Image by chatgpt

સમસ્ત પ્રાણીજગતમાં ડાયનોસોર હંમેશાંથી રસપ્રદ અને રહસ્યમયી વિષય સાથેનું પ્રાણી રહ્યું છે. તેના પર બનેલી ફિલ્મો દરેક ઉંમરના દર્શકોને આકર્ષે છે. એક સમય, એક આખેઆખો યુગ એવો હતો કે જ્યારે સમગ્ર ધરતી પર માત્ર એનું રાજ હતું; જેના પુરાવાઓ આજે પણ તેના અશ્મિઓ થકી જમીનમાં દટાયેલા જોવા મળે છે. ડાયનોસોર વિશે આપણને માત્ર ઉપરછલી જાણકારી હશે, પરંતુ તેના પ્રકારો, તે કયા યુગમાં થઈ ગયા? તેની આદતો, તેની વિલુપ્તી વગેરે વિશે ઊંડાણથી બહુ ઓછા લોકોને ખબર હશે. તો ચાલો જાણીએ, ડાયનોસોર વિશે સરળતાથી તેના સામાન્ય પરિચયથી લઈને તેનાં ઉત્પત્તિ યુગો, પ્રકારો, લક્ષણો - આદતો, વિલુપ્તી તેમજ વિશેષ બાબતો વિશે.

પહેલા આપણે ડાયનોસોરનો સામાન્ય પરિચય લઈશું

ડાયનોસોર એક ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ભયંકર ગરોળી (terrible lizard). ડાયનો (dino)નો અર્થ વિરાટકાય - બિહામણું થાય છે અને સોર (saurus)નો અર્થ ગરોળી થાય છે. ગરોળી જેવા દેખાતા આ વિશાળ ભયંકર ગરોળીની પ્રજાતિનું નામ ડાયનોસોર બ્રિટિશ વિજ્ઞાની સર રિચાર્ડ ઓવેન દ્વારા સન 1842માં આપવામાં આવ્યું હતું, એટલે કે ડાયનોસોર શબ્દનો ઉપયોગ આ વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ કરવામાં આવ્યો હતો. કરોડો વર્ષો પહેલાં આ ધરતી પર જ્યારે ડાયનોસોરનું પ્રતિનિધિત્વ હતું, ત્યારે મનુષ્યો નહીં પણ માત્ર પ્રાણીઓ જ હતા. ડાયનોસોર માત્ર કોઈ એક જ ખંડ કે દેશમાં નહોતા થયા, તે વિશ્વના તમામ ખંડોમાં થયા હતા જેના પુરાવા જમીનમાંથી નીકળતા તેના અશ્મિઓ થકી મળે છે. એ સમયમાં પેન્જિયા નામનો એકમાત્ર ખંડ હતો, અત્યારની જેમ દુનિયા સાત ખંડોમાં વહેંચાયેલી નહોતી. ડાયનોસોરની પણ ઘણી બધી પ્રજાતિઓ હતી, જેમ દરેક પ્રાણીઓની હોય છે તેમ. અમુક ડાયનોસોર દસ હાથીઓના વજન જેટલા ભારી ભરખમ તેમજ અતિ વિશાળ હતા, તો અમુક મરઘી કરતાં પણ નાના કદના હતા. અમુક માંસ ખાનાર હતા જ્યારે અમુક વનસ્પતિઓ ખાનાર શાકાહારી ડાયનોસોર પણ હતા.

ડાયનોસોરની ઉત્પત્તિ, વિકાસ અને વિલુપ્તી

ડાયનોસોર મેસોઝોઇક (mesozoic) યુગમાં થયા હતા, જે ત્રણ ભાગોમાં વિભાજિત હતો - ટ્રાયાસિક, જુરાસિક અને ક્રિટેશિયસ. આ ત્રણેય યુગોમાં અનુક્રમે ડાયનોસોરની ઉત્પત્તિ, વિકાસ અને સામૂહિક વિલુપ્તી થઈ હતી. ડાયનોસોરનો સમયગાળો 252 થી 65 મિલિયન વર્ષનો રહ્યો હતો. આ યુગમાં મનુષ્ય જીવન નહિવત્ હતું, ધરતી પર માત્ર ને માત્ર પ્રાણીઓનું જ રાજ હતું, માત્ર એનું જ અસ્તિત્વ હતું.

અગાઉ વાત કરી તેમ એ સમયગાળામાં આપણી પૃથ્વી સાત ખંડોમાં વિભાજિત નહોતી, માત્ર પેન્જિયા નામનો એક વિશાળ મહાખંડ (super continent) હતો અને તેની ફરતે પેન્થાલસા (panthalassa) નામનો વિશાળ વૈશ્વિક મહાસાગર હતો. પૃથ્વીનો મોટા ભાગનો ભૂભાગ આ પેન્જિયા ખંડ સાથે જોડાયેલો હતો, જે ઉત્તરથી દક્ષિણ ગોળાર્ધ સુધી વિસ્તરેલો હતો. પેન્જિયાની ભૌગોલિક આબોહવા રણ વિસ્તારમાં ગરમ અને સૂકી હતી અને દરિયાઈ વિસ્તારમાં સમશીતોષ્ણ હતી. ત્યાંના મેદાનો નદીઓ, તળાવો તેમજ જ્વાળામુખી પર્વતમાળાઓથી ઘેરાયેલા હતા.

