Image by Avinash Kumar from Pixabay 

આજે આપણે વાત કરવાની છે - હિંદુ ધર્મનાં અતિ પ્રાચીન અને શુભ પ્રતીક એવા સ્વસ્તિકની એટલે કે સાથિયાની. તમે જોયું હશે વહેલી સવારમાં ઉઠીને સ્ત્રીઓ ઉમ્બરો પૂંજે ત્યારે સાથિયો જરૂર કરે છે અને પછી લક્ષ્મીજીનાં પગલાં. માત્ર ઉમ્બરો પૂંજવામાં જ નહીં પરંતુ બીજા ઘણાંય શુભ કાર્યોમાં સ્વસ્તિકનું અનેરુ મહત્વ રહ્યું છે. સાથિયા પર તો ગીત પણ આવે છે – સાથિયા પુરાવો દ્વારે.... તો ચાલો આજે વાત કરીએ સાથિયા એટલે કે સ્વસ્તિકની, તેના ઇતિહાસની, તેના પ્રકારની, તેની આકૃતિમાં છુપાયેલ રહસ્યની, કઈ રીતે આ પ્રતીક જગતનાં સૌથી કૃર માણસ હિટલર (નાઝી) માટે પ્રેરણાદાયક બન્યું ? તેમજ વિશેષ બાબતો વિશે.

સૌથી પહેલા આપણે એનો અર્થ જાણીશું.

સ્વસ્તિક અર્થાત્ સાથિયો એ ભારતીય સંસ્કૃતિનું એક અદ્વિત્તીય મંગલકારી પ્રતીક છે. આપણા સનાતન હિન્દુ ધર્મએ અનેક આશીર્વાદ સમાન શુભ પ્રતીકો આપ્યા છે જેમ કે - સ્વસ્તિક, ઓમ, શ્રીયંત્ર, શંખ, સુદર્શન, કમળ, ત્રિશૂળ વગેરે. સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં સ્વસ્તિકને મંગલકારી પ્રતીક માનવામાં આવ્યું છે. કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ગણપતિ દાદાની સ્થાપનાની સાથે કંકુનો સ્વસ્તિક દોરવામાં આવે છે. સ્વસ્તિક એ સંસ્કૃત શબ્દ ‘સુ + અસ્’ ધાતુમાંથી બનેલો છે. ‘સુ’ એટલે સારો, કલ્યાણમય, મંગલ અને ‘અસ્’ એટલે સત્તા, અસ્તિત્વ અને 'ક' એટલે કરનાર. આમ, સ્વસ્તિક એટલે મંગલ/ શુભ કરનાર. અમરકોશમાં સ્વસ્તિકનો ઉલ્લેખ કંઈક આ મુજબ છે - स्वस्तिक स‌र्वतोऋद्ध જેનો અર્થ થાય છે : બધી દિશાઓમાં બધાનું કલ્યાણ થાઓ. જ્યાં-જ્યાં લક્ષ્મી છે, શોભા છે, સુસંવાદ છે, પ્રેમ – ઉલ્લાસ – જીવનનું ઔર્ય અને વ્યવહારનું સૌહાર્દ દેખાય છે ત્યાં સ્વસ્તિ એટલે કે સારી / શુભ ભાવના છે. સ્વસ્તિક માત્ર ભારતમાં જ નહીં પણ અન્ય દેશોની સંસ્કૃતિમાં પણ અતિ મહત્વનું અને શુભકારી રહ્યું છે. સ્વસ્તિક અલગ દેશોમાં અલગ અલગ નામે ઓળખાય છે : જેમ કે, ભારતમાં સ્વસ્તિક, ચીનમાં વેન, જાપાનમાં મેન્જી, ઈંગ્લેન્ડમાં ફાયફ્લોટ, જર્મનીમાં હેકનકૃઝ અને ગ્રીસમાં ટેટ્રાસ્કેલીયન તરીકે ઓળખાય છે. ટૂંકમાં, સ્વસ્તિકને શાંતિ અને સમૃદ્ધિનું માંગલિક પ્રતીક માનવામાં આવે છે. જે ચારેય દિશાઓમાંથી શુભ અને સકારાત્મક ઉર્જાને આવકારે છે.

