આપણે વાત કરીશું, એક એવા ખમીરવંતા કવી, શાયર અને ગઝલકારની જેના મુખેથી ગઝલો અને કવિતાઓની ગંગા તેનાં મરણપર્યંત વહેતી રહી, જેનો લાભ સમગ્ર ગુજરાતીઓએ લીધો. એમની કવિતા અને ગઝલોમાં જે સરળતા અને સાદગીપણુ જોવા મળે છે એવું કદાચ ભાગ્યે જ જોવા મળતું હશે. જેને કવિતાનો ‘ક’ પણ નહીં આવડતો હોય ને, એ પણ જો આ સાહેબની કવિતા સાંભળશે કે તરત જ તેના મુખેથી “વાહ વાહ....” નીકળશે. આ કમાલ છે ખલીલ સાહેબની રચનાઓનો. તો ચાલો જાણીએ, ગુજરાતનાં પ્રખ્યાત કવી, શાયર અને ગઝલકાર પદ્મશ્રી. ખલીલ ધનતેજવી સાહેબ વિશે, સાથે જાણીશું એના સાહિત્ય સર્જન તેમજ એમની ગઝલો અને કવિતાઓની કેટલીક પંક્તિઓ.

  • ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. તેઓ ધનતેજ ગામનાં વતની હતા, માટે તેમણે તેમનાં નામની પાછળ પોતાનાં ગામનું નામ રાખ્યું. ખલીલ સાહેબનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૯૩૮નાં રોજ વડોદરાનાં ધનતેજ ગામમાં થયો હતો. પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી, તેમણે ચાર ચોપડી સુધી જ શિક્ષણ મેળવ્યુ હતું. પરંતુ જેને જન્મજાત જ સાહિત્યની કળા મળી હોય, તેને ઓછા ભણતરથી કંઈ ફેર નથી પડતો. તેઓ હિંદી, ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં પોતાની રચનાઓ લખતા. તેમણે સાહિત્ય સફરની શરૂઆત વાર્તા લખવાથી કરી હતી. તેમણે ઘણી ખ્યાતનામ નવલકથાઓ લખેલી જેની પર એવૉર્ડ વિનીંગ ફિલો અને નાટકો પણ બન્યા હતાં. તેઓ વ્યવસાયે પત્રકારત્વ, પ્રિંટીંગ પ્રેસ તેમજ ફિલ્મ નિર્માણનાં કાર્યો સાથે સંકળાયેલા હતાં.
  • તેમની કવિતાઓઅને ગઝલોની વાત કરીએ તો, તેમના મનમાં જ ગઝલો રચાતી અને એ હંમેશા શબ્દશ: યાદ રહેતી તેમજ એમના કવિ મિત્રોને પણ સંભળાવતા. તેઓને તેમની રચનાઓ ક્યાંય કાગળમાં લખવાની જરૂર ન પડતી, તેમને લાંબા ગાળા સુધી યાદ રહેતી. આજ સુધીનાં જેટલા કવિ સંમેલન, મુશાયરા તેમજ અન્ય સાહિત્યને લગતા કાર્યક્રમો થયા, ત્યાં તેઓ તેમની ગઝલો અને કવિતાઓ કાગળમાં જોયા વગર જ બોલતા. એમની રચનાઓ એમને છેક સુધી કંઠસ્થ રહી. જ્યારે તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “સાદગી” બહાર પાડવાનો હતો, ત્યારે તેમણે ત્યાંને ત્યાં જ એકી સાથે ૧૦૦ ગઝલો કાગળમાં લખી અને પ્રિંટીંગ માટે પબ્લીશરને આપી હતી. તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર, ડાયલોગ & સોંગ રાઈટર તેમજ સ્ટોરી અને સ્ક્રીનપ્લે રાઈટર તરીકે કામ કરેલું. અમુક ફિલ્મો માટે તેઓને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ લેખક અને દિગ્દર્શક તરીકે એવૉર્ડ્સ પણ મળેલાં. તેમની ઉર્દૂ ભાષામાં લખાયેલ ગઝલો, મશહૂર ગઝલકાર સ્વ, શ્રી. જગજિતસિંહનાં કંઠે ગવાઈ હતી. વર્ષ – ૨૦૨૧ માં ૪ એપ્રિલ, ૨૦૨૧નાં રોજ ૮૫ વર્ષની વયે વડોદરા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધાં. એ જ વર્ષે તેમને મરણોપરાંત “પદ્મશ્રી” પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં.

