અત્યાર સુધી આપણે ઘણાંય અતરંગી પક્ષીઓ વિશે સાંભળ્યું હશે, પણ ક્યારેય એવા પક્ષી વિશે સાંભળ્યું છે કે જે મશીન ગનમાંથી જેમ ધડાધડ ગોળીઓ છૂટે એવો અવાજ કાઢતું હોય? ડાયનોસોર (જુરાસિક) યુગનું સાક્ષી પુરાવતું આ પક્ષી ‘જીવતો ડાયનોસોર’ તરીકે ઓળખાય છે. દરેક પક્ષી તેની કોઈ ખાસ આવડતની (અવાજ, રંગ, ઉડવાની ક્ષમતા) બાબતમાં પ્રખ્યાત હોય છે એમ, આ પક્ષી તેની ચાંચ અને અવાજ માટે પ્રખ્યાત છે. તેની ચાંચને લીધે જ તેને આ નામ મળ્યું છે. આ પક્ષીનો અવાજ, ઉડાન, શિકાર કરવાની રીત—બધું જ ભયંકર છે અને અમુક બાબતો તો અચરજ પમાડે એવી છે. તો ચાલો જાણીએ, જીવતો ડાયનોસોર તરીકે ઓળખાતા એવા શુબિલ વિશે; સાથે જાણીશું એની જીવનશૈલી, આદતો-લક્ષણો તેમજ એની વિશેષ ચાંચ વિશે.
શુબિલ પક્ષીનું નામ તેની બુટ (shoe) આકારની ચાંચ (bill) પરથી પડ્યું છે. દેખાવમાં તે વિશાળ છે. ચાંચને લીધે થોડુંક પેલિકન પક્ષી જેવું લાગે છે. પાંખ ફેલાવે એટલે ગીધ જેવું, શિકાર કરવાની ચપળતા ચિત્તા જેવી, નજર બાજ જેવી. ટૂંકમાં, શુબિલમાં ઘણા બધા પક્ષીઓના લક્ષણો છે. આ સાથે શુબિલ અન્ય નામો જેવા કે – વ્હેલ હેડેડ બર્ડ, વ્હેલબિલ, જીવતો ડાયનોસોર, મોશનલેસ બર્ડ વગેરે નામોથી પણ પ્રખ્યાત છે. આ દરેક નામો તેના લક્ષણોને લીધે મળેલા છે. વ્હેલ માછલી જેવું ભારે ભરખમ માથું છે એટલે વ્હેલહેડ બર્ડ. તે ડાયનોસોરના સમયમાં પણ હતું અને આજે પણ છે એટલે એ આજના સમયનો જીવતો ડાયનોસોર છે. શિકાર માટે એક જ જગ્યાએ કલાકો સુધી સહેજ પણ હલ્યા વગર, મૂર્તિની માફક સ્થિર ઊભું રહે છે એટલે મોશનલેસ બર્ડ તરીકે ઓળખાય છે. શુબિલ દુનિયાના સૌથી દુર્લભ અને ભયાનક પક્ષીઓની યાદીમાંનું એક છે.
