આજે આપણે વાત કરવાની છે એક એવી ચિત્રકલાની જેમાં માત્ર ત્રણ જ આકારો વડે ચિત્રો બનવવામાં આવે છે. આ સ્થાનિક - આદિવાસી ચિત્રકલા ગ્રામ્ય લોકજીવન, લોકપરંપરા, રીત-રિવાજ વગેરે દર્શાવે છે. આ ચિત્રો કોઈ તહેવાર કે શુભ પ્રસંગે ઘરની દીવાલો પર બનાવવામાં આવતાં. આ મોડર્ન જમાનામાં પણ આ સ્થાનિક લોક ચિત્રકલાએ હજી પણ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને દીવાલોથી છેક કેન્વાસ સુધી પહોંચ્યું છે. તો ચાલો જાણીએ, વરલી ચિત્રકલા વિશે જે ભારતની વિશાળ આદિવાસી જનજાતિ વરલી સમુદાયનાં લોકો દ્વારા બનાવવામાં આવે છે, સાથે જાણીશું તેનો ઉદભવ, ત્યાંનાં લોકજીવનમાં તેનું મહત્ત્વ, તેની આકૃતિ વિશે, તેની સાથે સંકળાયેલ એક ખાસ નૃત્ય તેમજ વિશેષ બાબતો વિશે.
સૌથી પહેલા આપણે વરલી શબ્દ વિશે જાણીશું. આ ચિત્રો વરલી જાતિ દ્વારા બનાવવામાં આવતા હોવાથી આ ચિત્રકલાનું નામ ‘વરલી ચિત્રકલા’ પડ્યું. વરલી જાતિ એ ભારત દેશની સૌથી વિશાળ આદિવાસી જનજાતિઓમાંની એક છે, જે મુંબઈની બહાર સ્થિત છે. આ લોકોનો રહેણાંક વિસ્તાર ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલ જંગલ વિસ્તાર છે, જે ગુજરાતનાં ડાંગ જિલ્લા વિસ્તાર અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર આવેલ છે. મહારાષ્ટ્રની વરલી ચિત્રકલા એ લોકશૈલીની ચિત્રકલામાં સૌથી ઉત્તમ અને પરંપરાગત છે. અહીં મજાની વાત એ છે કે ભારતનાં મહાનગર મુંબઈ સાથે જોડાયેલ હોવા છતાં, પણ આ વરલી લોકોએ મોડર્ન સંસ્કૃતિને ન અપનાવીને તેઓની પ્રાચીન લોક સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાઈને રહ્યા છે.
આ ચિત્રકલા કેટલી જૂની છે, એ કહેવુ થોડુંક મુશ્કેલ છે, કારણ કે આ ચિત્રકલાની શરૂઆત લખવા – વાંચવાની પ્રવૃત્તિની પહેલાં થયેલી હોય એવું માનવામાં આવે છે. અક્ષરજ્ઞાન નહોતું એ પહેલા લોકો ચિત્રોનાં આકારો મારફતે સંદેશા-વ્યવહાર કરતાં હતાં. આ ચિત્રકલા ૧૦મી સદીમાં અસ્તિત્વમાં આવી હતી, પરંતુ આ સમયગાળામાં આ કલા હજુ લોકોની નજરમાં બહુ નહોતી આવી. છેક ૨૫૦૦ - ૩૦૦૦ મી સદીમાં વરલી ચિત્રો અસ્તિત્વમાં આવ્યા. આ કલા હજુ પણ ત્યાંના સ્થાનિક વિસ્તાર સુધી જ સીમિત હતી. વરલી લોકો તેમના ઘરોની દીવાલો પર ચિત્રો બનાવતા અને ઘરે કોઈ તહેવાર કે શુભ પ્રસંગ હોય ત્યારે ચિત્રો બનાવવામાં આવતાં હતાં. વર્ષ - ૧૯૭૦ માં જ્યારે થાણા જિલ્લાનાં ‘જીવ્યા સોમા માશ’ નામના ચિત્રકારે આ ચિત્રકલાને ઘરની દીવાલો સુધી સીમિત ન રાખતાં, લોકો સમક્ષ બજારમાં વેચાણ અર્થે મુકી ત્યારે વરલી ચિત્રકલા લાઈમલાઈટમાં આવી. જીવ્યા સોમા માશે આ ચિત્રકલાને આગળ વધારવામાં તેમજ લોકપ્રિય બનાવવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવેલ છે. એમણે વરલી ચિત્રકલાને આજીવિકાનું સાધન બનાવ્યું અને ટૂંક સમયમાં જ વરલી ચિત્રકલા ઘણી પ્રખ્યાત થઈ ગઈ હતી.