ખલીલ સાહેબનું તેજોમય અને ઉત્તમ સાહિત્ય સર્જન આ મુજબ છે :

  1. નવલકથા - મુકામ પોસ્ટ ઝાકળ, ભરચક એકાંત, એક મુઠ્ઠી હવા, છૂટાછેડા, સાંજ પડે ને સૂનું લાગે, લીલોછમ તડકો, મોંત મલકે મીઠું મીઠું, સન્નાટાની ચીસ, લીલા પાંદડે પાનખર, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો, લોહભીની રાત, કોરી આંખમાં ભીનાં સ્વપ્નાં, સાવ અધૂરા લોક, નગરવધૂ, કોરી કોરી ભીનાશ, તરસ્યા એકાંત, સળગતો બરફ, સફેદ પડછાયા, ડૉ. રેખા, સુંવાળો ડંખ, સોગંધનામુ – આત્મકથા.
  2. નાટક - નગરવધૂ (નવલકથા), સાવ અધૂરા લોક (નવલકથા), લીલા પાંદડે પાનખર (નવલકથા), પારકી તોય પાડોશણ.
  3. ગઝલસંગ્રહ – સાદગી, સારાંશ, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સરોવર, સોપાન, સારંગી.
  4. ગુજરાતી ફિલ્મો - ખાપરો ઝવેરી, ડૉ. રેખા (નવલકથા), ચુંદડી ચોખા (સંવાદકાર), છૂટાછેડા (આઠ એવૉર્ડ્સ મળેલાં), મન માનતું નથી – આ બધી ફિલ્મોમાં ખલીલ સાહેબ દિગ્દર્શક, સંવાદકાર, કથા-પટકથાકાર, ગીતકાર તરીકે કાર્ય કરેલું.
  5. પ્રસારણ – તેમણે આકાશવાણી તેમજ દૂરદર્શનમાં પણ ગઝલોની રજૂઆત કરેલી. સોની સબ ટીવીમાં “વાહ વાહ ક્યા બાત હૈ..” શો માં તેમણે પોતાની ગઝલો હિંદીમાં રજૂ કરી હતી. આ ઉપરાંત અનેક સાહિત્યલક્ષી કાર્યક્રમો, મુશાયરાઓ તેમજ સંમેલનોમાં પોતાની ગઝલો અને કવિતાઓની રજૂઆત કરી હતી.
  • એવોર્ડ્સ: “કલાપી એવૉર્ડ” (વર્ષ – ૨૦૦૪), “વલી” ગુજરાતી ગઝલ એવૉર્ડ (વર્ષ – ૨૦૧૩). નરસિંહ મહેતા એવૉર્ડ (વર્ષ – ૨૦૧૯), પદ્મ શ્રી એવૉર્ડ – મરણોપરાંત (વર્ષ – ૨૦૨૧). છૂટાછેડા ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ લેખક તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે બે એવૉર્ડ્સ મળ્યા હતાં.

ખલીલ સાહેબની અમુક પ્રખ્યાત ગઝલો તેમજ કવિતાની અમુક પંક્તિઓ જે મારી પણ ફેવરીટ છે તે આ મુજબ છે:

Source: Joanna Kosinska on Unsplash

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.
હાથ તે ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.
એ ખરો કોટો હતો, એતો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.
ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો.
પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !
આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !
હું ખલીલ, આજે પણ મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

રૂબરૂ ખુદને મળીને મે મને પૂછ્યૂં,
હું અરિસા બહાર ઊભો છું તું અંદર કોણ છે ?

પહેલા તારા પૂર્વજોનાં મૂળ જો,
એ પછી આવીને મારુંકૂળ જો.
મારા મેલા વસ્ત્રની ટીકા ના કર,
તારા જીવતરમાં પડેલી ધૂળ જો.

ભર બપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

તો આ વાત હતી, આપણા ખમીરવંતા ખલીલ સાહેબની. જેની સાદગી સાથેની ખુમારી એમની ગઝલોમાં સ્પષ્ટ રીતે જોવાતું. કહેવાય છે કે કલાકારનાં ગયા પછી પણ તે તેની કલાનાં માધ્યમથી જીવે છે. ખલીલ સાહેબ પણ એમની ગઝલોનાં સ્વરૂપે હંમેશા ગુજરાતીઓનાં હૈયામાં તેમજ ગુજરાતી સાહિત્યમાં જીવીત રહેશે.

ને ખલીલ એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોંતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

- પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબ   

.     .     .  

Discus