ગાંધી બાપુનું આશ્રમજીવન એટલે હૃદયકુંજની કેળવણી. આ આશ્રમ એટલે કેવળ તપોવન, સાધુ સંન્યાસીઓ કે બાવાઓની ગુફા કે પડારો, કે હિંદુ ધર્મની શુષ્ક વર્ણાશ્રમ ધર્મની સંહિતા નહિ પણ સામુદાયિક સામાજિક આદર્શોની તપોભૂમિ. ‘આશ્રમ એટલે અહીં સામુદાયિક ધાર્મિક જીવન.’ જીવનના સ્પષ્ટ અને સુરેખ નિયમ સાથેનું સામાજિક વાતાવરણ એટલે આશ્રમ જીવન.
હૃદયકુંજમાં આજે પણ આપણને આશ્રમ જીવનની તૈયારી માટે શું શું કરવું પડે ? તે બધી તૈયારીઓ સમજવા માટે કેટલાંક માનવીય મૂલ્યો જાણવા પડે તેમજ અનુભવવા પડે. આ મૂલ્યોની અનુભૂતિ વિના સાચી કેળવણીના દ્વાર ખુલતાં નથી. આ કેળવણી એટલે અગિયાર મહાવ્રતોની કેળવણી.
સામાન્ય વ્યવહારમાં અસત્ય ન બોલવું કે ન આચરવું એટલો જ સત્યનો અર્થ નથી, પણ સત્ય એ જ પરમેશ્વર છે ને તે સિવાય બીજું કશું જ નથી એવો દ્રઢ વિશ્વાસ હોય. સત્યનું માત્ર ધાર્મિક મૂલ્ય નથી પણ સામાજિક મૂલ્ય તેનાથી ઘણું મોટું છે.
અહિંસા એટલે સૂક્ષ્મ જંતુઓથી માંડીને મનુષ્ય સુધી બધા જીવો પ્રત્યે સમભાવ રાખવો. ઘોર અન્યાયી પ્રત્યે પણ પ્રેમભાવ રાખવો. કદી કોઇનું અહિત કરવું પણ નહિ અને મનથી અહિત ઇચ્છવું પણ નહિ.
બ્રહ્મચારી કોઇ સ્ત્રી પર કુદ્રષ્ટિ ન કરે એટલું જ નહિ પણ મનથીયે વિષયોનું ચિંતન કે સેવન નહિ કરે. વિષય પ્રત્યેની સ્વાર્થવૃત્તિ છોડી દેશે.
મનુષ્ય જ્યાં સુધી જીભના રસોની છોડે નહિ કે તેની પર જીતે નહિ ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન અતિ કઠીન છે. ભોજન એ આપણા શરીરને ટકાવી રાખવા કે પોષણ આપવા માટે જ છે. ભોજન કદી ભોગ અર્થે હોય જ નહિ. આમ ભોજનને શરીરયાત્રા માટે ઉપયોગી સમજી સંયમપૂર્વક ઔષધિ માનવાની છે.
પરમાત્મા પ્રાણીઓને સારુ નિત્યની આવશ્યક વસ્તુ જ નિત્ય ઉત્પન્ન કરે છે અને આપે છે. તેનાથી વધારેવ મુદ્દલ ઉત્પન્ન કરતો નથી. તેથી પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કાંઇ પણ મનુષ્ય લે છે તે ચોરી કરે છે. ખપ પુરતું જ લેવું એ એક આચાર ધર્મ છે.
અનાવશ્યક જેમ લેવાય નહિ તેમ તેનો સંગ્રહ પણ ન થાય. અપરિગ્રહી પોતાનું જીવન નિત્ય સાદું કરતો જાય. સાદુ જીવન સજ્જન વ્યક્તિનો પ્રથમ ગુણ છે. આ ગુણ કેળવવાથી માણસ વ્યભિચારથી બચી જાય છે.
અસ્તેય અને અપરિગ્રહના પાલનને સારુ જાતમહેનતનો નિયમ આવશ્યક છે. વળી મનુષ્ય માત્ર શરીરનિર્વાહ શારીરિક મહેનતથી કરે તો જ તે સમાજના અને પોતાના દ્રોહમાંથી બચી શકે. જાતે રળવાથી માણસને રોટલાની કિમંત સમજાય છે.
મનુષ્ય પોતાના પડોશીની સેવા કરવામાં જગતની સેવા કરે છે. આ ભાવનાનું નામ સ્વદેશી છે. સ્વદેશીમાં સ્વાર્થને કોઇ સ્થાન નથી. દેશબંધુઓને મદદ કરવાની તક એટલે સ્વદેશી ચીજો લેવી અને વાપરવી.
સત્ય, અહિંસા ઇત્યાદિ વ્રતોનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. જે સત્યનારાયણ રહેવા માગે છે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી ડરે, ન ચોરથી ડરે, ન ગરીબાઇથી ડરે, ન મોતથી ડરે. આ અભયપણાથી માનવીની નિર્બળતા દૂર થાય છે.
ઊંચ કે નીચ, જાતિ કે પાતિ આ બધુ ધર્મ માટે ઘાતક છે. ધર્મ માણસના જીવન અને મૂલ્યોથી ઘડતર પામી વિકાસ પામે છે. આથી આભડછેટ કે જાતિભેદ દૂર કરી આશ્રમ એ સામાજિક ઘડતરની શાળા બનશે તેમ ગાંધીજી કહેતાં હતાં.
જગતમાં પ્રચલિત બધા ધર્મો સત્યને વ્યક્ત કરનારા છે. પણ તે બધા અપૂર્ણ મનુષ્ય દ્વારા વ્યક્ત થયેલા હોઇ બધામાં અપૂર્ણતાનું અથવા અસત્યનું મિશ્રણ થયું છે. તેથી બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખવો. આમ સમભાવ અને સહિષ્ણુતાના આધાર પર જ સંવેદનશીલતા જગાડી શકાય છે.
આમ બાપુના આશ્રમજીવનની કેળવણી અને માનવીય મૂલ્યો દ્વારા કેટલાંય નરનારીઓ આશ્રમ સાથે જોડાઇને નવા માનવવાદનો ઉદય થયો. આશ્રમ દ્વારા એક ધીમી સામાજિક ક્રાંતિનો પાયો નખાયો.