વરલી ચિત્રકલા એ પ્રકૃતિને /ધરતીને સમર્પિત હોવાથી આ ચિત્રકલાનાં ચિત્રો કુદરતી રીતે બનાવવામાં આવતાં હતાં - એટલે કે આ ચિત્રકલામાં કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ચિત્રકલા સંપૂર્ણપણે પર્યાવરણનાં કુદરતી તત્ત્વને આધિન હોવાથી વરલી ચિત્રોમાં તમને પ્રકૃતિનાં તત્ત્વો વધારે જોવા મળશે, જેમ કે - વૃક્ષ, જંગલ વગેરે.
વરલી જાતિના લોકો માટે ‘ખેતી’ એ તેમની જીવનશૈલીનો મુખ્યભાગ તેમજ ખોરાકનો મૂળ સ્ત્રોત છે. જંગલોમાં રહેતા હોવાથી તેઓને શરૂઆતથી જ પ્રકૃતિ અને વન્યપ્રાણી સૃષ્ટિઓ પ્રત્યે ખૂબ જ લગાવ રહેલો છે અને એમનો આદર કરે છે કારણ કે કુદરતનાં આ તત્ત્વો તેઓને જીવન માટે જરૂરી સંસાધનો પ્રદાન કરે છે. એમનો કુદરત પ્રત્યેનો આ લગાવ અને પ્રેમ એમનાં ચિત્રોમાં પણ જોવા મળે છે. વરલી જાતિનાં લોકો આ ચિત્રો તેમના ઘરો તેમજ ઝૂંપડીઓની પાછળની દિવાલો પર બનાવતાં હતાં, જેમ પ્રાચીન સમયમાં લોકો ગુફાઓની દીવાલો પર ચિત્રો બનાવતા એમ. તહેવાર કે પ્રસંગનાં સમયે ત્યાંની સ્ત્રીઓ ઘરની મુખ્ય તેમજ પાછળની દિવાલોની પર વરલી ચિત્રો બનાવતી.
વરલી ચિત્રની સરળ ચિત્રાત્મક ભાષા અત્યારની પ્રારંભિક ટેક્નિક સાથે ઘણી મેળ ખાય છે. વરલીનાં ધાર્મિક ચિત્રો સામાન્ય રીતે ગામનાં ઘરોની દિવાલો પર બનાવવામાં આવે છે. અહીંની દીવાલો માટી, ગારો અને લાલ ઈંટનાં મિશ્રણથી બનેલી હોય છે. જે ચિત્ર દોરવા માટે લાલ (ગેરુ) રંગનાં બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) તરીકે કામ કરે છે. ચિત્રો દોરવા માટે અહીં ચોખાનાં લોટની પેસ્ટ એટલે કે ચોખાનાં લોટને પાણીમાં પલાળીને જે મિશ્રણ તૈયાર થાય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચિત્રો દોરવા માટે પીંછી તરીકે વાંસની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે જે એક બાજુએથી રેસાયુક્ત હોય છે - પીંછીની જેમ. વરલી ચિત્રો તહેવારો, લગ્નપ્રસંગો તેમજ પાક-લણણી જેવાં ખાસ પ્રસંગો પર વિશેષરૂપથી દોરવામાં આવતાં હતાં. એવું કહેવાય છે કે આ વરલી ચિત્રો વગર લગ્નપ્રસંગ અધૂરો ગણાતો. તેમનો આ ચિત્રો દોરવા પાછળનો એક હેતુ એવો પણ હતો કે તેઓની ભાવિ પેઢી પણ આ ચિત્રો જોઈ શકે.
આ પ્રારંભિક ભીંત ચિત્રકલા ભૌમિતિક આકારનાં આ ખાસ સમૂહનો ઉપયોગ કરે છે – વર્તુળ, ચોરસ અને ત્રિકોણ. વરલી ચિત્રો આ ત્રણ આકારોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ આકારો પ્રકૃતિનાં જુદા જુદા તત્ત્વોને અંકિત કરે છે. જેમાં વર્તુળ અને ત્રિકોણ એ પ્રકૃતિનાં નિરીક્ષણમાંથી આવે છે. વર્તુળ એ સૂર્ય અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે, ત્રિકોણ એ પર્વતો અને શંકુદ્રુમ વૃક્ષોને દર્શાવે છે. જ્યારે ચોરસ એ એનાથી વિપરીત માનવ આકારને દર્શાવે છે, જે પવિત્ર બિડાણ અથવા જમીનનાં ભાગને સૂચવે છે. ચોરસ એ દરેક ધાર્મિક ચિત્રમાં કેંદ્રસ્થાને હોય છે, જેને ‘ચોક’ અથવા “ચોખટ” કહેવામાં આવે છે. આ ચોકનાં બે પ્રકાર છે : દેવચોક અને લગ્નચોક. દેવચોકની અંદર સામાન્ય રીતે પાલઘટનું ચિત્રણ હોય છે જે કોઈ માતાજી/દેવી અથવા તો ફળદ્રૂપતા (પ્રજનન) ને દર્શાવે છે.