1. ટ્રાયાસિક કાળ - 

ટ્રાયાસિક કાળનો સમયગાળો 252 થી 201 મિલિયન વર્ષનો હતો. ડાયનોસોર ટ્રાયાસિકના અંતના સમયગાળામાં ઉદ્ભવમાં આવ્યા હતા. આશરે 230 મિલિયન વર્ષો પહેલાં તે અસ્તિત્વમાં આવ્યા હતા. અને આવનારા 180 મિલિયન કરતાં વધારે વર્ષો સુધી આ ધરતી પર રાજ કરવાના હતા, એક નવા જ ઉત્ક્રાંતિ વંશની શરૂઆત થવાની હતી. પ્રારંભિક સમયમાં ડાયનોસોર બહુ જ નાના હતા, કૂકડાની સાઇઝ જેટલા. તેની સાથે સાથે અન્ય મોટા સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ તેમજ ઉભયજીવી પ્રાણીઓ પણ હતા. ટ્રાયાસિક સમયનાં ડાયનોસોર બહુ જ નાના તેમજ બે પગ વડે ચાલનારા હતા, જેઓ શિકારની શોધમાં આમતેમ ભટકતા. શરૂઆતી સમયનાં ડાયનોસોર જેવા કે - ઇઓરેપ્ટર, હેરેરાસોરસ કદમાં ઘણા નાના હતા અને બે પગ વડે ચાલનારા હતા. તેઓ ત્રણથી છ ફૂટની ઊંચાઈ ધરાવનારા, સ્વભાવે ચતુર હતા. પોતાના તીક્ષ્ણ દાંતો વડે નાના પ્રાણીઓ - જંતુઓનો શિકાર કરતા. ટ્રાયાસિક કાળમાં પ્લેટોસોરસ જેવા તૃણભક્ષી (શાકાહારી) ડાયનોસોર પણ હતા. આ તૃણભક્ષી ડાયનોસોર ચાર પગે ચાલનારા અને કદમાં વિશાળ હતા. ગરદન એટલી લાંબી હતી કે ઊંચા ઊંચા વૃક્ષોનાં પાંદડાઓ સુધી પહોંચી જતી. તેઓ પોતાની ગરદન વૃક્ષોની ટોચ સુધી લંબાવીને તેના પાંદડાઓ - વનસ્પતિ વગેરે ખાતા. આ સિવાય આર્ચોસોરસ નામના ડાયનોસોર હતા, જેઓને અત્યારનાં મગરમચ્છોના પૂર્વજ માનવામાં આવે છે. ટ્રાયાસિક કાળના અંતમાં ડાયનોસોર ઝડપથી ફેલાવા માંડ્યા હતા. ટ્રાયાસિક કાળના અંતમાં એક મોટી વિલુપ્તીની ઘટના બની, જેમાં મોટી સંખ્યામાં આ કાળના સરીસૃપ જીવોનો નાશ થયો હતો. અને આવનારા યુગોમાં આ ધરતી પર ડાયનોસોરનું પ્રભુત્વ રહેશે, એનો અણસાર આવી ગયો હતો, કારણ કે આ તો હજુ ડાયનોસોરનો શરૂઆતનો સમય હતો.

ટ્રાયાસિક કાળનાં અન્ય ડાયનોસોર - હેરેરાસોરસ, ઇઓરેપ્ટર, ટેરોસોરસ (ઉડતા સરીસૃપો), આર્ચોસોરસ, પ્લેટોસોરસ, ડીએનોનિકસ વગેરે હતા.

Image by chatgpt

2. જુરાસિક કાળ (201 થી 145 મિલિયન વર્ષ) - 

જુરાસિક કાળનો સમયગાળો પણ ત્રણ ભાગોમાં વિભાજિત હતો, પ્રારંભિક, મધ્ય અને અંતિમ; આ દરેક ભાગોને એપોક્સ (epochs) કહેવામાં આવે છે. જુરાસિક કાળ એ જીઓલોજિકલ ટાઈમ સ્કેલનો જ એક સમયગાળો છે. જીઓલોજિકલ ટાઈમ સ્કેલ એ મેદાની પથ્થરના સ્તરને આધારે પૃથ્વીનો ઇતિહાસ માપવાનું માધ્યમ છે. એટલે કે જે તે કાળનું નામ તે સમયનાં પથ્થર સ્તર અથવા તો પ્રકારને આધારે આપવામાં આવતું. જુરાસિક નામ ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડનાં જુરા પર્વતની પર્વતમાળા પરથી પડ્યું છે. આ સમયગાળા દરમિયાન એક મોટી ભૌગોલિક ઘટના બની હતી. સુપરકોન્ટિનેન્ટ તરીકે ઓળખાતો પેન્જિયા ખંડ ખંડીય પ્રવહનની ક્રિયાને કારણે બે ભાગોમાં વિભાજિત થયો. ખંડો છૂટા પડવાની સાથે વચ્ચેથી સમુદ્રમાર્ગ વિસ્તર્યો હતો, જેને લીધે જમીનના ટુકડાઓ દૂર સુધી ફંટાતા ગયા. છૂટા પડેલા આ ભૂભાગોમાંથી બે મોટા ખંડોનું નિર્માણ થયું હતું, જે ઉત્તરમાં લૌરેસિયા અને દક્ષિણમાં ગોંડવાના તરીકે ઓળખાયો હતો. જુરાસિક કાળમાં સમુદ્રીય સ્તર ઘણું ઊંચું હતું, જેને લીધે જમીનનો મોટા ભાગનો વિસ્તાર છીછરા તેમજ હુંફાળા દરિયાકિનારાવાળો હતો. ટ્રાયાસિકમાં ઉદ્ભવેલા ડાયનોસોર જુરાસિક યુગમાં થોડા વધુ વિકસિત અને વધુ પ્રભુત્વ ધરાવતા થયા તેમજ તેઓની કેટલીક નવી પ્રજાતિઓ પણ આવી. પેન્જિયા ખંડનું વિભાજન થવાથી ડાયનોસોર પણ વિભાજિત થયેલા ખંડોમાં વિસ્તાર પામ્યા હતા, તેની નવી પ્રજાતિઓ સાથે. જુરાસિક કાળમાં સૌપ્રથમ સસ્તન પ્રાણીઓ આવ્યા, પરંતુ ડાયનોસોરનું પ્રભુત્વ હોવાથી તેના વિસ્તારમાં જવાનું ટાળતા. જુરાસિક કાળની નરમ - હુંફાળી, ભેજવાળી આબોહવા આ ગરમ લોહીવાળા ડાયનોસોર માટે વિકસિત થવામાં ઘણી મદદરૂપ થઈ હતી. જુરાસિક કાળમાં તૃણભક્ષી તેમજ માંસાહારી એમ બંને ડાયનોસોરની પ્રજાતિઓ આવી હતી. જુરાસિક કાળમાં બ્રાકિયોસોરસ જેવા વિશાળ કદના ડાયનોસોર વધુ આવ્યા હતા, જેઓ શાકાહારી હતા. આ સાથે એલોસોરસ જેવા ખૂંખાર માંસભક્ષી ડાયનોસોર પણ જોવા મળ્યા હતા. ટ્રાયાસિકની તુલનાએ આ કાળમાં ડાયનોસોર વિશાળ કદના લાંબી ગરદનવાળા જોવા મળ્યા હતા, તેમજ માંસાહારી અને તૃણભક્ષી એમ બંને પ્રકારના ડાયનોસોર જોવા મળ્યા હતા. માંસાહારી ડાયનોસોર અન્ય સરીસૃપો અથવા તેના કરતા નાના ડાયનોસોરનો શિકાર કરીને ખાતા; જ્યારે તૃણભક્ષી (શાકાહારી) ડાયનોસોર છોડવાઓ, વનસ્પતિ તેમજ વૃક્ષોના પાંદડાંઓ ખાતા.

