થોડા દિવસો પહેલા મેં ગુણવંત શાહ સાહેબનું એક પુસ્તક "યુરોપમાં બરફનાં પંખી" વાંચ્યું. એ પુસ્તકમાં જ્યારે તે જર્મનીનું વર્ણન કરે છે ત્યારે ત્યાંનાં એક પ્રખ્યાત લેખક ફ્રેડ ઉલમેનની એક લઘુનવલ "રીયુનિયન" નો ઉલ્લેખ કરે છે. આ વાર્તા એક આઘાતજનક અંત સાથેની બહુ જ હૃદયસ્પર્શી મૈત્રી કથા છે. આ વાર્તા મેં ૨ થી ૩ વાર વાંચી, તો પણ સંતોષ નહોતો થતો, એને વારંવાર વાંચવાનું મન થતું હતું. અને અંતે મેં વિચાર્યું કે આ નાજુક અને નિર્દોષ મૈત્રી કથા વાંચકો સામે પણ રજૂ કરું. આશા છે કે વાંચકો આ વાર્તાને છેક સુધી વાંચે અને માણે. આ વાર્તાનું સસ્પેન્સ છેલ્લે જ ખુલે છે.

વાર્તા પહેલાં આપણે લેખકનો પરિચય લઈએ, કારણ કે લેખકે પોતે જ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ વાર્તા સત્ય ઘટનાત્મક, રોમાંચક, મૈત્રીપૂર્ણ ભાવસંબંધી અને ગમગીન કરી દે એવી છે. લેખક ફ્રેડ ઉલમેનનો જન્મ ૧૯ જાન્યુઆરી, ૧૯૧૬ નાં રોજ પશ્ચિમ જર્મનીનાં સ્ટુગર્ટ શહેરમાં થયો હતો. તેઓ એક પ્રખ્યાત લેખક, ચિત્રકાર અને વકીલ હતાં. તેમણે પોતાનું બાળપણ અહીં વિતાવેલું અને શિક્ષણ પણ અહીંની સ્કુલમાં જ લીધેલું. આ વાર્તામાં જર્મનીની સૌથી જૂની અને જાણીતી ગ્રામર સ્કુલ - કાર્લ એલેક્ઝાન્ડર જિમ્નેશિયમનો ઉલ્લેખ થયેલ છે. આ સ્કુલ તેમજ ત્યાંનાં વિદ્યાર્થીઓ - આ બધા જ પાત્રો સાચા છે, સિવાય કે આ વાર્તાનાં મુખ્ય બે પાત્રો : એક લેખક પોતે અને બીજો ઉમરાવ બાળક કોનરાડીન. લેખકે અહીં પોતાનું નામ - હેન્સ રાખેલ છે.

વાર્તા કંઈક આ મુજબ છે:

