Image by Anthony from Pixabay

કોઈ હોલિવુડ ફિલ્મ, સીરિયલ કે કાર્ટૂન જોતી વખતે એમાં શેરીઓની કે ઇમારતોની જે દીવાલો બતાવવામાં આવે છે, એ બહુ જ અતરંગી લખાણ કે ચિત્રોથી ભરચક હોય છે. તે ભપકાદાર રંગોનાં અક્ષરો, ચિત્રો, ડિઝાઈનોથી સજ્જ હોય છે અને તે કોઈક લખાણ કે ચિત્ર દ્વારા સંદેશો આપતું હોય છે અથવા તો વિરોધ દર્શાવતું હોય છે. આ દીવાલો જોઈને એવું લાગે કે ચિત્રકારે કેનવાસની જેમ બિલ્ડિંગની દીવાલોને આખેઆખી રંગી છે. હાલમાં ભીંતો પર આવા ભપકાદાર રંગોનાં ચિત્રો બનાવવાની ચિત્રકલા બહુ જ પ્રખ્યાત છે, જે ગ્રફિટીનાં નામે ઓળખાય છે. ગ્રફિટીનો ઇતિહાસ બે વિભાગમાં છે એક પ્રાચીન અને બીજો આધુનિક; આ બંને સમયમાં ગ્રફિટી અલગ અલગ રીતે રજૂ થતી. ગ્રફિટી કલાકારો કોઈને પૂછ્યા વગર, કોઈનાં ધ્યાનમાં આવ્યા વગર ચિત્રો બનાવે છે. આ ઉપરાંત આ કલાને કલાત્મક ગણવી કે વિરોધાત્મક ?? એનો વિવાદ વર્ષોથી ચાલ્યો આવે છે.

ગ્રફિટીનો સામાન્ય પરિચય લઈશું.

ગ્રફિટી (Graffiti) શબ્દ એ ઈટાલીયન શબ્દ ગ્રફિટીઓ (graffitio) પરથી આવેલ છે - જેનો અર્થ સ્ક્રેચ એટલે કે ખોતરવું થાય છે. સામાન્ય ભાષામાં ગ્રફિટીની વ્યાખ્યા કરીએ તો - જાહેરમાં કોઈ ઈમારતોની દીવાલ કે અન્ય કોઈ સપાટ દીવાલ પર કોઈની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર રીતે તેના પર સંદેશાત્મક અથવા વિરોધાત્મક લખાણ કરવું અથવા ચિત્રો દોરવા. ગ્રફિટીમાં ભપકાદાર રંગો સાથેનું મોટા મોટા અક્ષરોનું અટપટું લખાણ, જટિલ પરંતુ કલાત્મક ચિત્રો, કાર્ટૂન, વ્યક્તિનો ચહેરો વગેરે હોય છે. લખાણ માટેનાં વિવિધ શૈલીનાં અક્ષરો : તીવ્ર વળાંકવાળા, અણીદાર ટોચવાળા, ગોળાકાર ફુગ્ગા જેવાં બબલી સ્ટાઈલમાં, એ પણ 3D ઈફેક્ટ વાળા તેમજ ડબલ શેડવાળા હોય છે. ગ્રફિટીનો મુખ્ય હેતુ લખાણ કે ચિત્રો દ્વારા પોતાની અભિવ્યક્તિ કરવાનો છે. ગ્રફિટી દોરનાર કલાકાર હંમેશાં તેની ઓળખ છુપાવીને રહે છે, તે માત્ર તેનું ઉપનામ (ટેગ નેમ) જ ચિત્રો અથવા લખાણ નીચે દર્શાવે છે. ગ્રફિટી કોઈની પણ પરવાનગી લીધા વગર બનાવાતું હોવાથી મોટે ભાગે તે રાત્રે જ દોરવામાં આવે છે. ગ્રફિટી દોરનાર કલાકાર ટેગર્સ તરીકે ઓળખાય છે. કલાકાર ગ્રફિટી દોરવા માટે સ્પ્રે પેઇન્ટનાં કેનનો ઉપયોગ કરે છે; આની સિવાય અન્ય સાધનો વડે પણ ગ્રફિટી દોરવામાં આવે છે. ગ્રફિટી કલા શેરીમાંથી જન્મેલી છે. તેની શરૂઆત શેરીની દીવાલો રંગવાથી થઈ હતી, માટે તેને સ્ટ્રીટ આર્ટ પણ કહેવામાં આવે છે. પહેલાં કલાકારો ઘણીવાર પોતાના વિસ્તારનો કબ્જો દર્શાવવા (બીજાથી અલગ પાડવા) અથવા તો ધમકી આપવા માટે દીવાલો પર ગ્રફિટી બનાવતાં. પરવાનગી વગર ગેરકાયદેસર રીતે થતું હોવાથી તેને vandalism (તોડફોડ - ગુંડાગર્દીડ સાથે જોડી દેવામાં આવ્યું; કારણ કે કલાકારો નિયમો તોડીને આંદોલનકારી તેમજ વિરોધાત્મક ગ્રફિટી બનાવતાં અને તેઓ સ્વભાવે પણ એવાં આક્રમક હતાં.

