Photo by Public Domain Pictures : Pexels

શરીરનાં સ્વાસ્થ્ય માટે ફળ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઋતુગત ફળો આપણને ઋતુગત બીમારીઓથી તેમજ અન્ય મોટા રોગોથી બચાવે છે. અમુક ફળો દૂધ સાથે લેવાનાં હોય છે, જ્યારે અમુક રસ ઝરતાં ફળો આમનમ જ ખાવાનાં હોય છે. આપણે વાત કરીશું, આપણાં બાળપણની યાદ સાથે જોડાયેલ એક ખાસ ફળ; એવા ખાટાં મીઠાં બોર વિશે. આપણને એમ થતું હશે કે - હવે આ બોર વિશે શું એટલું બધું શું હોય ??? બોર એટલે બોર; પરંતુ આ નાના અમથા બોર કેટ કેટલાંય સ્વાસ્થ્યપ્રદ ગુણોથી ભરપૂર છે. આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે - ટામેટાં, તરબૂચ વગેરે પણ વનસ્પતિશાસ્ત્ર મુજબ બોરની કેટેગરીમાં આવે છે. હવે એ કઈ રીતે ?? એ આપણે આ લેખમાં જાણીશું. આપણે જાણીશું - બોર વિશે તેમજ તેની વ્યાખ્યા, પ્રકારો અને પ્રખ્યાત બોર અને તેના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ તેમજ વિશેષ બાબતો વિશે.

સૌપ્રથમ આપણે બોર વિશેનો સામાન્ય પરિચય લઈશું.

બોરનો આપણે સામાન્ય અર્થ કરીએ તો, નાનું એવું ઠળિયાવાળું ફળ જે સ્વાદે ખાટું - મીઠું - ગળ્યું તેમજ રસાળ હોય. બોરને હિન્દીમાં बेर અને અંગ્રેજીમાં બેરીસ (berries) કહેવામાં આવે છે. બોર એ પૃથ્વી પરનું સૌથી વધુ પ્રાપ્ય ફળ છે, જે તમને જંગલોમાં પણ જોવા મળે છે અને તેને તમે તમારાં ઘરનાં પાછળનાં ભાગમાં વાડામાં પણ ઉગાડી શકો છો. આ ઉપરાંત તે બજારમાં ફળોની દુકાનો, સ્ટોલમાં પણ ઉપલબ્ધ હોય છે. આ બોરને લાકડીથી ખેરવીને લેવામાં આવે છે. બોરની શ્રેણીમાં અન્ય ઘણાંય ફળો આવે છે જેવાં કે - ફાલસા, જાંબુ, કોકમ, શેતૂર, સ્ટ્રોબેરી, બ્લૂબેરી, રાસ્પબેરી વગેરે.

વનસ્પતિશાસ્ત્ર (બોટનિકલ) પ્રમાણે બોરની વ્યાખ્યા કંઈક આ મુજબ છે: બોર એ એક અંડાશય (ovuary) ધરાવતાં એક ફૂલમાંથી ઉત્પન્ન થતું, પથ્થર (ઠળિયા) વિનાનું પલ્પી (માંસલ) ફળ છે. તેમજ તે સાઈટ્રસ ફળોની શ્રેણીમાં આવે છે. બોટનિકલ મુજબ - બોર એ સાદા પલ્પી ફળનો સૌથી સામાન્ય પ્રકાર છે, જે રસાળ, માવાદાર અને તેજસ્વી રંગનાં હોય છે જેને છાલ સાથે પણ ખાઈ શકાય છે. આથી બોરની શ્રેણીમાં ચણી બોર, ફાલસા, સ્ટ્રોબેરી સાથે સાથે અમુક શાકભાજીઓ પણ આવે છે, જેમ કે - ટામેટાં, કાકડી વગેરે. આથી અગર કોઈ ફળ કે શાકભાજીમાં ઉપરોક્ત દર્શાવેલ વ્યાખ્યા મુજબનાં લક્ષણો હોય, તો તે બોરની શ્રેણીમાં આવે છે.

બોર વિશે આગળ વધીએ એ પહેલાં આપણે તેની સંરચના વિશે જાણીશું.

