Picture Source: https://pin.it/2qRhpLI

આજે આપણે વાત કરવાની છે એક એવા લોક વાજિંત્ર ની જેની ઉત્પત્તિ તો વૈદિક / પૌરાણિક કાળમાં થઈ હતી, પરંતુ આજે તે રાજસ્થાનનું લોક વાજિંત્ર છે. રાજસ્થાન નામ સાંભળતા જ આપણા કાનમાં એક કર્ણપ્રિય, સુરીલું સંગીત સંભાળશે - એ છે રાવણહથ્થો. આ વાજિંત્ર નું સંગીત જેટલું રસપ્રદ છે તેટલી જ રસપ્રદ એની ઉત્પત્તિની કથા છે. તો ચાલો જાણીએ - રાજસ્થાનના લોક વાજિંત્ર રાવણહથ્થો વિશે તેમજ તેની ઉત્પત્તિની કથા, તેની બનાવટ તેમજ વિશેષ બાબતો વિશે.

પરિચય

રાવણહથ્થો નામ સાંભળતા એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ વાજિંત્ર રાવણ સાથે સંકળાયેલ હશે. રાવણહથ્થો એ શ્રીલંકાની હેલા સભ્યતા માંથી ઉત્પન્ન થયેલ વાજિંત્ર છે. રાવણહથ્થો સંસ્કૃત શબ્દ "રાવણ હસ્ત વીણા" માંથી આવેલ છે જેનો અર્થ થાય છે - રાવણનાં હાથની વીણા. રાવણહથ્થો એ રાજસ્થાનનું પ્રખ્યાત લોક વાજિંત્ર છે, તે ગુજરાતમાં પણ અમુક જગ્યાએ જોવા મળે છે. રાવણહથ્થો મુખ્યત્વે રાજસ્થાનનાં ભોપા જાતિના લોકો દ્વારા વગાડવામાં આવે છે. રાવણહથ્થાને વાયોલિનનાં પૂર્વજ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને દેશી વાયોલિન કહી શકીએ.

ઈતિહાસ

આનો ઉદભવ રાવણના શાસનકાળ દરમિયાન થયો હતો. દશાનંદ રાવણનાં માતા કૈકસી મહાદેવના પરમ ભક્ત હતા. તેમની ઈચ્છા હતી કે તેઓ હંમેશા શિવજીના ચરણોમાં વાસ કરે, સેવા પૂજા કરે. એટલા માટે તેણીએ કૈલાસ પર્વત જવાનું નક્કી કર્યું. રાવણ તેની માતાના આ નિર્ણયથી સહમત નહોતો. તેણે વિચાર્યું કે માતા કૈલાસ પર્વત પર જાય, એના કરતાં કૈલાસ પર્વતને જ અહીં લાવી દઉં તો !! માતૃપ્રેમ માં ઓતપ્રોત થયેલો રાવણ કૈલાસ પર્વત લઈ જવાના રસ્તે નીકળી પડ્યો. કૈલાસ પર્વત પર પહોંચતા નંદીએ એમને રોક્યો, કારણ કે નંદી રાવણનાં ઈરાદા જાણી ગયો હતો. પરંતુ અહંકાર વશ રાવણે નંદીને પણ અવગણ્યો, એની વાતો પર ધ્યાન ન આપ્યું. કૈલાસ પર્વત પાસે પહોંચતા જ રાવણે પોતાનાં બંને હાથ પર્વત ઉચકવા ઉપાડ્યા, અને કૈલાસ પર્વતને ઊંચક્યો. પર્વત ઉચકતાની સાથે જ બધુ હાલક ડોલક થવા માંડ્યું હતું. આ સાથે જ શિવજી ધ્યાન પર બેઠા હતા, અને પર્વતનો આ અવાજ સાંભળીને ક્રોધિત થયા અને તેઓએ એમના એક પગ વડે ઉચકેલા પર્વતને પાછો નીચે બેસાડી દીધો. એમાં રાવણનાં બંને હાથો દબાઈ ગયા હતા. ક્રોધિત થયેલા શિવજીને મનાવવા રાવણે ત્યાં ને ત્યાં પોતાનું એક મસ્તક અને હાથ કાપીને તેમાંથી એક વાજિંત્ર બનાવ્યું - જે આજે રાવણહથ્થો તરીકે ઓળખાય છે. આ વાજિંત્ર થી રાવણે ભગવાન શિવની આરાધના કરવાનું શરૂ કર્યું જેમાં તેણે આ વાજિંત્ર વગાડતા વગાડતા શિવ સ્તોત્રમ બોલવાની શરૂઆત કરી, આ સ્તોત્રમ "શિવ તાંડવ" તરીકે ઓળખાય છે. વાજિંત્ર નું અતિ મધુર સંગીત સાંભળતાં શિવજીનો ક્રોધ શાંત થયો અને રાવણના હાથોને મુક્ત કર્યા હતા. આ ઉપરાંત તેઓ રાવણથી અત્યંત પ્રસન્ન થયા હતા. આ ઘટનાની સાથે રાવણહથ્થો અને શિવ તાંડવ ની રચના થઈ હતી.

