એવું કહેવામાં આવે છે કે - પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે; એ સ્ત્રી કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે - મા, બહેન, પત્ની વગેરે. આપણા ઈતિહાસમાં કેટ કેટલીય મહાન સ્ત્રીઓ થઈ ગઈ જેણે પોતાના સત્કાર્યો થકી આ ધરતી ઉજાળી છે, અને તેના સ્ત્રીત્વનું ગૌરવ વધાર્યું છે. આજે આપણે ભારતીય ઈતિહાસમાં ગુપ્તકાળમાં થઈ ગયેલ એક એવી વિદૂષી અને રહસ્યમયી સ્ત્રીની વાત કરીશું, જેણે મૂરખ કાલિદાસને મહાકવિ કાલિદાસ બનાવ્યા હતાં. કાલિદાસ વિશે આપણે સૌ શાળામાં ભણ્યા જ હશું, પરંતુ જેને લીધે તે મહાન કવિ - નાટ્યકાર - વિદ્વાન બન્યા, તેની વિશે નહીં ખબર હોય. તો ચાલો જાણીએ - મહાકવિ કાલિદાસનાં પત્ની : વિદ્યોત્તમા વિશે; સાથે જાણીશું રાજકુમારી વિદ્યોત્તમાનાં કાલિદાસ સાથેનાં વિવાહની રસપ્રદ વાર્તા વિશે.

પહેલાં આપણે કાલિદાસ અને વિદ્યોત્તમા વિશે જાણીશું.

કાલિદાસને ભારતીય ઈતિહાસમાં સૌથી મહાન કવિ, નાટ્યકાર તેમજ સંસ્કૃત ભાષાનાં વિદ્વાન ગણવામાં આવે છે. એમનાં ઉત્કૃષ્ટ - વિશ્વ વિખ્યાત નાટકોને લીધી, તેને ભારતનાં શેક્સપિયર પણ કહેવામાં આવે છે. કાલિદાસનાં જન્મ સ્થળ અને જન્મ સમય અંગે ઘણું વિવિદાસ્પદ છે, આ અંગે ઈતિહાસકારોમાં અલગ અલગ મતમતાંતરો જોવા મળે છે. એનાં જન્મ સમય અંગે ક્યાંય પણ સ્પષ્ટ ઉલ્લેખ થયેલ નથી. ગુપ્તકાળમાં થયેલ વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજાનાં દરબારનાં નવ રત્નોમાં મહાકવિ કાલિદાસ પણ શામેલ હતાં, એ પરથી કહી શકાય કે કાલિદાસ ત્રીજી - ચોથી સદી દરમ્યાન હશે. તેમણે સંસ્કૃત ભાષામાં નિયમબદ્ધ છંદ - અલંકારયુક્ત નાટકો - મહકાવ્યોની સરળ શૈલીમાં રચના કરી હતી. તેમની વીસેક કૃતિઓમાંથી ૭ કૃતિઓ નિર્વિવાદરૂપે જોવા મળે છે જેમાં - ત્રણ નાટકો, બે મહાકાવ્યો અને બે ખંડકાવ્યો છે. નાટકોમાં : અભિજ્ઞાન શાકુંતલમ્, વિક્રમોવર્શીયમ્, માલવિકાગ્નિમિત્રમ્ છે; મહાકાવ્યોમાં : રઘુવંશમ્ અને કુમારસંભવ અને ખંડકાવ્યોમાં : મેઘદૂતમ્ અને ઋતુસંહાર છે. એમણે એમની રચનાઓમાં ક્યાંય પણ એના જીવન વિશે ઉલ્લેખ નથી કરેલો.