Image by Kris from Pixabay 

સ્ટુગર્ટ શહેરની પ્રખ્યાત ગ્રામર સ્કુલમાં બે સરખી ઉંમરનાં બાળકો ભણવા ભેગા થાય છે. બંનેની મૈત્રી માંડ બે વર્ષ સુધી હતી, પરંતુ આખી જિંદગી બંને માટે યાદગાર બની ગઈ હતી. આ બે બાળકોમાં એક હતો યહૂદી બાળક જેનું નામ - હેન્સ હતું, અને બીજો હતો ઉમરાવ (નાઝીવાદી) બાળક જેનું નામ - કોનરાડીન હતું. મૈત્રી બાંધવાની શરૂઆત યહૂદી બાળક - હેન્સ કરે છે. સ્કુલમાં પ્રવેશતાની સાથે જ તે કોનરાડીનથી બહુ જ પ્રભાવિત થઈ ગયો હતો. એ મનોમન એવું ઈચ્છતો હતો કે કોનરાડીન મારો મિત્ર બને, પરંતુ શરમાળ પ્રકૃતિ હોવાથી સામેથી બોલી નહોતો શક્તો. એટલા માટે હેંસ કોનરાડીનને ઈમ્પ્રેસ કરવા માટે ક્લાસમાં સવાલોના જવાબો આપતો, રમતગમતમાં આગળ પડતો ભાગ લેતો વગેરે. જ્યારે એને ખબર પડે છે કે કોનરાડીનને સિક્કાઓના સંગ્રહનો બહુ શોખ છે, ત્યારે એક દિવસ ક્લાસમાં તે ટેબલ પર સિક્કાઓનો સંગ્રહ મૂકી, તે સિક્કાઓને ધ્યાનથી રસપૂર્વક જોતો હોય તેવો ડોળ કરે છે, જેથી કોનરાડીનનું તેના તરફ ધ્યાન જાય. હેન્સ રાહ જોઈ રહ્યો હતો કે કોનરાડીન ટેબલ પાસેથી પસાર થાય. અને આખરે મહા મહેનતે આ હેન્સની આ યુક્તિ કામ કરી ગઈ. થોડી વાર કોનરાડીન એની પાસે આવ્યો અને દોસ્તી માટે હાથ લંબાવ્યો, અને ફાઈનલી બંને મિત્રો થયાં. બરાબર ત્રણ દિવસ પછી, સ્કુલ છૂટ્યા બાદ કોનરાડીનને આગળ ચાલતા જુએ છે, ત્યારે હેન્સ પણ તેને પાછળ જ હોય છે, પરંતુ તે પોતાની ચાલવાની ગતિ ધીમી રાખે છે જેથી તે ઉમરાવ બાળકને ઓળંગવાનો અવિવેક ન થાય. પણ પછી હેન્સને ખ્યાલ આવ્યો કે - કોનરાડીન જાણી જોઈને ધીમે ધીમે ચાલે છે, જેથી હું તેને આંબી જાઉં. આ જોઈને હેન્સ પણ પોતાની ગતિ વધારીને ચાલવામાં કોનરાડીનની સાથે થવાનો પ્રયત્ન કર્યો. બાજુમાં હેન્સને જોઈને કોનરાડીને સામેથી તેને બોલાવ્યો. પછી તો બંને પ્રેમીઓની જેમ રસ્તામાં ખુબ ચાલ્યા અને ખૂબ વાતો કરી, જ્યાં સુધી ઘર તરફ જવાનો રસ્તો ન આવ્યો ત્યાં સુધી. આ બધા સમય દરમ્યાન હેન્સને મનમાં એક અજાણ્યાં ભય તેમજ નિરાશાની લાગણી સતાવતી હતી કે - અમારી મૈત્રી ટકશે કે નહીં ?? પરંતુ જ્યારે બંને મિત્રો ઘર તરફનાં રસ્તે છૂટા પડ્યા ત્યારે એ ડર પણ ચાલ્યો ગયો. અને ફાઈનલી કોનરાડીન સાથે મિત્રતા થતાંની ખુશીમાં હેન્સ એક પંખીની માફક ખુશીથી ઉછળતો, કૂદતો, નાચતો, ગાતો - ઘરે જાય છે. પરંતુ રાત પડતાની સાથે જ તેના મનમાં એક શંકા થઈ કે - કોનરાડીનનાં માતા પિતા એક યહૂદી સાથેની મિત્રતા ટકવા દેશે કે નહીં ?? પરંતુ બીજે દિવસે આ શંકાનું સમાધાન પણ થઈ ગયું, અને હેન્સનાં મનમાંથી એ ડર ચાલ્યો ગયો. બીજે દિવસે સ્કુલમાં કોનરાડીને સામેથી હેન્સને બોલાવ્યો, બંને જ્યા ગયા ત્યાં સાથે જ ગયા, અને આખો દિવસ બંને સાથે રહ્યાં. ધીમે ધીમે બંનેની મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે બંનેની જોડી " કેસ્ટર અને પોલેકની જોડી" તરીકે ઓળખાવા લાગી. અન્ય વિદ્યાર્થીઓને આ બંન્નેની મિત્રતાની ખૂબ જ ઈર્ષ્યા થતી. ક્લાસમાં બોલેચર અને કેવિઅર નામના વિદ્યાર્થીઓ હેન્સ અને કોનરાડીનની મિત્રતાની જોડી તૂટે એનાં પ્રયત્નો કરતાં. ધીરે ધીરે દિવસો અને મહિનાઓ પસાર થયાં. આ સમય દરમિયાન સ્ટુગર્ટ સિવાયનાં અન્ય પ્રદેશોમાં યહૂદીઓ અને નાઝીઓની અથડામણની અફવાઓ આવતી જ રહેતી. પરંતુ સ્ટુગર્ટ એકંદરે શાંત હતું, ક્યાંક કોઈક દીવાલો પર સ્વસ્તિક નાં નિશાનો જોવા મળતાં. એક રાત્રીએ હેન્સનાં ઘર પાસે જે બનાવ બન્યો, તે અતિશય દયનીય અને હૃદય કંપાવી દે તેવો હતો. હેન્સની બાજુમાં રહેતા મી. અને મિસીસ. બાઉર કે જેઓ યહૂદીઓ હતાં, તેમના ઘરને કોઈકે કારણ વગર સળગાવી દીધું, હતું. પતિ પત્ની કોઈ કારણોસર બહાર ગયા હતા, એટલે તેઓને કંઈ ના થયું, પરંતુ ઘરે તેના નાની વયનાં ત્રણ બાળકો હતા જે આગમાં ભૂંજાઈ ગયા હતાં. અને આ દૃશ્ય હેન્સે પોતાની સગી આંખે જોયું. આ સમગ્ર ઘટનાની ચર્ચા બીજે દિવસે હેન્સે કોનરાડીન સાથે કરી. જેનાં ઉત્તરમાં કોનરાડીને કહ્યું કે - "જે થયું તે ખૂબ જ ખરાબ થયું, પણ આપણે બાળકો એમાં શું કરી શકીએ !" વળતો જવાબ આપતા હેન્સે કહ્યું કે - " શું તેઓ યહૂદીઓ હતા એટલે માણસ નહોતા?". આનો કોઈ જવાબ કોનરાડીન ન આપી શક્યો, કારણ કે તેના પર નાઝી સંસ્કારનો પ્રભાવ હતો, પરંતુ આ વાત તેને બરોબર ગળી ઉતરી ગઈ હતી. જ્યારે પણ સમય મળતો ત્યારે હેન્સ અને કોનરાડીન આવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરતાં. એકવાર ઘરનાં દરવાજાની પાસે જ હેન્સ કોનરાડીન સાથે કોઈ વિષય પર ચર્ચા કરી રહ્યો હતો. હેન્સ એ ત્યારે આગ્રહ પૂર્વક કોનરાડીનને ઘરે આવવાનું કહ્યું કે - ' કોનરાડીન! મારા ઘરમાં આવ ને!' કોનરાડીન પહેલાં તો મનમાં થોડોક ખચકાયો, પરંતુ પછી એકદમ નિર્ણય લીધા પછી હેન્સના ઘરમાં આવ્યો. બીજી કે ત્રીજી વખતની મુલાકાતે હેન્સે એના માતા પિતા સાથે પણ કોનરાડીનની ઓળખાણ કરાવી. પછી તો કોનરાડીનનું અહીં એવું મન લાગી ગયું કે - તે કોઈ પણ જાતનાં આમંત્રણ વિના પણ હેન્સનાં ઘરે આવી જતો હતો. પરંતુ હેન્સ નાં મનમાં એક દુઃખ રહેતું કે - કોનરાડીન મને એના ઘરે આવવાનું આમંત્રણ કદી નહોતો આપતો. તે હંમેશાં એની ઊંચી દીવાલો અને તોતિંગ દરવાજા પાસેથી જ આવજો કહી દેતો. હેન્સનાં મનમાં કાયમ એ જાણવાની આતુરતા રહેતી કે - કોનરાડીનનાં ઘરનાં દરવાજા પાછળ શું છે ? અને અચાનક એક દિવસે કોનરાડીન હેન્સને પોતાના ઘરે લઈ ગયો. બંને એ સાથે કૉફી અને નાસ્તો કર્યો અને ખૂબ જ મજા કરી. આવું બે થી ત્રણ વાર થયું. પરંતુ પાછળ જતા હેન્સને ખબર પડી - કોનરાડીન જ્યારે તેના માતા પિતા ઘરે ન હોય, ત્યારે જ એને મળવા બોલાવે છે અથવા તો ઘરે લઈ જાય છે. આવી રીતે જ્યારે તે હેન્સને એના ઘરે લઈ ગયો, ત્યારે તેના મહેલ જેવા ઘરમાં હેન્સે જોયું તો - એક રૂમમાં હિટલરની ખૂબ જ મોટી તસ્વીર હતી, આ જોઈને હેન્સને ઘડીક આંચકો આવી ગયો. હેન્સનાં મનમાં વિચાર આવ્યો કે - "મારા મિત્રનાં માતા પિતાનો હિટલર સાથે શું સંબંધ હોઈ શકે ?" પરંતુ આ વિચાર ને હેન્સે મગજમાંથી કાઢી નાખ્યો. થોડાક દિવસ પછી હેન્સના એ જ સવાલનો જવાબ જાણવાની આતુરતાનો પણ અંત આવ્યો કે કોનરાડીનનાં માતા પિતા નો હિટલર સાથે શું સંબંધ છે ? એ. એક દિવસ હેન્સનાં માતા તેની માટે એક કાર્યક્રમની ટિકિટ લાવે છે અને હેન્સ એ કાર્યક્રમ જોવા જાય છે. કાર્યક્રમ શરૂ થવાની તૈયારીમાં હતો ત્યારે જુએ છે કે - અતિથિ તરીકે કોનરાડીનનાં માતા પિતાનો પ્રવેશ થાય છે અને તેની સાથે કોનરાડીન પણ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ ઉભા થઈને એ ઉમરાવ કુટુંબને માન આપ્યું. હેન્સને એમ કે કોનરાડીન તેના માતા પિતા સાથે પરિચય કરાવશે, પરંતુ અહીં કાર્યક્રમમાં કોનરાડીને પરિચય કરાવવાનું તો દૂર, હેન્સને ઓળખવાનો પણ ઇન્કાર કર્યો, એને ઇગ્નોર કર્યો જાણે તે એને ઓળખતો જ નથી. કોનરાડીનનાં આ વર્તનથી હેન્સનાં હૃદયમાં જાણે ધ્રાસકો પડ્યો કે એનો મિત્ર આવું કેમ કરી શકે! પછી તો હેન્સ એ કાર્યક્રમ જોયા વિના જ ઘરે ચાલ્યો ગયો હતો. બીજે દિવસે સ્કુલમાં તે બંને બોલ્યા જ નહીં. એકાદ દિવસ પછી કોનરાડીન સામે ચાલીને પોતાના વર્તન બદલ હેન્સની માફી માંગે છે. ત્યારે ગુસ્સામાં હેન્સે કોનરાડીનને ન કહેવામાં વેણ કહ્યાં, અને કોનરાડીન તેને શાંતિથી સાંભળતો રહ્યો. જ્યારે હેન્સ થોડોક ઠંડો પડ્યો ત્યારે કોનરાડીને કહ્યું કે - "હું મારા તે દિવસનાં વર્તન તારી બદલ માફી માંગુ છું, પણ દોસ્ત! શું કહું? મારી માતા તારી સાથેની મારી દોસ્તીનો સ્વીકાર કરી શકે તેમ જ નથી, કારણ કે તે ખૂબ જ ઊંચા કુળની છે. વળી એને મન યહૂદીઓ તુચ્છ પગરખાં બરાબર છે. આવા સંજોગો હોય ત્યારે તારી ઓળખાણ હું એક મિત્ર તરીકે મારી માતાને કરાવી શકું ખરો?" હેન્સે કહ્યું કે - "તારા પિતા સાથે તો ઓળખાણ કરાવી શક્યો હોત ને?" ત્યારે કોનરાડીને જવાબ આપ્યો કે - "મારા પિતા મારી મૈત્રીમાં વચ્ચે નથી આવતા છતાં તેઓ પણ એમ જ માને છે કે, ઉમરાવ એ અંતે ઉમરાવ જ હોય છે. આવી પરિસ્થિતિ હોય ત્યારે, તું મારા માતા પિતાની નજરોમાંથી ઊતરી ન જાય એટલે તારી ઓળખાણ નહોતી કરવી. મને માફ કરી દે." કોનરાડીનનો આ ખુલાસો અને સચ્ચાઈ જાણીને હેન્સ રાજી થયો, અને પોતાની ભૂલ સમજાતાં કોનરાડીનને ભેટીને રડી પડ્યો. આ પ્રસંગથી હવે કોનરાડીને પોતાના માતા પિતાની ગેરહાજરીમાં પણ હેન્સને બોલાવવાનું બંધ કરી દીધું હતું. મિત્રતામાં આછી તિરાડ જરૂર પડી હતી, પણ બંનેની એકબીજા પ્રત્યેની લાગણી માં કશો ફેર નહોતો પડ્યો. સ્કુલમાં વેકેશન પડે છે. ઉનાળાની રજાઓ દરમિયાન કોનરાડીન પોતાની ફેમિલી સાથે સિસલ ફરવા ગયો અને હેન્સ પોતાની ફેમિલી સાથે સ્વિટઝર્લેન્ડ ફરવા ગયો.