પ્રાચીન ગ્રફિટીનો ઇતિહાસ -

દીવાલો પર લખાણ કે ચિત્રો દ્વારા પોતાના મનોભાવો વ્યક્ત કરવાનો સિલસિલો પ્રાગઐતિહાસિક કાળથી ચાલ્યો આવે છે. જેનાં પુરાવાઓ આજની પ્રાચીન ગુફાઓનાં ગુફાચિત્રો દ્વારા જોવા મળે છે; જેમાં પ્રાણીઓનાં શિકાર કરતાં દૃશ્યો, યુદ્ધનો વિજયઘોષ દર્શાવતા દૃશ્યો વગેરે જોવા મળ્યા છે. ગ્રફિટીનો ઉલ્લેખ ગ્રીક ભાષામાં Graphein તરીકે થયેલ છે, જેનો અર્થ "લખવું" થાય છે. પ્રાચીન સમયમાં ગુકાની દીવાલો પર લખવા કે દોરવા માટે લોકો કોલસાનો ટૂકડો અથવા ચોકનો ઉપયોગ કરતાં. પ્રારંભિક સમયનાં ગ્રફિટી ચિત્રો ઐતિહાસિક ઘટનાઓ તેમજ ધાર્મિક વિચારો - માન્યતાઓ વિવિધ હેતુસર વ્યક્ત કરવા માટે બનાવવામાં આવતાં હતાં. તેઓનો મુખ્ય હેતુ - ભવિષ્યમાં લોકોને ઇતિહાસથી વાકેફ કરવા માટે આ ઐતિહાસિક ઘટનાઓનો સંગ્રહ કરવાનો હતો. આ ચિત્રોમાં યુદ્ધની ઘટનાઓ, શિકારી ઘટનાઓ, લિપિ દ્વારા સંદેશાઓ - વિચારો, માનવ ચિત્રો વગેરેનો સમાવેશ થતો. પ્રાચીન ગ્રફિટીનાં પુરાવાઓ ગ્રીસ, રોમ અને ઇજિપ્તની સંસ્કૃતિમાં વધારે જોવા મળે છે.

  • રોમમાં આજે પણ લેટિન ભાષાનાં ગ્રફિટી મોજુદ છે અને એ પ્રાચીન શહેર પોમ્પેમાં જોવા મળે છે; જે ૨૦૦૦ વર્ષ જૂનાં છે. રોમમાં ગ્રફિટી લખાણ પ્રાચીન સમયમાં રોમનોની જીવનશૈલી વિશે દર્શાવે છે; પોમ્પેમાં આવા લખાણોનાં અવશેષો બહુ બહોળી સંખ્યામાં પ્રાપ્ત થયેલ છે.
  • પ્રાચીન ઇજિપ્તમાં ઘરો અને ઈમારતોની દીવાલોને વિવિધ લખાણ અને ચિત્રો દ્વારા સજાવવામાં આવતી. દીવાલો પરનાં લખાણો કે ચિત્રો દ્વારા સ્પષ્ટ થઈ જતું કે આ મકાન કે ઇમારત શેની છે. ગીઝાનો પિરામિડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે તેનાં મજૂરોએ તેના પથ્થરો પર અમુક લખાણો છોડ્યા હતાં; જેમાં પિરામિડ કઈ રીતે બનાવવામાં આવ્યો હતો ? તેમજ એ સમયની પરિસ્થિતિ વિશે દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફારાઓ તેમજ ચિત્રલિપિ યુગનાં શિલાલેખો પ્રાચીન ગ્રફિટીનાં શ્રેષ્ઠ ઉદાહરણો પૂરા પાડે છે.

સૌથી પ્રાચીન ગ્રફિટી ૭૦૦ BCE નાં સમયની, જે આર્જેન્ટિનાનાં સાન્ટા ક્રૂઝમાં આવેલ " કેવ ઑફ હેન્ડ્સ " (cave of hands) માં જોવા મળેલ છે. આ ગુફાની દીવાલોમાં હાથનાં પંજાઓનાં રંગબેરંગી છાયા ચિત્રો આવેલાં છે. એવું કહેવાય છે કે - એ લોકોએ બોન પાઈપ વડે આ ચિત્રો દીવાલો પર બનાવ્યાં હતાં. જેમાં તેઓએ પાઇપમાં રંગ ભરીને હાથનાં પંજાની ફરતે પાઈપ વડે ફૂંક મારીને છાયા ચિત્રો બનાવ્યા હતાં. આ ઉપરાંત દક્ષિણ ફ્રાંસમાં આવેલ ૩૦,૦૦૦ વર્ષ જૂની શુવે ગુફા (chauvet cave) માં પ્રાચીન રોક આર્ટનાં ઘણા નમૂનાઓ જોવા મળેલ છે. રોમ, ગ્રીસ, ઇજિપ્તથી લઈને માયા સભ્યતામાં પણ આના પુરાવાઓ મળ્યા હતા. પ્રાચીન સમયનાં ગ્રફિટી ચિત્રો - લખાણો એ સમયની જીવનશૈલી, અક્ષરજ્ઞાન - કલા, વિચારધારાને દર્શાવે છે. અને આ પુરાવાઓ પુરાતત્ત્વ વિભાગના સંશોધકો માટે બહુ જ ઉપયોગી સાબિત થયા છે, જેને લીધે એ લોકોનું સંશોધન વધુ સરળ બન્યું.

