પુસ્તક રાધાકૃષ્ણના પ્રેમપત્રો

અમુક પુસ્તકો એવા હોય છે જેને માત્ર વાંચવાના નથી હોતા, પરંતુ એને આત્મસાત કરવાના હોય છે. એની લીટીએ લીટીએ લખેલા શબ્દો અક્ષરશઃ હૃદયમાં ઉતારવાના હોય છે. એવું જ એક પુસ્તક છે, વિમ્મી વિષ્ણુ ચેવલી દ્વારા લિખિત 'રાધાકૃષ્ણના પ્રેમપત્રો' જે આર. આર. શેઠ પ્રકાશનમાંથી પ્રકાશિત થયેલ છે. પુસ્તકના છપ્પન પત્રોના સંવાદો આપણને ઘણું બધું કહી જાય છે. આમાં માત્ર પ્રેમની વાતો નથી, આમાં સંવાદ છે - સમજદારીનો, સમર્પણનો, મીઠી ફરિયાદોનો, અશ્રુભીની યાદોનો, વિરહનો, દ્રૌપદીના અતૂટ વિશ્વાસનો, પાંડવ અને આર્યાવર્ત પ્રત્યેના કર્તવ્યનો, દુષ્ટોના સંહારનો, લોકોના ઉદ્ધારનો, વિષાદનો અને છેલ્લે મહાપ્રયાણનો. એકમાં અનેક સમાવતું આ પુસ્તક દરેકે વાંચવા જેવું છે, કારણ કે કૃષ્ણ તો સૌના છે અને કૃષ્ણની વાતો કોને ન ગમે ??

સૌથી પહેલો પત્ર કૃષ્ણનો છે. નવ પત્રો સુધી રાધા અને કૃષ્ણના જ પત્ર સંવાદ ચાલે છે. કેટલાય વર્ષો પછી પત્રો દ્વારા જોડાયા એટલે કેટ કેટલીય ન કહેવાયેલી વાતો, ફરિયાદો અને મનોવ્યથા છે. અહીં રાજાધિરાજ દ્વારકાધીશ રાધાનો કાનુડો અને ગોકુળનો ગોવાળિયો બનીને પત્ર લખે છે. આમાં ક્યાંય એનું રાજાપણું જોવા નથી મળતું. સુવર્ણમય દ્વારકામાં રહેતા હોવા છતાં પણ દ્વારકાધીશ આજેય એ ગોકુળ વૃંદાવનની માટી, ત્યાંના લોકો, ગાય-વાછરડાઓ, માખણ-મિસરી, યમુના નદી, ગોપીઓ સાથેના રાસને ઝંખે છે. કૃષ્ણ એનું નટખટપણું તો અહીં ગોકુળ મથુરામાં જ છોડીને ગયા હતા. વાંસળી છોડીને હાથમાં સુદર્શન ચક્ર લીધું. પોતાના રાજ્ય પ્રત્યેની, પરિવાર પ્રત્યેની જવાબદારી તેમજ સમગ્ર આર્યાવર્ત પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવતા રાજનીતિની આંટીઘૂંટીમાં અટવાયેલા કૃષ્ણ તેની પ્રિયત્તમા રાધા સામે પોતાની મનોવ્યથા વ્યક્ત કરીને હળવા થાય છે. રાજ્યને લગતી, પરિવારને લગતી ચર્ચાઓ આ પત્ર સંવાદને વધુ રસપ્રદ બનાવે છે, જેમાં રાધા એની લાગણીસભર સૂઝબૂઝ ઉમેરે છે. ક્યાંક રાધાના સવાલો સામે કૃષ્ણના તર્કબદ્ધ જવાબો છે અને ક્યાંક કૃષ્ણના સવાલો સામે રાધાના લાગણીસભર પણ સમજદારીભર્યા જવાબો છે. વિરહ હોવાથી રાધાની ફરિયાદો છે પણ, તે જાણે જ છે કે તેના વિરહ સામે કૃષ્ણનું ધર્મ સંસ્થાપનાનું કર્તવ્ય મોટું છે.