રજાઓ માણીને જ્યારે સ્કુલમાં ફરી પ્રવેશ્યાં, ત્યારે માહોલ કંઇક જુદો જ હતો, જાણે ચોતરફ દહેશત ફેલાઈ હોય તેમ. આખું શહેર નાઝીવાદીઓનાં દમનનાં ઓથાર નીચે જીવી રહ્યું હોય તેવું લાગતું હતું. જેની સપનામાં કલ્પના નહોતી કરી એવા લોકોની બોલબાલા અને જોહુકમી થવા લાગી હતી. સ્કુલમાં પણ કંઇક અલગ જ ભણાવવામાં આવતું હતું. એમાં એક દિવસ હેન્સ જ્યારે સ્કુલે ગયો ત્યારે, બોલેચર અને કેવિઅર કે જેઓ હેન્સ અને કોનરાડીનની મિત્રતા તોડવાનો પ્રયાસ કરતાં, તે બંનેએ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને હેન્સને ઠેબે ચડાવ્યો; અને કહ્યું કે - " શા માટે તું પેલેસ્ટાઈન નથી જતો રહેતો?" - આવું કહીને એક છાપેલા કાગળનો ટુકડો હેન્સની બેન્ચ પર છોડી દીધો. એ કાગળ પર લખ્યું હતું : "યહૂદીઓને જર્મનીને પાયમાલ કર્યું છે. લોકો, જાગો, જાગો." બોલેચર અને કેવિઅરે એ ચોટાડેલો કાગળ ઉખાડીને લઈ જવા કહ્યું. ગુસ્સામાં આવીને હેન્સે કહ્યું કે - " તેં જ ચોડ્યું છે, માટે તું જ ઉખાડી લે.".આ સાંભળતાની સાથે જ પેલા બંનેએ હેન્સનાં હાડકાં ખંખેરી નાખ્યા, ખૂબ માર માર્યો અને તેને જર્મની છોડી જવાની ધમકી આપી. હેન્સને એવું થયું કે - આ ઘટના અંગે કોનરાડીન આશ્વાસનનાં બે શબ્દો કહેશે અથવા તો બચાવ કરવા આવશે, પરંતુ સ્કુલેથી ઘરે ગયાં ત્યાં સુધી એવું કંઈ જ થયું નહીં. પછીથી તો બંનેએ એકબીજાને મળવાનું પણ બંધ કરી દીધું હતું. આમ, આ મૈત્રીનું પડ ધીમે ધીમે પાતળું થવા માંડ્યું હતું અથવા તો કદાચ આ મિત્રતાનો અંત થવા જઈ રહ્યો હતો. સ્કુલમાં બનેલી આ ઘટનાને લીધે હેન્સનાં માતા પિતાએ હેન્સને અમેરિકામાં રહેલા કોઈ સગાને ત્યાં ભણવા મોકલવાનો નિર્ણય કરી દીધો હતો. ૧૯ જાન્યુઆરી, ૧૯૩૩ નાં રોજ હેન્સ જ્યારે અમેરિકા જવા રવાના થાય છે ત્યારે તેના બે દિવસ અગાઉ બે પત્રો મળે છે, જેમાં એક પત્ર બોલેચર તરફથી હતો અને બીજો પત્ર કોનરાડીન તરફથી મળેલ હતો. બોલેચર તરફથી મળેલ પત્રમાં લખ્યું હતું કે - " હે યહૂદી! તું નરકમાં જા અને શેતાનને સાથી બનાવ. બીજું, ભૂલેચૂકે પણ જર્મની તરફ મોં ન ફેરવતો." બીજો પત્ર કોનરાડીનનો હતો, જેમાં લખ્યું હતું :

