સદીઓથી પારિવારિક એક્તા તેમજ સામુહિક એક્તા દર્શાવવા માટેનાં ઘણા બધા માધ્યમો રહ્યા છે જેમ કે - તહેવારો - ઉત્સવોની ઉજવણી, જ્ઞાતિ ભોજન, સ્નેહમિલન, લગ્ન સમારંભ, સભાઓ વગેરે. આ બધામાં એક કોમન બાબત જોવા મળે છે - જેમાં લોકો સાથે મળીને સમૂહ ભોજન કરે છે. આ બાબત પાંચ - દસ સભ્યોનાં પરિવારથી માંડીને જ્ઞાતિ સમૂહને લાગુ પડે છે. પંગતમાં સાથે બેસીને જમવાની પરંપરા બહુ જ જૂની છે પણ અત્યારે એ કયાંક જ જોવા મળે છે; બહુ બહુ તો ગામડે હોય છે. બાકી શહેરમાં પંગત જમણવારને સ્થાને બૂફે - boofay જમણવાર આવી ગયું છે. લોકોને જાતે જમવાનું લેવા જવાનું હોય છે. તો ચાલો વાત કરીએ, આપણી લુપ્ત થઈ ગયેલી - સમુહ ભોજન પરંપરા વિશે. સાથે જાણીશું તેનો ઈતિહાસ, તેની રીત, ભોજનમાં વિવિધતા તેમજ અન્ય બાબતો વિશે.

આશરે પાંચસો વર્ષ પહેલાં પંગતમાં બેસીને સમૂહ ભોજન કરવાની પરંપરા લગભગ બધી જ જગ્યાએ પ્રચલિત હતી. નાના એવા કુટુંબથી માંડીને મોટા જ્ઞાતિ ભોજન કે લગ્ન પ્રસંગના ભોજનમાં આ પરંપરા પ્રચલિત હતી. લોકો જમવા જવા માટે "હરિહર કરવા જઈએ" જેવા શબ્દો બોલતાં. જમતા પહેલાં ભગવાનને પ્રાર્થના કે શ્લોક અર્પણ કરતાં ત્યારબાદ ભોજન લેતાં. સમૂહ ભોજન ઘર પરિવારથી માંડીને લગ્ન પ્રસંગ, મરણ, જ્ઞાતિ સંમેલન, જાહેર ઉત્સવોની ઉજવણી, મંદિરોમાં થતું પ્રસાદી ભોજન વગેરે જેવા પ્રસંગોમાં પ્રચલિત હતું. સમૂહ ભોજનથી લોકો વચ્ચે એક અલગ પ્રકારનું બોન્ડિંગ જળવાઈ રહેતું. જે લાગણીથી ભોજન પીરસવામાં આવતું તેના લીધે ભોજનનો સ્વાદ કંઈક ઓર જ લાગતો. પંગતમાં બેસીને જમવું એ એક પ્રકારની શિસ્તબદ્ધ વ્યવસ્થા હતી. કેટલા લોકોએ જમી લીધું ? કેટલાં બાકી છે ? ક્યાં, ક્યારે કંઈ વસ્તુ પીરસવાની ? - એ બધી ખબર પડી જતી. પહેલાના સમયમાં જમવામાં બહુ વેરાયટી નહોતી, પણ ભોજન સાત્વિક રહેતું એ પણ જાતના ભેળસેળ વગર; એકદમ ચોખ્ખું.

હવે આપણે વાત કરીશું - કઈ રીતે સમૂહ ભોજનનું આયોજન થતું એ વિશે. જમણવાર પહેલાં કેવી તૈયારી કરતા ? તેની બેઠક વ્યવસ્થા, પીરસવાની ક્રમશઃ રીત વગેરે.

પહેલાના સમયમાં થતાં જમણવારનાં આયોજનો, પીરસવાની પદ્ધતિઓ, જ્ઞાતિ ભોજનમાં ભોજન પહેલાં બોલાતાં શ્લોક તેમજ "હર હર મહાદેવ"નો નાદ વગેરે જેવી સમૂહ ભોજનની બાબત અંગે " વર્ણકસમુચ્ચય " માંથી અઢળક માહિતી મળે છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે - " વર્ણકસમુચ્ચય " માં વર્ણવેલી અનેક ખાદ્યપેય વાનગીઓના કેટલાંક પરંપરાગત વર્ણનો છે. આમાંની કેટલીક વાનીઓ દવા તરીકે ઉપયોગમાં લેવાતી. ઉદાહરણ તરીકે - વસાણાં, બાજરી - ઘઉંનાં લોટની રાબ વગેરે.