જુરાસિક સમયગાળામાં બ્રોન્ટોસોરસ, સ્ટેગોસોરસ, ડિપ્લોડોકસ, કોમ્પસોગ્નેથસ, બ્રાકિયોસોરસ, પ્રોસોરોપોડ, એપેટોસોરસ જેવા અન્ય ડાયનોસોર આવ્યા હતા.

3. ક્રિટેશિયસ કાળ (145 થી 66 મિલિયન વર્ષ) -

ક્રિટેશિયસ એ મેસોઝોઇક યુગનો છેલ્લો અને સૌથી લાંબો ચાલનારો કાળ હતો. આ કાળમાં ડાયનોસોર વધુ પ્રમાણમાં ઉત્ક્રાંત થયા હતા અને અંતે સામૂહિક વિલુપ્તિની ઘટનામાં અન્ય સરીસૃપ પ્રાણીઓ સહિત સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા. ક્રિટેશિયસ શબ્દ એ લેટિન શબ્દ 'ક્રિટા' પરથી બનેલ છે, જેનો અર્થ થાય છે - chalk (ચોક). ક્રિટેશિયસ કાળ દરમિયાન પશ્ચિમી યુરોપમાં chalk પ્રકારના ખડકો નિર્માણ પામ્યા હતા, માટે આ કાળનું નામ ક્રિટેશિયસ રાખવામાં આવ્યું. જુરાસિક કાળ દરમિયાન પેન્જિયા મહાખંડ જે બે ભાગોમાં વિભાજિત થયો હતો, એ બંને ભાગો ક્રિટેશિયસ કાળ દરમિયાન ફરી પાછા અનેક ભાગોમાં વિભાજિત થયા; અત્યારે જે સાત ખંડો જોવા મળે છે તેમ. ખંડ વિભાજનની આ પ્રક્રિયામાં ડાયનોસોર પણ વિભાજિત થયેલા અને અલગ અલગ ખંડોમાં પોત પોતાની રીતે કોઈ પણ જાતના સંક્રમણ વગર નવી પ્રજાતિ સાથે વિકસિત થયા હતા. આ સમયગાળામાં આબોહવામાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. આ સમયગાળામાં સૌપ્રથમવાર ફૂલવાળા છોડ દેખાયા હતા તેમજ ફિગ્સ, પ્લાન્સ, મેગ્નોલીઅસ જેવા ઘાસ-પાનવાળા વૃક્ષો જોવા મળ્યા હતા. ડાયનોસોરની વાત કરીએ તો આ સમયગાળામાં જુરાસિકની તુલનાએ તૃણભક્ષી ડાયનોસોર વધુ પ્રમાણમાં આવ્યા હતા. આ સમયગાળાનો સૌથી પ્રથમ નંબરનો ભયંકર ખૂંખાર માંસાહારી ડાયનોસોર ટાયરેનોસોરસ રેક્સ (ટી રેક્સ) હતો. આ ઉપરાંત પક્ષીઓમાં શાહમૃગ જેવા દેખાતા ઓર્નિથોમિમસ તેમજ ડીનોનિકસ, ટ્રુડોન અને ટેરાસોરસ જેવા ઉડતા સરીસૃપો જોવા મળ્યા હતા. સૌથી મોટામાં મોટું ડાયનોસોર ઇગ્વાનાડોન હતું, જે શાકાહારી હતું.

ક્રિટેશિયસ કાળમાં ઓવિરેપ્ટર, ટ્રાયસિરાટોપ્સ, એલબર્ટોસોરસ, વેલોસિરેપ્ટર, સ્પિનોસોરસ વગેરે જેવી ડાયનોસોરની અન્ય પ્રજાતિઓ પણ જોવા મળી હતી.