હવે, આપણે વાત કરીશું એનાં ઇતિહાસની.

ભારતમાં સ્વસ્તિકનો ઉપયોગ સિંધુ ઘાટી સભ્યતા તેમજ વૈદિક કાળથી થતો આવ્યો છે, જેનાં પ્રાચીન પુરાવાઓ ઉત્ખનન દરમિયાન મળેલ છે. સિંધુ ઘાટી સભ્યતામાં સ્વસ્તિકનાં ચિહ્નોવાળા વાસણો તેમજ સિક્કાઓ જોવા મળેલ છે. આ ઉપરાંત અશોકના શીલાલેખમાં પણ સ્વસ્તિકને સારો એવો ઉલ્લેખ કરેલ છે. આપણા પૌરાણિક મહાકાવ્યો : રામાયણ અને મહાભારતમાં પણ સ્વસ્તિકનાં ઉપયોગ અને મહત્વ વિશે ભરપૂર જાણકારી આપેલ છે. ભારતીય ઉપ-મહાદ્વિપમાં નૂતન પાષાણયુગથી લઈને સિંધુ ઘાટી સભ્યતા અને ઉત્તર બાજુએ ચીનની કાંસ્યયુગ સભ્યતામાં પણ સ્વસ્તિકના પુરાવાઓ મળે છે. આ ઉપરાંત હડપ્પા સભ્યતામાંથી પણ સ્વસ્તિકના ઉપયોગના પુરાવાઓ મળે છે.

સ્વસ્તિકની ઉત્પત્તિના મંતવ્યો અલગ અલગ ધર્મ પ્રમાણે અલગ અલગ છે, પરંતુ સૌપ્રથમવાર સાથિયો ૧૨૦૦૦ વર્ષ પહેલા નિયોલિથીક યુરેશીયા નામના દેશમાં કદાચ અસ્તિત્વમાં આવ્યો હતો, જે આકાશમાંથી સૂર્યની મુવમેન્ટ દર્શાવતું હતું. તમે કદાચ માર્ક કર્યુ હશે સાથિયાની પાછળ એક દિવ્યતેજ હોય છે, જે સૂર્યનું હોવાનું માનવામાં આવે છે. ગ્રીસના લોકોએ પણ તેની સંસ્કૃતિમાં સાથિયાને સ્થાન આપ્યું છે. આ ઉપરાંત મધ્ય એશિયા મહાદ્વીપ સિવાય યુરોપમાં પણ પ્રાચીન સભ્યતાઓમાંથી સ્વસ્તિકના ઉપયોગના પુરાવાઓ મળે છે. યુક્રેનના મ્યુઝિયમમાં પણ ૧૫૦૦૦ વર્ષ જૂનાં સ્વસ્તિકના પુરાવા મળેલ છે. આ ઉપરાંત આયર્લેન્ડ તેમજ બુલ્ગેરીયાની દેવેટ્સક ગુફામાં ૬૦૦૦ વર્ષ જૂનાં સ્વસ્તિકના પુરાવાઓ મળ્યા છે.

હિન્દુ ધર્મ સિવાય અન્ય ધર્મોમાં પણ સ્વસ્તિકનું

પ્રતીક તરીકે આગવું મહત્વ રહેલું છે. જૈન ધર્મમાં તેને પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતીક સમાન ગણવામાં આવે છે. આ ઉપરાંત બૌદ્ધ ધર્મમાં તેને સૌભાગ્ય, સમૃદ્ધિ તેમજ આધ્યાત્મનું પ્રતીક માનવામાં આવે છે. આમ, સ્વસ્તિક એ સાર્વત્રિક છે.

હવે આપણે સ્વસ્તિકનાં પ્રકારો વિશે વાત કરીશું.