આધુનિક ગ્રફિટીની શરૂઆત -

હોલિવુડ ફિલ્મો જોતી વખતે એમાં શેરી તેમજ અન્ય જાહેર ઈમારતોની દીવાલો પર જે ગ્રફિટી બતાવવામાં આવે છે, તે આધુનિક શૈલીનું ગ્રફિટી છે. આધુનિક ગ્રફિટીની શરૂઆત વર્ષ - ૧૯૨૦ની આસપાસ થઈ હતી, પરંતુ એ સમયે બહુ કોઈના ધ્યાનમાં આવ્યું નહોતું. તે વર્ષ - ૧૯૬૦થી વધારે લાઈમલાઈટમાં આવ્યું હતું. વર્ષ - ૧૯૨૦ની આસપાસ આધુનિક ગ્રફિટીનાં કેટલાંક નમૂનાઓ જોવા મળ્યાં હતાં. જેમાં યુ. એસ.માં રહેતાં ઘરવિહોણા પુરુષો રેલ્વેનાં ડબ્બાઓ પર પોતાનાં જીવનને લગતા ગ્રફિટી ચિત્રો બનાવતાં. ઘણીવાર ટિકિટ લીધા વગર ટ્રેનમાં ઘૂસીને ટ્રેનની દીવાલો પર ગ્રફિટી બનાવતાં. ચિત્રો દ્વારા તેઓ પોતાની મનોવ્યથા વર્ણવતાં.

સન - ૧૯૩૦નાં દાયકામાં લોસ એન્જેલસમાં મેક્સિકન અમેરિકન સમુદાયનાં જૂથો દ્વારા શહેરની અંદર બનાવેલાં ટેગીંગનાં સૌપ્રથમ ઉદાહરણો જોવા મળ્યાં હતાં. જેમાં માત્ર લખાણ કે સંદેશાઓ જ હતાં. શરૂઆતનું ટેગીંગ ગ્રફિટી માર્કર કે ચોક દ્વારા કરવામાં આવતું. ત્યારબાદ ૧૯૬૦નાં દાયકામાં ફિલાડેલ્ફિયામાં પણ ગ્રફિટી જોવા મળ્યું હતું. ૧૯૬૦નાં દાયકાનાં અંત સુધીમાં ગ્રફિટી ન્યુયોર્ક પહોચી ગયું હતું. ૧૯૭૦માં ગ્રફિટી કલાનાં એક નવા યુગનો આરંભ થાય છે. આ સમયગાળામાં શેરીની દીવાલોમાંથી બહાર નીકળીને ગ્રફિટી જાહેર ઈમારતોની દીવાલો તેમજ સબવે ટ્રેનોની દીવાલો સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ તો એનો વ્યાપ એટલો વધતો ગયો કે એ કલાકાર એક પણ સબ વે ટ્રેન ન છોડતાં. લગભગ મોટા ભાગની સબવે ટ્રેનો અંદર - બહાર ગ્રફિટીથી એટલી ભરચક થઈ ગઈ હતી કે ટ્રેનોને ઓળખવી પણ મુશ્કેલ થઈ ગઈ હતી. ગ્રફિટીથી ભરચક આ સબવે ટ્રેનો "માસ્ટર પીસ" તરીકે ઓળખાવા લાગી હતી. ગ્રફિટી માટે સબવે ટ્રેનની પસંદગીનું કારણ એ હતું કે - ટ્રેનમાં મુસાફરી કરવા આવતા લોકોની નજરમાં આ ગ્રફિટી ચિત્રો આવે અને ટ્રેનની જેમ ગ્રફિટી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, જેથી કલાકારની પ્રશંસા થાય.

ગ્રફિટીનો સૌપ્રથમવાર વિરોધ -

ગ્રફિટી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ધ ન્યુયોર્ક ટાઈમ્સ તેમજ નવલકથાકાર નોર્મન મેઈલર દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૭૦નાં દાયકાની શરૂઆતમાં ન્યુયોર્કની આર્ટ ગેલેરીઓએ ગ્રફિટી ખરીદવાનું શરૂ કર્યું હતું. આ સમયથી ગ્રફિટીને કલાની દ્રષ્ટિએ જોવાનું શરૂ થયું. ગ્રફિટી હજુ આગળ વધે એ પહેલાં ૧૯૮૦નાં દાયકામાં ન્યુયોર્કની મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીનાં તત્કાલીન મેયર - જ્હોન લિન્ડસેએ "ક્લીન ટ્રેન મૂવમેન્ટ" નાં સ્વરૂપમાં ગ્રફિટી વિરુદ્ધ યુદ્ધ જાહેર કરી દીધું. આ મૂવમેન્ટ અંતર્ગત ગ્રફિટી ચિત્રોવાળી કોઈ પણ સબવે ટ્રેન ઉપયોગમાં લેવાશે નહીં એવો નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો. આનો હેતુ શહેરમાં ગ્રફિટીની અસર ઘટાડવાનો હતો. ન્યુયોર્ક શહેરનાં કાઉન્સિલર પીટર વાલોનનું એવું માનવું હતું કે - પરવાનગી સાથે કરવામાં આવેલ ગ્રફિટી કલા હોઈ શકે, પરંતુ જો કોઈ અન્યની મિલકત પર પરવાનગી લીધા વગર કરવામાં આવે તો, તે કાયદેસરનો ગુનો બની જાય છે. તેમણે ગ્રફિટી કરનારાઓ માટે એક જ સંદેશ આપ્યો કે - "જ્યાંથી મારી મિલકત શરૂ થાય છે, ત્યાં તમારી કલાની પ્રસ્તુતિની સ્વતંત્રતાનો અંત થાય છે."