બોરનાં પેરીકાર્પl:

હવે, બોરનાં પેરીકાર્પ વિશે વાત કરીશું. આપણે જોતાં હશું કે અમુક ફળો આપણે છાલ સાથે ખાતાં હોઈએ છે અને અમુક છાલ કાઢીને. પેરીકાર્પ એટલે ફળ જેમાંથી વિકસિત થયું હોય (ovary) અને તેની ફરતે જે દીવાલો રચાય તે. ટૂંકમાં, પેરીકાર્પ એટલે ફળની દીવાલો - સ્તરો. બોરમાં ત્રણ પેરીકાર્પ હોય છે : એક્સોકાર્પ - એપિકાર્પ, મેસોકાર્પ અને એન્ડોકાર્પ. માત્ર બોર જ નહીં પરંતુ દરેક ફળોની સંરચના આ ત્રણ સ્તરોમાં થયેલી હોય છે.

૧) એક્સોકાર્પ: ફળનું બહારનું સ્તર, જેમાં ફળની છાલ હોય. બોરનો ઉપરનો જે છાલ વાળો ભાગ હોય છે, તેને એક્સોકાર્પ - એપિકાર્પ કહેવામાં આવે છે. અમુક ફળો છાલ સાથે ખાઈ શકાય એવાં હોય છે, જ્યારે અમુક છાલ ઉતારીને જ ખાવાનાં હોય છે. બોરની છાલ નરમ અને ખાવાલાયક હોવાથી, મોટે ભાગે છાલ સાથે જ ખાવાનાં હોય છે. જેમ કે - ચણી બોર, આંબળા, જાંબુ, ફાલસા, સ્ટ્રોબેરી વગેરે.

૨) મેસોકાર્પ: બોરનો વચલો ભાગ જે છાલ પછી આવે, તેને મેસોકાર્પ કહેવામાં આવે છે. મેસોકાર્પને મુખ્ય ફળ કહેવામાં આવે છે. બોરનો વચલો ભાગ સખત (ખાવાલાયક), કણીવાળું (પલ્પ), રસાળ હોય છે. જેમ કે - ચણી બોર, જાંબુ, સ્ટ્રોબેરી, આંબળા વગેરે. જે ફળમાં મેસોકાર્પ રસાળ હોય, તેનું જ્યૂસ કરીને પીવામાં આવે છે.

૩) એન્ડોકાર્પ :- ફળનું અંદરનું સ્તર. બોરનો છેલ્લો ભાગ જેમાં ઠળિયો કે બીયા હોય, તેને એન્ડોકાર્પ કહેવામાં આવે છે. આ ભાગ ખાવામાં આવતો નથી. ઠળિયાને ફેંકી દેવામાં આવે છે.

બોરનું વર્ગીકરણ:

બોરનું વર્ગીકરણ બે ભાગમાં કરવામાં આવે છે : (૧) હેસ્પરીડિયમ, (૨) ક્યુકરબિટેસી.

(૧) હેસ્પરીડિયમ: સાઇટ્રસ ફળોનાં જૂથમાં આવતાં પાતળી છાલવાળા બોર. જેમ કે - ચણી બોર, ફાલસા, જાંબુ, સ્ટ્રોબેરી, બ્લુબેરી.

(૨) ક્યુકરબિટેસી: બોટનિકલ મુજબ - જે તરબૂચ, કાકડી, દૂધીને બોરની શ્રેણીમાં મૂકવામાં આવેલા છે. આ શ્રેણીમાં આવતાં ફળો જાડી ~ કડક છાલવાળા હોય છે. જેમ કે - તરબૂચ, કાકડી, દૂધી, કોળું વગેરે.

પ્રખ્યાત બોર અને તેના સ્વાસ્થ્યપ્રદ લાભ:

પહેલાં આપણે ભારતીય બોર વિશે જાણીશું.

(૧) ચણી કે ચણા બોર: ચણી બોર ચણાની જેમ નાના એવા ગોળ અને લાલ ચટક હોય છે અને સ્વાદમાં ગળ્યા હોય છે. તેને અંગ્રેજીમાં Indian Jujube કહેવામાં આવે છે. આ પ્રકારનાં બોર ઉનાળામાં વધુ જોવા મળે છે. તે કાંટાળા વાડામાં થાય છે, તેને લાકડી વડે ખેરવીને લેવાનાં હોય છે. ચણી બોરમાં ફાઈબર ભરપૂર હોય છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે સારું હોય છે.