શુબિલનું વૈજ્ઞાનિક નામ બલેનિસેપ્સ રેક્સ (Balaeniceps rex) છે. શુબિલ પક્ષી ઘણું વિશાળ હોય છે. તેની ઊંચાઈ 3.5 થી 4.5 ફૂટની હોય છે. તેનું વજન 4 થી 7 કિલો આસપાસનું હોય છે. તેનું wingspan – પાંખ ફેલાવવાની ક્ષમતા 7.5 થી 8.5 ફૂટ જેટલી લંબાઈની હોય છે. તેનું આયુષ્ય 35 વર્ષ સુધીનું હોય છે. તે મોટેભાગે ગ્રે (રાખોડી) કલરનું હોય છે. તેની પાંખો બ્લૂ-ગ્રે, ડાર્ક ગ્રે રંગની જોવા મળે છે. તેના પગ બગલાની માફક ઊંચા, પાતળા, સોટી જેવા હોય છે, જે પાણીવાળા વિસ્તારમાં પણ આસાનીથી ચાલી શકે છે. તેની ચાંચ અગાઉ વાત કરી એમ shoe એટલે કે બુટ આકારની હોય છે. તેની ચાંચના ઉપલા ભાગે ધારદાર હુક આવેલી હોય છે, જેમ પોપટને હોય એમ. શુબિલ માંસભક્ષી હોય છે. તેનો મુખ્ય ખોરાક માછલીઓ હોય છે, ખાસ કરીને લંગફિશ, કેટફિશ, ટિલાપિયા વગેરે. માછલીઓ સિવાય તે અન્ય શિકારમાં દેડકા, સાપ, ગોકળગાય અને ક્યારેક મગરના બચ્ચાનો શિકાર કરે છે. માનવામાં નહીં આવે પરંતુ આ પક્ષી મગરના બચ્ચાને પૂરાં જોરપાટમાં આખેઆખું ગળી જાય છે. શુબિલ મોટેભાગે તાજા પાણીના swamp માં જોવા મળે છે. સ્વામ્પ એટલે પોચી જમીનનો એવો જળકૃત વિસ્તાર, જે ઊંચા-ઊંચા ઘાસ-વનસ્પતિઓથી ઘેરાયેલો હોય. જળકૃત એટલે અહીં અતિશય પાણીથી ઘેરાયેલો નહીં, પણ અમુક ભેજવાળી પોચી જમીન જેમાં વચ્ચે પાણી આવેલ હોય અને મોટા ભાગનો વિસ્તાર ઘાસ-વનસ્પતિઓ, પેપિરસથી ઘેરાયેલો હોય. માનવામાં નહીં આવે પરંતુ શુબિલ ઝાડ પર નહીં, પણ આ તરતા પાણી પર પોતાનો માળો બાંધે છે. શુબિલનું મુખ્ય આકર્ષણ તેની ચાંચ છે, જે મશીન ગનમાંથી છૂટતી ગોળીઓની જેમ ધડાધડ અવાજ કાઢે છે.
શુબિલનું મુખ્ય નિવાસસ્થાન પૂર્વ આફ્રિકામાં આવેલ સ્વામ્પ અથવા તો માર્શલેન્ડ્સમાં જોવા મળે છે. મુખ્યત્વે તે યુગાન્ડા, સુદાન, પૂર્વ ડી. આર. (ડેમોક્રેટિક રિપબ્લિક) કોંગો, ઝામ્બિયા, કેન્યા, ઇથોપિયા, બોટ્સવાના, ટાન્ઝાનિયા વગેરે દેશોના સ્વામ્પ વિસ્તારમાં જોવા મળે છે. શુબિલ એકલવાયુ પક્ષી છે. એ પોતાનો માળો ઘનઘોર વનસ્પતિઓની વચ્ચે તરતા પાણી પર બાંધે છે. આ તરતા પાણી પર આજુબાજુના વિસ્તારમાંથી ઘાસ, પાંદડાં, તણખલાં તેમજ અન્ય વનસ્પતિઓ લાવીને પોતાનો માળો બાંધે છે; પાણી છીછરું હોય છે એટલે ડૂબવાનો સવાલ જ નથી રહેતો. શુબિલનો માળો floating vegetation તરીકે ઓળખાય છે. એ એવા વિસ્તારમાં માળો બાંધવાનું પસંદ કરે છે, જ્યાંથી એને ખોરાક આસાનીથી મળી રહે. શુબિલ એકપત્ની ધરાવતા પક્ષી હોય છે. નર શુબિલ તેની માદા શુબિલ સાથે મળીને માળો બાંધે છે અને પોતાનો વિસ્તાર કવર કરે છે. તેનો પ્રજનન ગાળો લગભગ 140 થી 145 દિવસ સુધીનો હોય છે. પ્રજનન માટે તેઓ એવી ઋતુ પસંદ કરે છે કે ચોમાસું આવતા