આ યુદ્ધ જાહેર થતાં જ ગ્રફિટી કલાકારોએ ઈમારતોની દીવાલો અને કેન્વાસો તેમજ અન્ય જગ્યાઓ પર ગ્રફિટી બનાવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત આ ચળવળની સાથે સ્ક્રેચિટી (scratchiti) નો ઉદ્ભવ થયો, જેમાં કલાકારો એ એમરી બોર્ડ (નેઈલ ફાઈલર)થી લઈને છરી, ચાવીઓ વગેરેનો ઉપયોગ કરીને કાચની બારીઓ પર સ્ક્રેચ દ્વારા ગ્રફિટી બનાવવાનું શરૂ કરી દીધું હતું. આટઆટલી બંધી છતાંય કલાકારોએ કોઈનાં ધ્યાનમાં ન આવે એ રીતે, સબવે ટ્રેનોમાં પણ ગ્રફિટી બનાવવાનું જારી રાખ્યું હતું. ગ્રફિટીનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો હતો, એટલાં માટે કલાકારોએ પણ ગ્રફિટી બનાવવા માટે નવી ટેક્નિક્સ, સ્ટાઈલ, નવા સાધનો વિકસાવ્યાં. ૧૯૭૦નાં મધ્યકાળમાં, ટેગીંગ માટે એરોસોલ પેઇન્ટ (સ્પ્રે પેઇન્ટ)નો ઉપયોગ ઉભરી આવ્યો હતો. આ સાથે કલાકારોએ ગ્રફિટીનાં લખાણોની ઊંચાઈ, પહોળાઈમાં પણ વધારો કર્યો હતો; જેમાં તેઓએ સબવે ટ્રેનની દીવાલોની ટોચથી લઈને અંતિમ છેડા સુધી ગ્રફિટી બનાવવાનું નક્કી કર્યું હતું. આધુનિક ગ્રફિટીની બોલબાલા ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, ન્યુયોર્કની સાથે સાથે હ્યુસ્ટન શહેરમાં પણ જોવા મળી હતી. અહીંનું ગ્રફિટી હિપહોપ સંસ્કૃતિથી પ્રભાવિત છે. અહીંના હીપહોપ કલાકારો (બન બી, સ્લીમ ઠગ વગેરે) તેમજ રેપર્સએ પણ તેનાં ગીતમાં ગ્રફિટી કલાને સ્થાન આપ્યું છે. તેઓનાં ગીતનાં બેકગ્રાઉન્ડમાં મોટે ભાગે ગ્રફિટી દીવાલ જ હોય છે અથવા તો ગ્રફિટી દોરતાં કલાકારો દર્શાવવામાં આવે છે. તેઓ ગીતની સાથે સાથે ગ્રફિટી કલાને પણ પ્રમોટ કરે છે. માત્ર આટલું જ નહીં તેઓએ પોતાનાં વિડીયો તેમજ મ્યુઝીક આલ્બમનાં કવરમાં પણ ગ્રફિટીને સ્થાન આપ્યું છે. હ્યુસ્ટનમાં વર્ષ - ૧૯૮૫માં ગ્રફિટી કલાકારો તેમજ અન્ય કલાકારો દ્વારા પોતાની કલા પ્રસ્તુત કરવા માટે કોમર્સ સ્ટ્રીટ આર્ટિસ્ટ વેરહાઉસ (CSAW) ની સ્થાપના કરવામાં આવી હતી. આ વેરહાઉસ કલાકારો માટે રહેવાનું ઘર તેમજ તેની કલા પ્રદર્શિત કરવાનું એક ઉત્તમ માધ્યમ - સ્ટુડિયો હતો. તે ડાઉનટાઉનની પૂર્વ છેડે હતું, ત્યાં પૂરતી જગ્યા હતી કે કલાકારો ત્યાં રહી શકતા તેમજ પોતાનું પરફોર્મન્સ આપી શકતા, ગ્રફિટી કલાકારો ગ્રફિટી બનાવી શકતાં. બે દાયકા સુધીમાં આ જગ્યા ૪૦ જેટલાં કલાકારો માટે રહેણાંક તેમજ પોતાની કલા પ્રદર્શિત કરવાનો સ્ટુડિયો બની ગઈ હતી.