પ્રિય મિત્ર હેન્સ,

પત્ર લખતાં ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. કલ્પના કરું છું કે, જેને તે માતૃભૂમિ માની છે, તે જર્મનીને છોડીને અમેરિકા જતી વખતે તારા હૃદયમાં શું શું વીતતું હશે! પણ જે હોય તે, તારો અમેરિકા જવાનો નિર્ણય ખૂબ જ સારો અને સાચો છે. ખૂબ જ આસ્થા સાથે તારા પેલા શબ્દો યાદ કરું છું : "શું તેઓ માણસ નહોતા?" ભવિષ્યમાં જર્મનીમાં આવું દમન ન થાય એવી આશા વ્યક્ત કરું છું. જો મારે સ્ટેલિન અને હિટલર વચ્ચે જ પસંદગી કરવાની હોય તો, હું હિટલરને પસંદ કરું. હમણાં થોડા દિવસો પહેલાં જ હું મારી માતા સાથે એને મળીને પ્રભાવિત થયો છું. અંતમાં એટલું જ કહીશ કે, જર્મનીને તારા જેવાની ખૂબ જરૂર છે, પણ તારી કદર કરે તેવા નવા જર્મનીની હું કલ્પના કરું છું. કદાચ ભવિષ્યમાં ફરી આપણા બંનેના રસ્તાઓ ફંટાય એમ બને, પરંતુ ત્યારે પણ તારા ઉપકારો મારા ઉપર કાયમ રહેશે. મારા પર તારી ઘણી અસર પડી છે. તેં મને વિચારતાં શીખવ્યું છે અને શંકા કેમ કરવી તેય શીખવ્યું છે. શંકા દ્વારા આપણા ભગવાન ઈસુને શોધવાની અને પામવાની તરકીબ પણ તેં મને બતાવી છે. ઘણી ઘણી શુભેચ્છાઓ સાથે.

લિ.