નવમા પત્રથી આ પત્ર સંવાદોમાં એક અન્ય પાત્ર ઉમેરાય છે, અને એ છે યાજ્ઞસેની દ્રૌપદી. દ્રૌપદીનાં સ્વયંવરથી માંડીને છેક મહાભારતના યુદ્ધ સુધીની તમામ ઘટનાઓ હવે પછીના પત્રોમાં ચર્ચાય છે. પત્રોમાં મુખ્ય બે બાબતો કેન્દ્રસ્થાને રહે છે: દ્રૌપદી અને મહાભારતનું યુદ્ધ. કૃષ્ણ જ્યારે જણાવે છે કે તેઓ દ્રૌપદીના સ્વયંવરના સૂત્રધાર બન્યા છે તેમજ એનાં વ્યક્તિત્વ અને જન્મરહસ્ય વિશે જણાવે છે ત્યારે રાધા દ્રૌપદીથી એટલા પ્રભાવિત થઈ જાય છે કે એ દ્રૌપદીને પત્રો લખવા માંડે છે. રાધા અને દ્રૌપદી વચ્ચે જે કંઇ પત્ર સંવાદો થાય છે એના અમુક અંશો રાધા કૃષ્ણને તેના પત્ર દ્વારા જણાવે છે. દ્રૌપદી એની જ્વાળાસમ મનોવ્યથા રાધા અને કૃષ્ણ બંનેને જણાવે છે, અને રાધા-માધવ દ્રૌપદીની મનોવ્યથાને શાંત પાડે છે. આ સિવાય આ પત્ર સંવાદોમાં અમુક અજાણ્યા પ્રસંગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે - કંસના જન્મનું રહસ્ય, જરાસંધનાં જન્મનું રહસ્ય, દ્રૌપદી દ્વારા કિરાત લોકોની સ્વમાનભેર સ્વીકૃતિ, બલરામ દ્વારા રુકમી વધ, બ્રહ્મદત્તનાં કુંવરો : હંસ અને ડિંભક વધ, કર્ણના જન્મનું રહસ્ય, કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર શું કામ કહે છે ?? વગેરેનું ઉંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.

રાધાની દ્રૌપદી પ્રત્યેની ચિંતા કૃષ્ણ એના તર્કબદ્ધ જવાબો દ્વારા દૂર કરે છે. દ્રૌપદી સાથે પત્રો દ્વારા આત્મીયતા બંધાઈ ગયા બાદ, રાધા અને દ્રૌપદી વચ્ચેનો સંવાદ પણ રસપ્રદ રહે છે. દ્રૌપદીનાં સ્વયંવરથી લઈને તેના ઇન્દ્રપ્રસ્થ ગમન, ભરી સભામાં વસ્ત્રાહરણ, વનવાસ અને યુદ્ધ સુધીની ચર્ચાઓ રાધા માધવના પત્ર સંવાદોમાં જોવા મળે છે. સૌથી લાંબો પત્ર સંવાદ યુદ્ધ અંગેની વિષ્ટિ બાબતનો છે, જેમાં કૃષ્ણ યુદ્ધ પહેલા બંને પક્ષે સંધી માટે જાય છે. પરંતુ યુદ્ધના બીજ તો વસ્ત્રાહરણની ઘટનાથી જ રોપાય ગયા હતા, એટલે યુદ્ધ ટાળવું અશક્ય જ હતું અને એવું જ થયું. કૃષ્ણે યુદ્ધ અટકાવવાના તેનાથી બનતા તમામ પ્રયાસો કર્યા, પરંતુ યુદ્ધ એ જ નિયતિ હતી. આ બાજુ ધન સંપત્તિથી મદ થઈ ગયેલા યાદવો કાબૂ બહાર થઇ ગયા હતા અને અવળે માર્ગે વળી ગયા હતા. જેનો ફાયદો ઉઠાવીને દુશ્મન દેશોના રાજાઓ કૃષ્ણની ગેરહાજરીમાં દ્વારકા પર આક્રમણ કરી દેતા. કૃષ્ણ માટે અહીં બહુ જ રસાકસીની સ્થિતિ હતી એક બાજુ કૌરવો સામેનું યુદ્ધ અને બીજી બાજુ યાદવોને સંભાળવા - બંને વચ્ચે સમન્વય સાધવો મુશ્કેલ થઈ ગયો હતો.