ગ્રફિટી કલાકારો અને તેની ચિત્ર શૈલી વિશે –

ગ્રફિટી કલાકારો એ શેરીમાંથી આવતાં સ્થાનીય કલાકારો છે, જેમાંથી અમુક સંદેશાત્મક ગ્રફિટી બનાવતાં હોય જ્યારે અમુક રચનાત્મક ~ કલાત્મક. આ કલા શેરીઓનાં સ્થાનીય કલાકારો દ્વારા શરૂ કરવામાં આવી હતી અને વિકસિત કરવામાં આવી હતી. શરૂઆતનાં દિવસોમાં ગ્રફિટી બનાવનારા ટેગર્સ શેરી ગેંગનો ભાગ હતાં. તેઓ પોતાનાં એરિયાને બીજાથી અલગ પાડવા તેમજ પોતાનો છે એવું દર્શાવવા શેરીની દીવાલો પર લખાણ કે ચિહ્નો દ્વારા ગ્રફિટી બનાવતાં; જેમાં ધમકીભર્યા લખાણો તેમજ વિરોધ પ્રદર્શિત કરતાં ચિત્રો શામેલ હતાં. આ લોકો ગ્રુપમાં કામ કરતાં અને પોતાના ગૃપને "ક્રૂ" તરીકે ઓળખાવતા. ગ્રફિટી મોટે ભાગે કોઈની પરવાનગી લીધા વગર બનાવાતું હોવાથી, કલાકારો તે રાત્રે બનાવતાં. ગ્રફિટી કલાકારો ત્રણ કે ચારનું ગ્રુપ બનાવીને જતાં, જેમાં એક જણ ચિત્ર બનાવતું અને અન્ય આજુબાજુ ચોકી કરતાં, પકડાઈ ન જાય એ માટે. ગ્રફિટી કલાકાર મોટે ભાગે તેની સાચી ઓળખ છુપાવતા, તેઓ ચિત્ર નીચે માત્ર એનું નિક નેમ (ટેગ નેમ) લખતાં. પકડાઈ જવાનાં ડરથી એ લોકો પોતાની સાચી ઓળખ છુપાવતા.

શરૂઆતમાં શેરીની દીવાલો પર જ ગ્રફિટી બનાવવામાં આવતું, ત્યારબાદ આ કલાકારો તેની કલાને લઈને સબવે ટ્રેનની દીવાલો સુધી પહોંચ્યા અને પછી બિલબોર્ડ્સ, થાંભલાઓ, વોટર હાયડ્રાન્ટ્સ, બોક્સકાર, મોટરકારની બારીઓ સુધી. આ ઉપરાંત હવે તો જ્યાં જગ્યા મળે ત્યાં - એવાં દુકાનનાં શટરો, રોડ સાઈડ દીવાલો, ઘરની - બજારની દીવાલોમાં પણ ગ્રફિટી જોવા મળે છે. આજે તો કમ્પ્યૂટરનાં ફોન્ટમાં પણ ગ્રફિટી અક્ષરોની ડિઝાઈનો જોવા મળે છે. ગ્રફિટી બનાવવાં માટે શરૂઆતમાં માર્કર, સ્પ્રે પેઇન્ટનાં કેનનો ઉપયોગ થતો; પરંતુ જેમ જેમ ગ્રફિટી કલા વિકસિત થતી ગઈ તેમ તેમ કલાકારો અન્ય સામગ્રીઓનો ઉપયોગ કરવા માંડ્યા જેમ કે - એરોસોલ પેઇન્ટ, રોલર પેઇન્ટ, ફાયર એક્સટિંગ્યુશર (અગ્નિશામક બાટલા) સ્ટેન્સિલ, વ્હિટપેસ્ટ પોસ્ટર, સ્ટીકર વગેરે. સ્ટેન્સિલમાં - કોઈ ડિઝાઇનવાળો કોતરેલો કાગળ (પ્રી-કટ પેપર) હોય છે, અને તેને દીવાલ પર લગાડીને કોતરેલા ભાગ પર જે તે રંગનો સ્પ્રે પેઇન્ટ લગાવવામાં આવે છે અને તેની છાપ પડી જાય છે. વ્હિટપેસ્ટ પોસ્ટરમાં ઘઉંનાં લોટની પેસ્ટ બનાવીને પોસ્ટર દીવાલો પર ચિપકાવવામાં આવે છે. ગ્રફિટીમાં મોટે ભાગે ભપકાદાર રંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે જે લોકોની નજરમાં તરત આવે; આ ઉપરાંત તે જેમ બને એમ વિશાળ કદમાં બનાવવામાં આવે છે. શરૂઆતનાં ગ્રફિટીમાં માત્ર અક્ષરો - શબ્દો જ લખવામાં હતાં પરંતુ જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ તેમાં પોર્ટ્રેટ, વિવિધ શેડ્સ, અન્ય સહાયક આકૃતિઓ, કાર્ટૂન ચિત્રો, ફ્રી હેન્ડ પેઇન્ટિંગ, 3D ડિઝાઇન તેમજ અન્ય રમુજી, દુઃખદાયી, ગુસ્સો વગેરે જેવી લાગણી દર્શાવતા દૃશ્યો ઉમેરાવા લાગ્યા. ગ્રફિટી જેમ જેમ વિકસતી ગઈ એ મુજબ કલાકારોએ પણ એને વધુ આકર્ષક, જટિલ શૈલીમાં બનાવવા માંડ્યા; આ ઉપરાંત નવી ટેકનીક્સનો પણ ઉપયોગ કરવા માંડ્યા.

ગ્રફિટીનાં મુખ્ય ૧૦ પ્રકારો છે, જેમાંના પ્રથમ પાંચ પ્રાથમિક લેવલનાં છે જ્યારે અન્ય પાંચ એનાં નવા - વિકસિત વર્ઝન છે. ગ્રફિટીનાં દસ પ્રકારોમાં : ટેગીંગ, હોલો, થ્રો અપ, સ્ટ્રેટ લાઇનર, પીસ, રોલર, એક્સટિંગ્યુશર, સ્ટોમ્પર, બ્લોકબસ્ટર, સ્ટીકર્સનો સમાવેશ થાય છે.