આપણને જાણવાની ઉત્સુકતા થતી હશે કે કાલિદાસ આટલાં પ્રખર વિદ્વાન હતાં, તો એનાં પત્ની કેવા વિદ્વાન હશે !! રાજકુમારી વિદ્યોત્તમા બહુ જ રૂપવાન, ગુણવાન તેમજ વિદૂષી સ્ત્રી હતાં. કાલિદાસની જેમ એની વિશે પણ પૂર્ણરૂપે કોઈ માહિતી નથી મળતી. કાલિદાસ સાથેનાં વિવાહની બાબતમાં તેનો થોડેક અંશે ઉલ્લેખ જોવા મળે છે. ઈતિહાસમાં એને ઉજ્જૈનનાં રાજા વિક્રમાદિત્યની પુત્રી તરીકે બતાવે છે. વાસ્તવમાં તેનું નામ "ગુણમંજરી" હતું, પરંતુ માત્ર બાર વરસની ઉંમરમાં શિક્ષણ, સાહિત્ય, કલા, વિજ્ઞાન, વાદવિવાદ તેમજ શાસ્ત્રોમાં નોંધપાત્ર ઉપલબ્ધિઓ હાંસલ કરી હતી, માટે તેનું નામ "વિદ્યોત્તમા" પડ્યું હતું. તેણે આ બધું જ જ્ઞાન તેનાં ગુરુ વરરૂચિ પાસેથી મેળવ્યું હતું.

હવે આપણે કાલિદાસ અને વિદ્યોત્તમાનાં વિવાહ વિશે જાણીશું તેમજ કઈ રીતે વિદ્યોત્તમા તેનાં કાલિદાસનું જીવન બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ??

રાજકુમારી વિદ્યોત્તમાની વિદ્વતા તેમજ સુંદરતા ચોતરફ ફેલાયેલી હતી. કેટ કેટલાંય દેશોનાં રાજાઓ - વિદ્વાનો તેની સાથે વિવાહ કરવા ઉત્સુક હતા. પરંતુ તેણે વિવાહ માટે એક શરત રાખી હતી કે - "જે કોઈ રાજકુમાર કે વિદ્વાન મને શાસ્ત્રાર્થમાં હરાવશે, તેની સાથે જ એ વિવાહ કરશે". રાજકુમારીની આ શરતને આધીન રહીને કેટલાંય વિદ્વાનો રાજદરબારમાં વિદ્યોત્તમા સાથે શાસ્ત્રાર્થ કરવા આવેલાં, પરંતુ વિદ્યોત્તમા પોતાના પ્રખર જ્ઞાનથી એ બધાંને હરાવી દેતાં. એકવાર તો વિદ્યોત્તમાએ ખુદ એનાં ગુરુ વરરૂચિને પણ શાસ્ત્રાર્થમાં હરાવી દીધા હતાં. એણે ભર્યા રાજદરબારમાં ગુરુ વરરૂચિનું મજાક ઉડાવ્યું હતું. વરરૂચિને લાગ્યું કે વિદ્યોત્તમાને એના જ્ઞાનનું બહુ ઘમંડ આવી ગયું છે, તો તેણે વિદ્યોત્તમાનો ઘમંડ તોડવા તેમજ તેનાં અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું. વરરૂચિ સાથે અન્ય વિદ્વાનોને પણ વિદ્યોત્તમા પર બહુ દાઝ હતી, અને બદલો લેવાં માંગતા હતા. વરરૂચિએ અન્ય વિદ્વાનો સાથે મળીને બદલારૂપે વિદ્યોત્તમાનાં વિવાહ કોઈ અભણ - મૂર્ખ સાથે કરાવવાનું નક્કી કર્યું. એક દિવસ વરરૂચિ ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ એની નજર એક મૂર્ખ વ્યક્તિ પર પડે છે. તે વ્યક્તિ પોતે જે ડાળ પર બેઠો હતો, તેને જ કાપી રહ્યો હતો. અને આ મૂર્ખ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આપણા કાલિદાસ હતાં. આવું અજૂગતું દૃશ્ય જોઈને વરરૂચિએ કાલિદાસને કહ્યું કે - આવું ન કર, નહીંતર ઝાડ પરથી પડી જઈશ. કાલિદાસે ગુસ્સામાં આવીને કહ્યું કે - મારા કામમાં દખલગિરી ન કરો. વરરૂચિ ચાલ્યા જાય છે, તે જેવા થોડાંક દૂર પહોંચે છે, ત્યાંજ ઝાડ પરથી કોઈકનો જોરથી પડવાનો અવાજ સાંભળે છે. કાલિદાસ દોડીને વરરૂચિ પાસે આવે છે અને કહે છે કે - તમને કેવી રીતે ખબર પડી કે હું પડી જઈશ ?? તમે કોઈ જ્યોતિષ છો ?? વરરૂચિને લાગ્યું કે - આ તો સાવ મૂરખ વ્યક્તિ છે, આટલી સામાન્ય બાબત પણ ખબર ન પડે !! ત્યાં એને મનોમન વિચાર આવે છે - રાજકુમારી વિદ્યોત્તમા સાથે બદલો લેવા માટે આ વ્યક્તિ બરોબર છે અને આમેય દેખાવમાં પણ રાજકુમાર જેવા સુંદર લાગે છે. વરરૂચિ જ્યારે કાલિદાસને કહે છે કે - હા, હું જ્યોતિષ છું, ત્યારે કાલિદાસ તેના પગે પડીને કહે છે કે - મારો ઉદ્ધાર કરો, મને કહો કે મારા ભાગ્યમાં શું લખ્યું છે ?? વરરૂચિ કહે છે કે - તારા ભાગ્યમાં તારા વિવાહ એક સુંદર અને વિદ્વાન રાજકુમારી સાથે થવાનું લખ્યું છે, પણ એ માટે હું જેમ કહું એમ કરવું પડશે. કાલિદાસ સહમત થાય છે અને વરરૂચિ તેને પોતાના ઘરે લઈ જાય છે. ઘરે લઈ જઈને વરરૂચિ કાલિદાસને રાજદરબારમાં જવા માટે વિદ્વાન જેવાં કપડાં પહેરાવે છે અને કહે છે કે - હું તને રાજકુમારી સાથે વિવાહ કરવા માટે રાજદરબાર લઈ જઉ છું, તારે ત્યાં મૌન રહેવાનું છે. ભલે ગમે તે થાય પણ મોઢું ન ખોલતો.