૧) દક્ષિણાવર્તી :-

દક્ષિણાવર્તી સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે. દરેક જગ્યાએ શુભ કાર્યોમાં મોટે ભાગે આ જ સ્વસ્તિક ચિહ્ન દોરવામાં આવે છે. આ સ્વસ્તિક ઘડિયાળની માફક સીધી દિશામાં ગોળ ફરે છે. આ સ્વસ્તિકને શુભ માનવામાં આવે છે. તે સકારાત્મક, પ્રગતિ, મંગલકારી તેમજ સુખ - સમૃદ્ધિ દર્શાવે છે.

૨) વામાવર્ત :-

વામાવર્ત સ્વસ્તિકને "સવસ્તિક" પણ કહેવામાં આવે છે. આ પ્રકારનો સ્વસ્તિક ઉલટી દિશામાં ફરે છે. તે દેખાવમાં ઉલ્ટો હોય છે અને તેને અશુભ માનવામાં આવે છે. વામાવર્ત સ્વસ્તિક એ અશુભતાનું પ્રતીક છે, જે નકારાત્મકતા, અધોગતિ અને વિનાશને દર્શાવે છે. તાંત્રિક વિદ્યામાં આ પ્રકારનાં સ્વસ્તિકનો ઉપયોગ કરવામાં આવે છે.

હવે, આપણે વાત કરશું એની આકૃતિ પાછળ છુપાયેલ રહસ્યની.

સ્વસ્તિકની ચાર ભુજાઓ ચાર દિશાઓની સાથે ચાર યુગોનું (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળીયુગ), પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત તેને ભગવાન વિષ્ણુની ચાર ભુજાઓ પણ કહેવામાં આવે છે. સ્વસ્તિકમાં આવેલ ચાર બિંદુઓ મનુષ્ય જીવનનાં ચાર આશ્રમો (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ) દર્શાવે છે, આ ઉપરાંત તે મનુષ્ય વર્ણો (જાતિ) પણ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર) દર્શાવે છે. સ્વસ્તિકની આઠ રેખાઓ : ધરતી, અગ્નિ, જલ, વાયુ, આકાશ, મસ્તિષ્ક, ભાવનાઓ તેમજ આભાસનું પ્રતિનિધિત્વ કરે છે. આની સિવાય સ્વસ્તિક એ ચાર વેદો (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ) , ચાર દેવો (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગણપતિ) ને પણ દર્શાવે છે.

સ્વસ્તિકની મૂળ આકૃતિ એક સીધી રેખા અને એના પર એટલી જ બીજી કોણીય રેખા છે, એમાંની સીધી રેખા જ્યોતિર્લીંગનું સૂચન કરે છે; જ્યોતિર્લીંગ વિશ્વની ઉત્પત્તિનું મૂળ કારણ છે અને બીજી ત્રાંસી રેખા વિશ્વનો વિસ્તાર કરે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો, સ્વસ્તિક એ કોસ્મિક સ્પીનિંગ વર્ટેક્સ છે, જે બ્રહ્માંડીય ઊર્જાને એક્ટિવ કરે છે. જે પોતાની ઊર્જા દ્વારા પૃથ્વીને અસ્તિત્વ પ્રદાન કરે છે.

અવકાશમાં ધ્રુવ તારાની ફરતે જે તારાઓ અને નક્ષત્રો પ્રદક્ષિણા કરે છે, તે જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે તેનો આકાર સ્વસ્તિક જેવો થાય છે.

જ્યારે આપણા બ્રહ્માંડની બધી જ દિશાઓમાં ઊર્જાનો સ્ત્રોત અખૂટપણે પ્રસરી રહ્યો હતો, ત્યારે ઉલ્કા અને ધડાકા સ્વરૂપે બધા ગ્રહોનું નિર્માણ થયું. આ ઘટનાથી જે પ્રકાશ (ઊર્જા) ઉત્પન્ન થયો હતો, તેનો આકાર સ્વસ્તિક જેવો હતો એવું માનવામાં આવે છે. જેમ દિવાળીમાં ફટાકડાં ફોડતી વખતે જે તીખારા ઉત્પન્ન થાય ત્યારે એ તીખારાના પ્રકાશનો / તણખાનો આકાર પણ સ્વસ્તિક જેવો હોય છે.

