હમણાં થોડાંક દિવસો પહેલા જ ગગનયાન મિશન માટેનાં ચાર અવકાશયાત્રીઓને ગોલ્ડન ફેધર પહેરાવીને સિલેક્ટ કરવામાં આવ્યાં. આ મિશન ઈસરો તેમજ આપણા દેશ માટે બહુ ખાસ હશે, કારણ કે આ પહેલું એવું મિશન છે જેમાં સૌપ્રથમવાર માનવ અવકાશમાં જશે. અત્યાર સુધી રોકેટ દ્વારા માત્ર લેન્ડર, રૂવર, પેલોડ્સ વગેરે જતાં; પરંતુ આ વખતે માનવો મોકલવામાં આવશે. આ નવા કન્સેપ્ટ સાથેનાં મિશન વિશે લોકોને પણ આની વિશે વધુ વિગતો જાણવાની આતુરતા હશે. તો ચાલો જાણીએ - ભારતનાં સૌપ્રથમ સમાનવ અવકાશ ઉડાન મિશન - ગગનયાન વિશે, સાથે જાણીશું તેનાં રોકેટ - મોડ્યુલ્સ, તેની તૈયારીઓ, તેનો હેતુ, અવકાશયાત્રીઓનાં નામ તેમજ અન્ય વિશેષ બાબતો વિશે.
ગગનયાન એ ઈસરો દ્વારા હાથ ધરેલું ભારતનું સૌપ્રથ સમાનવ અવકાશ ઉડાન મિશન (human space flight mission) છે. ચંદ્ર પર જનારું યાન - ચંદ્રયાન હતું, સૂર્ય માટે જનાર યાન - સૂર્યયાન એવી જ રીતે અવકાશમાં જનારું આ યાન - ગગનયાન છે. આ મિશનનું મુખ્ય કેન્દ્ર HSFC (હ્યુમન સ્પેસ ફ્લાઈટ સેન્ટર) સેન્ટર છે, જે ઈસરોના ગગનયાન મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે ઈસરો સહિતનાં તેના અન્ય કેન્દ્રો, ભારતની રિસર્ચ લેબ્સ, ભારતનાં ઉદ્યોગો તેમજ શિક્ષણવિદ્દો દ્વારા કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેનું નેતૃત્વ કરશે. ગગનયાન મિશન કુલ ૩ દિવસનું છે, જેમાં ૩ અવકાશયાત્રીઓને ૪૦૦ કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે અને ૩ દિવસ બાદ તેનું ભારતીય સમુદ્ર માર્ગે ઉતરાણ કરીને તેને પૃથ્વી પર સુરક્ષિત રીતે લાવવામાં આવશે. આ મિશન માટે ઈન્ડિયન એરફોર્સમાંથી ૪ ફાઈટર પાઈલટ્સની પસંદગી કરવામાં આવી છે. આ મિશનમાં HLVM3 રોકેટ દ્વારા સ્પેસમાં બે મોડ્યુલ્સ મોકલવામાં આવશે; જેમાં એકમાં અવકાશયાત્રીઓ હશે અને બીજામાં ક્રૂઝ (અવકાશયાત્રીઓ) ને સહાય કરવા માટે જરૂરી સિસ્ટમો હશે. આ મિશન કુલ ૩ સ્ટેજમાં હશે. પ્રથમ બે સ્ટેજમાં ટેસ્ટીંગ થશે, અને ત્રીજામાં અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે.
ગગનયાન મિશનનો મુખ્ય હેતુ માનવ અવકાશ ઉડાન ક્ષમતાને પ્રદર્શિત કરવાનો તેમજ અવકાશમાંથી માનવોને સુરક્ષિત રીતે ધરતી પર લાવવાનો છે. ગગનયાન મિશનનું હેન્ડલિંગ HSFC સેન્ટર કરી રહ્યું છે. સેન્ટર હેડ તરીકે તે નવા ટેક્નોલોજી ક્ષેત્રોમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોસેસ દ્વારા ઉચ્ચ કક્ષાની વિશ્વસનીયતા તેમજ માનવ સુરક્ષાની ખાતરી આપે છે. ગગનયાન મિશન માટે આ સેન્ટર - લાઈફ સપોર્ટ સિસ્ટમ, હ્યુમન ફેક્ટર્સ એન્જિનિયરિંગ, બાયોએસ્ટ્રોનોટિક્સ, ક્રૂ ટ્રેનિંગ તેમજ હ્યુમન રેટિંગ અને સર્ટિફિકેશન પૂરું પાડશે. આ ઉપરાંત તે ભવિષ્યમાં થનારી સમાનવ અવકાશ ઉડાન પ્રવૃત્તિઓમાં પણ મહત્ત્વનો ભાગ ભજવશે.