વરરૂચિ કાલિદાસને લઈને રાજદરબારમાં જાય છે, ત્યાં જઈને કાલિદાસનો પરિચય આપતાં રાજાને કહે છે કે - આ વિદ્વાન બ્રાહ્મણ છે. તે અહીં રાજકુમારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે, પરંતુ તેમનું આજે મૌન વ્રત હોવાથી તે મુક શાસ્ત્રાર્થ જ કરશે (પ્રશ્નોનાં ઉત્તર માત્ર સંકેતોમાં જ આપશે). રાજકુમારી સાથેનાં શાસ્ત્રાર્થ અંગે રાજા સહમત થાય છે અને રાજકુમારીને રાજદરબારમાં બોલાવવામાં આવે છે. તે મુક શાસ્ત્રાર્થ કરવા સહમત થાય છે. વરરૂચિ ધીમેથી કાલિદાસને કહે છે - ગમે તે થાય, કંઈ બોલતો નહીં; નહીંતર રાજકુમારી સાથેનાં વિવાહનો અવસર ચૂકી જવાશે. હવે શાસ્ત્રાર્થ શરૂ થાય છે. રાજકુમારી એનાં પહેલાં પ્રશ્નનાં રૂપે હાથની પહેલી આંગળી (એકને દર્શાવતી) ઉઠાવે છે; જેનો અર્થ એમ હોય છે કે - "બ્રહ્મ એક છે." કાલિદાસ એમ સમજે છે કે - રાજકુમારી મારી આંખ ફોડવા માંગે છે. ત્યારે કાલિદાસ ઉત્તરનાં સ્વરૂપમાં બે આંગળીઓ દર્શાવે છે; જેનો મતલબ એમ હતો કે તમે મારી એક આંખ ફોડશો તો, હું તમારી બંને આંખો ફોડીશ. વરરૂચિ કાલિદાસનાં આ સંકેતનો જવાબ આપતા કહે છે કે - "બ્રહ્મ એક અવશ્ય છે, પરંતુ એનાં બે સ્વરૂપો છે - એક નિરાકાર અને બીજું સાકાર. બ્રહ્મને પામવા માટે એનાં અન્ય સાકાર રૂપ (વ્યક્તિગત આત્મા) ની જરૂર પડે છે." રાજકુમારી કાલિદાસનાં આ ઉત્તર સાથે સહમત થાય છે. ત્યારબાદ રાજકુમારી બીજા પ્રશ્નનાં સ્વરૂપમાં તે તેના હાથની પાંચ આંગળીઓ દર્શાવતો પંજો બતાવે છે, જેનો અર્થ એમ હોય છે કે - "આપણું શરીર પંચ મહાભૂત તત્ત્વોનું બનેલું છે." કાલિદાસ એમ સમજે છે કે - રાજકુમારી તેને થપ્પડ મારવા માંગે છે. એટલે જવાબના સ્વરૂપમાં તે એક બંધ મુઠ્ઠીનો મુક્કો દર્શાવે છે, જેનો મતલબ હતો કે - તમે મને એક થપ્પડ મારશો તો, હું સામો એક મુક્કો મારીશ. કાલિદાસનાં સંકેતનો ઉત્તર આપતાં વરરૂચિ કહે છે કે - "જ્યાં સુધી પંચ મહાભૂતનાં પાંચેય તત્વો અલગ છે, ત્યાં સુધી કંઈ વિશેષ કાર્ય સિદ્ધ નથી થતું. પંચતત્વોનાં એકરૂપ થવાથી જ સંસારમાં એની અભિવ્યક્તિ સંભવ છે." રાજકુમારી વિદ્યોત્તમા કાલિદાસનાં બીજા પ્રશ્નનાં ઉત્તરથી સંતુષ્ટ થાય છે, અને પોતાની હાર કબૂલે છે. શરત મુજબ તેનાં વિવાહ કાલિદાસ સાથે થાય છે. એકવાર રાત્રે બંને જણાં બેઠા હોય છે, અને બહારથી કોઈ તીવ્ર અવાજ સંભળાય છે. ત્યારે વિદ્યોત્તમા કાલિદાસને પૂછે છે કે - કિમ્વતી ?? જવાબમાં કાલિદાસ કહે છે કે - ઉટ્રવતી. ઊંટનું ખોટું ઉચ્ચારણ ઉષ્ટ્રની જગ્યાએ ઉટ્ર સાંભળીને તે કાલિદાસને કહે છે કે - શું તમને સંસ્કૃત નથી આવડતી ? ત્યારે કાલિદાસ સત્ય હકીકત કહી દે છે કે - મને સંસ્કૃત નથી આવડતું; હું તો ઢોર ચરાવવાવાળો અભણ માણસ છું. વિદ્યોત્તમાને ખ્યાલ આવી ગયો કે - એની સાથે છેતરપિંડી થઈ છે. છેતરપિંડીથી એના વિવાહ એક અભણ - મંદબુદ્ધિ સાથે કરાવવામાં આવ્યા છે. કાલિદાસ વિદ્યોત્તમાને કહે છે કે - હું તને આજીવન ખુશ રાખીશ, કોઈ વાતની કમી નહીં રહેવા દઉં. પરંતુ આ ઘટનાથી રાજકુમારી અત્યંત દુઃખી થઈ ગયા હતા. તેણે કાલિદાસને ધિક્કારતા કહ્યું કે - જ્યાં સુધી વિદ્વાન બનીને ન આવો, ત્યાં સુધી ઘરે આવતા નહીં. મારો પતિ અભણ નહીં પણ વિદ્વાન હોવો જોઈએ. કાલિદાસ ઘરેથી ચાલ્યા જાય છે અને મહાકાળી માતાનાં મંદિરે જાય છે. નાનપણથી જ તે માતા કાલીના ભક્ત હતાં, તેના લીધે જ તેનું નામ કાલિ પડ્યું હતું. મહાકાળી માતાનાં મંદિરે જઈને માતા કાલીની તપસ્યા કરવા માંડે છે; થોડાંક સમય પછી તો એ અન્ન - જળનો પણ ત્યાગ કરી દે છે. તેનાથી પણ મા પ્રસન્ન ન થતા તે પોતાનું મસ્તક માતાનાં ચરણોમાં અર્પણ કરવા, જેવી તલવાર ઉઠાવે છે કે માતા તરત પ્રગટ થાય છે. કાલિદાસની ભક્તિથી પ્રસન્ન થઈને તે કાલિદાસને વિદ્વાન બનવાના આશીર્વાદ આપે છે. માતાનાં આશીર્વાદથી કાલિદાસ સંસ્કૃત ભાષાનાં મહાન વિદ્વાન બને છે.