વરલીમાં દેવતાઓનું સ્થાન ઉચ્ચ કક્ષાનું છે જે આત્માથી સંબંધિત છે અને માનવનો આકાર લીધેલ છે. ધાર્મિક ચિત્રોમાં મુખ્ય ચિત્ર કેંદ્ર સ્થાને હોય છે જે શિકાર, ખેતી, માછીમારી, વૃક્ષો અને પ્રાણીઓનાં દ્રશ્યોથી ઘેરાયેલું હોય છે. ધાર્મિક ચિત્રોમાં તહેવારો અને નૃત્યોનાં દ્રશ્યોને સામાન્ય દ્રશ્યો તરીકે દર્શાવવામાં આવે છે. અહીં માણસો અને પ્રાણીઓને બે ત્રિકોણો વડે દર્શાવવામાં આવે છે જે સામસામે વિરુદ્ધ દિશામાં હોય છે ; જેમાં ઉપરનું ત્રિકોણ ધડ અને નીચેનું ત્રિકોણ શરીરનાં બાકી ભાગને દર્શાવે છે. ત્રિકોણોનું આ અસ્પષ્ટ સંતુલન બ્રહ્માંડનાં સંતુલનને દર્શાવે છે. વરલી ચિત્રકલાની બીજી થીમનાં ત્રિકોણમાં જે ત્રિકોણ ટોચ પરથી મોટુ હોય, તે એક માણસનું (આદમી) નું પ્રતિનિધિત્વ કરે છે અને જે ત્રિકોણ તળીયેથી મોટુ હોય, તે સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે.
અન્ય વરલી ચિત્રો ગામનાં લોકોની રોજીંદા જીંદગીની પ્રવૃત્તિને લગતા હોય છે જેમ કે – ખેતી, શિકારી, માછીમારી વગેરે.
વરલી ચિત્રકલામાં ‘તાડપા નૃત્ય’ ને દર્શાવતા ઘણાં ચિત્રો જોવા મળે છે. તાડપા નૃત્ય એ વરલી લોકોનું લોકનૃત્ય છે. આ નૃત્યમાં ‘તાડપુ' નામનું વાદ્ય (જે મોઢેથી ફૂંક મારીને વગાડવાનું હોય છે) નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં નૃત્ય કરતી વખતે પુરૂષો વારાફરતી વગાડે છે. તાડપા નૃત્યમાં વાદ્ય વગાડનાર વચ્ચે હોય છે અને તેની ગોળ ફરતે પુરૂષો અને સ્ત્રીઓ હોય છે. અહીં ગોળાકારમાં સ્ત્રીઓ અને પુરૂષો હાથમાં હાથ પકડીને વર્તુળાકારે નૃત્ય કરે છે. ઘડીક સ્ત્રીઓનું તો ઘડીક પુરૂષોનું ગૃપ વારાફરતી અંદર - બહાર આવે છે. ક્યારેક સ્ત્રી - પુરુષોનાં ગ્રુપની હારમાળા એકીસાથે નૃત્ય પ્રેક્ષકો તરફ પણ નૃત્ય કરતાં જાય છે. અહીં સંગીતકારો બે જુદી જુદી ધૂનો વગાડે છે જે મુખ્ય નર્તકને કઈ દિશા તરફ વળવુ તેનો સંકેત કરે છે. તે મુખ્ય નર્તકને ઘડીયાળની દિશામાં અથવા તો ઘડીયાળની વિરુદ્ધ દિશામાં જવાનું સુચિત કરે છે. આ નૃત્યમાં નર્તકો આલંકારિક સાપની ભૂમિકા ભજવે છે જ્યારે તાડપા કલાકારો મદારીની ભૂમિકા ભજવતાં હોય છે. અહીં નર્તકો મનોરંજનનાં હેતુસર પ્રેક્ષકોને આકર્ષવા વર્તુળાકારે ઘેરી લે છે. નર્તકો દ્વારા રચવામાં આવતું વર્તુળ ‘જીવનનાં વર્તુળ’ જેવુ લાગે છે.
તો આ વાત હતી, વરલી જાતિનાં લોકોની વરલી ચિત્રકલા વિશેની. જમાનો ભલે ગમે તેટલો બદલાયો પણ આ લોકોએ એમની લોકસંસ્કૃતિ સાથે જોડાઈ રહીને તેમની લોક ચિત્રકલા “વરલી ચિત્રકલા”ને વિશ્વ વ્યાપી ઓળખ અપાવી છે. એક એવી ચિત્રકલા જે માત્ર ત્રણ આકારોથી જ આખે આખી લોક પરંપરાને, તે લોકોની પ્રવૃત્તિને સુદ્રઢ રીતે ચિત્રોનાં માધ્યમથી વર્ણવે છે. વરલી લોકો માટે આ ચિત્રકલા તેઓનો પ્રકૃતિ પ્રત્યેની પ્રેમ-ભાવના દર્શાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.