તેના બચ્ચાં મોટા થઈ જાય અને ઊડી જાય. તે વધુમાં વધુ ત્રણ ઈંડાં આપે છે, અને એમાંથી માત્ર એક જ બચ્ચાનો સફળતાપૂર્વક ઉછેર કરી શકે છે. બચ્ચાઓને ઉછેરવાનો સમયગાળો 90 દિવસનો હોય છે. જો બે બચ્ચાં હોય તો, તેમાં પ્રથમ તેમજ મજબૂત બચ્ચું હોય તેને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. માદા શુબિલ તેના બચ્ચા માટે ખોરાક-પાણી લાવે તો, એ સૌપ્રથમ તેના પ્રથમ સંતાનને જ આપવામાં આવે છે; અન્ય નબળા સંતાનને આપવામાં આવતું નથી. કયું બચ્ચું મજબૂત છે તે ઈંડામાંથી બહાર નીકળ્યાના થોડાક દિવસોમાં ખબર પડી જાય છે. આને લીધે બંને બચ્ચાઓમાં Siblings Rivalry કે Abusing જોવા મળે છે. જેમાં જે મજબૂત બચ્ચું હોય છે તે બીજા નબળા બચ્ચાને હેરાન કરે છે, ઝઘડે છે; ત્યાં સુધી કે જ્યાં સુધી તે પેલાને મારી નાખવા સક્ષમ ન થાય ત્યાં સુધી. અંતે માત્ર એક જ બચ્ચું રહે છે. જે મોટું થાય એટલે ઊડી જાય છે અને સ્વતંત્ર થઈ જાય છે.
શુબિલ શિકાર પણ એકલા-એકલા કરે છે. એકલા-એકલા ખાવું એ જ જાણે એનો જીવનમંત્ર. કોઈ સારો શિકાર મળ્યો હોય અને આજુબાજુ અન્ય શુબિલ હોય તો એ એનાથી દૂર થઈ જાય છે અથવા તો એ એના ભયાનક અવાજથી પેલાને દૂર ભગાવી દે છે. અન્ય પક્ષીઓની જેમ એ સવારથી શિકારની શોધમાં નીકળી જાય છે. એના રહેઠાણમાં 20 કિમીના અંતરમાં જ એ પોતાનો શિકાર શોધવા નીકળે છે. તે ત્રણ થી ચાર દિવસ સુધી ખોરાક વિના ચાલી શકે છે.
અત્યારે વિશ્વભરમાં શુબિલની સંખ્યા માત્ર 5000 થી 8000 જ છે. આજે તે નાશ થવાની કાગાર પર છે. તેના મુખ્ય કારણો છે : સ્વામ્પ તથા માર્શલેન્ડનો થતો નિકાલ, જળ પ્રદૂષણ ~ દૂષિત જળ, માણસોની દખલગીરી, શુબિલનો ગેરકાયદેસર થતો શિકાર; તેના બચ્ચાંને પાલતુ બનાવવા માટે વગેરે.
શુબિલની ઘણી એવી લાક્ષણિકતાઓ છે, જે ભયાનક અને અજીબ હોવા છતાં સૌને આકર્ષે છે. એનો અવાજ, હિલચાલ વગર ઊભું રહેવું અને ઘણું બધું.
લેખની શરૂઆતમાં જણાવ્યું એમ આ પક્ષી પોતાની ચાંચ દ્વારા મશીન ગન જેવો ધડાધડ અવાજ કાઢે છે. શુબિલ અવાજ કાઢતી વખતે નાના છોકરાની જેમ પોતાનું માથું હલાવી નીચેથી ઉપર અને ઉપરથી નીચે લઈ જાય છે. ક્યારેક પોતાની પાંખો પણ તાળીઓ પાડતા હોય એમ ચલાવે છે. ક્યારેક નાના છોકરાની જેમ આનાકાની (નઈ-નઈ કરતી વખતે કરે એમ) કરતો ચહેરો હલાવે છે. શુબિલના અવાજને Bill Clattering – બીલ ક્લેટરિંગ અથવા તો clapping કહેવામાં આવે છે. બહારથી શાંત દેખાતું શુબિલ જ્યારે પોતાનો ધડાધડ અવાજ કાઢે છે ત્યારે તેની ભયાનકતા દેખાઈ આવે છે. એનો આ ભયંકર અવાજ આપણી માટે તો ડરામણો છે, પરંતુ એની માટે એનો આ અવાજ માદાને ઇમ્પ્રેસ કરવા માટેનો હોય છે. શુબિલ પોતાની માદા સામે શરમાઈને clattering કરે છે.