ડાયનોસોરની વિલુપ્તી

ક્રિટેશિયસ કાળનાં અંતિમ ભાગમાં પૃથ્વી પર એક સામૂહિક વિલુપ્તી ઘટના ઘટે છે, જેમ ટ્રાયાસિક કાળનાં અંતમાં ઘટી હતી; પરંતુ આ ઘટના દુનિયાની પાંચમી સૌથી મોટી સામૂહિક વિલુપ્તી ઘટના હતી. એવું કહેવામાં આવે છે કે આપણી પૃથ્વી સાથે 30 કિમીની ઝડપે આવતો એક ઉલ્કાપિંડ અથડાયો હતો, જેની અથડામણથી એક ભયંકર તેમજ વ્યાપક વિસ્ફોટ થયો હતો. સામાન્ય વાત છે કે કોઈ ગ્રહ કે ઉલ્કાપિંડ કે ઉલ્કાશીલા પૃથ્વી સાથે અથડાય ત્યારે ધરતી પરની કોઈ જગ્યા પર પડે. અહીં પણ એવું જ બને છે - માઉન્ટ એવરેસ્ટની સાઈઝનો, 30 કિમીની ઝડપે એક ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાય છે. આ અથડામણથી પૃથ્વીના લેયરમાં અંદાજે 20 કિમી જેટલો ઊંડો તેમજ 180 ફૂટ જેટલો પહોળો ખાડો પડ્યો હતો. આ જગ્યા અત્યારે મેક્સિકોમાં આવેલ યુકાટન પેનિન્સુલા (yucatan peninsula) છે. આ ઉલ્કાની રફ્તાર એટલી ભયાનક તેમજ વ્યાપક હતી કે એ ઉલ્કા અથડામણથી જે વિસ્ફોટ થયો હતો; જેના લીધે સમગ્ર ધરતી પર જાણે અંધકાર છવાઈ ગયો હતો; સંપૂર્ણ પર્યાવરણ ચક્ર બદલાઈ ગયું હતું. ઉલ્કા અથડામણનાં વિસ્ફોટથી એટલી બધી ભવંડર પ્રકારની ધુમાડાના ગોટેગોટાની જેમ જે રજ ઊડી હતી કે તેણે કેટલાય મહિનાઓ - વર્ષો સુધી સૂર્યપ્રકાશને પણ ઢાંકી દીધો હતો. આ ઉપરાંત ન્યુક્લિયર રેઇન, વન્ય દાવાનળ વગેરે જેવી ભયાનક ઘટનાઓ પણ ઘટી હતી. પૂરતો સૂર્ય પ્રકાશ ન મળવાથી વૃક્ષો - છોડવાઓ ઊગી ન શકતા. આમ ખોરાકના અભાવને કારણે સૌ પ્રથમ તો તૃણભક્ષી ડાયનોસોર એક પછી એક મૃત્યુ પામવા માંડ્યા અથવા તો તેઓ માંસભક્ષી ડાયનોસોરનો શિકાર બનીને મૃત્યુ પામેલા. આ ઉપરાંત એસિડ રેઈનને લીધે ધરતી પરના તમામ જીવો માટે પણ જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. અને ધીમે ધીમે પૃથ્વી પરના ડાયનોસોર સહિતના 90 ટકા અન્ય સરીસૃપ પ્રાણીઓનો સંપૂર્ણપણે નાશ થયો. આમ, સામૂહિક વિલુપ્તીની આ ઘટના સાથે સો કરોડ વર્ષ સુધી ધરતી પર રાજ કરનાર ડાયનોસોરનો એક આખેઆખો યુગ પણ સમાપ્ત થયો. ડાયનોસોર વિલુપ્તીની ઘટના બાબતે હજુ પણ વૈજ્ઞાનિકોમાં અલગ અલગ મત મતાંતરો જોવા મળે છે. કારણ કે ડાયનોસોર યુગના અમુક પ્રાણીઓ - પક્ષીઓ નવા સ્વરૂપે હજુ પણ જોવા મળે છે.

ડાયનોસોરના પ્રકાર અને લક્ષણો

ડાયનોસોરના પ્રકાર મુખ્ય બે બાબતોને આધારે પાડવામાં આવે છે : (1) તેના નિતંબના હાડકાના આધારે અને (2) તેના ખોરાકના આધારે.

વૈજ્ઞાનિકોએ ડાયનોસોરને બે વિશાળ ભાગોમાં વિભાજિત કર્યા છે. આ વિભાગ તેના હિપ બોન્સ એટલે કે નિતંબના હાડકાના આધારે છે, જે આ મુજબ છે: ઓર્નિથિસ્કિયા (ornithischia) અને સોરિસ્કિયા (saurischia).

1. ઓર્નિથિસ્કિયા (ornithischia) 

ઓર્નિથિસ્કિયામાં પક્ષીના નિતંબ આકારના ડાયનોસોરનો સમાવેશ થાય છે. ઓર્નિથિસ્કિયન ડાયનોસોરમાં આજના પક્ષીની જેમ નિતંબ હતા, પરંતુ આજના પક્ષીઓને ઓર્નિથિસ્કિયન ડાયનોસોર સાથે ન સરખાવી શકાય. ઓર્નિથિસ્કિયન ડાયનોસોર પ્લાન્ટ ઇટર એટલે કે વૃક્ષોના પાંદડાં - છોડવાઓ ખાનાર તૃણભક્ષી ડાયનોસોર હતા. તેઓ બે અથવા ચાર ભારી ભરખમ પગે ચાલનારા હતા. ઓર્નિથિસ્કિયન ડાયનોસોરને પક્ષીઓની જેમ ચાંચવાળું જડબું હતું. તેને સપાટ દાંત હતા, જેના વડે તેઓ સખત છોડવાઓને આસાનીથી તોડીને ખાઈ શકતા. તેઓના નીચલા જડબાના છેલ્લા ભાગમાં એક એક્સ્ટ્રા હાડકું હતું, જે તેના નીચલા જડબાના બે ભાગોને જોડતું; અને જેના લીધે તેનું જડબું ચાંચવાળું બનતું. આ જડબું તેને ઝાડ-પાનને કટકા કરીને ખાવામાં મદદ કરતું. ઓર્નિથિસ્કિયન ડાયનોસોરમાં ટ્રાયસેરાટોપ્સ, યુઓપ્લોસેફ્લસ, ઇગ્વાનાડોન, સ્ટેગોસોરસ વગેરેનો સમાવેશ થાય છે; આ બધામાં કોઈક ને કોઈક વિશેષતા હતી. ત્રણ શિંગડાવાળો ટ્રાયસેરાટોપ્સ અત્યારે જે ગેંડા જોવા મળે છે, તેવો હતો. સ્ટેગોસોરસની પીઠ પર ગરદનથી લઈને પૂંછડી સુધી લાઈનમાં ત્રિકોણાકાર હાડકાની પટ્ટીઓ હતી.

2. સોરિસ્કિયા (saurischia) 

સોરિસ્કિયન ડાયનોસોરમાં આજના સરીસૃપોનાં (રેપ્ટાઈલ્સ)માં જે નિતંબ જોવા મળે છે તેવા હતા; આ ઉપરાંત આજના સમયમાં જોવા મળતા પક્ષીઓ જેવા લક્ષણો પણ હતા. સોરિસ્કિયન ડાયનોસોરમાં અન્ય ડાયનોસોરની તુલનાએ પક્ષી જેવા ડાયનોસોર વધારે હતા.

ખોરાકના આધારે ડાયનોસોરના પ્રકાર આ મુજબ છે : થેરોપોડ્સ (theropods) અને સોરોપોડ્સ (sauropods).