હવે આપણે જાણીશું, સ્વસ્તિક બીજા દેશોનાં ધર્મોમાં કઈ રીતે અને ક્યા હેતુથી ઉપયોગમાં લેવાય છે.

ઈસ્લામિક દેશ યુક્રેનમાં સ્વસ્તિક મેઝિન તરીકે ઓળખવામાં આવે છે જે આયવરી સફેદ કલરમાં છે. ખ્રિસ્તિયન દેશ રોમમાં લેલીબેલા તરીકે ઓળખવામાં આવે છે. રોમના ચર્ચોની એક પણ દિવાલ સ્વસ્તિક વગરની નહીં હોય. અમેરિકામાં સ્વસ્તિક નવાહો તરીકે ઓળખાય છે જેને ત્યાંના નવાજોઝ દ્વારા અપનાવવામાં આવ્યો હતો. ત્યાંના લોકો સ્વસ્તિકને એક ઘૂમતી રકાબી / ચક્ર તરીકે જોવે છે આખા વિશ્વને પરમાત્મા જોડે સંકલીત કરે છે. ગ્રીસમાં સ્વસ્તિક ટેટ્રાસ્કેલીયન (પાયથાગોરસે નામ આપેલું) તરીકે ઓળખાય છે જેનો જમણી બાજુનો ભાગ સ્વર્ગને પોઈન્ટ કરે છે અને ડાબી બાજુનો ભાગ પૃથ્વીને પોઈન્ટ કરે છે. (ટૂંકમાં સ્વસ્તિક સ્વર્ગ અને પૃથ્વીને લિંક કરે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર સ્વસ્તિકને સૂર્યની જેમ સતત ફરતો બતાવવામાં આવે છે જે સંસારની પ્રવૃતિ અને નિવૃતી દર્શાવે છે. જૈન ધર્મના લોકોએ સ્વસ્તિકના પ્રતીકને એના ધર્મમાં દર્શાવ્યું છે જેને તીર્થંકર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મના લોકોએ ડાબી બાજુના સ્વસ્તિકને પોતાના ધર્મચિહ્ન તરીકે અપનાવેલ છે જે ભગવાન બુદ્ધની છાતી ઉપર દર્શાવવામાં આવ્યું અને એના ચરણકમળ ઉપર પણ.

વિશેષ :-

  • ઋગ્વેદનાં એક સુક્તમાં સ્વસ્તિકને ભગવાન સૂર્યદેવનું પ્રતીક માનવામાં આવેલ છે.
  • ગણેશ પુરાણ મુજબ, ભગવાન ગણેશને દસેય દિશાઓની બાધાઓ દૂર કરનાર અને મંગલકારી કરનાર સ્વસ્તિકનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન ગણેશની આશીર્વાદ દેતી મુદ્રામાં સ્વસ્તિક જોવા મળશે. લગભગ બધા જ દેવી દેવતાઓનાં હાથમાં સ્વસ્તિકનું ચિહ્ન જોવા મળશે.
  • જમણી બાજુનાં (દક્ષિણાવર્ત) સ્વસ્તિકને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે જે શુભ હોય છે, અને ડાબી બાજુનાં (વામાવર્ત) સ્વસ્તિકને દેવી મહાકાળીનું સ્વરૂપ માનવામાં આવે છે અને એનો ઉપયોગ તાંત્રિક વિદ્યા માટે કરવામાં આવે છે.
  • જો સ્વસ્તિકને યોગ્ય રીતે બનાવવામાં આવે તો જ એની સકારાત્મક અસર જોવા મળે છે. આ ઊર્જા વ્યક્તિ કે વસ્તુનું કલ્યાણ તેમજ રક્ષા કરે છે. ખોટી રીતે બનાવવામાં આવેલ સ્વસ્તિક નકારાત્મક ઊર્જા છોડે છે. સ્વસ્તિક બનાવતી વખતે એક પણ રેખા તૂટક કે આડી અવળી ન હોવી જોઈએ. અને ભૂલે ચૂકે પણ સ્વસ્તિકની આકૃતિ ક્યારેય ઊંઘી રીતે ન બનાવવી જોઈએ.
  • સ્વસ્તિક મોટે ભાગે લાલ અથવા પીળા રંગનો બનાવવામાં આવે છે. અમુક જગ્યાએ પૂજામાં ઘઉં, ચોખા, મગનો સ્વસ્તિક પણ બનાવવામાં આવે છે.
  • ઘરમાં અગર વાસ્તુ દોષ છે, તો ઘરનાં મુખ્યદ્વાર અથવા તો જ્યાં વાસ્તુદોષ હોય ત્યાં, લાલ રંગનો સ્વસ્તિક બનાવવો જોઈએ અથવા તો એનું ચિહ્ન મૂકવું જોઈએ.