ગ્રંથ પરથી મળતી માહિતી મુજબ - ભોજનનાં સ્થળે મંડપ બાંધીને તેને શણગારવામાં આવતો. તેમાં ગાદી, ચાકળા, ચૂડિયાં, ચોકીવટ વગેરે ગોઠવવામાં આવતા. બેઠકો પર જમનાર બેસી જાય પછી ત્રાટ, વાટાં, વાટી, કચોળા વગેરે વાસણો મૂકવામાં આવતા. ત્યારબાદ જમણવારની વિવિધ વાનગીઓ પીરસવામાં આવતી. જ્ઞાતિ ભોજન હોય તો પીરસવામાં પુરુષો રહેતાં, બાકી કુટુંબ પૂરતાં મર્યાદિત સમૂહ ભોજનમાં ઘરની સ્ત્રીઓ - બહેનો દીકરીઓ દ્વારા ભોજન પીરસવામાં આવતું.

  • "વર્ણકસમુચ્ચય" માં જમણવારની વાનગીઓ પીરસવાનો વિશિષ્ટ ક્રમ જોવા મળે છે. વિવિધ વર્ણકમાં જણાવ્યા પ્રમાણે સૌથી પહેલાં લીલો તેમજ સુકો મેવો પીરસવામાં આવતો. ત્યારબાદ મિષ્ટાન્ન, ભાત, દાળ, વડાં, વડી, શાક, પાપડ, સારેવડાં, વાણા, કૂર, કરંબા અને ધોળ આપવામાં આવતા.
  • "જમણવાર પરિધાન વિધિ" મુજબ મિષ્ટાન્ન પછી વડાં ત્યારબાદ દાળ - ભાત, શાક પીરસવાનું નોંધે છે.
  • "ભોજન વિચ્છતિ" વિવિધ વર્ણકની રીત દર્શાવે છે તેમાં શાક પછી વડાં ત્યારબાદ પલેહ, પાણી અને ધોળની વાત છે.
  • "અહોશ્યાલડ બોલી" માં ભોજન પછી ફળો આપવામાં આવતાં. ભોજન પૂર્ણ થયા બાદ મુખવાસની પદ્ધતિ પણ સામાન્ય હતી.

હવે આપણે વાત કરીશું કે આ જૂના જમાનામાં પીરસવામાં આવતા ભોજનની વિવિધતા વિશે.

  • મિષ્ટાન્નમાં ખાજાં, લાડુ, ખલખંડ, ભલપાંડ, મરકી, સુણલી, ઘારી, સાકુલી, રોટી, બાટી, વેડમી, લેપન શ્રી, ખાજલી, ઘેબર, ઘારડી, ગુલપાપડી, ગુંદપાક, મહિસુફ, સક્કરપારા, કૌચાપાક, આદાપાક, પિપરિપાક, લાપસી, મગદ, તીલ સાંકળી, ખરંગા, સાકરના કુજા, સાકરના હારડા અને જલેબી વગેરે જાણીતી હતી.
  • લાડુમાં પણ ઘણી વિવિધતા જોવા મળતી. જેમ કે - અડદના, આસંધિના, ઉસડના, કરકરટીના, કરહંડના, કસમસિયા, કંસારિયા, કેસરિયા, ગુંદના, ટોપરાના, તંદુલના, તલના, તાજખાની, દલ, દલિયા, દૂધના, દોઠાના, મગદિયા, મગિયા, મેથીના, મોતિયા, રવાના, સિંહ - કેસરિયા, સેવૈયા વગેરેના લાડુ જોવા મળતાં.
  • રોટલી - રોટલા માટે "પૂપ", "અપૂપ" અને "પિષ્ટિક" જેવા શબ્દો વપરાતાં. રોટલી - રોટલાની જગ્યાએ ભાખરી, ઢેબરું, ફુલકા રોટલી, પૂરી, પૂડલા, થેપલા વગેરે ભોજનમાં પીરસવામાં આવતા.
  • શાકભાજીમાં ડોડી, ટિંડોરા, ચીભડાં, ગવારફળી, મોગરી, કંકોડા, કારેલાં, ઘીસોડા, સુવાની ભાજી, તાંદળિયાની ભાજી, મેથીની ભાજી, ફાજીની ભાજી વગેરેનાં શાક બનાવવામાં આવતાં.
  • ફરસાણમાં ચણાનાં લોટની ખાસ વાનીઓ પીરસવામાં આવતી. જેમ કે - ફાફડા, વાનવા, અડદ - મગ - મઠનો શેકેલો કે તળેલો પાપડ, ચોખાની ખીચી તેમજ વડીની બનાવટમાં મુગવડી, ઉડદ વડી, ચુલાની વડી, છમકા વડી વગેરે જોવા મળતી.
  • જે ભાત પીરસવામાં આવતા એમાં એ સમયમાં "સાઠી" જાતનાં ચોખા બહુ પ્રખ્યાત હતા. આ ઉપરાંત કનડુ, કમોદ, કરડિયા, કૂર, કલમ, કુંકણી, કુંઆરી, કૌમુદી, ખરસુ, જીરાસાળ, દેવજીરા, પીળીસાલી, વાગડી, વાસરુ, સાલિયા, સુગંધ વગેરે જેવી જાતો પ્રખ્યાત હતી. કરંબા નામના ચોખામાંથી તેમાં દહીં, કપૂર, એલચી, રાઈ, સિંધવ મીઠું નાખી તેનું રાયતું બનાવવામાં આવતું.
  • ભાતની સાથે મગ, અડદ, ચણા, તુવેર, ઝાલર (વાલ), વટાણા અને મસૂરની દાળ પીરસવામાં આવતી. ક્યારેક કઢી પણ પીરસવામાં આવતી.
  • ભોજનને અંતે છાશ કે દહીંનું ઘોળવું આપવામાં આવતું.
  • ખાનપાનનાં શોખીન માણસોને પાણીમાં પણ સ્વાદ જોતો. એટલા માટે પીવાના પાણીમાં કપૂર, એલચી, કરાહ, કાથો, કેવડો, ખાંડ, ચંદન, દ્રાક્ષ, સાકર વગેરે નાખવામાં આવતા હતા.
  • સંપૂર્ણ ભોજન બાદ મુખવાસ તરીકે તાંબુલ અર્થાત્ પાન આપવાનો રિવાજ હતો. પાનમાં પણ ઘણી જાતો જોવા મળતી જેમ કે - અડાગરા, કર્પુરવેલિયાં, ચેઉલી, નાગરખંડ, નાગરવેલ, રાજોગર, માંગરોલી અને શ્રેષ્ઠીવેલિયા વગેરે. તેમાં સોપારી, કાથો, વરિયાળી, ઈલાયચી, લવિંગ, તમાલપત્ર, કર્પૂર, ઉદય ભાસ્કર, કરહાડઉ વગેરે નાખીને તેને સુગંધિત બનાવવામાં આવતા.