  1. થેરોપોડ્સ (theropods) - થેરોપોડ્સ (theropods)નો અર્થ થાય છે - રાક્ષસી પંજાવાળો. થેરોપોડ્સમાં મીટ ઇટર એટલે કે માંસભક્ષી ડાયનોસોરનો સમાવેશ થાય છે જે એકદમ તીવ્ર અને ખૂંખાર હોય જેમ કે - ટાયરેનોસોરસ રેક્સ, જીગાનોટોસોરસ, સ્પાઇનોસોરસ વગેરેનો સમાવેશ થતો; જેમાંથી ટાયરેનોસોરસ આઠ ટન વજન ધરાવતો સૌથી મોટો ડાયનોસોર હતો. થેરોપોડ્સ ડાયનોસોર બે પગ વડે ચાલતા, આગળના નાના હાથનો ઉપયોગ શિકારને પકડવા તેમજ ફાડવા ચીરવા માટે કરતા. હાથના પંજાની આંગળીઓ લાંબી અને તીક્ષ્ણ ધારદાર હતી, મજબૂત જડબું અને ધારદાર દાંતો હતા. ક્યારેક શિકારને ડાયરેક્ટ મોઢામાં લઈ લેતા, તેને ફાડવા ચીરવા કરતાં. થેરોપોડ્સ અન્ય જીવો ઉપરાંત અન્ય નાના તૃણભક્ષી ડાયનોસોરનો શિકાર કરતા. ઘણીવાર તેઓ ગ્રુપ બનાવીને વિશાળ ડાયનોસોર ઉપર પણ હુમલો કરતા.
  2. સોરોપોડ્સ (sauropods) - સોરોપોડ્સ (sauropods) શ્રેણીમાં પ્લાન્ટ ઇટર ડાયનોસોરનો સમાવેશ થાય છે. સોરોપોડ્સ ડાયનોસોર ધરતી પરના સૌથી વિશાળ કદના પ્રાણીઓ હતા. સોરોપોડ્સ ડાયનોસોર પ્લાન્ટ ઇટર એટલે કે વૃક્ષનાં પાંદડાં, છોડવાઓ ખાનાર તૃણભક્ષી હતા. સોરોપોડ્સમાં શાંત ડાયનોસોર જેવા કે - બ્રાકિયોસોરસ, ડિપ્લોડોકસ, બ્રોંટોસોરસ, એપેટોસોરસ વગેરેનો સમાવેશ થતો. સોરોપોડ્સ ડાયનોસોર ખાસ તો તેની ઊંચી લાંબી ગરદન માટે જાણીતું હતું, જે પોતાના ખોરાક માટે ઊંચામાં ઊંચા ઝાડના પાંદડાંઓ સુધી પહોંચી જતું. તેનું માથું અને મગજ તેના કદાવર શરીરની તુલનાએ નાનું હતું. પગ હાથીની માફક મજબૂત ભરાવદાર - વજનદાર હતા. તેની લાંબી તેજતર્રાર પૂંછડી તેના શરીરનું બેલેન્સ જાળવવામાં મદદરૂપ થતી તેમજ હથિયાર તરીકે પણ; તેની પૂંછડીનો ફટકો દુશ્મન પ્રાણીને ક્યાંય ફેંકી દેતી, એ પૂંછડી એક સોટી જેવું કામ કરતી.

લક્ષણો અને જીવનચક્ર

ડાયનોસોર વિશ્વના દરેક ખંડોમાં થઈ ગયેલા, અને ત્યાંની આબોહવા મુજબ ઉત્ક્રાંત થયા હતા. અમુક મરઘી કરતાં પણ નાના કદના હતા, જ્યારે અમુક હાથી કરતાં દસ ગણા વિશાળ કદના હતા. અમુક તૃણભક્ષી હતા, જ્યારે અમુક માંસભક્ષી હતા. ડાયનોસોરનાં શરીર પર રૂંવાટી નહોતી. તેની ત્વચા એકદમ ઉબડખાબડ ~ ખરબચડી હતી. કેટલાક વૈજ્ઞાનિકોના મતે, ડાયનોસોર ગ્રે અથવા તો ગ્રીન કલરના હતા; જ્યારે કેટલાકના મતે તે રંગીન હતા જે માદા ડાયનોસોરને આકર્ષવા માટે મદદરૂપ થતા. ડાયનોસોરનું આયુષ્ય લગભગ 100 વર્ષ સુધીનું હતું. દરેક ડાયનોસોર પાસે એક પ્રાકૃતિક હથિયાર હતું જે તેને શિકાર કરવા તેમજ પોતાનું રક્ષણ કરવા મદદ કરતું. તેનો શિકારી પંજો તેને શિકાર પકડવા તેમજ તેને ચીરી-ફાડવા મદદ કરતો. સટાકેદાર પૂંછડી અન્ય પ્રાણીને દૂર ફેંકવા મદદ કરતી. અમુક ડાયનોસોરની પીઠ પર ત્રિકોણાકાર તકતીઓ જોવા મળતી જે આજ સુધી રહસ્યમય છે કે એ શું કામ હતી? બધા નહીં પરંતુ મોટા ભાગના ડાયનોસોર ઈંડા મુકતા. પોતાના બચ્ચાઓને એક જ જગ્યાએ સાચવી રાખવા વિશાળ માળો બાંધતા. મોટા ભાગના ડાયનોસોર સાતથી આઠ વર્ષની વય સુધીમાં પોતાના સંપૂર્ણ વાસ્તવિક રૂપમાં (પુખ્તવયના) આવી જતા. પ્રારંભિક સમયમાં ઉડતા સરીસૃપો પણ હતા, જેને ઉડતા ડાયનોસોર કહેતા.

જીવાશ્મિઓ - ફૉસિલ્સ

કરોડો વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવેલા સજીવોના અવશેષો જેવા કે ઈંડા, હાડપિંજરો, કરોડરજ્જુના મણકા, ખોપરી વગેરેને જીવાશ્મિઓ (ફૉસિલ્સ) કહેવામાં આવે છે. ડાયનોસોરના અવશેષો મુખ્ય બે સ્વરૂપોમાં જોવા મળ્યા છે: બોડી ફૉસિલ્સ અને ટ્રેસ ફૉસિલ્સ. બોડી ફૉસિલ્સમાં દાંત, હાડપિંજર, કરોડરજ્જુના મણકા વગેરેનો સમાવેશ થાય છે. ટ્રેસ ફૉસિલ્સમાં પગના નિશાનો (પાદ ચિહ્નો), ચામડી કે પાંખની છાપ, પ્રાણીનું મળ, ઈંડા, માળો વગેરેનો સમાવેશ થાય છે.

