવા ની પૂજા કરે છે. પંજુરલી દૈવાની ઉત્પત્તિ પાછળની એક વાર્તા છે.
એકવાર જંગલી સુવરોનું ઝુંડ પસાર થઈ રહ્યું હતું, તેમાંથી એક નાનું સુવર રસ્તામાં જ આ ટોળામાંથી છૂટું પડી જાય છે. અને આમતેમ ભાગવા લાગે છે. ત્યાં માતા પાર્વતીની તેના પર નજર જાય છે. આ બાળ સુવર એને બહુ જ ગમી જાય છે, અને મહાદેવને વિનંતી કરે છે કે તે સુવર ને પોતાની પાસે રાખી લઈએ, અને મહાદેવ પરવાનગી આપે છે. આ સુવરનું પાલન પોષણ કરે છે, મોટો કરે છે. આ સુવરને ભગવાન શિવનાં ખેતરની રક્ષા માટેનું કામ સોંપવામાં આવે છે. જેમ જેમ આ સુવર મોટું થતું જાય છે, તેમ તેના દાંત પણ મોટા થતાં જાય છે. આ સુવર રમતિયાળ અને તોફાની બહુ જ હતું. એક દિવસ સુવરના દાંતમાં ખંજવાળ આવતા તે સુવરે આખુ ખેતર ખેડાન મેદાન કરી નાખ્યું, સમગ્ર પાકનો નાશ કરી નાખ્યો. આ બધું જોઈને ક્રોધિત થયેલા શિવજીએ એ સુવરનો વધ કરી નાખ્યો. આ જોઈને માતા પાર્વતી અત્યંત દુઃખી થઈ જાય છે, અને ફરીથી જીવંત કરવા વિનંતી કરે છે. માતાની અપાર આજીજી બાદ સુવરની આત્માને પાછી બોલાવવામાં આવે છે અને તેને પૃથ્વી પર ખેતરોની રક્ષા માટે મોકલવામાં આવે છે. ત્યારથી લઈને આજ સુધી આ સુવર પંજુરલી દૈવાનાં સ્વરૂપમાં ખેતરોની રક્ષા કરે છે અને નૈવેદ્ય ધરાવે છે.
(૨) ગુલીગા :- ગુલીગા દૈવા "ક્ષેત્રપાળ" તરીકે પણ ઓળખાય છે. આ દૈવાની ઉત્પત્તિ પાછળ એક વાર્તા છે.
એકવાર માતા પાર્વતીનાં હાથમાં રાખમાંથી પથ્થર આવ્યો અને તે પથ્થર તેણે ભગવાન શિવને આપ્યો. ભગવાન શિવે એ પથ્થરને ધરતી પર ફેંકી દીધો અને એ પથ્થરમાંથી ગુલીગા દૈવાનો જન્મ થયો. અને તેને ભગવાન વિષ્ણુ પાસે મોકલવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ તેને " નેલૌલા સાંકે" નામની સ્ત્રીનાં કૂખેથી જન્મવાનો શ્રાપ આપ્યો. નવમે મહિને ગુલીગા જ્યારે સ્ત્રીનાં ગર્ભમાં હોય છે ત્યારે પૂછે છે કે - હું કઈ રીતે બહાર આવું ? ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે જેમ અન્ય બાળકો આવે તેમ. ક્રોધવશ ગુલીગા એ સ્ત્રીનું પેટ ફાડીને બહાર નીકળે છે. પેટમાંથી બહાર નીકળીને અતિશય ભૂખને કારણે આમતેમ દોડીને અફરાતફરી મચાવી દે છે. તે માછલીઓ, ઘોડાઓ, પશુઓ, પ્રાણીઓ વગેરેને મારીને ખાઈ જાય છે. આનાથી પણ ભુખ ન સંતોષાય તેથી તે સૂર્યને ગળવા પણ દોડે છે, ત્યાં જ ભગવાન વિષ્ણુ આવીને પોતાની નાની આંગળી ખાવા આપે છે. અને તેનાથી ગુલીગા દૈવાની ભુખ શાંત થઈ જાય છે. આ ઉપરાંત ગુલીગા દૈવા જ કાંઈ અફરાતફરી અને નુકસાન થયું તે અંગે માફી માંગે છે. ત્યારે ભગવાન વિષ્ણુ તેને હંમેશા ધરતી પર સૌની રક્ષા કરવા માટે રહેવાનું કહે છે.
(૩) જુમાડી :- જુમાડી દૈવાને માતા પાર્વતીનું ધુમાવતી દેવીનું રૂપ પણ કહેવામાં આવે છે. એકવાર માતા પાર્વતીને ભુખ લાગે છે, અને તે ભગવાન શિવને કહે છે. ભગવાન શિવ તેને ભોજન આપે છે, પરંતુ તેની ભુખ શાંત નથી થતી. ક્રોધમાં આવીને માતા પાર્વતી ભગવાન શિવને ગળી જાય છે, અને શિવજીનું મસ્તક તેના મુખમાં અટવાય જાય છે. આ ઘટનાથી માતાનું એક નવું સ્વરૂપ બહાર આવે છે. જેનું નામ ધુમાવતી દેવી પડે છે.
(૪) પીલી ચામુંડા :- પીલી ચામુંડા દૈવા એ વાઘનું સ્વરૂપ છે. એકવાર એક પક્ષી ઉડીને ભગવાન શિવ પાસે આવે છે અને તે પક્ષી ભગવાનને ભેટ સ્વરૂપે એક ઈંડુ આપે છે. કારણ કે ભગવાન શિવે તે પક્ષીના પતિને બચાવ્યો હતો. ભગવાન શિવ એ પક્ષીના ભેટને સ્વીકારે છે. થોડા દિવસો બાદ એ ઈંડામાંથી એક વાઘનો જન્મ થાય છે. ભગવાન શિવ એ વાઘને પોતાના ગણોમાં શામિલ કરી દે છે. અને તેને પશુઓનાં ધણનું ધ્યાન રાખવાનું કામ સોંપે છે. આ વાદ્ય શાકાહારી હતો, તે માત્ર ફળો જ ખાતો. શિવજી પણ વાઘનાં આ કામથી ખુશ હતાં. પરંતુ એક દિવસ ગુસ્સામાં ને ગુસ્સામાં એ વાઘ પશુઓનાં ધણ માંથી એક ગાયનો શિકાર કરીને ખાઈ જાય છે. ક્રોધાવેશમાં આવીને ભગવાન તેને ધરતી પર મોકલી છે, ધણોની રક્ષા કરવા માટે.
તો આ વાત હતી - ભૂતાકોલા ની. એક એવી પ્રથા જેમાં ભૂતને ભગવાનની જેમ પૂજવામાં આવે છે, ભૂત એ લોકોના રક્ષક હોય છે. ભગવાનની જેમ જ ભૂતોના પણ નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને ગામનાં લોકોની સમસ્યાઓનું સમાધાન કરી આપે છે. તુલું લોકોનો આ દૈવા પરનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા આસ્થાનું એક અનોખું કેન્દ્ર બની રહે છે.