(૨) ફાલસા: મોટાભાગે આ બોરનું શરબત કરીને પીવામાં આવે છે, એટલા માટે તેને "શરબત બોર" પણ કહે છે. આ બોરમાં કૅલ્શિયમ, પોટેશિયમ, વિટામિન C અને આ તેમજ એન્ટીઓક્સિડન્ટ જેવાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. પાણીની માત્રા વધુ હોવાથી શરીરમાં થતી બળતરાં ને રાહત આપે છે.

(૩) કરોંદા: કરોંદા સ્વાદમાં ખાટાં - મીઠાં હોય છે. તે ભારતનાં પહાડી વિસ્તારોમાં થાય છે. તેમાં વિટામિન B અને C તેમજ આયર્ન તત્વ ભરપૂર માત્રામાં આવેલાં હોય છે. તેનામાં રહેલાં ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ્સ પાચન ક્રિયા સુધારવા, માનસિક સ્વાસ્થ્ય સુધારવા તેમજ શરીરમાં થતી બળતરાં દૂર કરવામાં મદદ કરે છે.

(૪) રસભરી (પટારી - પોપટી): આ બોર ઘણાં પૌષ્ટિક હોય છે. અંગ્રેજીમાં તેને પેરુવિયન ગ્રાઉન્ડચેરી કહેવામાં આવે છે. તે સ્વાદમાં ખાટાં મીઠાં હોય છે. રસભરીમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર, પોટેશિયમ, કૅલ્શિયમ, ફૉસ્ફરસ વગેરે જેવા તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ બોર ઘણાંય રોગોનાં ઉપચાર માટે લાભદાયી છે જેમ કે - કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાડકાંની સમસ્યા, આર્થરાઈટીસ, વજન ઘટાડવા, કાર્ડિયો વેસ્ક્યુલર સિસ્ટમને સુધારવા વગેરે. રસભરીમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસનું પ્રમાણ વધારે હોવાથી તેના સેવનથી આર્થરાઈટીસથી રક્ષણ મળે છે. આ બોરનો ઉકાળો બનાવીને પીવાથી અનિદ્રામાંથી રાહત મળે છે. આ ઉપરાંત ફળનો લેપ બનાવીને ત્વચા પર લગાવવાથી ત્વચાને લગતી સમસ્યામાંથી છુટકારો મળે છે.

(૫) જાંબુ: જાંબુને ઈન્ડિયન બ્લેકબેરી પણ કહેવામાં આવે છે. જાંબુ ખાસ તો એનો સ્વાદ તેમજ એનાં વાઈબ્રન્ટ કલર માટે પ્રખ્યાત છે, જે ખાધાં પછી આપણાં મોંમાં રહી જાય છે. એનામાં રહેલા એન્થોસાઈનીસ તત્ત્વ કેન્સરનાં જંતુ સામે લડવા સક્ષમ હોય છે. જાંબુમાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કૅલ્શિયમ, આયર્ન, પોટેશિયમ વગેરે હોય છે. આ ઉપરાંત તેમાં ગ્લૂકોઝ અને ફ્રૂક્ટોઝ ભરપૂર માત્રામાં હોય છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે તો આ અક્ષરઓસડ છે, તેનાં સુકાઈ ગયેલા બીજનું ચૂર્ણ બનાવી ખાવાથી ડાયાબિટીસમાં ઘણી રાહત થાય છે. આ ઉપરાંત પાચનને લગતી સમસ્યા, ઝાડા તેમજ દાંત અને પેઢાને લગતી સમસ્યા માટે પણ ઉત્તમ છે. આનું મંજન બનાવીને બ્રશ કરવાથી દાંત - પેઢાં મજબૂત રહે છે.

(૬) શેતૂર: શેતૂરને અંગ્રેજીમાં મોરસ આલ્બા કહેવામાં આવે છે. શેતૂરને અંગ્રેજીમાં મલ્બેરી કહેવામાં આવે છે. શેતૂર સફેદ, કાળા અને લાલ રંગમાં આવે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ખાટાં - મીઠાં કાળા શેતૂર ઉત્તમ છે. શેતૂરમાં વિટામિન એ, સી અને ઈ ની સાથે સાથે આયર્ન, કૅલ્શિયમ ભરપૂર માત્રામાં આવેલ હોય છે. શેતૂરનું સેવન કરવાથી ત્વચા અને વાળને લગતી સમસ્યા, હૃદયની બીમારી તેમજ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