આ અવશેષો કાંપવાળા સ્વરૂપમાં જળકૃત ખડકો રૂપે જોવા મળે છે. અહીં પ્રાણીઓના અવશેષો રેતી, કાંપ, કાદવ, કાર્બનિક પદાર્થો પાણી અથવા હવાના સંપર્કમાં આવીને તેમાં ભળી જાય છે અને તેના પર એક નવું પડ રચાય છે. અને અંદરનું જૂનું પડ (સ્તર) ઘન સ્વરૂપમાં (પથ્થર) ફેરવાઈ જાય છે. આ રીતે સમયાંતરે સર્જાતા અમુક વિશિષ્ટ સંજોગોમાં ખડકોમાં ઉપરના ભાગ પર નવા પડ (સ્તર) બંધાતા જાય છે. અમુક કેસમાં તો પ્રાણીઓના મળ પણ સમયાંતરે સર્જાતી પર્યાવરણીય ઘટનાને લીધે ખડકમાં ફેરવાઈ જાય છે.

સામૂહિક વિલુપ્તીની ઘટનાએ પૃથ્વી પર ચાલનારા મહાકાય પ્રાણીને હંમેશ માટે જમીનમાં ધ્વસ્ત કરી દીધા હતા. અને છેક સન 1600માં તેના સૌપ્રથમ જીવાશ્મિઓ મળ્યા હતા. અગાઉ વાત કરી તેમ ડાયનોસોર દરેક ઉપખંડમાં ઉત્ક્રાંત થયા હતા એટલે તેના અવશેષો દરેક જગ્યાએ કોઈ ને કોઈ સ્વરૂપમાં જોવા મળશે જ. ડાયનોસોરના ઈંડા તેમજ અમુક અવશેષો અત્યારે તો ખડક સ્વરૂપમાં જોવા મળે છે. ડાયનોસોરનાં જીવાશ્મિઓમાં તેનું હાડપિંજર, ઈંડા, માળા (nest), કરોડરજ્જુના મણકા, કવચો, પાદ ચિહ્નો વગેરેનો સમાવેશ થાય છે. ડાયનોસોર વિદેશોમાં ઉપરાંત ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળ્યા છે. આપણા ગુજરાતની વાત કરીએ તો અહીં ડાયનોસોરના સૌપ્રથમ અવશેષો બાલાસિનોરમાં (ખેડા) મળી આવ્યા હતા, અત્યારે તો ત્યાં આખું ડાયનોસોર પાર્ક છે. આ સિવાય કચ્છ, જામનગર, ખેડા, દાહોદ, વડોદરા, પંચમહાલ જિલ્લામાંથી આ રાક્ષસી ગરોળીના ફોસિલ્સ મળી આવેલ છે; જે પુરાવા આપે છે કે મધ્ય જીવયુગમાં ગુજરાતની ધરતી પર પણ ડાયનોસોર વિચર્યા હશે.

ડાયનોસોરનાં અવશેષો સૌપ્રથમ સન 1600 ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડ સ્ટ્રીટનાં એક ગામડાનાં ખેતરમાંથી મળી આવ્યા હતા. અહીંથી ડાયનોસોરનું હાડપિંજર મળી આવ્યું હતું અને એ ડાયનોસોર મેગાલોસોરસ હતું.