ગ્રફિટીનો વિષય અને હેતુ –

આજનાં આધુનિક સમયમાં, ચિત્રકારો માટે પોતાના વિચારોની તેમજ કલાની અભિવ્યક્તિનાં સાધન તરીકે ગ્રફિટીનો ઉપયોગ કરવો સામાન્ય થઈ ગયો છે. આધુનિક ગ્રફિટી કલાની સાથે સાથે સામાજિક દૂષણોને દૂર કરવાનાં સંદેશાઓ, રાજકીય ટિપ્પણીઓ તેમજ ચિત્રકારનાં વિચારો ચિત્ર કે લખાણ દ્વારા પ્રદર્શિત કરે છે. દા. ત. ગરીબી, બેરોજગારી, ભૂખમરો, જાતિવાદ, અપરાધ વગેરે જેવા ગંભીર વિષયો પર ગ્રફિટી ચિત્રો બનાવવામાં આવે છે. બર્લિન, બાર્સેલોના, સાઉ પાઉલો જેવાં શહેરોએ પોતાને “ ગ્રફિટી આર્ટ હોટસ્પોટ “ તરીકે સ્થાપિત કર્યા છે; જેમાં એક્ટિવ શેરી કલાકારોનું ગ્રુપ હોય છે, જે વિશ્વભરનાં કલાકારો અને ઉત્સાહીઓને આકર્ષે છે. આ ઉપરાંત અહીં યોજાનાર આંતરરાષ્ટ્રીય ગ્રફિટી ફેસ્ટિવલ અને ઇવેન્ટ્સ કલાકારોને તેનાં વિચારોનું આદાન પ્રદાન કરવા અને ગ્રફિટી કલ્ચરમાં સપોર્ટ કરવા પ્રોત્સાહિત કરે છે.

વિશ્વવિખ્યાત ગ્રફિટી કલાકારો-

આધુનિક ગ્રફિટીનાં ઈતિહાસમાં ઘણાંય ગ્રફિટી કલાકારો પોતાની અદ્ભુત કલાત્મક ગ્રફિટી દ્વારા વિશ્વવિખ્યાત થયાં છે. તેઓ નાની ઉંમરમાં મોટું નામ કમાઈ ગયા છે તેમજ અમુક કલાકારોનાં ગ્રફિટી લાખો ડોલરમાં વેચાયા છે. ગ્રફિટી કલાનાં અગ્રણીઓમાં કોર્નબ્રેડ, ટાકી ૧૮૩, બેન્કસી, શેફર્ડ ફેરી, ઝેફ (એન્ડ્રુ વીટન), ડેવીડ ચોએ, બ્લેડ (સ્ટીવન ઓગબર્ન), સેબર (રાયન વેસ્ટન શુક), જીન મિશેલ બાસ્કીઆ, કીથ હેરિંગ, બ્લેક લે રેટ, ફ્યુચુરા ૨૦૦૦ વગેરેનાં નામ મોખરે આવે છે. મોટા ભાગનાં ગ્રફિટી કલાકારો એનાં વાસ્તવિક નામ કરતાં ગ્રફિટીમાં ઉપયોગમાં લેવાતાં તેનાં ટેગ નેમથી વધુ પ્રખ્યાત હતાં. ડેરીલ મેકક્રે ઉર્ફે કોર્નબ્રેડને આધુનિક ગ્રફિટીનાં પિતા તરીકે ઓળખવામાં આવે છે, તેઓ પોતાનું ગ્રફિટી "કોર્નબ્રેડ" ટેગ નેમથી બનાવતાં. તેમણે ૧૨ વર્ષની ઉંમરથી ફિલાડેલ્ફિયાની દીવાલો પર "કોર્નબ્રેડ" ટેગથી ગ્રફિટી બનાવવાનું શરૂ કરી દીધું હતું. ડેરીલ પોતાની ગર્લફ્રેન્ડ સિંથિયા કુસ્ટસને ઇમ્પ્રેસ કરવાં માટે દીવાલો પર ગ્રફિટી ચિત્રો બનાવતાં. તે પોતાની ગ્રફિટી કલાને ફિલાડેલ્ફિયાની દરેક શેરીઓ - ગલીઓની દીવાલો, સપાટીઓ (બસ, ટ્રેન, ઇમારતો તેમજ ગમે તે જગ્યા) સુધી લઈ ગયા. પોતાની દોષરહિત કલા સાથે તેઓ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા. કોર્નબ્રેડની હરોળમાં બીજું નામ જોડાય છે - ટાકી ૧૮૩ (Taki 183)નું. ટાકી ૧૮૩ એ ગ્રીક અમેરિકન કલાકાર હતાં. તેનું અસલી નામ ડિમેટ્રિયસ હતું, તેઓ ટાકી ૧૮૩ નામનાં ટેગનેમથી ગ્રફિટી બનાવતા. ટાકી એ ગ્રીક ખ્રિસ્તિયન નામનું ટૂંકું સ્વરૂપ છે અને ૧૮૩ એ એનો શેરી નંબર છે જ્યાં તેઓ રહેતાં. તેઓ સબવે વાહનોમાં મુસાફરી કરીને અલગ અલગ જગ્યાઓની દીવાલો પર તેની મેજિકલ માર્કર વડે અને પોતાના ટેગ નેમ સાથે ગ્રફિટી બનાવતાં. તેઓ જેમાં મુસાફરી કરતાં એ સબવે ટ્રેનોની દીવાલો તેમજ વોટર હાઇડ્રન્ટ્સ, લાઈટનાં થાંભલાઓ વગેરેની સપાટીઓ પર ગ્રફિટી બનાવતાં. બ્રિટિશ આર્ટિસ્ટ બેન્કસી સ્ટેન્સિલનો ઉપયોગ કરીને ગ્રફિટી બનાવતાં. તેમનું ગ્રફિટી હંમેશાં વિરોધાભાસ પણ વિચારપ્રેરક રહેતું. તેઓ રાજકારણ તેમજ રમુજી વિષયો પર ગ્રફિટી વધુ બનાવતાં. ગંભીર વિષયોને પોતાના આગવા અંદાજમાં પ્રસ્તુત કરીને તેમને આંતરરષ્ટ્રીય સ્તરે ગ્રફિટી માટે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમનાં દ્વારા બનાવવામાં આવેલ એક બાળ મજૂરની થીમ પરનું ગ્રફિટી હરાજીમાં એક લાખ પાઉન્ડ કરતાં વધારે કિંમતથી વેચાયું હતું. તેઓને "ફાધર ઓફ સ્ટેન્સિલ ગ્રફિટી" પણ કહેવામાં આવે છે. ગ્રફિટી કલાકારોએ પેરિસનાં લુવ્ર મ્યુઝિયમની બહાર મોનાલિસાનું ગ્રફિટી ચિત્ર બનાવ્યું હતું. આ ઉપરાંત લંડન ખાતે આવેલ - " લિટલ ગર્લ વિથ બલૂન " તેમજ " ફ્લાવર થ્રોઅર" નું ગ્રફિટી બહુ જ પ્રખ્યાત છે. વિશ્વની સૌથી વધુ પ્રખ્યાત ગ્રફિટીઓમાં : બેન્કસીનું ગર્લ વિથ અ બલૂન અને ફ્લાવર થ્રોઅર, જીન મિશેલ બાસ્કીનું અનટાઇટલ્ડ, શેફર્ડ ફેરીનું ઓબે જાયન્ટ, કીથ હેરિંગનું રેડિઅન્ટ બેબી અને વી ધ યુથ, ડોંડીનું ચિલ્ડ્રન ઑફ ધ ગ્રેવ પાર્ટ ટુ, લેડી પિંકનું ઇવોલ્યુશન, ઓસ જેમિઓસનું ધ જાયન્ટ ઑફ બોસ્ટન, કોંબોનું કોએક્સિસ્ટ, ફ્યુચુરા ૨૦૦૦નું એસ્કેપિસમ વગેરેનો સમાવેશ થાય છે.