હવે લાસ્ટમાં આપણે વાત કરીશું વિશ્વના સૌથી કૃર વ્યક્તિ નાઝીના આગેવાન હિટલરની.

હિટલરે પણ પોતાના સંગઠનના પ્રતીકરૂપે સ્વસ્તિકનો ઉપયોગ કર્યો હતો. એની પાછળનું કારણ એ હતુ કે - તે એ પ્રતીકને વિશ્વની શ્રેષ્ઠ જાતિ - આર્ય તરીકે ગણતો હતો, જે શુદ્ધતા અને શ્રેષ્ઠતા ધરાવતી હતી. વળી સ્વસ્તિકનો બ્લેક મેજીકમાં પણ ઉપયોગ થતો હતો, જે એના અને નાઝી માટે ઘણી રસપ્રદ બાબત હતી. જર્મનીમાં માત્ર નાઝી નહીં પરંતુ બીજા ઘણાં સંગઠનના લોકો એ સ્વસ્તિકનું પ્રતીક અપનાવ્યું હતુ. હિટલર જ્યારે સંપૂર્ણપણે જર્મનીને કબ્જે કરી લે છે, ત્યારપછી તરત જ સ્વસ્તિથકની આકૃતિને હંમેશ માટે બદલી નાખે છે જેથી આ કોપી ન થાય. હિટલરે એની મીન કામ્ફ (Mein Kampf) નામની બુકમાં પોતાના સંગઠન માટે અપનાવેલ નવા સ્વસ્તિકના પ્રતીક વિશે લખેલ લેખ હું રજુ કરું છું – “I myself, meanwhile, after innumerable attempts, had laid down a final form; a flag with a red background, a white disk, and a black swastika in the middle. After long trials I also found a definite proportion between the size of the flag and the size of the white disk, as well as the shape and thickness of the swastika. Red, White and Black were the colors of the flag of the old German Empire."

તો આ વાત હતી - આપણા સર્વોપરી અને સર્વે મંગલ કરનાર સ્વસ્તિકની. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ અન્ય ધર્મોની માયથોલોજીમાં પણ એનો મંગલકારી ઉપયોગ એ એની સર્વોપરીતાનું પ્રમાણ દર્શાવે છે. આ ઉપરાંત વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તે પૃથ્વીનાં અસ્તિત્વને સકારાત્મક ઊર્જા આપે છે. જેમ કોઈ પણ પૂજા ભગવાન ગણેશની સ્થાપના વગર અધૂરી ગણાય છે, તેવી જ રીતે સ્વસ્તિક વગર પણ કોઈ પણ પૂજા પૂર્ણ નથી ગણાતી. આમ, સ્વસ્તિક એ આપણા જીવનમાં હકારાત્મકતા લાવનાર તેમજ સદા મંગળ કરનાર પ્રતીક તરીકે રહ્યું છે અને આગળ પણ રહેશે, કદાચ એટલે જ સવારે સ્ત્રીઓ ઘરનો ઉંબરો પૂજતી વખતે સ્વસ્તિક ચિહ્નથી શુભ અને સકારાત્મક ઊર્જાનું આહ્વાન કરે છે.

.    .    .

Discus