(૭) આંબળાં: આંબળાંના વૃક્ષને સૌથી પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે ભગવાન વિષ્ણુનું પ્રિય વૃક્ષ છે. વધારે ખવાતાં બોરમાં ચણી બોર, જાંબુ પછી આંબળાનો નંબર આવે છે. આંબળાંને અંગ્રેજીમાં ગૂઝબેરી કહેવામાં આવે છે. તે ખાસ તો એનાં ખાટાં, ગળ્યાં, તૂરા સ્વાદ માટે લોકપ્રિય છે. ગૃહિણીઓ આંબળાંનું અથાણું, મુરબ્બો તેમજ મુખવાસ પણ બનાવે છે. આંબળાંમાં ક્લોરોજેનિક એસિડીક તત્ત્વ આવેલું હોય છે આ ઉપરાંત તેમાં મેન્ગેનિઝ, ક્રોમિયમ, પોટેશિયમ તેમજ અન્ય મિનરલ્સ ભરપૂર માત્રામાં આવેલ હોય છે. એક રિસર્ચ મુજબ - ટાઇપ ટુ ડાયાબિટીસ તેમજ મેદસ્વિતાને કંટ્રોલ કરવા માટે આંબળાનું સેવન અતિ ઉત્તમ છે. તે કોલેસ્ટ્રોલ, યુરીન ઇન્ફેક્શન, માસિક સ્રાવ વગેરેની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ત્વચા તેમજ વાળને લગતી સમસ્યામાં પણ રાહત આપે છે. તેનું આયુર્વેદિક તેલ, સાબુ, શેમ્પૂ, ચૂર્ણ, રસ વગેરે બજારમાં મળે છે. રસોઈમાં પણ તેનો આમચૂર પાઉડર તરીકે ઉપયોગમાં લેવાય છે.

(૮) કોકમ: મહારાષ્ટ્રમાં કોકમનું શરબત બહુ જ પ્રખ્યાત છે. આ ફળ સ્વાદમાં ખારું હોય છે. ફાલસાની જેમ કોકમ પણ ઠંડા હોય છે. મહારાષ્ટ્રમાં તે વધુ જોવા મળે છે. ઉનાળામાં તેનું શરબત પીવાથી ડિહાઇડ્રેશન તેમજ હિટ સ્ટ્રોકની સમસ્યાથી રાહત મળે છે.

વિદેશી બોર:

(૧) સ્ટ્રોબેરી: જેવું બેરી નામ સાંભળીએ કે તરત જ આપણા મનમાં લાલ ચટક સ્ટ્રોબેરી આવી જાય છે. સ્ટ્રોબેરી સ્વાદમાં થોડી ગળી, ખાટી અને રસાળ હોય છે. તેમાં રહેલ ફાઈબર પાચન સંબંધી સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત કફ (શરદી), ડાયાબિટીસ, હૃદય રોગ, કેન્સર જેવા રોગોનાં ઈલાજ માટે તે ઉપયોગી છે. તેમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ - પોલિફેનોલ શરીરમાં થતી જલનને દૂર કરે છે. આ ઉપરાંત તે સંધિવાને દૂર કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ઇમ્યુનિટી વધારે છે, ખરતાં વાળને અટકાવે છે, મગજની તંદુરસ્તી જળવાઈ રહે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે વગેરે. તેમાં પોટેશિયમનું વધુ પ્રમાણ અને સોડિયમનું ઓછું પ્રમાણ હોવાને લીધે તે હાઇપર ટેન્શનનાં દર્દીઓ માટે ખાસ લાભદાયી છે. સ્ટ્રોબેરીમાં વિટામિન B9 તરીકે ઓળખાતું ફોલેટ તેમજ વિટામિન સી, ફ્લેવાનોઇડ્સ આવેલા હોય છે. સ્ટ્રોબેરીનો ઉપયોગ મિલ્કશેક, સ્મૂધી, કેક, જામ, આઈસક્રીમ બનાવવા માટે પણ થાય છે.