શુબિલ કલાકો સુધી એક મૂર્તિની જેમ સ્થિર ઊભું રહી શકે છે. એ એના શિકાર પકડવાની રીતનો એક ભાગ હોય છે. સ્થિર એટલા માટે ઊભું રહે છે કે એના શિકારને ખબર ન પડે. એનું આવી રીતે સ્થિર ઊભું રહેવું—આની પાછળનું અન્ય કારણ એ પણ જાણવા મળે છે કે તે ઘણીવાર વિચારોમાં ખોવાયેલો હોય છે કે શિકાર પકડું કે નહીં? એની નિર્ણયશક્તિ બહુ જ કમજોર હોય છે. કોઈ વ્યક્તિ એની પાસે ગયો હોય તો પેલો વ્યક્તિ સામે એ એના પીંછામાંથી એક પીંછું ખેરવે છે; એક greeting તરીકે.
ઉનાળામાં સૂર્યના આકરા તાપથી બચવા શુબિલ Urohidrosis – યુરોહાઈડ્રોસિસ મેથડનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં શુબિલ પોતાના પગ પાણીમાં રાખે છે જેથી તેના શરીરનું તાપમાન પૂરતા પ્રમાણમાં ઠંડું રહી શકે છે.
શુબિલને જ્યારે થોડેક ઊંચું ઉડવું હોય તેમજ કોઈ શિકાર પકડવાનો હોય તો એ પહેલા thermal utilize પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. એ પોતાની પાંખો ફફડાવીને પૂરતા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરે છે જેથી સારી રીતે ઊડી શકે તેમજ શિકાર કરતી વખતે પૂરાં જોર સાથે શિકારને પકડી શકે. ક્યારેક શુબિલને થોડાક ઉપરથી ઉડીને પણ શિકાર પર તરાપ મારવાનો હોય છે. એનો પાંખનો ફડફડાટ પણ એના અવાજ જેટલો ભય ઉત્પન્ન કરનારો હોય છે. Thermal utilize ને સાદી ભાષામાં સમજીએ તો—મોટરકાર શરૂ થઈ જાય ત્યારે એને તરત ચલાવવાના બદલે કારના એન્જિનને થોડી વાર ગરમ થવા દેવા માટે શરૂ રાખીએ, ત્યારબાદ કાર ચલાવીએ.
શુબિલનું સ્થિર ઊભું રહીને એકીટશે જોયા કરવું પણ ભયાનક હોય છે, કારણ કે ખબર નથી હોતી કે આગળ તે શું કરવાનું છે. તે ઘણા ઝૂમાં પણ જોવા મળે છે. કોઈ વ્યક્તિ તેની પાસે જાય તો ઘણીવાર તે એની માથે ચડી જાય છે. તે કોઈ વ્યક્તિને મળતી વખતે માથું ઝુકાવીને અભિવાદન કરે છે.
શુબિલની ચાંચ એ એનું મુખ્ય આકર્ષણ છે. તેની આ ચાંચ મલ્ટીપર્પઝ કામ કરનારી છે. તે ચાંચ દ્વારા મશીન ગન જેવો અવાજ કાઢે છે, શિકાર કરે છે, ખોરાક-પાણીનો સંગ્રહ કરે છે તેમજ પાણીની અંદર દૂરબીનની જેમ કામ કરે છે વગેરે.