પ્રખ્યાત ડાયનોસોર

  1. હેરેરાસોરસ - હેરેરાસોરસ એ ટ્રાયાસિક યુગનું સૌપ્રથમ ડાયનોસોર હતું. તે કદમાં નાનું હતું. તે ત્રણથી છ મીટરની લંબાઈ ધરાવતું તેમજ 136 થી 181 કિગ્રા વજન ધરાવતું હતું. તે બે પગ વડે ચાલનારું હતું તેમજ માંસાહારી હતું. તેની પૂંછડી તેના શરીરને સમાંતર લાંબી હતી, જે દોડતી વખતે તેના શરીરનું બેલેન્સ જાળવવામાં મદદ કરતી. Hip bones આકારની બાબતમાં હેરેરાસોરસમાં ઓર્નિથિસ્કિયા અને સોરિસ્કિયાના લક્ષણો હતા. તેની જાંઘ તેના શિન કરતાં લાંબી હતી, જેના લીધે તે દોડવામાં તેજ નહોતું પરંતુ શિકારનો પીછો કરવા સક્ષમ હતું. તેના હાથ લાંબા નહોતા પરંતુ તેના ધારદાર પંજાનો આકાર શિકારને પકડવા અને ફાડી ખાવા પૂરતો ઘણો સારો હતો. તેનું બંને બાજુથી અસ્તવ્યસ્ત જડબું માંસના મોટા ટુકડાને મોઢામાં લેવા મદદ કરતું. હેરેરાસોરસનાં ફોસિલ્સ આર્જેન્ટિનામાં મળ્યા હતા.
  2. બ્રાકિયોસોરસ - બ્રાકિયોસોરસ એ જુરાસિક કાળનું તેમજ સમગ્ર ડાયનોસોર પ્રજાતિમાં સૌથી વિશાળ હતું. તે 80 ફૂટ જેટલું લાંબું અને 52 ફૂટ ઊંચું હતું. તેનું વજન 80 ટન હતો. તે વિશાળ શરીર, નાનું માથું, લાંબી ગરદન, ઢાળવાળી પીઠ, ચાર થાંભલા જેવા લાંબા અને વજનદાર પગ, પાછળ ટૂંકી પૂંછડી, પેન્સિલ જેવા દાંત ધરાવતું હતું. તેના પાછલા પગ કરતાં આગલા પગ લાંબા હતા. બ્રાકિયોસોરસનું નામ ગ્રીક શબ્દ બ્રાકિયો પરથી પડ્યું છે, જેનો અર્થ - armed lizard થાય છે. વૈજ્ઞાનિકોએ તેને આ નામ તેના આગળના લાંબા પગને કારણે આપ્યું હતું. બ્રાકિયોસોરસ પ્લાન્ટ ઇટર હતું, તે ઊંચા વૃક્ષોના પાન વગેરે ખાતું. તે જ્યાં વધુ પ્રમાણમાં વનસ્પતિ હોય ત્યાં વધારે રહેતું. બ્રાકિયોસોરસ કદમાં અતિ વિશાળ હોવાથી તે દોડી ન શકતું. તેને આળસુ ડાયનોસોર પણ કહેવામાં આવે છે, કારણ કે તે પોતે ખોરાક પણ ન ચાવતું, સીધે સીધો ગળી જતું. ખોરાક પચાવવા માટે તેના ખોરાક સાથે તે પથ્થરો પણ ગળી જતું, જે તેના ખોરાકને પચાવવા મદદ કરતા. તેનું વિશાળ કદાવર શરીર તેમજ ભારી ભરખમ સ્તંભાકાર પગ અને તેના તીક્ષ્ણ પંજા તેને અન્ય માંસાહારી ડાયનોસોરથી બચાવતા હતા. તેની ઊંચાઈને લીધે તે માઈલો દૂરથી આવતા તેના દુશ્મનો વિશે ખબર પડી જતી.
  3. સ્ટેગોસોરસ - સ્ટેગોસોરસનો અર્થ આવરણયુક્ત ગરોળી થાય છે. તે તૃણભક્ષી ડાયનોસોર હતું. સ્ટેગોસોરસ અંતિમ જુરાસિક યુગમાં થયા હતા. તેનું કદ 26 થી 30 ફૂટ લાંબુ અને 9 ફૂટ ઊંચું હતું, તેમજ 2 ટન વજન ધરાવતું હતું. તેનું મસ્તિષ્ક અને મગજ બંને નાના હતા. સ્ટેગોસોરસની પીઠ પાછળ તેની ગરદનથી લઈને પૂંછડી સુધી ત્રિકોણાકાર તકતીઓની બે લાઈનો હતી તેમજ કાંટેદાર પૂંછડી હતી. આગળના પગની તુલનાએ તેના પાછળના પગ સીધા અને લાંબા હતા, જેને લીધે ચાલતી વખતે તેનું માથું જમીનને અડી જતું. સ્ટેગોસોરસ અન્ય માંસભક્ષી ડાયનોસોર જેવા કે - એલોસોરસ, સીરેટોસોરસનો શિકાર બનતા.
  4. ટાયરેનોસોરસ રેક્સ - ડાયનોસોર જગતનો સૌથી ખૂંખાર માંસભક્ષી ડાયનોસોર ટાયરેનોસોરસ રેક્સ છે, જે ક્રિટેશિયસ કાળનાં લાસ્ટ ફેઝમાં થયો હતો. કદમાં તે 40 ફૂટ લાંબુ, 16 ફૂટ ઊંચું તેમજ 5 થી 7 ટનનો વજન ધરાવતું હતું. તેને ભરાવદાર માથું, શક્તિશાળી જડબું, મોટા દાંત, નહોર વાળા પગ હતા. તે ક્રિટેશિયસ કાળનું સૌથી ભયંકર પ્રાણી હતું. તે એટલું ખૂંખાર હતું કે અન્ય ડાયનોસોર તેની નજીક જવાનું પણ ટાળતા. તેના મોટા રાક્ષસી દાંત એટલા તીક્ષ્ણ, જાડા તેમજ મજબૂત હતા કે શિકાર પ્રાણીઓના હાડકા સહિતને કચડી નાખવા સક્ષમ હતા. પક્ષી જેવા દેખાતા તેના રાક્ષસી પગની દરેક આંગળીઓને મજબૂત તેમજ તીક્ષ્ણ ધારદાર નહોર હતી. પગની તુલનાએ તેના બાવડા પ્રમાણમાં ઘણા નાના હતા. આ પ્રાણી મહાકાય હોવા છતાં તે હળવા બાંધાવાળું હતું. તેના લાંબા મોટા પગ તેને ઝડપથી દોડવામાં મદદ કરતા. તે એ રીતે દોડતું કે તેની પીઠ અને પૂંછડી જમીનને સમાંતર રહેતી. ટાયરેનોસોરસ ગરમ લોહીવાળું માંસભક્ષી ડાયનોસોર હતું. તે સ્ટેગોસોરસ, ઇગ્વાનોડોન જેવા ડાયનોસોર તેમજ નાના પ્રાણીઓનો શિકાર કરતું.
  5. ઇગ્વાનોડોન - ઇગ્વાનોડોન એ ક્રિટેશિયસ કાળનું સૌથી વધારે સંખ્યામાં ઉત્ક્રાંતિ પામેલું તૃણભક્ષી પ્રાણી હતું. તે વજનમાં 5 ટન, 36 ફૂટ લંબાઈ તેમજ 16 ફૂટ ઊંચાઈ ધરાવતું પ્રાણી હતું. તે ક્રિટેશિયસ કાળનું સૌથી શાંતિપ્રિય શાકાહારી ડાયનોસોર હતું. તેનું મોઢું દાંત વગરની ચાંચ જેવું હતું, જે તેને ઘાસ-છોડવાઓ ચરવા મદદ કરતું. તેને ઊંચી ઉપસેલી દાઢો છે, જે આજે જોવા મળતી ઇવાના ગરોળીમાં જોવા મળે છે. ખાસ તો તેના પાંચ આંગળાવાળા હાથ વિશિષ્ટ પ્રકારના હતા. તેને તીક્ષ્ણ ધારવાળો શંકુ આકારનો અંગૂઠો, ત્રણ વચલા આંગળા પર ખરી જેવા નહોર હતા અને પાંચમી આંગળી પકડવા માટેની હતી. આ ડાયનોસોર ચાર પગે ચાલનારું હતું તેમજ બે પગે ઊભું પણ રહી શકતું. તેની પીઠ પર આડા અવળા અસ્થિયુક્ત દાંતા હતા, જે તેની કરોડરજ્જુને મજબૂત બનાવતા. પૂંછડીના ઉપલા ભાગ પર મણકાઓ હતા. ઇગ્વાનોડોન દોડવામાં ઝડપી હતું તેમજ તે ટોળામાં રહેતું.
  6. ટ્રાયસેરાટોપ્સ - ટ્રાયસેરાટોપ્સ ડાયનોસોર અત્યારે આપણને જે ત્રણ શિંગડાવાળો ગેંડો જોવા મળે છે, તેવું હતું. ટ્રાયસેરાટોપ્સ ભરાવદાર શરીર ધરાવતું હાથી જેટલું ભારી ભરખમ હતું. તેનું વજન 6 થી 12 ટન હતું. કદમાં તે 30 ફૂટ લાંબુ અને 10 ફૂટ ઊંચું હતું. તેને ટૂંકી પણ અણીદાર પૂંછડી, ભારી ભરખમ શરીર, ખરી જેવા નખ, થાંભલા જેવા પગ તેમજ ગરદનની ફરતે કિનારીવાળા દાંતા હતા. તે ચાર પગ વડે ચાલતું તૃણભક્ષી પ્રાણી હતું. તેના ત્રણ શિંગડાઓમાં એક ટૂંકુ શિંગડું ચાંચ પર હતું અને બીજા બે શિંગડા તેની આંખોના ઉપરના ભાગમાં હતા (કપાળ જેવું સ્થાન) જે શિકારી પ્રાણીઓથી તેની રક્ષા કરતા. ટ્રાયસેરાટોપ્સ ટોળામાં રહેનારું પ્રાણી હતું.