યુદ્ધ મેદાન પર સામે ઉભેલા સ્વજનો જોઈને જ્યારે અર્જુન હથિયાર ઉપાડવાની ના પાડી દે છે, ત્યારે કૃષ્ણ એને ગીતારૂપી જ્ઞાન આપીને તેને તમામ વિષાદોમાંથી ઉગારે છે અને યુદ્ધ લડવા માટે તૈયાર કરે છે. પ્રતિશોધ લેવાય જાય છે, યુદ્ધમાં પાંડવોની જીત થાય છે. પરંતુ યુદ્ધ પછીની સ્થિતિ અતિશય ભયંકર થાય છે, ચોતરફથી લોકોના આર્તનાદ, જ રોકકળ સંભળાય છે તેમજ કટકે કટકા થયેલા યોદ્ધાઓના શવો જમીન પર જોવા મળે છે. યુદ્ધ જીત્યાનો કોઈને હરખ નહોતો, અને આ વિશે પહેલેથી ખબર જ હતી પરંતુ યુદ્ધ જરૂરી હતું. યુદ્ધ પછીની આ ભયાનક સ્થિતિ જોઈને કૃષ્ણ ખુદ વિષાદમાં પડી જાય છે, ત્યારે રાધા પોતાની સહાનુભૂતિભરી વાતોથી તેને વિષાદોમાંથી ઉગારે છે. યુદ્ધ પછી આર્યાવર્તનો એક નવો અધ્યાય શરૂ થાય છે. પરંતુ હવે કૃષ્ણની સામે બીજી એક વિનાશક સ્થિતિ વાટ જોતી હોય છે, પુત્ર સાંબના ઉદ્દંડ કૃત્યને લીધે ઋષિ દુર્વાસાએ આપેલો શ્રાપ તેમજ ગાંધારીએ આપેલો શ્રાપ કૃષ્ણને તેની નજર સામે ફળીભૂત થતો દેખાતો હતો. જેમ કૌરવોનો વિનાશ એ ધર્મની સ્થાપનાનું પહેલું પગથિયું હતું એમ યાદવોનો નાશ એ ધર્મની સ્થાપના માટેનું છેલ્લું પગથિયું હતું.

અને હવે આવે છે છેલ્લો પત્ર, રાધાના મહાપ્રયાણ પહેલાનો છેલ્લો પત્ર. આ અંતિમ પત્રમાં રાધા કૃષ્ણને એના તમામ કાર્યો માટે બિરદાવે છે – જે લોકોના ઉદ્ધાર તેમજ ધર્મની પુનઃસ્થાપના અર્થે કરેલા. રોષ વ્યક્ત કરતી, ફરિયાદ કરતી રાધા હવે શાંત પડી ગઈ છે. રાધાને હવે કૃષ્ણ પ્રત્યે કોઈ જ ફરિયાદ નથી, કારણ કે પ્રેમ હવે પરિપક્વ થઈ ગયો છે. કૃષ્ણના કર્મ સિદ્ધાંતને રાધા બરોબર સમજી ગયા છે. નવા આકાર પામી રહેલા આર્યાવર્તની નવી સમાજવ્યવસ્થા અને ધર્મ-નીતિમય શાસન માટેની શુભેચ્છા આપીને રાધા હવે એના પત્રોને વિરામ આપે છે. અત્યાર સુધી લખેલા તમામ પત્રો સાથે વાંસળી અને આસમાની ચુંદડી શ્યામને પરત મોકલે છે, કારણ કે હવે જીવનલીલા સંકેલવાનો સમય આવી ગયો છે. મહાપ્રયાણ પહેલાના આ અંતિમ પત્રમાં રાધા અંતિમ પ્રયાસરૂપે પૂછી જ લે છે કે - "શ્યામ, વ્રજ પરત ક્યારે ફરીશ?" અને કહે છે કે - "મહાપ્રસ્થાન પહેલા છેલ્લી વાર તારી વાંસળીના સૂર હવામાં વહેતા કરજે, એ સૂરની હવામાં હું તારા દર્શન કરીશ. આ ભવે નહીં તો આવતા ભવે તને પામીશ. મને વચન આપ કે આવતા ભવે તું મને આટલો વિયોગ નહીં આપીશ." - વાક્ય સાથે આ પત્ર સંવાદ અહીં પૂર્ણ થાય છે.

त्वदीयं वस्तु गोविन्दः तुभ्यमेव समर्पयेत् ।

.    .    .

Discus