હવેની buffet - બૂફે સિસ્ટમની વાત કરીએ. જમણવારની buffet - બૂફે સિસ્ટમ એ અત્યારનાં મોડર્ન સમયની દેન છે. જેમાં જમવાનું પીરસવા વાળા કાઉન્ટર ટેબલ પાસે ઊભા હોય ત્યાં આપણે જાતે લેવા જવાનું હોય છે, એ પણ લાંબી લાઈનોમાં ઊભા રહીને. લાઈનોમાં ખીચોખીચ ભીડને લીધે જમણવાર વ્યવસ્થાનું સંતુલન ખોરવાઈ જાય છે. લોકો આડેધડ ગમે ત્યાં કુંડાળું કરીને જમવા બેસી જાય છે અથવા તો ટોળું વળીને ઊભા ઊભા જમે છે. આનાથી કેટલા લોકો જમ્યા, કેટલા બાકી છે એ ખબર નથી રહેતી. અને બગાડ પણ ઘણો જોવા મળે છે. ઘરોમાં પણ નીચે આસનમાં બેસીને નથી જમતાં, એની જગ્યાએ અત્યારે ડાઇનિંગ ટેબલ આવી ગયા છે. વાસણમાં અત્યારે સ્ટીલ, કાચ અથવા પ્લાસ્ટિક ફાઈબરના વાસણો જોવા મળે છે. આ બધું તત્કાલીન સુવિધા માટે લાભદાયક હોઈ શકે પણ લાંબા ગાળે નુકસાન કરે છે, ખાસ કરીને તંદુરસ્તીની દૃષ્ટિએ.

તો આ વાત હતી - આપણી પાંચસો વર્ષ પહેલાંની ભાતીગળ ભોજન પરંપરાની એટલે કે સમૂહ ભોજન પરંપરાની. એ સમયમાં ભોજનની સાથોસાથ લાગણી - ભાવ, હેત - પ્રેમ પણ પીરસવામાં આવતો જે લોકોને એકબીજા સાથે જોડીને રાખતો હતો. અત્યારે સમૂહ ભોજન પરંપરા માત્ર મંદિરોનાં પ્રસાદી ભોજનમાં જ જોવા મળે છે. અમુક ગામડાઓમાં હજુ પણ ક્યાંક સમૂહ ભોજન પરંપરા જોવા મળે છે. બાકી શહેરોની ઝડપી જિંદગીમાં આ પરંપરા જાણે ગુમ થઈ ગઈ છે.

.    .    .

Discus