(૨) બ્લુબેરી: બ્લુબેરીનું વૈજ્ઞાનિક નામ સાયનોકોકસ છે. તે નાની, ગોળાકાર, વાદળી રંગની હોય છે તેમજ સ્વાદમાં ગળી, ખાટી હોય છે. તે વિટામિન : એ - સી - ઈ - બી કૉમ્પ્લેકસ, પોટેશિયમ, ફોલેટ, ફાઈબર, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ વગેરેથી ભરપૂર હોય છે, જે હૃદય સંબંધિત રોગો માટે ઘણું રાહતકારી હોય છે. બ્લુબેરીમાં યાદશક્તિ વધારવાના વિવિધ એન્ટીઓક્સિડન્ટ્સ તેમજ એન્ટિ ઇન્ફ્લેમેટ્રીનાં લક્ષણો આવેલા હોય છે. બ્લુબેરીમાં આવેલ ફ્લેવાનોઇડ્સને લીધે મગજને સારી એવી ઊર્જા મળે છે, એનર્જી બૂસ્ટરની જેમ. આ ઉપરાંત તે અલ્ઝાઈમર, કેન્સરની અસર ઘટાડવા, ત્વચા પરની કરચલીઓ દૂર કરવા, વજન ઘટાડવા, આંતરડાની તકલીફ દૂર કરવા વગેરે માટે લાભદાયી છે.

(૩) રાસ્પબેરી: રાસ્પબેરી સ્વાદમાં ખાટી મીઠી હોય છે. તેમાં ફાઈબર, વિવિધ એન્ટીઓક્સિડન્ટ્સ, ફાયટોન્યુટ્રીએન્ટ્સથી ભરપુર હોય છે. તેનાં પાંદડામાં રૂઝાવાનો ગુણ હોવાથી, સદીઓથી તેનો ઉપયોગ સગર્ભાવસ્થાની આડઅસરો ઘટાડવામાં મદદરૂપ થાય છે તેમજ ઉબકા - ઉલટીને પણ અટકાવે છે. એક રિસર્ચ મુજબ, ટાઇપ ટુ ડાયાબિટીસ કંટ્રોલ કરવા તેમજ મેદસ્વિતાને કંટ્રોલ કરવા માટે પણ રાસ્પબેરી ઘણી ગુણકારી છે. આ ઉપરાંત તે હૃદયની તંદુરસ્તી માટે, વજન ઘટાડવા માટે, બ્લડપ્રેશર કંટ્રોલ કરવા, કેન્સરની અસર ઘટાડવા વગેરે માટે લાભદાયી છે.

(૪) બ્લેકબેરી: બ્લેકબેરી વિટામિન, મિનરલ્સ, ફાઈબર તેમજ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપુર હોય છે. એક કપ બ્લેકબેરી ખાવાથી ૧૩.૮ ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. તેમાં રહેલા વિટામિન સીની મદદથી આપણાં શરીરમાં ઇમ્યુની સિસ્ટમ મજબૂત રીતે જળવાઈ રહે છે. વિટામિન કેની મદદથી હાડકાં મજબૂત થાય છે. આ ઉપરાંત પાચનક્રિયા સુધારવામાં, બ્લડ સુગર જાળવવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તેમજ કેન્સર, હૃદયરોગ અને ટાઇપ ૨ ડાયાબિટીસ, કાર્ડિયો વેસ્ક્યુલર જેવી બીમારીનાં ઈલાજ માટે પણ બ્લેકબેરીનું સેવન લાભદાયી રહે છે.

(૫) હકલબેરી: હકલબેરી દેખાવમાં બ્લુબેરી જેવી જ હોય છે, આ બેરી પ્રાણીઓ પણ ખાઈ શકે છે. આને જંગલી બેરી પણ કહેવામાં આવે છે. આમાં ગળપણ ઓછું અને કડવાશ વધારે હોય છે. તે વિવિધ વિટામિન, એન્ટીઓક્સિડન્ટ્સ, ફાયટોકેમિકલ્સ, આયર્નથી ભરપુર હોય છે. હકલબેરી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, કીડની ડેમેજ થતી અટકાવવામાં, ગાંઠ (ટ્યૂમર) બનતાં અટકાવવામાં, વેસક્યુલર રોગોનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેનામાં રહેલાં વિટામિન સીની મદદથી ઈમ્યુની સિસ્ટમ જળવાઈ રહે છે, તે આંખ અને ત્વચાને લગતી બીમારીથી રાહત આપે છે. અગર કોઈને મોંમાં કળતર, અપચો અથવા તો શીળસ વગેરે જેવી સમસ્યા (એલર્જી) હોય તો હકલબેરી ન ખાવી જોઈએ.