શિકારની બાબતમાં શુબિલ બાજ જેવું અવલોકન અને ચિત્તા જેવી ચપળતા ધરાવે છે. શુબિલની ચાંચ બુટ આકારની, ટપકાવાળી તેમજ નીચેથી પોઇન્ટેડ હોય છે (અમુક ડાયનોસોરના જડબાનો ઉપરનો ભાગ પણ નીચેથી પોઇન્ટેડ રહેતો). શુબિલની ચાંચનો આ હુક જેવો પોઇન્ટેડ ભાગ બહુ જ ધારદાર હોય છે, જે શિકારને ધડથી અલગ પાડવામાં મદદ કરે છે. તેની શિકાર કરવાની ઘણી રીતો છે.
શુબિલ બહુ જ પ્લાનિંગથી શિકાર કરે છે. શિકારની બાબતમાં એની ધીરજને દાદ દેવી પડે. એને ખબર પડે કે કોઈ વિસ્તારમાં એનો શિકારી ખોરાક છે એટલે પહેલા તો અન્ય કોઈને આવવા નથી દેતો. એ કલાકો સુધી પાણીમાં મૂર્તિમંત સ્થિર ઊભું રહે છે. પાણીમાં રહેલી માછલીઓને ભણક પણ નથી હોતી કે એની ઉપર કોઈ નજર ચાંપીને ક્યારનું ઊભું છે. જેવી તક મળે, એની નજરમાં આવે કે તરત જ એક જ ઘામાં માછલીને ગળી જાય છે.
જો એને ખબર હોય કે એનો શિકાર જાણીતા વિસ્તારમાં છે અને એને બહુ વિચારવાની જરૂર ન પડે ત્યારે, તે બિલાડીની જેમ દબાતા પગે ધીમે-ધીમે જાય છે અને પાછળથી હુમલો કરે છે; પોતાના શિકાર પર તૂટી પડે છે.
ઘણીવાર ઝાડ પર ચઢીને પણ શિકારની શોધમાં રહેવું પડે છે. બાજની જેમ એને પણ વિહંગાવલોકન કરવું પડે છે શિકારની શોધમાં. એને ખ્યાલ આવી જાય કે પાણીમાં કોઈ નિશ્ચિત જગ્યાએ એનો શિકાર છે ત્યારે, એ બાજની જેમ ઉપરથી ઉડીને પોતાના શિકાર પર હુમલો કરે છે અને એક જ વારમાં શિકાર ઝડપી લે છે. શિકાર કરતી વખતે એ પોતાનું તમામ જોર લગાવી દે છે કે એનો શિકાર ચાંચમાંથી છટકી ન જાય. હુકવાળી ચાંચ હોવાને લીધે શિકાર તેમાં અટવાઈ જાય છે અને શુબિલ પછી તેને ગળી જાય છે.
ઘણીવાર તે પાણીમાં ઊભા રહીને પોતાની ચાંચ તેમાં ડૂબાડીને પાણીની અંદર શિકાર શોધે છે. અહીં તેની ચાંચ દૂરબીન જેવું કાર્ય કરે છે. જેવી કોઈ માછલી તેની ચાંચની નજીક આવે એટલે તરત જ પકડી પાડે છે. શિકાર વખતે ચાંચમાં માછલીની સાથે વધારાની વનસ્પતિઓ આવી જાય ત્યારે, પહેલા તો પોતાનો શિકાર માછલી ગળી જાય છે અને ત્યારબાદ જડબાની બીજી બાજુએથી વધારાની વનસ્પતિઓ ફેંકી દે છે. શિકાર ખાઈ લીધા બાદ તે પાણીનો લાંબો ઘૂંટડો લે છે.
એનો શિકાર માત્ર એના માટે જ નથી હોતો; માળામાં રહેલા તેના બચ્ચાઓ માટે પણ લઈ જવાનો હોય છે. આથી તે પોતાનો શિકાર ચાંચમાં રાખીને તેના બચ્ચાઓ પાસે લઈ જઈને ખોરાક તરીકે આપે છે. એની બુટ આકારની ચાંચ એક કન્ટેનર તરીકે કાર્ય કરે છે. ચાંચમાં માછલીની સાથે પાણી પણ ભરીને રાખે છે.