ગ્રફિટી કલાત્મક કે વિરોધાત્મક ??

ગ્રફિટીને કલાત્મક ગણવી કે વિરોધાત્મક (vandalism - ગુંડાગર્દી) તરીકે ગણાવી એ વિવાદ વર્ષોથી ચાલ્યો આવે છે, કારણ કે ગ્રફિટી કલાકારો શરૂઆતમાં શેરી ગેંગનો ભાગ હતાં, જેઓ શેરીઓમાં પોતાની દાદાગીરી બતાવતાં તેમજ મારામારી કરતાં. ગ્રફિટીની શરૂઆત વિરોધાભાસ લખાણોથી થઇ હતી, કારણ કે એ સમયે પ્રવર્તતી સમસ્યાઓને સાંભળવામાં ન આવતી હોવાથી લોકો આવી રીતે જાહેર દીવાલો પર લખીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરતાં. શેરીઓમાં રહેતાં અતિ સામાન્ય લોકો ગરીબી, ભૂખમરો, બેરોજગારી, ભેદભાવ, ઝઘડાઓ, અપરાધ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરીને પોતાનું જીવન વ્યતીત કરતાં. ગરીબ લોકોનું કોઈ સાંભળતા ન હોવાથી અમુક યુવાનો આવી રીતે જાહેર દીવાલો પર લખાણો અને ચિત્રો દ્વારા પોતાની પરિસ્થિતિ ~ તકલીફો વ્યક્ત કરતાં. શેરીઓ વચ્ચેનાં ઝઘડાઓમાં લોકો પૂછ્યા વગર દીવાલો પર ધમકી ભર્યા લખાણો લખી નાખતાં. આવી પરિસ્થિતિઓને લીધે ગ્રફિટીને vandalism એટલે કે તોડફોડની સંસ્કૃતિ સાથે જોડી દીધું હતું, કારણ કે એને બનાવનારાઓ અસામાજિક તત્ત્વો સાથે જોડાયેલાં હતાં, અને વળી પાછા તે કોઈને પૂછ્યા વિના દીવાલો પર લખાણો - ચિત્રો ચીતરી નાખતાં હતાં. પરંતુ જેમ જેમ ગ્રફિટી કલાકારો ગ્રફિટીમાં કલાત્મક અભિગમ તરફ વળવા માંડ્યાં, ત્યારથી એની છબી ધીમે ધીમે સુધારવા લાગી હતી. કલાકારો કલાત્મક ગ્રફિટી ચિત્રો દોરવા માંડ્યા હતાં. આ પછીથી તો ગ્રફિટી કલાકારોએ જાણે એક ઝુંબેશ ચલાવી હોય એમ ચારેકોર ગ્રફિટી બનાવવા માંડ્યા હતાં, તેઓ ગ્રફિટીને શેરીની દીવાલો સુધી સીમિત ન રાખતાં, જાહેર ઇમારતો, સબવે ટ્રેનો - મોટરો તેમજ અન્ય જગ્યાઓની દીવાલો (સપાટી) સુધી લઈ ગયાં. એ લોકોનો એકમાત્ર હેતુ - લોકો સામે પોતાની કલાત્મકતા પ્રગટ કરવાનો તેમજ એને લોકો સુધી પોતાની કલા પહોંચાડવાનો હતો. ગ્રફિટી કલાકારોએ રાજકીય મંતવ્યો, કલા - વારસો, સાંસ્કૃતિક - ધાર્મિક માહોલ, માણસોની વિચારધારા વગેરે વ્યક્ત કરવાં માટે ગ્રફિટીને એક ઠોસ માધ્યમ બનાવી લીધું હતું. ગ્રફિટી કલાકારો પોતાનાં ગ્રફિટી મારફતે લોકોને જાગૃત કરતાં, જીવન ઉપયોગી સંદેશો આપતાં. ગ્રફિટી ચિત્રો દ્વારા કલાકારો એક આદર્શ સમાજનાં નિર્માણ તેમજ સમાજને સાચી દિશા તરફ વાળવા માટે પ્રયત્નો કરી રહ્યાં હતાં. અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પણ ગ્રફિટીઓ બનાવતાં તેમજ સમાજમાં ભાઈચારાની ભાવના સ્થાપિત કરતાં શાંતિ દર્શાવતાં ચિત્રો પણ બનાવતાં. લોસ એન્જલસ અને બેલફાસ્ટ જેવાં શહેરોમાં ઘણીય દીવાલો પર શાંતિ દર્શાવતાં ગ્રફિટી બનાવવામાં આવ્યાં છે, જે સમુદાયોમાં ઓળખ - એક્તા સ્થાપિત કરવામાં મદદ કરે છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ચોતરફ ફેલાયેલાં દહેશતોની વચ્ચે શાંતિ સ્થાપવા તેમજ ભાઈચારો કાયમ રાખવાનાં હેતુથી સૈનિકોએ " kilroy was here " નામની ટેગથી ગ્રફિટી બનાવ્યું હતું. ગ્રફિટીને કલા તરીકે ગણાવી કે નહીં, એનો પ્રશ્ન હજુ પણ છે જ અને થોડાંક સમય માટે રહેશે. પરંતુ અહીં કલાકાર ભલે કોઈની પરવાનગી લીધા વગર ગ્રફિટી બનાવતો હોય, તેનો હેતુ માત્ર પોતાની કલા દ્વારા લોકોને આનંદ આપવાનો છે; કોઈ ધ્યાનમાં લે કે ન લે.