વિદ્વાન બનીને જ્યારે એ પોતાના ઘરે જાય છે ત્યારે ઘરનો દરવાજો ખખડાવતા કહે છે કે - "કપાટમ્ ઉદ્ઘાટય સુંદરી ??" (દરવાજો ખોલો સુંદરી) દરવાજાની બહારથી કોઈ સંસ્કૃત બોલતાંનો અવાજ સાંભળતાં કહે છે કે – “અસ્તિ કશ્ચિદ્ વાગ્વિશેષ” (વાણીમાં કોઈ વિશેષતા લાગે છે. જરૂર કોઈ વિદ્વાન હોવો જોઈએ). વિદ્યોત્તમા જેવો દરવાજો ખોલે છે કે તેની સામે સંસ્કૃત બોલતાં પ્રખર વિદ્વાન બનીને આવેલા કાલિદાસને જોવે છે. પતિને વિદ્વાન બનીને ઘરે આવતા જોઈને તે બહુ જ ખુશ થાય છે અને ઘરમાં આવકારે છે. કાલિદાસે વિદ્યોત્તમાનો આભાર માન્યો કે તેના લીધે જ તે આટલો મોટો વિદ્વાન બની શક્યો. આભાર તરીકે તે તેની પત્ની વિદ્યોત્તમાને ગુરુ તરીકે સ્વીકારે છે, જેણે એનું જીવન ઉજાળ્યું. ત્યારપછીથી તો કાલિદાસ એક પછી એક મહાનત્તમ કૃતિઓ રચવા માંડ્યા. વિદ્વાન બનીને ઘરે આવતાં વિદ્યોત્તમાએ કાલિદાસને જે જવાબ આપ્યો હતો - " અસ્તિ કશ્ચિદ્ વાગ્વિશેષ ", તે વાક્યનાં એક એક શબ્દને લઈને કાલિદાસે ત્રણ કૃતિઓ બનાવી હતી. આ કૃતિઓ અનુક્રમે : કુમારસંભવ, મેઘદૂતમ્ અને રઘુવંશમ્ હતી.