વિશેષ બાબતો

ડાયનોસોર અને તેના જીવાશ્મિઓ વિશે અભ્યાસ તેમજ સંશોધન કરનાર વૈજ્ઞાનિકને પેલિઓન્ટોલોજિસ્ટ (Paleontologist) કહેવામાં આવે છે.

ગૂગલ પર સર્ચ કરતા પહેલું જે ડાયનોસોર આવે છે, તે ટાયરેનોસોરસ રેક્સ છે.

અમુક વૈજ્ઞાનિકોના મતે, ડાયનોસોર રંગબેરંગી પણ હતા.

શાકાહારી ડાયનોસોર મોટા ભાગે ટોળામાં વિચરતા.

સાપ અને ગરોળીની જેમ ડાયનોસોર પણ સમયાંતરે પોતાના શરીરની (ચામડીની) ખાલ ઉતારતા.

આર્જેન્ટિનોસોરસ એ ડાયનોસોર પ્રજાતિનો સૌથી લાંબો ડાયનોસોર હતો. તેની લંબાઈ 40 મીટર જેટલી હતી; રેલ્વેના ચાર એન્જિન જેટલી. તેનું વજન 77 ટન હતું, જે 17 આફ્રિકન હાથીના વજન જેટલું હતું.

  • સૌથી પહેલો જે ડાયનોસોર શોધવામાં આવ્યો હોય તો, એ છે મેગાલોસોરસ. ડાયનોસોર પ્રજાતિનું નામ અસ્તિત્વમાં આવ્યું એ પહેલા મેગાલોસોરસનાં ફૉસિલ્સ મળી આવ્યા હતા.
  • અત્યાર સુધી મળેલા ડાયનોસોરનાં ઈંડાઓમાં સૌથી મોટું ઈંડું 19 ઇંચ લાંબું હતું, જે એશિયાનાં માંસાહારી ડાયનોસોરનું હોય એવું માનવામાં આવે છે.
  • અમુક ડાયનોસોરની પીઠ પર જે ત્રિકોણાકાર પ્લેટોની લાઈનો હતી, એ શું કામ હતી? એ આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા.
  • મોટા ભાગના ડાયનોસોરની શોધ માત્ર તેના એક દાંત અથવા તો તેના હાડકાંના આધારે કરવામાં આવી છે.
  • ગુજરાત રાજ્યના નર્મદા નદીના કિનારે મળી આવેલ ડાયનોસોરના અવશેષો લગભગ 7 કરોડ વર્ષ જૂના છે.
  • મધ્ય ચીન ગ્રામ્યવાસીઓ દ્વારા, ઘણા વર્ષો સુધી ડાયનોસોરના હાડકાનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવ્યો હતો; એ લોકો એને 'ડ્રેગનના હાડકાઓ' માનતા.
  • ડાયનોસોરનાં ફોસિલ્સનો DNA ટેસ્ટ ન થઈ શકે, કારણ કે DNA માત્ર વીસ લાખ વર્ષ સુધી જ જીવિત રહી શકે.
  • મ્યુઝિયમમાં પ્રદર્શિત ડાયનોસોરના હાડપિંજરોમાં સૌથી મોટું બ્રાકિયોસોરસનું છે.
  • ડિલોફોસોરસ ડાયનોસોર એ ખાસ તેની વિશેષ પ્રકારની ગરદન માટે પ્રખ્યાત હતા. તે જ્યારે અવાજ કાઢતા ત્યારે તેની ગરદનની ફરતે બંને બાજુએ જાપાની ફેનની જેમ પાંખો નીકળતી.
  • ડિનોસ્યુકસ એ ડાયનોસોર યુગનો સૌથી વિશાળ મગરમચ્છ હતો, જે ટાયરેનોસોરસ રેક્સ જેવા ખૂંખાર ડાયનોસોરનો શિકાર કરતો.
  • ટ્રુડોન એ સૌથી બુદ્ધિશાળી ડાયનોસોર હતો.
  • સૌથી વિશાળ ડાયનોસોરના ઈંડા બાસ્કેટ બોલ જેવડા હતા. ઈંડાની ફરતે મજબૂત કવચ પણ રહેતું, જેથી બચ્ચા જલદીથી બહાર ન આવી શકે. સૌથી નાનામાં નાનું ડાયનોસોરનું ઈંડું 75 ગ્રામ વજનનું હતું.
  • ડાયનોસોરનું સૌપ્રથમ મૂવી Bruto Force વર્ષ 1914માં રિલીઝ થયું હતું, જે સાઇલન્ટ મૂવી હતું. વર્ષ 1993માં રિલીઝ થયેલું મૂવી Jurassic Park એ અત્યાર સુધીનું સૌથી બેસ્ટ અને બ્લોકબસ્ટર મૂવી છે.

તો આ વાત હતી, એક સમયે ધરતી પર રાજ કરનારી સરીસૃપ પ્રજાતિ એવા ડાયનોસોર વિશે. ડાયનોસોર દેખાવમાં જેટલો વિશાળ છે એટલો જ વિશાળ અને ગૂઢ તેનો ઇતિહાસ છે. જે આજે પણ જમીનમાં દટાયેલા તેના અવશેષો પરથી જાણવા મળે છે. આ એકમાત્ર એવું પ્રાણી હશે જેની પર અભ્યાસ ઘણો થયો હશે તેમજ ફિલ્મો પણ બની હશે.

.    .    .

Discus