એવું પણ કહેવામાં આવે છે કે રાવણના મૃત્યુ પછી શ્રી રામે આ રાવણહથ્થો ભારત લઈ જવા હનુમાનજીને કહેલું હતું. આ રાવણહથ્થાને વાયોલિનના પૂર્વજો તરીકે ગણવામાં આવે છે આવુ સંગીત ઈતિહાસકારોએ દાવો કરેલો છે.

બનાવટ

રાવણહથ્થો બનાવવા માટે નાળિયેર, વાંસની લાકડી, લાકડાની ખીલીઓ, રંગીન પાઉચ, ઘૂઘરા, મણકા, ઘોડાની પૂંછડીના વાળ (તાર તરીકે) નો ઉપયોગ કરવામાં આવે છે. રાવણહથ્થો ગજની મદદથી વગાડવામાં આવે છે, આ ગજ વાંસમાંથી બનાવવામાં આવે છે અને તેની બંને બાજુએ તાર યેરની કટોરી પર ચામડું મઢીને બનાવવામાં આવે છે, તેની દાંડીઓ (કળીઓ) વાંસની બનેલ હોય છે. તેની પર લાકડાની ખીલીઓ લગાવવામાં આવે છે. અને તેના ફરતે નવ તાર બાંધવામાં આવે છે. આ તાર સ્ટીલ કે મેટલના નહિ પણ ઘોડાની પૂંછડીના હોય છે. આ તારમાંથી રિધમ ~ ધ્વનિ ઉત્પન્ન થાય છે. અહી તાર ઢીલા હોય છે એટલે તેને જમણા હાથના અંગુઠાથી દબાવીને કડક બનાવવામાં આવે છે. ગજનાં છેડે ઘૂઘરા બાંધવામાં આવે છે તેના સંચાલનાથી અવાજની સાથે તે લય આપે છે. ડાબા હાથની આંગળીઓથી તારને યોગ્ય જગ્યાએ દબાવીને અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે. એનો મુખ્ય તાર મધ્ય સપ્તકના “સા” તથા છેલ્લા તાર મન્દ્ર “પ” સાથે મેળવવામાં આવે છે અને બાકીના તાર “સા” થી “ન” સુધીના સ્વરોમાં મળે છે.

વિશેષ

રાજસ્થાનમાં જ્યારે રજવાડાઓના રાજ હતા ત્યારે તેના રાજકુમારો - રાજકુમારીઓ માટે રાવણહથ્થો શીખવું ફરજિયાત હતું તેમજ મહારાણી ઓ પણ શીખતાં હતા. આ ચલણ ગુજરાતનાં રજવાડાઓમાં પણ હતું.

રાજસ્થાની રિયસતોમાં એ સમયમાં આ રાવણહથ્થો વગડાનારાનું બહુ જ માન હતું. દરેક રજવાડાઓના રાજા પોતાના દરબારમાં એકાદ રાવણહથ્થો વગાડનાર વ્યક્તિ રાખતા અને પુરસ્કાર પણ આપતા.

પાબૂજી રાઠોડ ઉપરાંત જવાહર જી, ડુંગર જી ની વીર ગાથાઓ ગાતી વખતે રાવણહથ્થો ઉપયોગમાં લેવાય છે.

રાવણહથ્થો એ તંતુવાધ શ્રેણીમાં આવતું વાદ્ય છે - String Instrument

રાવણહથ્થો રાજસ્થાન અને ગુજરાતમાં નાયક સમુદાયના વિચરતા સંગીતકારો (વણઝારા) દ્વારા ભજવવામાં આવતો કોયડો (અભિનય) છે. આ લોકો જ્યારે કોઈ લોકકથા પ્રસ્તુત કરતા હોય ત્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝીકમાં આ વાદ્ય વગાડવામાં આવે છે. અને જે લોકો આ કથાઓ પ્રસ્તુત કરે છે તેને ભોપાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં અભિનય અને સંગીત બંનેનો સમન્વય હોય છે. અહી રાજસ્થાનમાં પાબુજી રાઠોડ નામના એક વીર પુરૂષ થઈ ગયા તેની વીરગાથા આ ભોપા લોકો ગાય છે.

આ રાવણહથ્થો આ સમુદાયના લોકો માટે લોકકથાની પ્રસ્તુતિ ની સાથે સાથે આજીવિકાનું સાધન પણ હતું. અને આ રાવણહથ્થો એટલો બધો અગ્રણી થઇ ગયો હતો કે ગુજરાત અને રાજસ્થાનનાં શાહી પરિવારની મહિલાઓ તથા બાળકોને આ ફરજિયાતપણે શીખવવામાં આવતો હતો. આટલા વર્ષો થઇ ગયા તો પણ આ લોકવાદ્ય એ એના સૂર દ્વારા પોતાની ઓળખ જાળવી રાખી છે. હવે તો આ લોક વાજિંત્રનો ઉપયોગ બોલીવુડના ગીતોમાં પણ બેક ગ્રાઉન્ડ મ્યુઝીક તરીકે થાય છે. તો આ હતી વાત રાવણહથ્થાની. ક્યારેક રાજસ્થાન જાઓ તો આની મુલાકાત ખાસ લેજો.   


.    .    .

Discus