આમ, એક સમયનાં મંદબુદ્ધિ - મૂર્ખ કાલિદાસ હવે સંસ્કૃત ભાષાનાં મહાકવિ કાલિદાસ બની ગયા હતાં. એમનાં નાટકો, કાવ્યોમાં જે રીતે તેણે સ્ત્રીની સુંદરતા, સ્વતંત્રતા તેમજ વિદ્વત્તા વર્ણવી હતી, તેમાં ક્યાંકને ક્યાંક અચૂકપણે વિદ્યોત્તમા પ્રેરણારૂપે હતાં. વિશ્વનાં ખ્યાતનામ સાહિત્યકારો - નાટ્યકારોમાં કાલિદાસનું નામ આવે છે. તેના નાટકો (અભિજ્ઞાન શાકુંતલમ્ તેમજ અન્યો) સૌપ્રથમવાર વિદેશી ભાષામાં અનુવાદિત થયાં હતાં અને ભજવાયા પણ હતાં.

આ વાર્તા પરથી એક જાણવા મળ્યું કે - પ્રાચીન સમયમાં પણ અત્યારની જેમ જ આ પુરુષપ્રધાન સમાજ સ્ત્રીની બૌદ્ધિકક્ષમતા ~ વિદ્વતાને સહન ન કરી શકતું તેમજ સ્વીકારતું નહીં. સ્ત્રીને હરાવવા માટે મોટા વિદ્વાનો પણ ષડયંત્રો કરતાં ખચકાતા નહીં. વિદ્યોત્તમાએ પોતાની વિદ્વતા દ્વારા ગુપ્તકાળમાં ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે - એક સ્ત્રી માટે શિક્ષણ કેટલું જરૂરી છે.

વર્ષ : ૧૯૫૯માં મહાકવિ કાલિદાસ પર બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ બનાવવામાં આવી હતી, જેમાં રાજકુમારી વિદ્યોત્તમાની ભૂમિકામાં નિરૂપા રોય હતાં.

તો આ વાત હતી - આપણાં ભારતનાં સુવર્ણકાળમાં થયેલી એક ઐતિહાસિક, વિદૂષી તેમજ રહસ્યમયી સ્ત્રી રાજકુમારી વિદ્યોત્તમાની. જે પ્રાચીન સમયમાં તો સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ હતાં, પરંતુ અત્યારનાં આધુનિક જમાનામાં પણ પ્રેરણારૂપ છે. જેણે પતિનાં જીવનનો ઉદ્ધાર કરવામાં પોતાની મહત્ત્વની પ્રેરણાત્મક ભૂમિકા ભજવી હતી, અને દુનિયાને સંસ્કૃત ભાષાનાં મહાન નાટ્યકાર મહાકવિ કાલિદાસ આપ્યાં.

.    .    .

Discus