ગ્રફિટી આજે વૈશ્વિક કક્ષાએ ગણનાપાત્ર બની ગઈ છે. તે કોઈ ચોક્કસ સ્થળ કે સંસ્કૃતિ સુધી સીમિત ન રહેતાં વિશ્વવ્યાપી બની ગઈ છે. ગ્રફિટીનો ઉપયોગ કલાકારો દ્વારા પોતાની કલાત્મક અભિવ્યક્તિની સાથે સાથે સંચારનાં માધ્યમ તરીકે કરવામાં આવે છે. ગ્રફિટી કલાની વિવિધ શૈલીઓ, ભાષાઓ તેમજ ચિત્રો વિશ્વ સંસ્કૃતિની જટિલતાઓને પ્રતિબિંબિત કરે છે. ગ્રફિટીને હવે કાયદેસર કલા તરીકે ગણવામાં આવે છે. જ્યાં તેને કલાત્મક અભિગમથી જોવામાં આવે છે, ઉ તેમજ એનાં કલાકારોને પણ ખૂબ પ્રોત્સાહન મળે છે. કેટલાંય ગ્રફિટી કલાકારોનું ગ્રફિટી વિશ્વભરની ગેલેરીઓ તેમજ મ્યુઝિયમોમાં સ્થાન પામ્યું છે. ગ્રફિટીની કલા તરીકેની સ્વીકૃતિએ તેનાં પર લાગેલાં કલંકને મિટાવવામાં મદદરૂપ થઈ છે.

તો આ વાત હતી, નકારાત્મક તેમજ વિવાદાસ્પદ છાપ સાથે શરૂ થયેલી ગ્રફિટી ભીંત ચિત્રકલાની જે આજે વૈશ્વિક સ્તરે, એ પણ કલાત્મક રીતે ખ્યાતિ પામી છે. વિદેશનાં મહાનગરોની કોઈ પણ દીવાલો ગ્રફિટી વિનાની નહીં જોવા મળે. દુનિયાનાં લગભગ તમામ દેશોમાં ચિત્રકામ ક્ષેત્ર સાથે જોડાયેલ યુવાનોમાં ગ્રફિટીનો ક્રેઝ જોવા મળે છે. યુવાનો ગ્રફિટીમાં પોતાની કારકિર્દી બનાવવા માંડ્યા છે. ગ્રફિટીનાં વિવિધ શૈલીનાં અક્ષરો આજે કમ્પ્યુટર ફોન્ટમાં સ્થાન પામ્યા છે. ગ્રફિટીની અત્યાર સુધીની યાત્રા દરમ્યાન તેની એક બાબત હજુ સુધી કાયમ રહી છે અને એ છે - તેને પરમિશન વગર બનાવવાનું.

.    .    .

Discus