(૬) ક્રેનબેરી: ક્રેનબેરી સ્વાદમાં ખાટી અને થોડીક કડવી હોય છે. તેમાં વિટામિન, ખનીજ, એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી, એન્ટી એજિંગનાં લક્ષણો ભરપુર માત્રામાં આવેલા હોય છે. ક્રેનબેરી ખાવાથી શરીરમાં ઇમ્યુનિ સિસ્ટમ, પાચનતંત્ર, આંખોનું તેજ યોગ્ય રીતે જળવાઈ રહે છે તેમજ શરીરમાં થતાં UTI (યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન) ની આડઅસરથી બચાવે છે; મહિલાઓમાં આ ઇન્ફેક્શન વધારે જોવા મળે છે. તે હૃદય રોગ, કેન્સર, અલ્સર જેવી બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે.

વિશેષ બાબતો:

  • પ્રાચીન સમયમાં આપણો ભારત દેશ "જંબુદ્વીપ" નામે ઓળખાતો હતો. આ જંબુદ્વીપ નામનો અર્થ થાય છે - જાંબુઓનો દ્વીપ (ટાપુ); મતલબ કે જ્યાં જાંબુ બહુ જ માત્રામાં થતાં હોય. જંબુદ્વીપ નામ જાંબુ પરથી જ લેવામાં આવેલ છે.
  • આખા વિશ્વમાં બોરની ૪૦૦ જેટલી જાતો જોવા મળે છે. જેમાંથી અમુક જ માણસોને ખાવાલાયક હોય છે. અમુક પ્રાણીઓને ખાવાલાયક હોય છે અને અમુક ઝેરી હોય છે જે ખાવાલાયક નથી હોતાં.
  • બોર સ્વાદમાં ખાટાં હોવાથી તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં ફાઈબર તેમજ ઘણાં લાભદાયી એન્ટીઓક્સિડન્ટ્સ આવેલા હોય છે.
  • બોર હૃદય, ચામડી તેમજ મગજની બીમારીનાં ઈલાજ માટે લાભદાયી છે. બોર ખાવાથી ચહેરાની ચમક વધે છે. વાળ સ્વસ્થ બને છે તેમજ વજન ઘટાડવા માટે તેને સવારનાં નાસ્તામાં પણ લઈ શકાય.
  • બોરમાં સ્વાભાવિક રીતે - એન્ટીઓક્સિડન્ટ્સ સિવાય ફાયટોકેમિકલ્સ, ફ્લેવનોઇડ્સ, કેરોટીનોઇડ્સ, પોલિફિનોલ્સ તેમજ ખનીજ - ફાઈબર ભરપૂર માત્રામાં આવેલાં હોય છે.
  • બોર અન્ય બીમારીઓ જેવી કે - સંધિવા, મોતિયા, મેકયુલર ડિજનરેશન, ડાયાબિટીસ, બ્લડ શુગરને કંટ્રોલ કરવા તેમજ કેન્સર, સ્ટ્રોક વગેરેનાં ઈલાજ માટે ઉપયોગમાં લેવાય છે.
  • બોરમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રીનાં ગુણધર્મો હોવાથી તે શરીરમાં થતી જલન - બળતરામાં રાહત આપે છે.
  • હારફારૌરી (ખટુમડાં) નામનાં બોર દેખાવમાં સ્ટાર જેવા હોય છે તેમજ પોપટી રંગનાં હોય છે. તેનામાં રહેલાં એસિડિક તત્વને લીધે તેનો ઉપયોગ અથાણું બનાવવામાં પણ થાય છે.
  • અમુક વિદેશી બોર (સ્ટ્રોબેરી, બ્લુબેરી) નો ઉપયોગ પેનકેક, સ્મુધી, સોસ બનાવવા માટે થાય છે.
  • ડોક્ટરની સલાહ મુજબ, બંને ત્યાં સુધી બોર ડાયરેક્ટ ખાવામાં ન લેવાં. એને ધોયા પછી જ તેનો ખાવામાં ઉપયોગ કરવો.

તો આ વાત હતી - નાના એવાં ગોળ ચટક, ખાટાં મીઠાં બોરની. આ નાનું અમથું ફળ મોટા ગજાની બીમારીઓથી પણ રક્ષણ પૂરું પાડે છે. તથા રોજબરોજની નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનાં ઈલાજ માટે પણ લાભદાયી છે.

.    .    .

Discus