ગગનયાન મિશન પ્રોજેક્ટ માટે - ઈન હાઉસ એક્સપર્ટાઈઝ, ભારતીય ઉદ્યોગનાં અનુભવ, ભારતીય શૈક્ષણિક તેમજ સંશોધન સંસ્થાઓની બૌદ્ધિક ક્ષમતા તેમજ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસે ઉપલબ્ધ અદ્યતન ટેક્નોલોજીની બેસ્ટ સ્ટ્રેટેજીસને ધ્યાનમાં લેવામાં આવી છે. ગગનયાન મિશનની પૂર્વ તૈયારીનાં રૂપે ઘણી જટીલ ટેક્નોલોજીઓ ડેવલપ કરવામાં આવી છે, જેમ કે -
આ ઉપરાંત HSFC સમાનવ અવકાશ ઉડાન મિશનનાં ફાઈનલ લોન્ચિંગ પહેલાં તેને લગતી ટેક્નોલોજીની પૂર્વ તૈયારીનાં સ્તરને દર્શાવવા માટે વિવિધ પ્રિકર્સર (પૂર્વગામી) મિશનનું આયોજન થશે. આમાં Integrated Air Drop Test, Pad Abort Test, Test Vehicle Flights વગેરેનું પ્રદર્શન (ડેમો) કરવામાં આવશે.
વર્ષ - ૨૦૨૪ ને ૨૭ ફેબ્રુઆરીનાં રોજ, ગગનયાન મિશન માટેનાં ચાર ક્રૂ મેમ્બર્સને "સુવર્ણ પાંખ" પહેરાવીને સિલેક્ટ કરવામાં આવ્યાં. આ ચારેય ક્રૂ મેમ્બર્સમાં ગ્રુપ કેપ્ટન તરીકે - પ્રશાંત નાયર, અજિત કૃષ્ણન અંગદ પ્રતાપ છે; જ્યારે વિંગ કમાન્ડર તરીકે શુભાંશુ શુક્લની નિમણૂક કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈસરોનાં ચીફ એસ. સોમનાથને આ ચારેય ક્રૂ મેમ્બર્સનાં યુનિફોર્મ પર "ગોલ્ડન ફેધર" ની ડિઝાઈનવાળી અવકાશયાત્રીની પાંખોનો બેજ લગાવીને તેઓને "India's Pride" તરીકે બિરદાવ્યા હતાં. આ ઉપરાંત તેઓને " Dreamers, Adventures and Valiant Men preparing go to space " કહીને વર્ણવ્યા હતાં. આ ચારેય ઓફિસર્સ ઈન્ડિયન એરફોર્સનાં ફાઈટર પાઈલોટ છે.
LVM3 રોકેટને ઈસરોનું સૌથી ભરોસાપાત્ર, ઉત્તમ કાર્ય કરનારું તેમજ હેવી લિફ્ટ લોન્ચર (heavy lift launcher) રોકેટ ગણવામાં આવે છે. જેમ ચંદ્રયાન ૩ માટે LVM3 રોકેટનો ઉપયોગ થયો હતો, એવી રીતે આ વખતે પણ ગગનયાન મિશનમાં આ જ રોકેટનો ઉપયોગ થવાનો છે, પરંતુ થોડાક ફેરફારો સાથે. આ વખતનાં મિશનમાં માનવો - અવકાશયાત્રીઓ જવાનાં હોવાથી તેમાં હ્યુમન રેટેડ (human rated) સિસ્ટમો એટલે કે અવકાશયાત્રીઓ અવકાશમાં સુમેળ સાધી શકે એવી સિસ્ટમો ગોઠવવામાં આવેલ છે. આ રોકેટમાં સોલીડ સ્ટેજ, લિક્વીડ સ્ટેજ અને ક્રાયોજેનિક સ્ટેજ - એમ ત્રણ સ્ટેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. HLVM3 રોકેટ ઓર્બિટલ મોડ્યુલને પૃથ્વીની ૪૦૦ કિમીની ભ્રમણકક્ષાએ લોન્ચ કરશે.