તારો મિત્ર કોનરાડીન

હેન્સ આખર અમેરિકા ચાલ્યો જાય છે. અને છેલ્લા ત્રીસ વર્ષથી અહીં વકીલાત કરે છે. તે અહીં એક સફળ વ્યક્તિ છે અને સુખ સાયબીવાળી શાંતિથી પોતાની જિંદગી જીવે છે. પરંતુ આટ આટલી સુખ સાયબીઓ વચ્ચે પણ જર્મનીમાં વિતાવેલા વર્ષોનાં જખમો એને આટલી સુખ સાયબી વચ્ચે પણ સતાવે છે તેમજ એનું હૃદય કોતરે છે. આ વર્ષો જૂના જખમો હજુ પણ હેન્સનાં ઘા પર મીઠું ભભરાવતા હતાં. અનાયાસે એક દિવસ થાય છે એવું કે - એક પાર્ટીમાં હેન્સને સ્ટુગર્ટનો એક માણસ ભટકાઈ જાય છે. હેન્સ તેને સ્ટુગર્ટ વિશે પ્રશ્નો પૂછીને તે વખતની પરિસ્થિતિ નો ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરે છે. ત્યાંની સ્થિતિથી વાકેફ થઈને તે ખુશ થાય છે. જોગાનુજોગ બીજે જ દિવસે સવારે હેન્સને સ્ટુગર્ટની જે સ્કુલમાં ભણ્યો હતો તેના તરફથી એક વિનંતી પત્ર મળે છે. એ વિનંતી પત્રમાં "બીજા વિશ્વયુદ્ધમાં મરેલાઓનાં સ્મારક નિધિ માં ફાળો મોકલવા" માટે ની અપીલ હોય છે. એક જુદા જ ભાવ સાથે આ પત્ર બાજુમાં મૂકીને હેન્સ પોતાના કામે વળગી જાય છે. સખત કામમાં હોવા છતાં પણ પેલા પત્રની અંદરના અક્ષરો વાંચવાની ઈચ્છા એનો પીછો નથી છોડતી. ઘણી દ્વિધા પછી અંતે હેન્સ તે પત્ર વાંચે છે. પત્રમાં બીજા વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા શહીદોની યાદી આપેલી હોય છે. હેન્સ તેને અવનવા ભાવથી વાંચવાનો પ્રયત્ન કરે છે. યાદીમાં કેટલાંક એવા માણસોનાં નામ હતા, જેમણે હેન્સને પીડા પહોંચાડી હતી. આવા માણસોનાં નામ મરેલાઓની યાદીમાં જોઈને એ ખુશ થાય છે અને મનોમન બોલે છે કે - "સાલાઓ! તમે આવા જ અંજામને પાત્ર હતા!" પરંતુ સાથે સાથે જે મિત્રોએ તેના પ્રત્યે આદરભાવ વર્તાવ્યો હતો, તેમના નામ વાંચીને એ વ્યાકુળ પણ થતો હતો. હવે પત્રમાં જ્યારે K થી શરુ થતાં નામોની યાદી આવે છે, ત્યારે એ વાંચવાનું ટાળી દે છે અને ફરી પાછો કામે વળગી જાય છે. પણ એને ક્યાંય ચેન નથી પડતો; ગજબનો અવઢવ થાય છે કે - "K થી શરુ થતાં નામો વાંચું કે ન વાંચું!" કામમાં મન પરોવાનો પ્રયત્ન કરે છે, પણ તેને તેમાં પણ નિષ્ફળતા સાંપડે છે. પછી એને થાય છે કે - "કોનરાડીન મર્યો હોય કે જીવતો હોય, મારે શું!" આવું વિચારીને અંતે તે K થી શરુ થતાં નામોની યાદી વાંચવાનું શરૂ કરે છે. યાદી વાંચતા વાંચતા તેની નજર એક જગ્યાએ પડે છે, જ્યાં નીચેના શબ્દો લખેલા હતાં -

"કોનરાડીન, જેને હિટલરની વિરુદ્ધ કાવતરું
કરવાના આરોપસર ફાંસીએ ચડાવવામાં આવ્યો."

તો આ વાર્તા હતી એક કુમળી મૈત્રીની. વાર્તાનો અંત આટલો આઘાતજનક આવશે એવું ક્યારેય નહોતું વિચાર્યું. વાર્તાનો અંત મને અને સૌ વાંચકોને આઘાતમાં મૂકી દેનારો અને દુઃખદાયી છે. કદાચ હેન્સને પણ એવું થયું હશે કે - "જે કોનરાડીન હિટલરથી આટલો બધો પ્રભાવિત હતો તો પણ, કેમ એણે આવું કાવતરું કર્યું ???" અને વાર્તાનો આવો અંત ઘડીક તો વિશ્વાસ ન આવે એવો છે. ખેર વાર્તા એ વાર્તા કહેવાય. પરંતુ દહેશતનાં માહોલમાં બે દોસ્તની કુમળી અને નિર્દોષ મિત્રતા કચળાઈ ગઈ.

આભાર.

.    .    .

Discus