આ રોકેટમાં આપાતકાલીન સ્થિતિ માટે - crew escape system પણ ગોઠવવામાં આવેલી છે, જે ક્વિક એક્શન તેમજ હાઈ બર્ન રેટ સોલીડ મોટર્સનાં સેટ દ્વારા સંચાલિત હશે. લોન્ચ પેડ પર અથવા તો ઉપર ચડતા દરમ્યાન રોકેટને જો કોઈ અડચણ આવે તો, આ સિસ્ટમ્સ ક્રૂ સહિતનાં ક્રૂ મોડ્યુલને સુરક્ષિત અંતરે લઈ જવાનું કાર્ય કરશે.
અવકાશમાં પહોંચતા રોકેટમાંથી ઓર્બિટલ મોડ્યુલ ઈજેક્ટ થશે, અને તેને લો અર્થ ઓર્બિટ પર એટલે કે પૃથ્વીની ૪૦૦ કિમીની ભ્રમણકક્ષાએ મૂકવામાં આવશે. ઓર્બિટલ મોડ્યુલમાં બે મોડ્યુલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે : ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલ. ક્રૂ મોડ્યુલમાં ક્રૂ એટલે કે અવકાશયાત્રીઓ બેઠશે, જ્યારે સર્વિસ મોડ્યુલમાં અવકાશયાત્રીઓને ત્યાં અવકાશમાં અહીં ધરતી જેવું વાતાવરણ મળે એવી સર્વિસ ઉપલબ્ધ કરાવતી સિસ્ટમો હશે. આ ઉપરાંત ઈમરજન્સીમાં અવકાશયાત્રીઓની સુરક્ષા માટે મદદરૂપ પણ થશે. આ આખુ મોડ્યુલ માનવ સુરક્ષાને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે, જેમાં અત્ય આધુનિક એવિઓનિક્સ સિસ્ટમો ગોઠવવામાં આવી છે.
ક્રૂ મોડ્યુલ એ અંતરિક્ષમાં ક્રૂ માટે પૃથ્વી જેવાં વાતાવરણવાળી રહેવા યોગ્ય જગ્યા હશે. આ મોડ્યુલમાં એવી સિસ્ટમો ગોઠવવામાં આવી છે, જેને લીધે ક્રૂને અહીં અવકાશમાં ધરતી જેવું વાતાવરણ લાગશે. આ મોડ્યુલનું માળખું ડબલ દીવાલોવાળું બનાવવામાં આવ્યું છે, જેમાં પ્રેશરાઈઝ્ડ મેટાલિક ઈનર સ્ટ્રકચર (દબાણયુક્ત ધાતુનું આંતરિક માળખું) તેમજ થર્મલ પ્રોટેક્શન સાથેનાં અન - પ્રેશરાઈઝ્ડ એક્સટર્નલ સ્ટ્રકચર (દબાણવિહીન બાહ્ય માળખું) નો સમાવેશ થાય છે. તેમાં ક્રૂ ઈન્ટરફેસિસ, હ્યુમન સેન્ટ્રીક પ્રોડક્ટ્સ, લાઈફ સપોર્ટ સિસ્ટમ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત તેમાં "રી એન્ટ્રી" પણ બનાવવામાં આવેલી છે, જે નીચે ઉતરાણ કરતી (સમુદ્ર માર્ગે) વખતે ક્રૂની સલામતી સુનિશ્ચિત કરશે.
ક્રૂ મોડ્યુલ ભ્રમણકક્ષામાં હશે ત્યારે તેને જરૂરી સપોર્ટ પૂરો પાડવા સર્વિસ મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવશે. તેનું માળખું દબાણ વિહીન છે જેમાં થર્મલ સિસ્ટમ, પ્રોપલ્શન સિસ્ટમ, પાવર સિસ્ટમ, એવિઓનિક્સ સિસ્ટમ તેમજ ડિપ્લોયમેન્ટ મિકેનીઝમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તો આ વાત હતી - ભારતનાં સૌપ્રથમ સમાનવ અવકાશ ઉડાન મિશન : ગગનયાનની. અત્યાર સુધી ચંદ્રનાં સાઉથ પોલ પર સુરક્ષિત રીતે ઉતરાણ દ્વારા તેમજ સૂર્યની બાહ્ય અભ્યાસ માટે મોકલેલા આદિત્ય L1 દ્વારા ભારતે વિશ્વવિક્રમ રચ્યો છે. આશા છે કે આ સમાનવ અવકાશ ઉડાન મિશન - ગગનયાન દ્વારા ભારતનું ઈસરો ફરી એકવાર વિશ્વવિક્રમ સર્જે; અને એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.